અમદાવાદની હૉસ્પિટલમાં ક્લાર્ક તરીકે નોકરી કરતા કપડવંજના આધેડને કોરોના


નડિયાદ, તા.6 મે 2020, બુધવાર

ખેડા જિલ્લામાં રેડઝોન અમદાવાદથી આવેલા વધુએક દર્દી આજે કોરોના પોઝીટીવ જાહેર થયા છે. જેથી જિલ્લામાં કુલ મળીને ૧૮ કોરોના દર્દીઓ નોંધાયા છે. તાલુકા મથક કપડવંજના આધેડ પુરુષ અમદાવાદની હોસ્પિટલમાં ક્લાર્ક તરીકેની નોકરી કરતા હતા. જેઓ આજે કપડવંજ ખાતે કોરોના પોઝીટીવ જાહેર થતા જિલ્લામાં સતત ચોથા દિવસે કોરોના દર્દીનો આંક વધતો રહ્યો છે. ખેડા જિલ્લામાં નોંધાયેલા ૧૮ પૈકી ૧૧ દર્દીઓ અમદાવાદ જિલ્લામાંથી અને ત્રણ દર્દીઓ આણંદ જિલ્લામાંથી નોંધાતા જિલ્લાવાસીઓમાં ડર વ્યાપ્યો છે કે ખેડાજિલ્લો પણ ગણતરીના દિવસોમાં ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં પ્રવેશવાને આડે આવીને ઉભો છે. 

આજે ખેડા જિલ્લાના કપડવંજ શહેરમાં વધુ એક કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા છે. શહેરના ઘાંચીવાડામાં રહેતા મહંમદ હારુન સુથાર (અંસારી) અમદાવાદની સીફા હોસ્પિટલ ખાતે ક્લાર્ક તરીકેની નોકરી કરતા હતા. તેઓ શંકાસ્પદ જણાતા ગઇકાલે તેમનો કોરોના સેમ્પલ લેવામાં આવ્યો હતો. આજે તેમનો સેમ્પલ પોઝીટીવ જાહેર થતા તાત્કાલિક તેમને નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલ ખાતે આઇસોલેટ કરીને વધુ સારવાર હાથ ધરવામાં આવી છે. બીજી તરફ કપડવંજ મામલતદાર, અને પોલીસ તંત્રએ શહેરના ઘાંચીવાડ વિસ્તારને જડબેસલાક કોરન્ટાઇલ કર્યો છે અને પ્રજાજનોની આવનજાવન સદંતર બંધ કરી છે. 

ખેડા જિલ્લાની ઉત્તરે આવેલો અમદાવાદ અને દક્ષિણે આવેલો આણંદ જિલ્લો રેડઝોનમાં છે. આ બંને સરહદો ઉપર રોજબરોજ કોરોનાના સંખ્યાબંધ કેસો વધતા જાય છે. અને ખેડા જિલ્લામાં પણ આણંદ-અમદાવાદથી સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. જિલ્લાના ૧૮ કોરોના પોઝીટીવ કેસ પૈકી ૧૧ અમદાવાદ જિલ્લામાંથી અને ત્રણ આણંદ જિલ્લામાંથી સંક્રમિત થઇને આવેલા છે. આમ ખેડા જિલ્લામાં સ્થાનિક સંક્રમણ માત્ર ચાર જ દર્દીઓનું છે. આથી પ્રજાજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. છેલ્લાં ઘણાં દિવસથી જિલ્લામાં એ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન રહ્યો છે કે જો આણંદ અમદાવાદની બોર્ડરો સીલ કરવામાં આવી છે તો પછી ત્યાંના દર્દીઓની આવન જાવન જિલ્લામાં કેવી રીતે થઇ રહી છે. જિલ્લાની બોર્ડરો ખુલ્લી અને બજારોમાં લોકડાઉનની કડક અમલવારીથી પ્રજાજનોમાં રોષ વ્યાપ્યો છે. જે રીતે જિલ્લાના બજારોમાં પોલીસ કડક હાથે લોકડાઉનની અમલવારી કરાવે છે તે રીતે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર બોર્ડરો ઉપરની આવન જાવન કેમ અટકાવતી નથી? જો અમદાવાદ-આણંદના સંક્રમિત દર્દીઓને અટકાવવામાં નહીં આવે તો ખેડા જીલ્લો પણ ગણતરીના દિવસોમાં ઓરેન્જ ઝોનમાંથી રેડ ઝોનમાં આવી જશે તેમ ઠેર ઠેર ચર્ચાઇ રહ્યું છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3b719OZ
Previous
Next Post »