આણંદ શહેર સહિત જિલ્લામાં મોસમનો સૌથી ગરમ દિવસ : તાપમાન 42.5 ડિગ્રી


આણંદ, તા.22 મે 2020, શુક્રવાર

આણંદ શહેર સહિત જિલ્લાભરમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમી પડી રહી છે. તેમાંય આજે મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિ.સે.ને પાર કરી જતા ચાલુ વર્ષે મોસમનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. ભેજવાળા વાતાવરણને કારણે બાફ અને ઉકળાટનું પ્રમાણ વધતા જિલ્લાવાસીઓ ગરમીથી તોબા પોકારી ઉઠયા છે. આગામી સપ્તાહ દરમ્યાન પણ જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહેશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

મે માસના મધ્યભાગથી સમગ્ર આણંદ જિલ્લામાં કાળઝાળ ગરમીની શરૃઆત થઈ હતી. ઉત્તર ભારતમાં પલટાયેલ હવામાનને લઈને કેટલાક દિવસો દરમ્યાન મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયા બાદ છેલ્લા એક સપ્તાહથી સમગ્ર આણંદ જિલ્લામાં ગરમીનું મોજુ ફરી વળ્યું છે. તેમાંય છેલ્લા ત્રણેક દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિ.સે.ની આસપાસ રહેતા જિલ્લાવાસીઓ અંગ દઝાડતી ગરમીમાં શેકાયા છે. હાલ ચાલી રહેલ લોકડાઉનમાં કેટલીક છુટછાટો મળતા બપોરના ૪.૦૦ કલાક સુધી બજારો ખુલ્લા રાખવાની પરવાનગી મળી હોવા છતાં બપોરના સુમારે ગરમીનું પ્રમાણ વધુ રહેતા મોટાભાગના લોકો ઘરની અંદર જ પુરાઈ રહેવાનું પસંદ કરે છે.  અગત્યના કામકાજ સિવાય લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. કાળઝાળ ગરમી સામે રક્ષણ મેળવવા લોકો ઠંડાપીણાં, શરબતનો ભરપુર ઉપયોગ કરી રહ્યા છે.

આણંદ કૃષિ યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન ૪૨.૫ ડિ.સે, લઘુત્તમ તાપમાન ૨૭.૦ ડિ.સે. અને સરેરાશ તાપમાન ૩૪.૮ ડિ.સે. નોંધાયું હતું. જ્યારે હવામાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા, પવનની ઝડપ ૬.૦ કિ.મી./કલાક અને સૂર્યપ્રકાશ ૧૦.૫ નોંધાયો હતો. આગામી સપ્તાહ દરમ્યાન જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો ૪૨ ડિ.સે.ની આસપાસ રહેશે અને ત્યારબાદ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/36pHo4n
Previous
Next Post »