ખેડા જિલ્લામાં કોરોનાના વધુ 3 કેસ : કુલ આંક 12


નડિયાદ, તા.22 મે 2020, સોમવાર

ખેડા જિલ્લાને વધુ એક વખત રેડ હોટસ્પોટ અમદાવાદે અભડાવ્યો છે. આજે મોડી સાંજે જિલ્લામાં ત્રણ કેસ કોરોના પોઝીટીવ જાહેર થતા જિલ્લાનો કુલ આંકડો ૧૨એ પહોંચ્યો છે. આજના ત્રણ પૈકી બે કોરોના દર્દીઓ અમદાવાદથી ચાલતા ચાલતા કપડવંજ તાલુકાના ગામડે આવ્યા હતા. જ્યારે અન્ય એક કેસ નડિયાદના થોડા દિવસ અગાઉ કોરોના પોઝીટીવ થયેલા આધેડ પુરુષની યુવાન દિકરીનો જાહેર થયો છે. ત્રણેય દર્દીઓને જિલ્લાની મુખ્ય કોવિડ હોસ્પિટલમાં મોડી સાંજે ખસેડવામાં આવ્યા છે. 

નડિયાદમાં ગત્ ૨૦મી તારીખના રોજ વૈશાલી  સિનેમા પાછળના જૂના ડુમરાલ રોડ ઉપરની નવદુર્ગા સોસાયટીમાં રહેતા કડિયા કારીગર નરેશભાઇ દુધાભાઇ પ્રજાપતિ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. તે સમયે એમના સમગ્ર પરિવારને સરકારી કોરન્ટાઇલ કરવામાં આવ્યો હતો. નરેશભાઇ બાદ ૨૨મી તારીખના રોજ તેમના વયોવૃદ્ધ માતા લાભુબેન પણ કોરોના પોઝીટીવ જાહેર થયા હતા. આજે મોડી સાંજે તેમની ૧૯ વર્ષની દિકરી સેજલબેન પણ કોરોના પોઝીટીવ થયા છે. 

નડિયાદની નવદુર્ગા સોસાયટીના કોરોના દર્દી નરેશભાઇના પરિવારને શહેરના સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ઉભા કરાયેલા સરકારી કોરન્ટાઇલમાં રાખવામાં આવ્યા હતા. જ્યાં તેમના દિકરી સેજલબેનને પણ રાખવામાં આવ્યા છે. છેલ્લાં ચૌદ દિવસમાં સેજલબેનનો બે વાર રીપોર્ટ કરવામાં આવ્યો હતો. તે નેગેટીવ આવ્યો હતો. પરંતુ છેલ્લાં બે દિવસથી તેમને બે દિવસથી શરદી,ઉધરસ, તાવ જણાતા ગઇકાલે તેમનો ફરીથી સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનું પરિણામ આજે આવતા તેઓ કોરોના પોઝીટીવ જાહેર થયા છે. આથી સાંજે સાડા સાત વાગ્યાના સુમારે તેમને એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગત્ ૧લી તારીખના રોજ કપડવંજના સુણદા ગામના આધેડ પતિ-પત્ની સુરેશભાઇ ઉદાભાઇ ઝાલા અને પારુલબેન સુરેશભાઇ ઝાલા અમદાવાદથી પોતાના ગામ સુણદા ચાલતા ચાલતા આવી રહ્યા હતા. આ વાતની જાણ સ્થાનિક તંત્રને થતા તેમને હાઇવે પરથી જ આંતરીને કપડવંજ ખાતે ઉભા કરાયેલા સરકારી કોરોન્ટાઇનમાં મોકલી દેવામાં આવ્યા હતા. છેલ્લાં ત્રણ દિવસથી તેઓ ત્યાં જ કોરન્ટાઇલ હતા. તે દરમ્યાન જીલ્લા આરોગ્ય તંત્રએ શરુ કરેલા શંકાસ્પદ દર્દીઓના પુલ સેમ્પલ લેવાની યોજનામાં આ દંપતિના સેમ્પલ પણ પરમદિવસે લેવામાં આવ્યા હતા. તેમનો રીપોર્ટ આવતા આજે તેઓ બંને કોરોના પોઝીટીવ જાહેર થયા છે. આથી તેમને મોડી સાંજે કપડવંજથી નડિયાદની એન.ડી.દેસાઇ હોસ્પિટલમાં આઇસોલેટ કરવાની  પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c4oLoD
Previous
Next Post »