100થી વધુ પરપ્રાંતિય શ્રમિકોનો વતન જવા ખેડા મામલતદાર કચેરી પર ધસારો

- બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના શ્રમિકોએ વતન જવાની જીદ પકડી : સરકારી બાબુઓએ માંડ સમજાવીને પરત મોકલ્યા : નાયકાની કંપનીએ પગાર ન આપ્યો હોવાનો શ્રમિકોનો આક્ષેપ



નડિયાદ, તા.11 મે 2020, સોમવાર

ખેડા શહેરની મામલતદાર કચેરીમાં આજે વહેલી સવારથી જ અમદાવાદ હાઇવે ઉપરની ફેક્ટરીઓના ૧૦૦થી વધુ પરપ્રાંતિય શ્રમિકો ધસી આવતા ભારે અફડાતફડી મચી હતી. બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના આ શ્રમિકો વતન જવાની જીદ સાથે ૩ કલાક ચાલીને તાલુકાની કચેરીએ ઉમટી પડયા હતા અને ધોમધખતા તાપમાં પણ બેસી રહ્યા હતા. ૧૫ થી ૨૦ કિલોમીટર સુધી અંધારી સવારે ચાલતા નીકળી પડેલા આ શ્રમિકોને સમજાવતા સરકારી બાબુઓના નાકે દમ આવી ગયો હતો અને ટૂંક સમયમાં બિહારની ટ્રેન મૂકાશે એવી ખાતરી આપ્યા બાદ સૌ શ્રમિકો કામના સ્થળે પરત ફર્યા હતા.

જિલ્લાના વડામથક ખેડા શહેરની મામલતદાર કચેરીએ ૧૦૦થી વધુ શ્રમિકો  માદરે વતન પરત ફરવાની જીદ સાથે સવારે નવ વાગ્યાથી એક પછી એક આવવા માંડયા હતા. બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના આ શ્રમિકો સવારે પાંચ વાગ્યાથી  ચાલતા નીકળી પડયા હતા. અને ૩ કલાકમાં ૨૦ કિલોમીટરનું અંતર કાપીને કચેરીના કમ્પાઉન્ડમાં એકઠા થઇ ગયા હતા. અમદાવાદ નેશનલ હાઇવે ઉપર આવેલી નાયકા ગામની સીમમાં જિંદાલ કંપની આવેલી છે. જે કાપડની ફેક્ટરી છે.તેમાં કામ કરતા પચાસ મજૂરો રડમસ ચહેરે સવારે ૪ વાગ્યે ચાલતા ચાલતા નીકળી ગયા હતા. આ ઉપરાંત ખેડા શહેરથી ઉત્તરે અમદાવાદ તરફ આવેલ વાસણા ટોલનાકા નજીક રેલ્વે લાઇનનું કામ ચાલે છે. જ્યાં બિહારી શ્રમિકો એક પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર ઉપર વિશ્વાસ રાખીને કામ કરવા આવ્યા છે. નજીકના ગાંધીપુરા ગામે રહેતા આ શ્રમિકો પણ વહેલી સવારથી જ ખેડા કચેરીએ ઉમટી પડયા હતા અને બપોરના ધોમધખતા તાપમાં પણ અહીંથી ખસવાનું નામ લેતા ન હતા. રેલ્વે લાઇન ઉપર કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરતા આવા ૩૦ મજૂરો હતો, જ્યારે હાઇવે ઉપરની છૂટીછવાયી કંપનીઓમાંથી પંદરેક મજૂરો પણ અહીં ધસી આવ્યા હતા. આમ બધુ મળીને ૧૦૦ જેટલા શ્રમિકોએ સવારથી જ ખેડાની મામલતદાર કચેરીએ હલ્લાબોલ કર્યો હતો. 

પરપ્રાંતિય આ શ્રમિકો એવો આક્ષેપ કરતા હતા કે નાયકા ગામની કંપનીએ અમને ગયા મહિનાનો પગાર આપ્યો નથી. આથી અમને ખાવાના પણ ફાંફા પડયા છે. વળી એક નાનકડી રૂમમાં પાંચ થી સાત વ્યક્તિઓને ગોંધી રખાયા છે. એટલે સોશ્યલ ડિસ્ટન્સ તો જળવાતું જ નથી. અહીં અમારી રહેવાની સગવડ એવી છે કે અમે ચોક્કસ કોરોનાની ઝપટમાં આવી જઇશું. અમારા વતનમાંથી પણ અમને પાછા આવવા માટે રોજ પરિવારો રડતા રડતા ફોન કરે છે. જાન હૈ તો જહાન હૈ, જીવતા હઇશું તો ગમે ત્યાં કમાઇ લઇશું. પણ આ રીતે અમારે અજાણ્યા ગામમાં એકલવાયા મરવું નથી. માટે જ્યાં સુધી અમને અહીંથી જવાની સગવડ નહી ંકરી આપે ત્યાં સુધી અમે ખસવાના નથી. 

ખેડા શહેરમાં કચેરી નજીક આવેલ ભગતસિંહ ચોકમાં જ્યાં જ્યાં દુકાનોના ઓટલાના છાંયડા મળ્યા ત્યાં ત્યાં આ શ્રમિકો આખી બપોર જીદ કરીને બેસી રહ્યાં. શહેરના નિલકંઠ મહાદેવના સામાજિક કાર્યકરોએ તેમને આગ્રહ કરીને જમાડયા. પણ કોઇ અહીંથી ખસવાનું નામ લેતા ન હતા. મોડી સાંજે સરકારી બાબુએ શ્રમિકોને સમજાવીને ખાસ વાહનમાં કામના સ્થળે પરત મોકલ્યા હતા. 

અમે રહેવા- જમવાની સુવિધા કરી આપી છે : કંપનીના અધિકારી

નાયકા પાસેની કંપનીના જવાબદાર અધિકારીએ જણાવ્યું હતું કે અમે તમામ શ્રમિકોને રહેવા અને જમવાની સુવિધા સાથેની સગડવો આપી છે. તેમના સ્વાસ્થ્ય સંબંધની તકેેદારી માટે ડોક્ટરની સુવિધા પણ કરાઇ છે. છતાં તમામ મજૂરો વતન જવાની જીદ લઇને બેઠા છે. તેમને સરકારી સુચના મુજબ કામ પર ચઢી જવું જોઇએ. 

ખેડા વહીવટી તંત્રએ કંપની અને શ્રમિકો વિશે સ્પષ્ટતા કરી

ખેડા વહીવટી તંત્ર તરફથી જણાવવામાં આવ્યું છે કે બિહારની ટ્રેનની વ્યવસ્થા જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ માટે દરેક ગામે રહેતા પરપ્રાંતિયોનું લીસ્ટ સરપંચ અને તલાટીના સંકલનથી મેળવી લીધું છે. અમે કંપનીવાળા અધિકારીઓને કચેરીમાં બોલાવીને કડકમાં કડક સૂચનાઓ પણ આપી છે. તથા શ્રમિકોને પણ સમજાવ્યા છે કે સહકાર આપે. થોડા સમયમાં જ તેમને વતન જવાની સગવડ માટે સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા થઇ જવાની ખાતરી આપવામાં આવી છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zuoddn
Previous
Next Post »