સંદેશ રંગોત્સવનો .


તપાસને અંતે માલુમ પડયું કે હજારીબાગના રીંછના બચ્ચા અને કાઝીરંગા પાર્કના હાથીના બચ્ચાઓએ અહીંના તોફાની દિપડાના બચ્ચાં સાથે મળીને આવી હરકત કરી છે

વનમાં આજે ખુશીનો માહોલ હતો. વનરાજ જોરાવરસિંહનો એકનો એક પુત્ર જમ્બુડો વિદેશ અભ્યાસ કરીને પાછો આવ્યો હતો. તેથી બધા પ્રાણીઓ ખુશખુશ થઈ ગયા હતા. શિયાળની યોજના મુજબ હારતોરાંથી તેનું ભવ્ય સ્વાગત થયું. સસલી, હરણી, વાંદરી બધાએ મંગળગીતો ગાયાં. જોરાવરસિંહે ખુશ થઈને વનમાં ભોજન પાર્ટીનું આયોજન કર્યું. બધાંને ભોજનનું આમંત્રણ મળ્યું. નાના-મોટા, અબાલ-વૃદ્ધ બધા પ્રાણીઓ હોંશેહોંશે પાર્ટીમાં ગયા. બધાએ જમ્બુડાને ભેટસોગાદો આપી અને ભોજનનો આસ્વાદ માણ્યો. જમ્બુડો વિદેશથી ચોકલેટના ખોખા લાવ્યો હતો. તેણે બધા પ્રાણીઓમાં ચોકલેટો વહેંચી. નાના બચ્ચાં તો ચોકલેટ મળવાથી ખુશ થઈને ઉછળકૂદ કરવા લાગ્યા.

વાલુવાઘે જોરાવરસિંહને સૂચન કર્યું કે જમ્બુડો વિદેશથી પાછો આવ્યો છે. ઘણાં વખથથી તેણે રંગોત્સવનો આનંદ નહીં માણ્યો હોય, માટે આ વખતે હોળીનો રંગોત્સવ આપણે સૌ ભેગા મળીને ઉજવીએ.

જોરાવરસિંહને વાલુવાઘની વાત ગળે ઉતરી ગઈ. ભોજનના અંતે વાલુવાઘે સિંહના આદેશ અનુસાર રંગોત્સવની જાહેરાત કરી તો બધા પ્રાણીઓ ખુશખુશ થઈ ગયા. જ્યારે જોરાવરસિંહે પોતે જાહેર કર્યું કે રંગોત્સવે બધા પ્રાણીઓએ ભેગા મળીને અહીં ભોજન કરવાનું છે, ત્યારે બધા પ્રાણીઓ ગેલમાં આવીને કિકિયારી કરવા લ ાગ્યા.

શાણા શિયાળના નેતૃત્વ હેઠળ રંગોત્સવની ઉજવણીની તૈયારી શરૂ થઈ. આમંત્રણ પત્રિકા તૈયાર કરવાનું કામ ડાહ્યા ડુક્કરને સોંપાયું. ઘુવડ, ગીધ, કાગડા, રીંછની ટીમને જંગલની સફાઈનું કામ સોંપાયું. વાંદરા અને હાથીની ટીમને રંગની ખરીદી અને રંગીન પાણીના હોજ તૈયાર કરવાનું કામ મળ્યું. રંગોત્સવમાં પધારેલાં મહેમાનોના સ્વાગતનું કામ મોર અને ઢેલને સોંપવામાં આવ્યું. ચિત્તાભાઈ અને દિપડાભાઈને આમંત્રિતો માટે રહેઠાણ તથા ભોજનનો સઘળો વહીવટ સોંપવામાં આવ્યો. સ્વાદિષ્ટ ભોજનને કીડી-મકોડા તથા માખીઓના ઉપદ્રવથી બચાવવાનું કામ વરૂને મળ્યું.

બધા પશુ-પંખીઓએ પોતાનું કામ ઈમાનદારીથી નિભાવવાની ખાતરી શિયાળને આપી, પછી બધા વિખરાયા.

રંગોત્સવની તૈયારી જોરશોરથી શરૂ થઈ ગઈ. સુંદર રંગમંડપ તૈયાર થઈ ગયો. રંગમંડપને ફૂલના તોરણથી અને લાઈટથી સુશોભિત કરવામાં આવ્યો. જુદા જુદા રંગના હોજ પણ તૈયાર કરાવી દીધા. રસોડામાં જાતજાતની મિઠાઈઓ અને નાસ્તા તૈયાર થવા લાગ્યા.

આખરે રંગોત્સવનો શુભદિવસ આવી ગયો. રક્ષામંત્રીના આદેશ અનુસાર સિપાઈઓ ચારેબાજુ ગોઠવાઈ ગયા, જેથી રંગોત્સવમાં કોઈ ખલેલ ના પડે. મોર અને ઢેલ મહેમાનોના સ્વાગત માટે છાબડીમાં હારતોરા લઈને ઉભા થઈ ગયા. બધા પશુ પંખીઓ નવાનવા શણગાર સજીને આવી ગયા.

મધ્યપ્રદેશના કાન્હા નેશનલ પાર્ક, ઝારખંડના હઝારીબાગ નેશનલ પાર્ક, રાજસ્થાનના ઘાના બર્ડ સેન્કચુરી, તામિલનાડુના મધુમલાઈ સેન્કચુરીમાંથી આમંત્રિતો આવી પહોંચ્યા. મોર અને ઢેલે સુંદર નૃત્ય સાથે ફૂલતોરાથી તેમનું સ્વાગત કર્યું. બધાને જાતજાતના નાસ્તા અને ઠંડાપીણા ધરવામાં આવ્યા.

રંગોત્સવ શરૂ થયો. અબીલ-ગુલાલ અને રંગોના વાદળ છવાયા અને પિચકારીઓમાંથી રંગીન ફૂવારા છૂટયા, અને બધા પ્રાણીઓ ઉલ્લાસભેર રંગમાં નહાવા લાગ્યા. ચારેબાજુ આનંદ છવાઈ ગયો.

અરે! અચાનક આ શું થયું? છેલ્લા રંગના હોજ પાસેથી સસલા અને હરણાંના બચ્ચાંઓનો રડવાનો અવાજ આવ્યો. થોડીવારમાં તો ઝઘડો થતો હોય તેમ લડવાનો અવાજ જોરજોરથી આવવા લાગ્યો. જરૂર કંઈક અજુગતું બન્યું હશે તેમ માનીને બધા પ્રાણીઓ ત્યાં દોડી આવ્યા. સસલા અને હરણાંના બચ્ચાં શરીર ખંજવાળતા જતા હતાં અને રડતા હતાં. એટલીવારમાં વાંદરાના બચ્ચાં આંખ ચોળતાં ચોળતાં અને રડતાં રડતાં ત્યાં આવી પહોંચ્યા. બચ્ચાંઓને તેમની માતા પંપાળતા પંપાળતાં બોલી, ''સિંહરાજ, કેટલાંક તોફાનીઓએ અમારા બાળકો ઉપર અને તેમની આંખમાં એવા રંગો નાંખ્યા કે બચ્ચાઓને પીડા થાય છે, એટલે વેદનાથી બધાં રડે છે.''

સિંહના આદેશથી તપાસ શરૂ થઈ. તપાસને અંતે માલુમ પડયું કે હજારીબાગના રીંછના બચ્ચા અને કાઝીરંગા પાર્કના હાથીના બચ્ચાઓએ અહીંના તોફાની દિપડાના બચ્ચાં સાથે મળીને આવી હરકત કરી છે. વાતાવરણ ગંભીર બની ગયું.

એટલામાં સિંહરાજનો પુત્ર જમ્બુડો ઉભો થયો અને બોલ્યો, ''આદરણીય આમંત્રિતો અને અમારા જંગલના પરિવારના બધા સભ્યો, આપ સૌનું સ્વાગત છે. પ્રજાજનોને અગાઉથી સુચિત કર્યા હતાં કે રંગોત્સવ માટે અબીલ-ગુલાલ જેવા કોરા રંગ, અને પાણીમાં નાંખવા માટે નુકશાન ન કરે તેવા રંગોનો ઉપયોગ કરવો, છતાં પણ કેટલાંક પ્રાણીઓએ સૂચનાનું પાલન કર્યું નહીં, આ તોફાનીઓ હાનિકારક રંગથી હોળી રમ્યા, પરિણામે સસલાં, હરણાંના નાજુક બચ્ચાંઓના શરીરની ચામડી પર હાનિકારક રંગને લીધે બળતરા શરૂ થઈ છે અને તેથી તેઓ રોવા લાગ્યા છે. વળી કેટલાંક તોફાનીઓએ મહેમાનોના તોફાની બચ્ચાં સાથે મળીને વાંદરાના બચ્ચાંઓની આંખમાં રંગ નાખવાથી તેમની આંખમાં પણ બળતરા શરૂ થઈ ગઈ. આ બધા બચ્ચાંઓને ડૉક્ટર પાસે લઈ જવામાં આવ્યા છે. આ તોફાનીઓનાં પરાક્રમને કારણે પ્રાણીઓ માંહેમાંહે લડી પડયાં છે.''

શાણા શિયાળે ઉભા થઈને જમ્બુડાને કહ્યું, ''બેટા, તું ભણેલોગણેલો છે. અહીં અમે બધાં તારા જેટલાં શિક્ષિત નથી, માટે આ બાબતમાં તું અમને માર્ગદર્શન આપ.''

જમ્બુડો બોલ્યો, ''ઉત્સવો અને તહેવારો આપણી સંસ્કૃતિનો એક ભાગ છે એટલે બધાએ હળીમળીને પ્રેમથી તેને ઉજવવા જોઈએ. પતંગોત્સવની માહિતી મેં છાપાં દ્વારા મેળવી તમારા આનંદ ખાતર તમે કેટલાય જીવોને હણો છો, કેટલાય નિર્દોષ પંખીની જીવાદોરી સમાન પાંખ કાપો છો, અને કેટલાયને ઘાયલ કરો છો બીજાની જીંદગી સાથે આ તે કેવી ક્રૂર રમત...! બીજાના ભોગે આનંદ મેળવવાની આ તે કેવી રીત?!... આવી જ ક્રૂર રમત આજે અહીં રમાઈ છે. હું આપણા મંત્રી શિયાળભાઈને વિનંતી કરું છું કે જંગલમાં એવા કાનૂનની રચના કરો કે કોઈપણ પ્રાણી હિંસાનો માર્ગ ના અપનાવે. જો કોઈ આ કાનૂનનું ઉલ્લંઘન કરે તો તેને સખત સજા થવી ઘટે.''

વનનાં બધાં પ્રાણીઓએ જમ્બુડાની વાત વધાવી લીધી, અને તોફાનીઓને સજા કરવાનું સૂચન કર્યું. હાથી, રીંછ અને દિપડાના તોફાની બચ્ચાં દોડીને વનરાજ પાસે પહોંચ્યા અને હાથ જોડીને માફીે માંગવા લાગ્યા અને હવેથી આવી હરકત નહીં કરે તેમ જણાવ્યું.

વનરાજે બધાને શાંતિ જાળવવાની અપીલ કરી અને કહ્યું, ''આપણા દેશમાં અતિથિને દેવ સમાન ગણવામાં આવે છે. આપણે દ્વેષભાવ, હીનતા અને નફરતને તિલાંજલિ આપવાની છે. જે કાંઈ થયું છે તે ભૂલી જવાનું છે અને આ તોફાનીઓને આટલીવાર માફ કરવાનાં છે. તેમને સુધરવાની એક તક આપવાની છે. અમારા આમંત્રણને માન આપી જે મહેમાનો પધાર્યા છે, તેમનો આભાર માનું છું. મિત્રો, ક્ષમા સૌથી મોટો સદ્ગુણ છે અને આપણે બધાએ તે અપનાવવાનો છે. આવો, બધું ભૂલીને ફરીથી રંગોત્સવને માણીએ.''

વનરાજની વાત સાંભળી બધા પ્રાણીઓ ફરીથી એકબીજાની સાથે મળીને રંગોત્સવ મનાવવા દોડી ગયા.

- ભારતી પી. શાહ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cCw7QW
Previous
Next Post »