દૂરથી અયોધ્યા નગરીની ધ્વજા દેખાઇ. દીર્ઘસમય બાદ સ્નેહ, સત્ય અને નિષ્ઠાના પ્રતીક સમી ઇશ્વાકુ વંશની યશસ્વી ધજાને ફરક્તી જોતાં જ ભરતની આંખમાં આંસુ ઊમટી પડયાં અને બોલ્યો, 'આ ઇશ્વાકુ વંશની ધજા જોતા આજે કેમ મારા અંતરમાં કશી પ્રેરણા જાગતી નથી.'
કુલગુરુ વશિષ્ઠની આજ્ઞાા સાથે અયોધ્યાથી આવેલા બુધ્ધિશાળી રાજદૂતોએ ભરત અને શત્રુધ્નને તત્કાળ અયોધ્યા આવવાની તાકીદ કરી. એ દિવસે વહેલી પરોઢના દુ:સ્વપ્નથી વ્યથિત સરળસ્વભાવી રાજકુમાર ભરતને એવી આશંકા જાગી કે અયોધ્યામાં એવું તે શું થયું હશે કે અમને કુલગુરુએ તત્કાળ બોલાવ્યા છે ? ઇન્દ્ર સાથે રહીને અસૂરોને પરાજિત કરનારા વીર પિતા અયોધ્યામાં હોય, વળી એમની સેવામાં રઘુકુળતિલક સ્વયં રામ હોય અને સાથમાં પરાક્રમી લક્ષ્મણ હોય, તો પછી એવી તો અમારી એમને કઈ આવશ્યકતા ઉભી થઈ હશે ?
માતામહ કેક્યરાજ અશ્વપતિ અને મામા યુધજિતની વિદાય લઈને નીકળેલા ભરત અને શત્રુધ્નએ રાજદૂતોને અયોધ્યાના ક્ષેમકુશળ સમાચાર પૂછયા, ત્યારે એમણે જાણ્યું કે અયોધ્યામાં તો રામનો રાજ્યાભિષેક થવાનો હતો. આ શબ્દોનું શ્રવણ થતાં જ રથના અશ્વો ગેલમાં નાચી ઊઠયા.' રામ' નામ સાંભળતાં અશ્વોને એમના પર અઢળક સ્નેહ વરસાવતા રામનું સ્મરણ થયું. એ સમયે ભરતે અતિ ઉત્સુકતા દાખવી અને શત્રુધ્નએ તો વળતો પ્રશ્ન કર્યો કે ' થવાનો હતો એટલે શું ? તારી વાતમાં અમને કોઈ તર્ક જણાતો નથી. સાવ અસંબદ્ધ વચન ઉચ્ચારે છે. વર્તમાનને બદલે ભૂતકાળ પ્રયોજે છે. અર્ધુ બોલે છે અને અર્ધું ગોપવે છે.'
રાજદૂતે કહ્યું,' રાજકુમાર શત્રુધ્ન, અમે રહ્યા રાજદૂત. ચીઠ્ઠીના ચાકર. અમારે તો અમારું કર્તવ્ય બજાવવાનું હોય, તેમ છતાં જો હું અયોધ્યા નગરીનો અદનો સેવક, આપની સમક્ષ અસત્ય બોલું, તો મારે માટે એનાથી મોટો કર્તવ્યભંગ બીજો કોઈ હોઈ શકે નહીં. અમારા અસત્ય ઉચ્ચારણથી તો લોકમાતા સરયૂ નદીના પાવન જળ શરમાય, અલૌકિક અયોધ્યા નગરીની ધરતી લાજે અને અમારી જીવતે જીવ અવગતિ થાય.'
આમ છતાં શત્રુધ્નએ એની ઉલટતપાસ લેતા હોય, એ રીતે વળતો શબ્દપ્રહાર કર્યો, ' તો પછી મને એ તો કહે કે તું અયોધ્યામાંથી નીકળ્યો, ત્યારે વહેલી પ્રભાતે કેવું વાતાવરણ હતું.'
'રાજકુમાર, માથે ઘનઘોર વાદળોથી છવાયેલું આકાશ હોય અને આખી પૃથ્વી પર ગમગીનીની ચાદર પથરાઈ ગઈ હોય, તે રીતે કોઈ અકારણ નૈરાશ્યના બોજ હેઠળ એ પ્રભાત ઊગ્યું હતું. ઉષા:ના તેજસ્વી કિરણો આંખોમાં નવી તાજગી જગાડવાને બદલે એ ઉદાસીનતાથી કરમાયેલાં લાગતાં હતાં. નગરજનો ધીમા અવાજે અંદરોઅંદર કંઈક ગુપચુપ વાતો કરી રહ્યા હતા. રામનો રાજ્યાભિષેક થવાનો હોવા છતાં ચોતરફ શોકની કાલિમા છવાયેલી હતી. અયોધ્યાવાસીઓ શંકા-કુશંકા અને તર્ક-વિતર્કથી ચિંતિત નજરે પડતા હતા.'
અયોધ્યાની આવી અવદશાનું વર્ણન સાંભળીને આઘાત અનુભવતા ભરતે રાજદૂત વિજ્યને પ્રશ્ન કર્યો,' અરે, રામનો રાજ્યાભિષેક એ તો વિજ્યની ઘડી કહેવાય. આનંદનો અનુપમ અવસર ગણાય. અયોધ્યાની પ્રજાનું હૃદય રામનું નામ પડતાં જ સદૈવ નાચી ઊઠતું હતું. રામનો રાજ્યાભિષેક થવાનો હોય, ત્યારે તો એમનું હૈયું હૃદયમાં ઉલ્લાસ અને આનંદથી ફાટી પડે. એને બદલે આવા શોક વિષાદ અને શંકાનું વાતાવરણ કેમ ? રામનો રાજ્યાભિષેક એ તો માત્ર ઇક્ષ્વાકુ વંશના અયોધ્યાના રાજ્યનો રાજ્યાભિષેક નહીં, બલ્કે સમગ્ર પૃથ્વી ખંડને માટે સત્ય અને નિષ્ઠાનો આનંદાભિષેક કહેવાય. અરે ! પ્રજાનું હૃદય અયોધ્યાના સિંહાસને બેઠું ગણાય.'
' વાત સાચી છે તમારી. અમે એ આનંદાભિષેકની ઝાંખી તો રાજ્યાભિષેક પૂર્વેની રાત્રીએ કરી હતી. એ અંધકારમય રાત્રે પ્રજાના ઉત્સાહે ઉજળાં દિવસનું સર્જન કર્યું હતું. નગરમાં ઠેરઠેર દીપમાળાઓ, નૃત્યો અને નાટયારંભો ચાલતા હતા. ઋષિઓના મંત્રોચ્ચારનું રટણ થતું હતું અને સામવેદનાં ગાન સંભળાતાં હતા. અરે ! મેં સ્વયં આખી રાત આનંદ માણ્યો. મનમાં એવી કલ્પના ય કરતો હતો કે પૃથ્વીના પગથારે સૂર્યદેવ પધારશે, ત્યારે અયોધ્યા નગરી એના વહાલા રામના રાજ્યાભિષેક પાછળ કેવી ઘેલી બની જશે ! કુલગુરુ ઋષિ વશિષ્ઠનો રામના રાજ્યાભિષેકનો પ્રારંભ કરવાનો આદેશ શ્રવણ કરવા માટે સહુ કોઈ અતિ ઉત્સુક હતા, પરંતુ એ ક્ષણે જ કુલગુરુ વશિષ્ઠનો અમને આદેશ મળ્યો અને આપને તત્કાળ અયોધ્યા આવવાના સંદેશા સાથે અમને વાયુવેગી પાણીપંથા અશ્વો પર ગિરિવ્રજ નગરીમાં મોકલ્યા.'
'પણ કોઇ કારણ તો હોવું જોઈએ ને ? કુલગુરુએ આટલી ઉતાવળથી અમને આવવા કહ્યું. તમારા જેવા બુધ્ધિશાળી રાજદૂતોને મોકલ્યા તો, જરા વાતનો ફોડ તો પાડો.' શત્રુધ્ને કહ્યું.
'રાજદૂત તરીકે અમારે રાજઆજ્ઞાાનું પાલન કરવાનું હોય, આજ્ઞાાનો અમલ કરવાનો હોય, એ આજ્ઞાાની પાછળનાં કારણોની અમારે કડાકૂટ કરવાની ના હોય. આજ્ઞાા મુજબનું પરિણામ લાવીને આપવું, એ જ અમારું પરમ કર્તવ્ય.'
'એટલે તમને એ પછીની કશી ખબર નથી એમને ?'
'હા, અમને રાત્રી બાદ એટલી જ ખબર મળી કે અયોધ્યાના મહારાજ દશરથ ક્ષેમકુશળ નથી. તેઓ અસ્વસ્થ બની ગયા છે.'
' એટલે શું ?' ભરતે જિજ્ઞાાસાસહ પૂછયું,' મને તમે માંડીને વાત કરો તો સારું.'
રાજદૂતોના અગ્રણી સિદ્ધાર્થે કહ્યું,' અમને ક્ષમા કરજો. પરંતુ આટલા સમાચાર મળ્યા ત્યાં તો કુલગુરુનો આદેશ આવ્યો અને અમે અયોધ્યા નગરી છોડીને સાત-સાત દિવસ સુધી વાયુવેગી અશ્વો પર સવાર થઈને આપની પાસે આવ્યા.'
રાજદૂતોની છેલ્લી વાતે સ્વસ્થતાની મૂર્તિ ભરતને અત્યંત અસ્વસ્થ બનાવી દીધો. એના અતિ વ્યાકુળ ચિત્તમાં એવા તરંગો ઊઠયાં કે એક બાજુ દુ:સ્વપ્નમાં પિતા દશરથના નિષ્પ્રાણ દેહને તેલની કઢાઈમાં પડેલો જોયો હતો અને બીજી બાજુ પિતાની અસ્વસ્થતાના આ અણધાર્યા સમાચાર. હૈયું વિક્ષિપ્ત કરનારા એ દુ:સ્વપ્નનાં દૃશ્યો સાથે રાજદૂતની વાતનો મેળ સાધતું ભરતનું ચિત્ત ચકરાવે ચડયું. મનમાં અનેક સવાલો ઊઠયા. શું પરોઢિયે આવેલું સ્વપ્ન સાચું હશે ? શું પિતાને કોઈ વ્યાધિએ ઘેરી લીધા હશે ? સ્વપ્નમાં સ્ત્રીઓને પ્રહાર કરતી જોઈ હતી, એવો કોઈ પ્રહાર પિતા પર થયો હશે ? ઓહ દૈવ ! તારી ગતિને હું પામી શક્તો નથી.
જ્યેષ્ઠબંધુ ભરતની વ્યથા જોઈને શત્રુધ્નએ કહ્યું, 'ભાઈ, મનને વલોવવું રહેવા દો. અશુભ વિચારોથી વ્યગ્ર થઈને ચિંતિત થશો નહીં. હવે આપણે ઇક્ષ્વાકુ વંશના પ્રભાવશાળી મનુ રાજાએ વસાવેલી અયોધ્યા નગરીની નજીક આવી ગયા છીએ.'
અત્યંત વેગથી એક પછી એક નદીઓ, પર્વતો, જંગલો અને નગરો પસાર કરતાં ભરત અને શત્રુધ્ન ગોમતી નદી ઓળંગીને અને કલિંગ નગરને વટાવીને સાલવન સુધી પહોંચ્યા. સાત-સાત દિવસની સફર ખેડી ભરતના અશ્વો થાકી ગયા હતા અને સૂર્યોદય પૂર્વે એ અયોધ્યા નગરીની નજીક પહોંચે છે અને નગરીને જોતાં જ રાજકુમાર ભરતના મુખેથી દીર્ઘ નિસાસો નખાઈ જાય છે.
' અરે ! રમણીય ઉદ્યાનોવાળી આ મનોહર નગરી આજે કેમ સાવ ઉજ્જડ ભાસે છે ? વૃક્ષોનાં પર્ણો કેમ આક્રંદ કરતાં ઉભાં છે ? દિશાઓમાંથી આવતા પવનના સૂસવાટા દુ:ખભરી ચીસો જેવા કેમ લાગે છે ? જાણે ખુલ્લી આંખે પ્રભાતે હું કોઈ દુ:સ્વપ્ન જોતો હોઉં એમ કેમ લાગે છે ? પશુ-પક્ષીઓ સાવ નિસ્તેજ બનીને ભ્રમણ કરે છે. આસપાસ સૃષ્ટિ છે, પણ એનો આત્મા ખોવાયો છે.
દૂરથી અયોધ્યા નગરીની ધ્વજા દેખાઇ. દીર્ઘસમય બાદ સ્નેહ, સત્ય અને નિષ્ઠાના પ્રતીક સમી ઇશ્વાકુ વંશની યશસ્વી ધજાને ફરક્તી જોતાં જ ભરતની આંખમાં આંસુ ઊમટી પડયાં અને બોલ્યો, 'આ ઇશ્વાકુ વંશની ધજા જોતા આજે કેમ મારા અંતરમાં કશી પ્રેરણા જાગતી નથી.'
વીર શત્રુધ્ને ભરતની વિચારમાળાને થંભાવતા કહ્યું, 'જ્યેષ્ઠબંધુ, હજી તમારું ચિત્ત દુ:સ્વપ્નના વિષાદનો બોજ ભૂલ્યું નથી. બુદ્ધિમાન લોકો કહે છે કે કદી વિપરીત કલ્પના કરવી નહીં. આવી કલ્પના કરનારને સર્વત્ર વિપરિત ગોચર થતું હોય છે અને અંતે વિપરિત સર્જાતું હોય છે. જુઓ, આ આપણી આસપાસની દિશાઓ કેવી મલકે છે.'
દીર્ઘ નિસાસો નાખતા ભરતે કહ્યું,' ના, મને તો એ વિષાદના ભારથી ઢળેલી, ચોધાર અશ્રુ સારતી હોય તેવી લાગે છે.' (ક્રમશ:)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wOjxxD
ConversionConversion EmoticonEmoticon