સેક્સ-ચેન્જ કરાવનારા યુવાન સાથે લગ્ન કરવાની હિંમત છે?


'શસ્ત્રક્રિયા  કરાવ્યા બાદ  મહિલામાંથી પુરુષ  થયો છું એવાત સ્વીકારવી  કોઈપણ  મહિલા માટેઅત્યંત મુશ્કેલ- અપાચ્ય હતી  એ વાતથી  હું વાકેફ   હતો, પણ સીમાએ  મને ખોટો પાડયો,'  એમ તે કહે છે.

સ્ત્રી અને પુરુષ  જ્યારે  દંપતી  બને  છે ત્યારે એકબીજાને અનુકૂળ તો બની જ જાય છે -  શરીર  અને મનથી, પણ જ્યારે  સ્ત્રીમાંથી  પુરુષ  બનેલા શખસ  સાથે  કેવી રીતે જીવન વિતાવવું  એની સમજ નહીં હોવા છતાં લગ્ન  માટે  પ્રપોઝ  થતાં જ  તરત  હા કહેવી એ કોેઈ પણ યુવતી કે સ્ત્રી  માટે કેટલું  કઠિન  હોય એની કલ્પના કોઈ કરી શકે નહીં,પણ બાળપણની   એક  વેળાની  મિત્ર  તત્કાળ  અકલ્પનીય  અને જોખમી  કહી શકાય એવા  લગ્ન માટે  હા કહી દે છે અને તેમની મિત્રતાને એક નવો રંગ આપી દે છે.  આ  વાત  છે મૂળ મહારાષ્ટ્રના  બીડ  જિલ્લાના  લલિતામાંથી લલિત બનનારા અને તેની મિત્ર સીમાની!  તેમણે ૨૩ ફેબુ્રઆરીએ  નિકટ  સગાંસંબંધીઓ  અને દરેક રીતે સહાયભૂત  થનારા  સાથે  લગ્નનું  રિસેપ્શન સુધ્ધાં  યોજી દીધું  છે.

આ દંપતીએ  જીવનપથ  પર ચાલવાની  શરૂઆત  કરી દીધી  છે. લલિતા  તરીકે જન્મેલો  લલિત સાલ્વે  (૩૨)  ૨૦૧૮માં  લાઈમલાઈટમાં આવ્યો   જ્યારે   તેણે મુંબઈની  સેન્ટ  જ્યોર્જ  હોેસ્પિટલમાં  લિંગ  પરિવર્તનનું  ઓપરેશન કરાવ્યું.  આ પહેલા ચાર  વર્ષ અગાઉ  ૨૦૧૪માં  તેણે વિવિધ  ટેસ્ટ કરાવ્યા  હતા ત્યારે  જાણવા  મળ્યું હતું  કે તેનામાં  પુરુષોના  જીન્સ-વાય  ક્રોમોઝોમ   છે.  અગાઉ  લલિતા તરીકે એ બીડમાં મહિલા  કોેન્સ્ટેબલ  તરીકે   ફરજ   બજાવતો હતો. 

વાય  ક્રોમોઝોમ   હોવાની જાણ થયા પછી  લલિતાએ લિંગ પરિવર્તનનું  ઓપરેશન  કરાવવા રજા  મળે એ માટે વડી અદાલતમાં  અપીલ કરી, પણ વડી અદાલતે તેને એપેલેટ  ટ્રિબ્યુનલનો  સંપર્ક  કરવા જણાવ્યું. ૨૦૧૮માં  તેને સર્જરી કરાવવાની પરવાનગી  મળી અને એપછી પુરુષ  કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવવા પણ જણાવ્યું. આ પછી તેણે સંખ્યાબંધ  તબીબી પ્રક્રિયામાંથી  પસાર થવું પડયું અને સાલ્વેના ગયા વર્ષે તેના નવા જીવનના તબક્કાનો  પ્રારંભ થયો.  આપછી લલિતના  પરિવારજનોએ તેના માટે  છોકરી શોધવાનું  શરૂ કર્યું.

'મારા માતાપિતા  લગ્ન માટે હું ઘણો  મોટો થઈ ગયો છું, એવું વિચારતા આથી  તેમણે  છોકરી  જોવાનું  શરૂ  કર્યું,' એમ સાલ્વેએ  જણાવ્યું.  અંતે  સંબંધીઓએ  સીમા  અંગે જણાવ્યું. મેં કરેલી લિંગ પરિવર્તનની  શસ્ત્રક્રિયા પછી મને કોઈ મહિલા સ્વીકારશે કે કેમ એ અંગે  મને શંકા હતી.  હું શસ્ત્રક્રિયા  કરાવ્યા બાદ  મહિલામાંથી પુરુષ  થયો છું એવાત સ્વીકારવી  કોઈપણ  મહિલા માટેઅત્યંત મુશ્કેલ- અપાચ્ય હતી  એ વાતથી  હું વાકેફ   હતો, પણ સીમાએ  મને ખોટો પાડયો,'  એમ તે ઉમેરે  છે.

'અમે  જ્યારે  પહેલીવાર  મળ્યા  ત્યારે મેં પૂછ્યું  એ પહેલા જ મારા  અંગે એ બધુ જ જાણતીહતી, જેનું મને આશ્ચર્ય  થયું.  મેં કરેલા દરેક સંઘર્ષ  અને પ્રક્રિયા   અંગે તે જાણતી હતી. તેણે  મને જણાવ્યું  કે  તે મારાઅંગેની  વિગતો જે અખબારોમાં  પ્રગટ થતી હતી, તે  એ ઉત્સુકતાથી વાંચતી હતી. તેની આઉત્કંઠાથી  મને સંતોષ  થયો  કે તેના માટે  મારે કોઈ  પૂર્વગ્રહ  બાંધવાની જરૂર નહીં  રહી, 'એમ લલિત કહે છે. 

'દરેક  બાબતની  ઊંડાઈથી ચર્ચા  કર્યા  બાદ, અમે લગ્ન  માટે ગ્રીન  સિગ્નલ  બતાવી દીધું અને અંતે ઔરંગાબાદમાં  અમે ૧૬ ફેબુ્રઆરીએ  લગ્નનાં  બંધનથી   બંધાયા.  'મારી  પત્ની સીમા ઔરંગાબાદમાં  આર્ટ્સના  ત્રીજા વર્ષમાં  અભ્યાસ  કરે  છે.  અમે  પ્રારંભમાં  માજલગાંવ  જવાના હતા.  ટ્રાન્સફર  બાકી  હતી અને તેમાં  અનુકૂળતા  થાય એ રીતે અમે  ફેરફાર કરીશું,  'એમ લલિત સાલ્વેએ  જણાવ્યું.

લલિતાથી  લલિત બનવાની  આખી  સફર  અંગે પૂછ્યું  તો લલિતે  જણાવ્યું કે 'મને સહાયભૂત   થનારા દરેકનો હું અત્યંત  આભારી  છું. આથી જ તો મેં બધાને જ મારા રિસેપ્શનમાં  હાજર રહેવા આમંત્રણ  આપ્યું હતું,  જેમાં  મારી સર્જરી  કરનારા ડો.  રજત કપૂરનો પણ  સમાવેશ  થતો હતો.'

લલિતની  પત્ની સીમા  ૨૨ વર્ષની  છે.  સીમાને  પૂરો વિશ્વાસ  છે કે લલિત  થકી  તેને  બાળકો  થશે.  'તેમણે  જે  તબીબી  પ્રક્રિયામાંથી  પસાર  થવું પડયું  એની મને જાણકારી  આપી  છે,'  એમ કહી સીમા ઉમેરે  છે, 'હું હમેશાં તે તેમને  પ્રોત્સાહન  આપતી રહેતી કે હું તમારી પડખે ઊભી  છું અને અમે લગ્ન  કરવા ઈચ્છીએ  છીએ  એની  જાણ અમારા  માતાપિતાને કરતાં અમને જરાય સંકોચ નહોતો થયો.' 

પ્રારંભાં  લલિતના  માતા કેસરબાઈ  ઓપરેશન  માટે રાજી નહોતા, પણ  સમય  જતાં  તેમણે લલિતને  પૂરેપૂરો  સહયોગ  આપ્યો હતો.  ૨૦૧૦ માં  લલિતાના શરીરમાં   ફેરફાર  થવા લાગ્યા ત્યારથી  સીમા તેના (લલિતા)  પડખે  ઊભી રહી  છે અને આજે  તેણે એક બહાદુર  પત્ની તરીકે બિરુદ  મેળવ્યું છે.

- ભૂપેન્દ્ર પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TVKKax
Previous
Next Post »