મહિલા શક્તિ: ભારતનો ઉજળો ચહેરો અને દિવ્ય આત્માનું હાર્દ


નવી પેઢીની પ્રગતિ અને ઉડાન બદલ કોઈ પીઠ થાબડે ત્યારે પુત્ર કે પુત્રવધુએ બધાને સંભળાય તેમ જોરથી કહેવું જોઈએ કે ''અમે ૨૧મી સદીના વિકાસના ફળ  અમારી વીસમી સદીની મમ્મીના કારણે ચાખી શક્યા.''

મહિલાઓ ઓચિંતા ફાટેલ આભને થીગડું મારવા જે શક્તિ બહાર લાવે છે તેને માતાજીનું પ્રાગટય જ કહી શકાય 

મહિલાઓનો એક બહોળો  વર્ગ એવો પણ છે કે જેઓ ઘેર બેઠા  ફોન પર નિરર્થક પંચાત, તમામ સગાઓ અને મિત્ર વર્તુળ જોડેનું રોજેરોજનું અર્થહીન નેટવર્કિંગ,  સોશિયલ મીડિયા અને ટીવીમાં ગળાડૂબ રહીને દિવસ અને જીવન પૂરું કરે છે.

આજે મહિલા દિન હોઈ મહિલા જગતને અભિનંદન આપવાનો અને બિરદાવવાનો અવસર છે. હવે તો ભારતમાં પણ મહિલાઓ રીક્ષા બસ અને રેલ્વે ટ્રેન, વિમાનો  ચલાવવાથી માંડી સ્પેસ શટલ સુધી પહોંચી ગઈ છે.  થોડા દાયકાઓ પહેલા ઘરનો ઉંબરો પણ ઓળંગી નહિ શકતી મહિલાઓ આજે સાત સમંદર  મલ્ટીનેશનલ કંપનીઓનું સુકાન સંભાળે છે. ઘૂંમટો તાણી સતત અપમાનોનો ઘૂંટડો પીવા માટે જન્મેલી  મહિલા હવે કમાન્ડોની તાલીમ લઈને  ખભે એકે ૪૭ રાઈફલ  સાથે સરહદ પાર  માયનસ ૩૦ ડીગ્રીમાં દેશના ગૌરવનું અપમાન કરનારને ગોળીથી ધરબવા સજ્જ બની ખડે પગે ચોકી કરતી હશે.

ઘરમાં જેના કોઈ મંતવ્યને પૂછતું નહતું અને પુરુષ પ્રધાન સમાજની ડણકથી ગભરાઈ અંધારિયા ઓરડામાં કેદ રહેતી મહિલા હવે સરપંચ, આઈ એ એસ , ફોરેન સર્વિસની અધિકારીથી સાંસદ અને મુખ્ય મંત્રી, વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ બની શકે છે. મહિલા ગગનચુંબી એવરેસ્ટ સર કરી  ચુકી છે અને સમુદ્ર તરીને તેને પણ બાથમાં સમાવી દીધો છે. જેના રમકડા પણ ઘર ઘર રમવાના રાચરચીલા કે મોટી થઈને તારે બાળક જ મોટું કરવાનું છે તે સંદેશો આપવા જેને  બાળવયે જ હાથમાં ઢીંગલી પકડાવી દેવામાં આવતી તે બાળકી આજે રોકેટ, વિમાન, કાર ફૂટબોલથી રમે છે. બાળપણથી જ  બાળકીને વિરાટને મુઠ્ઠીમાં કરવાના સ્વપ્નનું વાવેતર કરવામાં આવે છે. કુંડાળા અને પાંચીકાથી રમતી છોકરડીઓ સફેદ યુનિફોર્મ પહેરી કરાટે અને ટેક વાન્ડો જેવી માર્શલ આર્ટ શીખી વખત આવે રણ ચંડી દુર્ગાનું સ્વરૂપ ધારણ કરવાની સજ્જતા કેળવતી પણ  જોઈ જ શકાય છે.

હજુ મહિલા જગત માટે સુરક્ષા ,સન્માન અને ન્યાય માટે જોજનો કાપવાનાં છે પણ મહિલાઓ પોલીસ અને ન્યાય તંત્રના ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. જ્યાં સરકાર દ્વારા ભરતીમાં ફરજીયાત  મહિલા અનામતની ટકાવારીના નિયમો નથી તેવા કોર્પોરેટ અને અતિ સ્પર્ધાત્મક સેક્ટરમાં પણ મહિલાઓ પુરુષો જોડે જ પરીક્ષા અને ઇન્ટરવ્યુમાં વધુ ચઢિયાતી સાબિત થઇ મેરિટના આધારે નોકરી કે પોઝીશન મેળવે છે. હોસ્પિટલોમાં પણ મહિલા તબીબોનો દબદબો છે. મહિલા સાહસિકો, ઉત્પાદક મંડળીઓ, હુન્નર -કળા અને સંગીત -સંસ્કૃતિમાં મહિલાઓ સરતાજ છે.

 જે મહિલાઓ આર્થિક અને સામાજિક સંજોગોને વશ શૈક્ષણિક લાયકાત નથી મેળવી શકતી તેવી મહિલાઓ જે રીતે તેમના ઘરને, પતિ અને સંતાનોનું સંવર્ધન કરે છે તે તો વિશેષ સલામને પાત્ર  છે. ભારત દેશની કરોડરજ્જુ આવી મહિલાઓ જ છે જેઓ બીજાને ઘેર કચરા-પોતાં, વાસણ-કપડા કે રસોઈ બનાવી તેમના પતિની કમાણીમાં ''કોઈ કામ નાનું નથી'' તેવો મિજાજ કેળવી તેનું પણ યોગદાન આપે છે. તેમના સંતાનોને શિક્ષણ અને કેળવણી આપવી તે જ આવા વાલીઓનું એકમાત્ર ધ્યેય છે.આપણે દર વર્ષે અખબારોમાં બોર્ડની કે એન્જીનીયરીંગ અને મેડીકલની પ્રવેશ પરીક્ષાના પરિણામ વખતે એવા હેડીંગ જોતા જ હોઈએ છીએ કે ''સફાઈ કર્મચારીનું સંતાન મેરીટમાં ટોપ ટેનમાં'' કે ''પટાવાળાનું કામ કરતી વિધવા મહિલાની પુત્રી પાયલોટ બની.'' દેશમાં એવી મહિલાઓ પણ છે જેમના પતિએ નોકરી ગુમાવી છે કે અકસ્માતમાં હાથ કે પગ ગુમાવ્યા છે. અસાધ્ય બીમારીમાં પતિ પથારીવશ છે.

આવી મહિલાઓ ઓચિંતા ફાટેલ આભને થીગડું મારવા જે શક્તિ બહાર લાવે છે તેને માતાજીનું પ્રાગટય જ કહી શકાય. ઘણી મહિલાઓના તો પતિ દારૂડિયા, જુગારી અને લંપટ છે.તેઓ તેમની પત્નીની મજુરીના રૂપિયા પેટ પટ લાત ફટકારી લઇ લે છે. આવી મહસંતાનોના ભાવિ અને સ્વપ્ન સાકાર કરવા બધું સહન કરી લે છે. પતિનો નશો ઉતરે એટલે તેની જોડે હંસતે મોઢે ભોજનની પણ મજા માણે. મહિલાઓ પર  ભારતીય સંસ્કાર અને સત્સંગનો  પ્રભાવ તો એટલો કે આખું જીવન એક ઓરડાનું ઘર, સાયકલ કે સ્કુટર પર જ ચાર જણાનું પરિવાર ફરવાનું છે અને આવક વધે તેવી સંભાવના જ નહીં હોવા છતાં તેમનું સુખ, સંતોષ અને ચહેરા પરના હાસ્યને જોઇને બાજુમાંથી પસાર થતા પોશ કાર પરના પરિવારને પણ તેઓની ઈર્ષા આવે. ઉચ્ચ મધ્યમ  અને શ્રીમંત વર્ગના પરિવારો અને સંતાનોને વધુ મોટા ઘરના, ગેજેટ્સ અને કારના નવા મોડેલના, ઉચ્ચ વિદેશી અભ્યાસ, વધુ ઊંચા પગારની નોકરી, ધંધાના વિકાસ અને વિસ્તરણના,શોપિંગ, ફૂડ  અને પ્રવાસના સ્વપ્નો અને ધ્યેય છે. જે  તેઓના અહંકારને પણ સંતોષે છે અને જીવવા માટેનું પ્રેરક બળ બને છે.

પણ દેશમાં એવા ૬૦ ટકા પરિવારો છે જેઓનું જીવન ધોરણ, આવક અને પોતાનું ભવિષ્ય કાયમ માટે એક ''સેચ્યુરેશન'' -સ્થગિત પોઈન્ટ પર આવી ગયું છે. તેઓ જે ટૂંકી ચાદર છે તે જળવાઈ રહે તેની ચિંતા હેઠળ પણ છે. હા, તેઓ તેમના સંતાનને શિક્ષિત અને મુખ્ય પ્રવાહમાં લાવવા હકારાત્મક અભિગમથી જે રીતે સપના સજાવી ઝઝૂમે છે તે જોઇને ધન્ય થઇ જવાય છે. ભારતનો આત્મા અને ચહેરો આ બધા પરિવારો છે. જે રીતે ભારતમાં આર્થિક અસમાનતા અને ભ્રષ્ટાચાર અને મૂડીવાદીઓનો રોફ પ્રવર્તે  છે તેની તુલનામાં તો ગુનાખોરી ઘણી ઓછી કહી શકાય. 

ભારતના આવા સદાહાર મિજાજ માટે ધર્મ, સત્સંગ અને મહિલાઓ જે રીતે ઘર સંભાળે છે તેનું આ માટે અતુલનીય અને વિરાટ યોગદાન કહી શકાય.વિશ્વમાં બધે જ મહિલાઓ આર્થિક ઉપાર્જનમાં તો યોગદાન આપે જ છે ભારત કરતા પણ વિદેશમાં  આ દર વધારે છે પણ  ભારતમાં મહિલાએ કામ અને કમાણી કરવા સાથે  દામ્પત્ય જીવનને મહેકતું ધબકતું રાખવાનું છે. પતિ અને પત્ની બંનેની આવક વિદેશમાં કુટુંબની પ્રગતિ માટે અનિવાર્ય છે જયારે ભારતમાં મહદ્દ અંશે બંનેની કમાણી હોય તો જ બે ટંક ભોજન અને વાટકા જેટલી ખુશી સાંપડે છે. કમાણી કરવા જવા સાથે મહિલાએ માતાની ભૂમિકા અદા કરતા સંતાનોને શિક્ષણ સાથે સંસ્કાર અને કેળવણી પણ આપાવાની હોય છે.

મહિલાને તેમના પિયર અને સાસરિયા બંને પક્ષની, તેમના વડીલોની સારા નરસે પ્રસંગે જવાબદારી નિભાવી ખડે પગે હાજર રહેવું પડે છે. એક મહિલા પતિ, માતાની જવાબદારીમાંથી તો ક્યારેય બહાર નથી જ આવતી પણ આગળ જતા દાદી અને નાનીની ભૂમિકા ઉમેરાય છે.  કરચલી ધરાવતી પ્રૌઢ મહિલા હવે તેમની પુત્રવધુ ઉંચી ઉડાન મેળવી શકે તે માટે ફરી એક વખત તેમના પૌત્ર કે પૌત્રીનો ઉછેર કરવા એક જ જીવનમાં બીજી વખત માતાનો અવતાર ધારણ કરે છે. જો  નવી પેઢીની પ્રગતિ અને ઉડાન બદલ કોઈ પીઠ થાબડે ત્યારે પુત્ર કે પુત્રવધૂએ બધાને સંભળાય તેમ જોરથી કહેવું જોઈએ કે ''અમે ૨૧મી સદીના વિકાસના ફળ  અમારી વીસમી સદીની મમ્મીના કારણે ચાખી શક્યા.''

બીજી તરફ દેશમાં મહિલાઓનો એક બહોળો વર્ગ એવો છે જેઓ મહિલાઓ માટે ક્યારેય જોવા ન મળે તેવું સુંદર વાતાવરણ હોવા છતાં તેમની પ્રતિભા બહાર નથી લાવતી અને દેશના વિકાસમાં યોગદાન નથી અપાતી. મહિલા વક્તા અને ચિંતક  પ્રિયા કુમારે એક સેમિનારમાં તેનું નવી જ દિશા પર પ્રકાશ પાડતું વક્તવ્ય આપેલું. તેમણે કહ્યું હતું કે  ''મહિલાઓને માટે તમામ ક્ષેત્રોમાં અગાઉ ક્યારેય નહોતી તેવી વિપુલ તકો પડેલી છે જે અમારા જમાનામાં આ હદે નહોતી'' તે પછી તેમણે ઉમેર્યું હતું કે ''આજના જમાનામાં કુટુંબના અસ્તિત્વ કે પ્રગતિ માટે પતિ અને પત્ની બંનેની કમાણી અનિવાર્ય બનતી જાય છે ત્યારે મહિલાઓનો એક બહોળો  વર્ગ એવો પણ છે કે જેઓ ઘેર બેઠા  ફોન પર નિરર્થક પંચાત, તમામ સગાઓ અને મિત્ર વર્તુળ જોડેનું રોજેરોજનું અર્થહીન નેટવકગ,  સોશિયલ મીડિયા અને ટીવીમાં ગળાડૂબ રહીને દિવસ અને જીવન પૂરું કરે છે.

આજના ઇન્સ્ટંટ ફૂડ બનાવી આપતા ગેજેટ્સ અને માઈક્રોવેવ જમાનામાં ભોજન બનાવવામાં ખાસ સમય જ નહીં લાગતો હોઈ ગૃહિણીને તે પણ ચિંતા નથી. અગાઉના જમાનાની જેમ ઘરમાં બહોળો સંયુક્ત પરિવાર પણ હવે નથી. મહિલાઓ જ્યાં પણ બહાર નજર ફેરવે ત્યાં કંઈને કંઈ ધંધો, હુન્નર, વ્યવસાય કે નોકરી કરતી મહિલાઓ છે. '' દુનિયામાં  પ્રગતિના પંથનો મધ્યાહ્ન ઉગ્યો હોય ત્યારે  આવી મહિલાઓ  ઘસઘસાટ ઊંઘતી હોય છે. આવી મહિલાઓને ખરેખર તો તેમના માતા પિતાએ જ કોઈ ક્ષમતા પ્રમાણેનો કોર્સ અને નોકરી કે આર્થિક પ્રવૃત્તિ કરવા પ્રોત્સાહિત કરી તેમની જીવનશૈલી બાબત કડકાઈ રાખવી જોઈએ.  હોમ મેકરના નામે કે બહાને હોમ બ્રેકર પણ આજની મહિલા બની જતી હોય છે.

બીજી મહિલાઓએ તમામ ક્ષેત્રે  જે હાંસલ કર્યું છે તે જ આવી ''કાઉચ પોટેટો'' મહિલાઓને હવે ખુલ્લી પાડે છે. પ્રત્યેક મહિલાએ જ નહીં પુરુષે પણ દિવસના અંતે તેમની જાતને પૂછવું જોઈએ કે ''મેં આજે હેતુપૂર્ણ શું કર્યુ?'' વડાપ્રધાન મોદી બધાને કહે છે કે કંઈ બનવા માટેનું  નહીં કંઈ કરવાનું ધ્યેય રાખો. ''પ્રત્યેક ઘરના કેન્દ્ર સ્થાને પતિ અને પત્ની છે. તેઓએ  કંઈપણ વર્તન કે જીવનપદ્ધતિ અપનાવતા સ્વગત પૂછવું જોઈએ કે  'હું જે પણ કરી રહ્યો છું કે જે રીતે જીવનપદ્ધતિ અપનાવી રહ્યો છું તે આગળ જતા મને ક્યાં લાવીને મુકશે.' યાદ રહે, પતિ કે પત્ની બેજવાબદાર વર્તન કર્યા પછી રોફભેર એમ કહીને છુટા પડે કે ''ગો ટુ હેલ.'' તે સશક્તિકરણ ન કહેવાય.

ફાધર વાલેસે ''શબ્દલોક'' માં લખ્યું છે કે મહિલા સશક્તિકરણ કે સ્ત્રી પુરુષ સમોવડી બને તેનો અર્થ એવો ન થઇ જવો જોઈએ કે મહિલા તેનામાં રહેલી  જન્મજાત નારી સંવેદનાઓ અને કુદરત દ્વારા તેને જ આપેલા ગુણોને ધરબી દઈ સંપૂર્ણપણે પુરુષ પ્રકૃતિ અને મિજાજ ધારણ કરે. મહિલા ગમે એટલી પુરુષ પ્રધાન બને પણ તે જે ઊમ અને વાત્સ્તલ્ય કુદરતી રીતે જ હૃદયમાંથી જન્માવી શકે તે પુરુષ માટે શક્ય જ નથી. ઈશ્વરે એટલે જ તો પુરુષ જે કરી શકે તે મહિલા ન કરી શકે અને મહિલા જે  કરી શકે તે પુરુષ માટે સંભવ નથી તે રીતે બે અલાયદી જાતિઓનું સર્જન કર્યું છે.બંનેની પુરક ભૂમિકાથી જ ઘર,કુટુંબ અને સમાજ ટકી શકે.તેમાં પણ ભારતીય સંસ્કૃતિમાં તો મહિલાઓની બહુઆયામી ભૂમિકા છે. પુરુષોનું કામ ભલે મહિલાઓ કરતી પણ મહિલાઓ તેમનામાં જે જન્મજાત લક્ષણો ધરાવે છે તે જવાબદારી તો અદા કરે જ કેમ કે તે પુરુષો નહીં કરી શકે. મહિલા  આદર્શ માતા બની વિશ્વને શ્રેષ્ઠ સંતાન આપી શકે છે તે પ્રદાન પણ પુરુષ માટે શક્ય નથી. આજની માતાના હાથમાં છે કે આસક્ત બનીને તેમના સંતાનોને સશક્ત બનાવવા છે કે દિશાહીન અને અસક્ત.

મહિલા દિન નિમિત્તે મહિલાઓની અખૂટ શક્તિઓનો  ઘર, કુટુંબ, ધર્મ,સંસ્કાર અને આધ્યાત્મિક જગતમાં સુગંધ સાથે પ્રસાર થાય તે રીતે તેઓને દિશા આપવાની છે. શક્તિને ચેનલાઈઝ  ન કરાય તો તે  આંધી તુફાન પણ લાવી શકે તે યાદ રાખવાની જરૂર છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2xeUSSU
Previous
Next Post »