મુગ્ધ ભાવની રંગારંગ અભિવ્યક્તિ


પુત્રીનાં લક્ષણ પારણામાંથી

કળાક્ષેત્રે વિશ્વગુરુની કક્ષામાં પહોંચી ગયેલા વરિષ્ઠ કળાકારોનાં ટકોરાબંધ કળાકર્મો જોઈ રસિકોને ઘણી વાર થાય કે શું આવી કળા સમય સાથે આગળ ચાલશે ખરી ? કળાનું ભાવિશું ? એ જીવતી તો રહેશેને ? વડીલ કળાકારોની પુખ્તતા અને મહાવરો એમની કળામાં પડઘાય - છલકાય અને ધીમું ધીમું મલકાય. ત્યારે એવું લાગે કે, જગતનું આ સત્ય, આવું સૌંદર્ય ટકશે તો ખરું ને ? આવી ચિંતા કાંઈ સાંપ્રત સમયની જ નથી. દરેક યુગે આવા પ્રશ્ન જુવાળો ઉઠયા જ છે અને એના ઉત્તરો પણ વખતોવખત મળી ચૂકયા છે. હા, સમય સાથે આગેકૂચ કરતી દુનિયાને જે-તે સમયે યુવા પેઢીએ ઉચિત પ્રતિભાવો આપ્યા જ છે. 'અમારા જમાનામાં તો...' ઉદ્ગાર પછી આવતાં ઉદાહરણોને પાછા પાડી દે, ઢાંકી દે એવાં કર્તૃત્વો થકી નવંી અને વધતું લોહી વારંવાર પોતાની જવાબદારીની સાબિતી આપતું જ રહે છે. ચિત્રકળાની વાત કરીએ તો ઇતિહાસમાં ડોકિયું કરવું પડે. આગલી સદીઓના ચિત્રકારોએ રાજનૈતિક વિષયોને ખેડેલા. પોટ્રેઇટ (રૂપચિત્ર), યુદ્ધ, લોહિયાળ ક્રાંતિ, રેનેસાં સમયની ઘટનાઓ અને ત્યારબાદ કુદરત વિષયક ચિત્રો તથા દેવી-દેવતાઓનાં ચિત્રોની બોલબાલા વધી. જે પ્રવાહો ચાલતા તેમાં નવા કળાકારો ડૂબકી મારી દઈ પોતાને સાબિત કરતા પરંતુ આધુનિક સમયે પાસું બદલ્યું ત્યારથી ચિત્રકળાનો કાયાકલ્પ થઈ ગયો અને મૉડર્ન આર્ટ માટે ચાહના વધી.

નવનવોન્મેષ શાલિની કળાની મલપતી ચાલ

અલોકિને કોલસા વડે રેખાચિત્રો કરવાં ગમે છે અને ભવિષ્યમાં વૉટર કલર જેવા માધ્યમ પર પ્રયોગ કરવાની નેમ ધરાવે છે. ફોટોગ્રાફીને હાલ કરતાં આગળ જતાં વધુ ખેડવી ગમશે અને સ્થળ પર જઇને તો ચિત્રો કરવાં એ દરેક કલાકારને ગમે જ. સાચું માર્ગદર્શન એને કહેવાય કે ગુરુ માત્ર સૂચન કરે. તેના ચિત્ર પર ચિત્ર ન કરે. વિષયને પ્રેમ કરી વધુ ચોકસાઇ અને ચીવટ કેળવવાનો ગુણ ત્યારે જ કેળવાય જ્યારે માર્ગદર્શક જળકમળવત્ રહી શિષ્યને માટીના કોરા ઘડાની જેમ ઘડે. શ્વેત શ્યામમાં કરેલાં પેન્સિલ ચિત્રોમાં અલોકિ કેવી ખીલે છે તે એના ગ્રે રંગના મસ્ત હાથીના આંશિક ચિત્રને મળીએ તો ખ્યાલ આવે. એમાં હાથીના કપાળની ઝીણી રૂંવાટી અને નાની ખુલ્લી આંખોની આસપાસ, પાંપણોના ઉપલા ભાગે રેસા સમ કરચલીઓની પાતળી રેખાઓ ગજબના રેખાંકન તરીકે ઉપસી આવી. ઉપસેલ ગાલ અને દંતશૂળના મૂળ સુધી પહોંચેલ અતિ ગીચ વળાંકદાર રેખાઓ ઊભી દેખાય તો વળી સૂંઢારંભે આડી રેખાઓ કદાચ તેની ઉંમર સૂચવતી હોય ! બહુશ્રુત હાથીડાના મોટા બધા લબડતા કાનની નીચે શરીરના મુખ્ય ભાગ- પેટને અડતા પગ આખા દેખાતા ન હોવા છતાં હાથી ચાલતો ભાસે છે. ''ભાભો ઢોર ચારતા''ની યાદ અપાવતા દાદાનો અનુભવથી પાકો થયેલો ચહેરો દુનિયાદારીએ પાડેલી કરચલીથી ભરેલો છે. વૃધ્ધિ પામેલા આ વૃધ્ધની આંખ નીચે કરચલીના ઝાડ ઉગ્યા છે. તેમના માથાનો, દાઢીનો અને મૂછનો એક એક સફેદ વાળ વીતેલા જમાનાની વાર્તા માંડે છે. થોડી ગ્લાનિ, થોડી ઇંતેજારી તેમના કાળા-ધોળા મોવાળામાં સમાઇ ગયાં છે.

સદ્યસ્નાતા નાયિકાનો ભાવ શ્વેતશ્યામ રેખાંકનમાં

પાતળી પરમાર એવી સ્ત્રીના પલળેલા દેહમાં રહેલા મનોભાવને આ નાની બાળા કઈ રીતે ઓળખી શકી ? અન્ય કન્યાના સ્કેચમાં ઘણું ઝીણું કંતાયું છે. અણિયાળી આંખો, કેશકલાપ અને માથે છેડલો રાખેલી કન્યાની આંખો બોલકી લાગે છે. કેનવાસ પર એક્રેલિકમાં અલોકિ ખાસ્સી રેળાઇને લાલ, પીળા, લીલા ઘેરા રંગોમાં પંખીડાંને રમાડે છે. જાતે આવેલી કલ્પના મુજબના નીલવર્ણી કૃષ્ણ અને બે મોર સખા એક સંગ સંગીતવિશ્વ ઊભું કરે છે. વાદળી પાણીના પરપોટામાં નાનાં મોટાં ગુલાબી કમળ સમાઈ ગયાં છે. તો, બુધ્ધ અને ગાયના શાંતિપ્રિય સાન્નિધ્યની કલ્પનાને પણ આ દીકરીએ મૌન વાચા અર્પી છે. આ વયે આવો આધ્યાત્મિક સ્પર્શ ! કૃષ્ણ, બુધ્ધ - બંનેનાં નયનો નિમિલિત છે. ગણપતિ દરેક કલાકારનું પ્રિય પાત્ર છે એમાં આ નાનકડી કલાકારે સફેદ ગણપતિના કપાળે માથા સુધી લાલ રંગ ભર્યો છે જેમાં પ્રમાણસરની રેખાઓ જાદુ સર્જે છે. ફ્રેમ પર રેતી ઉપસાવી 'જીવનચક્ર'ના પ્રતીક માટે તેણે અહીં વર્તુળ અને પાંદડાં મૂકી ગહન વિષયને છેડયો છે. 'નીનાકી નાનીકી નાવ ચલી'ને યાદ અપાવતી વેનિસની ગલીઓમાં ચાલતી નાવને તેણે ગતિ અપાવી છે. પુખ્તતા તરફ ગતિ કરતી આ બાળકીની ચિત્રયાત્રા પણ પુખ્ત બનવા થનગની રહી છે.

લસરકો :નીવડેલ નામી વરિષ્ઠ કલા ગુરુઓનો ધર્મ નવલી પેઢીના કાનમાં ફૂંકે કળા મંત્ર-મર્મ

ગુરુ સાચા રાહે, તો શિષ્ય સાચે રસ્તે

હવે એક સંક્રાંતિકાળનો અનુભવ સૌએ કર્યો. આધુનિક કળા સાથે પરંપરાગત કળાઓને ચાહનારો પણ એક વર્ગ ઊભો થયો. વૈશ્વિક સ્તરે કળાસંસ્થાઓ પાંગરી, કળાવિથીકાઓ અને સંગ્રહાલયોમાં મુલાકાતીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જણાયો અને અલબત્ત, અતિ આધુનિક યુગમાં તો સોશિયલ મિડીયાની ઉજળી બાજુ દર્શાવતી, કળાવિષયક સાઇટસ લોકપ્રિય બની. વળી, કળાવિશ્વમાં રમમાણ થવા માટે ક્યાં કોઈ પ્રવેશ પરીક્ષા આપવી પડે છે ? કે કોઈ ઉંમરનો બાધ ખરો ? બસ, કળા તો સ્વયંભૂ ચરણે ઝાંઝર રણકાવતી કળાપ્રેમીના ઉરે પ્રવેશ કરે છે. નવયુગનાં બધાં જ દૂષણો અને પ્રદૂષણોને મહાત કરતી, નાથતી, ભારે પડતી કળારાણી પોતાને બિરાજમાન થવાનાં થાનક શોધી જ લે છે. બાળક જન્મથી જ કોઈક સંસ્કારનું ભાથું લઇને સંસાર પ્રવેશ કરે છે. ક્યાં તો પરંપરાગત વારસાના વ્હાણે એ કળાજળમાં વિહરે છે, અથવા સહજપણે લાધેલી કળામિરાતને એ ઊંડા દિલથી વ્હાલ કરે છે અને એના આગવા વિશ્વમાં સરી પડે છે. સુરતમાં વસતી અને શ્વસતી લાડકી દીકરી અલોકિ વકીલ ચિત્રકળા ખજાનાનો દલ્લો લઇને જ જન્મી છે. મુગ્ધાવસ્થામાં મ્હાલતી માંડ તેર-ચૌદ ચોમાસે પાંગરેલી આ રસવલ્લરીએ ત્રણેક પ્રદર્શનોને તો અંકે કરી જ લીધાં છે. ચિત્ર-કળા પ્રત્યેના તેના ઝોકને પરિવારે જાણ્યો અને ચિત્ર ગુરુ શ્રી રાકોશ ગોહિલે (રાજસર) સતત પ્રેરણાનાં પિયૂષ પાઇને વધાવ્યો અને વધાર્યો. તે કેનવાસ પર પહેલાં પોસ્ટર કલર અને પછી એક્રેલિક રંગો વડે ખુદને ઢાળવા માંડી. કુદરત, વસ્તુઓ અને દેવી-દેવતા તેના ચહિતા વિષયો છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3cojJnE
Previous
Next Post »