
વાહનો સાથેની અથડામણમાં મૃત્યુ પામતાં સજીવોને બચાવવા માણસ કેવાં પ્રયાસો કરે છે? એ પ્રયાસો કારગત નીવડે એમ છે? વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ડેએ રીપોર્ટકાર્ડ જોઈએ...
ભારતનો એક સરકારી અહેવાલ વાંચો : '૨૦૧૮માં રોડ અને રેલ અકસ્માતમાં ૧૬૧ જંગલી પ્રાણીઓ મૃત્યુ પામ્યાં હતાં. કચડાઈ મરેલા જંગલી પ્રાણીઓમાં ૮૦ દીપડાં, પાંચ સિંહ, ત્રણ વાઘ, ૩૦ હાથી, ૧૫ હરણનો સમાવેશ થતો હતો'. આ સરકારી અહેવાલ છે, એમાં સંખ્યા ધારણા કરતા ઓછી હશે. ખરેખરો આંકડો કદાચ આનાથી બમણો પણ હોઈ શકે.
માત્ર ભારતમાં જ આ સ્થિતિ નથી, દુનિયાભરમાં વર્ષે અસંખ્ય પ્રાણીઓ વાહનોની હડફેટે મૃત્યુ પામે છે. માણસ પૃથ્વીના એકેએક ખૂણે ફરી વળ્યો છે. થોડાંક દશકા પહેલાં જ્યાં પહોંચવું દુષ્કર હતું ત્યાં સુધી હવે રેલવે ટ્રેક કે રસ્તા બની ચૂક્યા છે.
આના ફાયદા અનેક છે, એમ ગેરફાયદા પણ સામે આવતા જાય છે. અગાઉ ક્યારેય નહોતા થતા એટલા માર્ગ અકસ્માતો થાય છે. દુનિયામાં વર્ષે પાંચ-સાત લાખ લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવે છે. એવી જ સ્થિતિ સજીવોની પણ થઈ છે. કેટલાં લોકો માર્ગ અકસ્માતનો ભોગ બને છે એના અહેવાલો જ જ્યાં માંડ થોડાંક વર્ષોથી તૈયાર થતાં હોય ત્યાં કેટલાં સજીવો મૃત્યુ પામે છે એ તપાસવાની નવરાશ કોને હોય? તેમ છતાં એકાદ દશકાથી એ દિશામાં ગણતરી થવા માંડી છે.
અમેરિકામાં વર્ષે પ્રાણીઓ સાથે અથડામણના ૧૨ લાખ કિસ્સા બને છે. ડેમેજ માટે ક્લેઈમ થાય છે એના આધારે આ આંકડો જાહેર કરાયો હતો. એકલા અમેરિકામાં એક વર્ષમાં વાઈલ્ડ એનિમલ કહેવાય એવા દીપડા, ચિત્તા સહિતના ૧૯૨૩ પ્રાણીઓ રેલવેના પાટામાં કે રસ્તા ઉપર કચડાઈ જાય છે. ભૂંડ, ગધેડાં, વાંદરાં, કૂતરાં, બિલાડાં, ખીલકોલી, ઉંદરોને ગણતરીમાં લેવાય તો તો આંકડો ૧૦-૧૨ લાખને પાર પહોંચી જાય છે.
યુરોપિયન દેશોમાં વાહનો સાથે અથડાઈને વર્ષે ૧૫ લાખથી બે કરોડ જેટલાં પ્રાણી-પંખીઓ જીવ ગુમાવતા હોવાનો અંદાજ છે. હોલેન્ડના બાયોલોજિસ્ટ આર્નોલ્ડ વાને ૨૦૧૧માં એક સંશોધન કરીને તારણ આપ્યું હતું કે વિશ્વમાં ૩૫ લાખ કરોડ જીવ-જંતુઓ વાહનોની નીચે કચડાઈ જાય છે. વાઈલ્ડ એનિમલની કેટેગરીમાં જે સજીવો આવે છે એવાં જ લાખોની સંખ્યામાં રોડ અને રેલ અકસ્માતમાં દમ તોડી દે છે.
એક તરફ ક્લાઈમેટ ચેન્જના કારણે છેલ્લાં ૪૦ વર્ષમાં એક પછી એક પ્રાણી-પંખીઓની પ્રજાતિ લુપ્ત થતી જાય છે ત્યાં બીજી તરફ સજીવો ઉપર માર્ગ અકસ્માતનો ખતરો બમણો થવા લાગ્યો છે. અમુક અહેવાલો તો એવો દાવો કરે છે કે રેલગાડી અને વાહનો સાથે અથડાઈને વર્ષે ૪૫થી ૪૭ કરોડ નાના-મોટા સજીવો મૃત્યુ પામે છે!
સજીવોની વાહનો સાથેની અથડામણ માટે 'રોડકિલ' જેવો શબ્દ વપરાય છે. આ રોડકિલનો વિશ્વસનીય આંકડો ઉપલબ્ધ નથી, છતાં વર્ષે દહાડે લાખો-કરોડો સજીવો રોડકિલનો ભોગ બને છે એ નક્કી છે.
કુદરતી રીતે જ પ્રાણી-પંખીઓ ઓછા થતાં જાય છે એમાં માનવસર્જિત જોખમ ઓછું ન થાય તો તો થોડાંક વર્ષોમાં તેના ગંભીર પરિણામો માણસે જ ભોગવવા પડે - એવું વિચારીને થોડાંક વર્ષોથી રોડકિલના જોખમમાંથી સજીવોને બચાવવા પ્રયાસો શરૂ થયા છે. એમાં સૌથી મહત્વના પ્રયોગનું નામ છે : વાઈલ્ડલાઈફ ક્રોસિંગ.
વાઈલ્ડલાઈફ ક્રોસિંગ એટલે અંડરબ્રિજ કે ઓવરબ્રિજ. પરંતુ ફરક એટલો કે એ ખાસ પ્રાણીઓને ધ્યાનમાં રાખીને ડિઝાઈન થાય છે. માણસને ચાલીને કે વાહન લઈને એમાંથી પસાર થવાની પરવાનગી હોતી નથી. એને ગ્રીન બ્રિજ પણ કહેવાય છે. જંગલની એક સાઈડથી બીજી સાઈડ જવા માટે પ્રાણી પસાર થાય ત્યારે એને જંગલનો રસ્તો હોય એવું જ લાગે એ માટે રસ્તામાં ઘાસ અને નાના-નાના રોપા-વેલાં રોપવામાં આવે છે. એ ક્રોસિંગની ઉપરથી કે નીચેથી વાહન પસાર થાય એનો અવાજ શક્ય એટલો ઓછો આવે એવીય તકેદારી રાખવામાં આવે છે.
વાઈલ્ડલાઈફ ક્રોસિંગનો વિચાર સાવ નવો નથી. છેક ૧૮૩૭માં કેનેડામાં ફોરેસ્ટ બાયપાસના નામથી રીચર્ડ મેક્ફેર્લેને પેટન્ટનો દાવો કર્યો હતો. રીચર્ડે તેના ઘરની નજીક આવો એક બાયપાસ બનાવ્યો હતો. ૧૯૫૦ પછી ફ્રાન્સમાં પહેલો વાઈલ્ડલાઈફ બ્રિજ બન્યો હતો. એ જ અરસામાં યુરોપિયન દેશોમાં છૂટાછવાયા પ્રયોગો થયા હતા, પણ ખાસ પ્રગતિ થઈ નહીં.
કેનેડામાં રોડ ઈમ્પ્રૂવમેન્ટ પ્રોજેક્ટ ૧૯૭૮માં શરૂ થયો ત્યારે ૨૪ વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બનાવવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. ખાસ તો બાન્ફ નેશનલ પાર્કમાંથી નીકળતા હાઈ-વે ઉપર માનવ અને પાણીની અથડામણ રોકવા માટે ખાસ બ્રિજની જરૂરિયાત ઉપર ભાર મૂકાયો હતો. પછીના ૩૦ વર્ષમાં એક પછી એક વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બનતા રહ્યાં હતાં. સૌથી વિખ્યાત અને નમૂનેદાર વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બાન્ફ નેશનલ પાર્કમાં જ બન્યો છે. હવે આ નેશનલ હાઈવે પર ૨૪ વાઈલ્ડલાઈફ ક્રોસિંગ કાર્યરત છે. છેલ્લાં ૧૦ વર્ષમાં આ વાઈલ્ડલાઈફ ક્રોસિંગનો ઉપયોગ સજીવોએ ૮૪,૦૦૦ વખત કર્યો હતો.
૨૧મી સદીમાં જ્યારે માણસ સાથે જંગલી પ્રાણીઓના ટકરાવો વધ્યા તે પછી નવી રીતે વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બનાવવાનું શરૂ થયું. અમેરિકાના કેલિફોર્નિયામાં એક બ્રિજ બન્યો અને મોન્ટાનામાં ઓવરબ્રિજ બન્યો. એની અસરકારકતા જોઈને હવે અમેરિકા અને કેનેડામાં વાઈલ્ડલાઈફ ક્રોસિંગનું પ્રમાણ છેલ્લાં ચાર-પાંચ વર્ષથી ઘણું વધ્યું છે. એ માટે સ્થાનિક સરકારી બૉડી વાઈલ્ડલાઈફ ક્રોસિંગના બજેટની જોગવાઈ કરતી થઈ છે.
જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, સિંગાપોર જેવાં દેશોના નેશનલ પાર્ક્સમાં ય વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બન્યા છે. નેધરલેન્ડમાં તો આવા નાના-મોટા ૬૦૦ વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બન્યાનું અમેરિકાની હ્મુમન સોસાયટીએ કહ્યું હતું. એમાં બે ફૂટના સાવ નાનકડા ક્રોસિંગનો પણ સમાવેશ થયો હતો.
ભારતમાં ઘણાં જંગલોમાં પ્રાણીઓ માટે ખાસ બ્રિજ અને અંડરપાસ બનાવાયા છે, પરંતુ એ વાઈલ્ડલાઈફ ક્રોસિંગની સ્ટાઈલથી ડિઝાઈન થતા નથી. કેનેડા, અમેરિકા, ફ્રાન્સ કે ફિન્લેન્ડ જે રીતે અલગ બજેટ ફાળવીને નમૂનેદાર ઈકોફ્રેન્ડલી સ્ટાઈલથી વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બનાવે છે એવા ક્રોસિંગ્સ ભારતમાં હજુ જોવા મળતા નથી.
એક સંશોધન પ્રમાણે રોડ પ્રોજેક્ટમાં વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બનાવવાનો પ્રોજેક્ટ ઉમેરાય તો કોસ્ટ ૭-૮ ટકા વધી જાય છે. કદાચ એટલે જ વિકાસશીલ દેશો એ રકમ ફાળવવાનું ટાળે છે, પરંતુ લાંબાંગાળે તેના ફાયદા ચોક્કસ જણાયા છે.
જે હાઈ-વેમાં વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બન્યા હતા ત્યાં માણસ અને પ્રાણીની અથડામણ ૪૮ ટકા સુધી ઘટી ગઈ હતી. અમેરિકામાં જ થયેલા એક સર્વેક્ષણ પ્રમાણે એક વાઈલ્ડલાઈફ ક્રોસિંગનો ઉપયોગ વર્ષે સરેરાશ ૩૦૦ સજીવો કરે છે.
ડિસેમ્બર-૨૦૧૮માં એક પ્રાણીએ ખાસ વાઈલ્ડલાઈફ ક્રોસિંગનો સહારો લીધો એનો વિડીયો વાયરલ થયો હતો. નિષ્ણાતોએ એવો ઓપિનિયન આપ્યો હતો કે જો વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બને તો સજીવો જાણી-જોઈને તેનો ઉપયોગ કરવા લાગશે. જેમ પાલતુ જાનવરો માલિકનું ઘર શોધી લે છે અને જેમ હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને પક્ષીઓ પોતાનું મૂળ નિવાસ શોધી કાઢે છે, એમ જંગલના પ્રાણીઓ પણ ચોક્કસ રસ્તા યાદ રાખે છે. જો અમુક કિલોમીટરના વિસ્તારમાં વાઈલ્ડલાઈફ ક્રોસિંગ બને તો સજીવો એનો ઉપયોગ કરતા થશે અને અકસ્માતો ઘટશે તે નક્કી છે.
વેલ, અબજો રૂપિયાના બાંધકામો માણસ પોતાના માટે કરે છે અને એની આડઅસર સજીવસૃષ્ટિ ઉપર થઈ રહી છે ત્યારે થોડાંક ઈકોફ્રેન્ડલી બાંધકામો સજીવો માટે થાય એમાં કશું ખોટું નથી. માણસ અને પ્રાણીની અથડામણ ઘટે તો એમાં ફાયદો બંને પક્ષે છે.
૫૦ વર્ષમાં વાઈલ્ડલાઈફ પોપ્યુલેશન ૫૩ ટકા ઘટયું
વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરના અહેવાલ પ્રમાણે ૧૯૭૦થી ૨૦૨૦ દરમિયાન વાઈલ્ડલાઈફ પોપ્યુલેશન ૫૩ ટકા સુધી ઘટી ગયું છે. દુનિયાભરના ૫૯ વિજ્ઞાાનીઓએ તૈયાર કરેલાં રીપોર્ટ પ્રમાણે પ્રાણી-પંખી, માછલી અને સરીસૃપનું પોપ્યુલેશન ભયનજક રીતે ઘટી રહ્યું છે. માણસની વધતી વસતિ અને પ્રાણીઓ માટે ખડી થયેલી ખોરાકની ગંભીર તંગી એ પાછળ જવાબદાર હોવાનું કહેવાયું હતું. જંગલોની આસપાસ બની રહેલા ઔદ્યોગિક એકમો અને તેનું પ્રદૂષણ સજીવો માટે ત્રાસરૂપ થઈ પડયાં છે.
દરિયામાં પ્લાસ્ટિકનો જથ્થો વધતો જાય છે અને પ્રાણઘાતક કેમિકલનો કદડો પાણીમાં ભળતો જતો હોવાથી દરિયાઈ સજીવોની કેટલીય પ્રજાતિ લુપ્ત થવા માંડી છે. કેમિકલ પ્રદૂષણના કારણે છેલ્લાં બે-અઢી દશકામાં જ અડધો અડધ વ્હેલનું નિકંદન નીકળી ચૂક્યું છે. સમુદ્રી જીવસૃષ્ટિ નાશ પામી રહી હોવા પાછળ એક કારણ આડેધડ થતી માછીમારી પણ ખરી. વિજ્ઞાાનીઓના મતે મત્સ્યઉદ્યોગને જેટલું પ્રોત્સાહન મળે છે એટલું મહત્વ મત્સ્યસંરક્ષણને અપાતું ન હોવાથી માછલીઓની વૈવિધ્યસભર સૃષ્ટિ જોખમમાં આવી ગઈ છે.
સંરક્ષણના પ્રયાસો કારગત નીવડી શકે તેના ઉદાહરણો
ભારતમાં વાઘોની વસતિ ૩૩ ટકા જેટલી વધી તે બાબતે વર્લ્ડ વાઈડ ફંડ ફોર નેચરના એ રીપોર્ટમાં ખાસ નોંધ લેવામાં આવી હતી. જ્યારે દુનિયાભરમાં અલગ અલગ પ્રજાતિના સજીવોની વસતિ ઘટી રહી છે ત્યારે વાઘોની સંખ્યા ૨૨૦૦થી ૩૦૦૦ને પાર થઈ તે અંગે વિજ્ઞાાનીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.ચીને પાન્ડા અને બ્રિટને ઓટર (એક પ્રકારનો જળબિલાડો)ના સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા મેળવી હતી એના ઉદાહરણો પણ અહેવાલમાં અપાયા હતા. બ્રિટને ૨૦૦૮થી ૨૦૧૯ સુધીમાં ઓટરની સંખ્યામાં ૪૪ ટકાનો વધારો કરી બતાવ્યો હતો. ૨૦ વર્ષ પહેલાં આ જળબિલાડાની જાતિ ઉપર લુપ્ત થઈ જવાનો ખતરો મંડરાતો હતો. બ્રિટનના સઘન પ્રયાસોથી એ પ્રજાતિને નવજીવન મળ્યું છે. ચીને જાયન્ટ પાન્ડાની સંખ્યામાં નમૂનેદાર વૃદ્ધિ કરી દેખાડી હતી. ૨૦૦૩માં માત્ર ૨૬૮ પાન્ડા બચ્યા હતા. ૧૦ વર્ષમાં જાયન્ટ પાન્ડાની સંખ્યા ૧૮૦૦ને પાર થઈ ગઈ હતી. આ ત્રણ સફળ પ્રયાસો જેવાં જ પ્રયાસો અન્ય સજીવોના સંરક્ષણમાં પણ થવા જોઈએ એવી સલાહ વિજ્ઞાાનીઓએ દુનિયાભરની સરકારોને આપી હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/389PA8e
ConversionConversion EmoticonEmoticon