આણંદ તાલુકાના જોળ ગામમાં 15 દિવસથી દૂષિત પાણી આવતા હોબાળો


આણંદ, તા.02 માર્ચ 2020, સોમવાર

આણંદ તાલુકાના જોળ ગામે છેલ્લા પંદરેક દિવસથી પીવાનું દુષિત પાણી આવતા ગ્રામજનોએ આજે પંચાયતનો ઘેરાવો કરી હોબાળો મચાવ્યો હતો. ગ્રામજનો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવતા પંચાયતના સત્તાધીશો સફાળા જાગ્યા હતા અને પાણીના બોરમાંથી ગ્રામજનોને શુધ્ધ પાણી મળે તે માટે કામગીરી આરંભી હતી.

વધુમાં મળતી વિગતો મુજબ આણંદ તાલુકાનું જોળ ગામ આશરે પાંચ હજારથી વધુ વસ્તી ધરાવે છે. આ ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા માટે વિવિધ વિસ્તારોમાં ત્રણ પાણીના બોર આવેલા છે. જો કે તાજેતરમાં પંચાયત દ્વારા નવા પાણીના બોરની કામગીરી કરાઈ હતી. 

પરંતુ છેલ્લા પંદરેક દિવસથી ગામના આશરે ૨૦૦ જેટલા પરિવારોને પીવાનું પાણી દુષિત મળી રહ્યું હતું. પીવાના પાણીમાં રેતીનો કચરો મળતા ગ્રામજનો દ્વારા આ અંગે પંચાયતમાં રજૂઆત કરાઈ હતી. જો કે પંચાયતના સત્તાધીશો દ્વારા આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતા રોષે ભરાયેલા ગ્રામજનો દ્વારા આજરોજ જોળ ગામે હોબાળો મચાવી પંચાયત ખાતે એકત્ર થઈ પોતાનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ગ્રામજનો દ્વારા આ અંગે સરપંચને લેખિત રજૂઆત કરી ગામમાં સત્વરે યોગ્ય પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માંગ કરાઈ હતી.

જો કે ગ્રામજનોનો રોષ જોઈ પંચાયતના સત્તાધીશો તુરંત જ હરકતમાં આવ્યા હતા અને નવનિર્માણ કરાયેલ પાણીના બોરમાંથી આપવામાં આવેલ પાણીના કનેક્શન દુર કરી પાણીના બોરમાંથી દુષિત પાણી બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી. વધુમાં ગામની મહિલાઓએ આક્રોશપૂર્વક જણાવ્યું હતું કે છેલ્લા પંદરેક દિવસથી પીવાનું પાણી દુષિત આવવાના કારણે ઘણાં લોકો બીમારીમાં સપડાયા છે અને ગ્રામજનોને પાણી માટે વલખાં મારવાનો વારો આવ્યો છે. આ અંગે ગામના સરપંચે જણાવ્યું હતું કે ગ્રામજનોની ફરિયાદને ધ્યાનમાં લઈ પાણીના બોરમાં વધારાની પાઈપ નાખી બોરની ઉંડાઈ વધુ કરવામાં આવશે ત્યારબાદ ગ્રામજનોને શુધ્ધ પાણીની સગવડ મળશે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3anvCs1
Previous
Next Post »