
નડિયાદ, તા.05 માર્ચ 2020, ગુરુવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાના આજથી પ્રારંભ થયો છે. ખેડા જિલ્લાના તમામ તાલુકાઓમાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી. ધોરણ ૧૦માં ગુજરાતી અને ૧૨માં નામાના મુળ તત્વોનું પેપર પૂર્ણ થયું હતુ.પ્રથમ દિવસે ધો-૧૨માં ખેડા જિલ્લામાં નડિયાદ શહેરની એક શાળામાં એક કોપી કેસ નોધાયો છે.
માર્ચમાં યોજાતી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો આજે ૫ માર્ચના રોજ પ્રારંભ થયો હતો. ખેડા જિલ્લાના ૧૦ અને ૧૨ ધોરણના હજારો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. નડિયાદ, ઠાસરા, મહેમદાવાદ, મહુધા, કઠલાલ, કપડવંજ, ખેડા અને માતર સહિતના તાલુકાઓના સેન્ટરોમાં પરીક્ષા યોજાઈ હતી. જેમાં ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓએ આપેલું ગુજરાતીનું પેપર વિદ્યાર્થીઓના મતે સરળ રહ્યું હતું. જ્યારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં લેવાયેલું નામાના મુળ તત્વનુ પેપર સરળ રહ્યુ હોવાનું બાળકોમાં ચર્ચાઈ રહ્યું હતુ. જ્યારે ૧૨ વિજ્ઞાાન પ્રવાહમાં ભૌતિકવિજ્ઞાાનનુ પેપર સરળ રહ્યું હોવાનું વિદ્યાર્થી વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું હતું.
બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ધો-૧૨માં નામાના મૂળ તત્વ પરીક્ષા દરમિયાન નડિયાદની મ્યુનિસીપલ હાઇસ્કુલમાં એક કોપી કેસ નોધાયા ર્હોવાનુ ડી.ઇ.ઓ ઓફિસ કંટ્રોલ રૂમના ફરજ પરના અધિકારીએ જણાવ્યુ છે.વહેલી સવારથી જ દરેક પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને વાલીઓના ટોળા ઉમટેલા નજરે ચઢ્યા હતા. અને પરીક્ષાનો સમય શરૂ થતાં જ બાળકો પોતાના સીટ નબંર પ્રમાણે ગોઠવાઈ ગયા હતા. તેમજ મોટા પ્રમાણમાં વાલીઓ શાળાના મેદાનો અને શાળાના ગેટની બહાર ટોળેવળીને ઉભા રહેલા જોવા મળ્યા હતા.જો કે તંત્ર દ્વારા ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઉભા રહેવાની મનાઈ ફરમાવી હતી તેમ છતા આ દ્રશ્યો જોવા મળ્યા હતાં. ખેડા જિલ્લાની મોટાભાગની શાળાઓમાં શાળાના આચાર્યો, શિક્ષકો અને ટ્રસ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમ-કુમ તિલક અને મો મીઠુ કરાવી પરીક્ષા ખંડમાં મોકલ્યા હતા.ત્યારે ઘરેથી પણ વિદ્યાર્થીઓને પોતાના વાલીઓએ કુમ-કુમના તિલક અને આશીર્વાદ આપી પરીક્ષા આપવા માટે મોકલ્યા હતા.બોર્ડની પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
બોર્ડ પરીક્ષાના પ્રથમ દિવસે નડિયાદ, બોરસદમાં એક-એક કોપી કેસ નોંધાયા
ચરોતર પંથકમાં ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષામાં ગેરરીતી અટકાવવા શિક્ષણ વિભાગ દ્વારા બાજ નજર રાખવામાં આવી હતી તેમ છતાં પરીક્ષાના પ્રથમ દિવસે નડિયાદના એક કેન્દ્ર પર એક કોપી કેસ નોંધાયો હતો. જયારે આણંદ જિલ્લાના બોરસદની આર.એ. પટેલ હાઇસ્કૂલમાં ફિઝીક્સના પેપરમાં એક વિદ્યાર્થિની વર્ગખંડમાં પરીક્ષા દરમિયાન ચીઠ્ઠીમાંથી ચોરી કરતા રંગેહાથ ઝડપાઇ હતી.
ગુજરાતી વિષયમાં પર્યાવરણ બચાવો, રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના નિબંધો પૂછાયા
યુવાપેઢીમાં રાષ્ટ્ર પ્રત્યે ભાવના જાગે અને પર્યાવરણ પ્રત્યે સજાગ બને તે હેતુને ધ્યાનમાં રાખી ગુરૂવારના રોજ યોજાયેલ ધો.૧૦ પરીક્ષાના ગુજરાતી વિષયના પ્રશ્નપત્રમાં રાષ્ટ્રીય એક્તા અને અખંડિતતા તથા વૃક્ષ વાવો અને પર્યાવરણ બચાવો તેમજ પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન જેવા વિષયો ઉપર નિબંધ પુછાતા વિદ્યાર્થીઓએ રસપૂર્વક પોતાના વિચારો જવાબ સ્વરૂપે રજૂ કર્યા હતા. પરીક્ષાના પ્રથમ દિવસે ગુજરાતી વિષયની પરીક્ષામાં પ્રશ્નપત્ર એકંદરે સરળ રહેતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ જોવા મળ્યા હતા.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TFkX57
ConversionConversion EmoticonEmoticon