
ઇતિહાસવિદ રામચંદ્ર ગુહાનો કેન્દ્રના વિદેશ મંત્રી એસ.જયશંકર પર નહેરુને બદનામ કરવા 'ફેક ન્યુઝ'ફેલાવવાનો આરોપ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને ઇતિહાસવિદ અને લેખક રામચંદ્ર ગુહા વચ્ચે શાબ્દિક યુદ્ધ અત્યારે દિલ્હીની પ્રેસ ક્લબ અને કોફી હાઉસમાં ગરમાવો જમાવી રહ્યું છે. હવે તો પાર્ટી અને ક્લબોમાં પણ કહેવાતા બૌદ્ધિકો ટેબ્લોઈડ સ્ટોરીની ચર્ચા કરતા જોવા મળે છે. આપણા રાજકીય વિશ્લેષકો, વક્તાઓ અને લેખકોની પીન જે રેકોર્ડ પર ચોંટી ગઈ છે તે જ ઘીસો પીટો નેહરુ વિરુદ્ધ સરદાર પટેલનો વિવાદ ફરી છેડાયો છે. જયશંકરે એવી કોમેન્ટ કરી કે ધ તેમણે જે જાણ્યું છે તે પ્રમાણે આઝાદી મળ્યા પછી રચાયેલી સૌપ્રથમ સરકારમાં વડાપ્રધાન નહેરુ સરદાર પટેલને કેબિનેટમાં સ્થાન આપવા નહોતા માંગતા. એટલે કે પ્રધાન બનાવવા નહોતા ઈચ્છતા - દેશના વર્તમાન વિદેશ મંત્રી અને તે પણ એવા કે જેમણે આંતરરાષ્ટ્રીય સંબંધો પર જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી પી એચ ડી કર્યું છે તે આવું નિવેદન કરે એટલે તેનું મહત્વ વધી જાય તેમાં શક નથી.
રામચંદ્ર ગુહાથી રહેવાયું નહીં અને તેમણે તરત જ તીખા શબ્દોમાં ઝાટકણી કાઢી કે ''મિસ્ટર તમે નહેરુ પર જે આરોપ મુકો છો તે દંતકથા અને પાયાહીન ગપ્પાબાજી છે. તમે ફેક ન્યુઝનો પ્રસાર કરી રહ્યા છો.'' બસ તે પછી સામસામે ટવીટર પર અહિંસક યુદ્ધ જામ્યું.
જયશંકરે લખ્યું કે હમણા મેં એક પુસ્તકનું વિમોચન કર્યું જે અભ્યાસુ અને આધારભૂત લેખકનું છે તેમાં જણાવ્યું છે કે નહેરુએ કેબિનેટમાં સ્થાન મેળવનાર પ્રધાનોની જે પ્રથમ યાદી બનાવી હતી તેમાં સરદાર પટેલનું નામ જ નહોતું. જયશંકર જે પુસ્તકની વાત કરે છે તે નારાયણી બસુ લિખિત વી પી મેનનની બાયોગ્રાફી છે જેમાં આ ચવાઈ ગયેલો ધડાકો વણી લેવામાં આવ્યો છે. જયશંકરે ટવીટમાં લેખકને બિરદાવતા પોતે પહેલી વખત આ ગોસીપ જાણે વિશ્વ સમક્ષ આવી હોય તેમ લખ્યું છે કે લેખકે સરદાર પટેલ જેવા ઐતિહાસિક વિરાટ વ્યક્તિને આટલા વર્ષો પછી ન્યાય આપ્યો છે.
રામચંદ્ર ગુહા ઉપરાંત શશી થરુર અને જયરામ રમેશ જેવા કોંગ્રેસના વિદ્વાનોએ પણ .જયશંકર જેવા જવાબદાર નેતા અને શિક્ષિત નેતાએ કરેલા આવા નિવેદનને આકરા શબ્દોમાં વખોડી કાઢયું છે. તેઓએ જયશંકર પર એવો આરોપ મુક્યો છે કે ભાજપના નેતાઓ જ નહીં હવે તો લશ્કરના વડાઓ પણ ભાજપના હાઈ કમાન્ડ(મોદી-અમિત શાહ)ની ખુશામત કરવા બેજવાબદાર અને બેબુનિયાદ કોમેન્ટ કરતા થયા છે. તેઓ એવું માને છે કે નહેરુથી માંડી રાષ્ટ્રવાદ, હિંદુ ધર્મથી માંડી સી એ એ જેવા મુદ્દાઓ પર હેડલાઈન બને તેવી કોમેન્ટ કરીશું તો ગુડ બુકમાં રહીશું.
સ્થાન ટકી રહેશે કે બઢતી પણ મળી શકે. કેટલાક યુવા નેતાઓ ભવિષ્યમાં ચુંટણીમાં ઉભા રહેવાની ટીકીટ મળે તેથી એવા બેફામ નિવેદનો કરે છે જે દેશની એકતા અને શાંતિ પર સીધો પ્રહાર કરે છે. દિલ્હી વિધાન સભાની ચુંટણીમાં ઝાટકો લાગે તેવી નાલેશી પછી અમિત શાહે પણ કબુલ્યું છે કે ધિક્કાર જન્માવતી સ્પીચને લીધે કદાચ અમે હાર્યા હોઈએ. અસામાજિક તત્વો અને ગુંડાઓને શોભે તેવી ભાષાના પ્રયોગ પર ચુંટણી પંચ સજા જાહેર કરે તે પહેલા જ ભાજપ હાઈ કમાન્ડે દેશના નાગરિકોની માફી માંગી પક્ષ માટે બેક્ટેરિયા પુરવાર થાય તેવા નેતાઓને પાણીચું પકડાવી દેવું જોઈએ.
ફરી વિવાદની વાત પર આવીએ તો રામચંદ્ર ગુહાએ એવી વળતી ટવીટ કરી કે આધુનિક ભારતના નિર્માણના બે મહાન ઘડવૈયાઓ માટે આ રીતે કોમેન્ટ કરનાર જયશંકરે ભાજપના આઈ ટી સેલમાંથી રાજીનામું આપી દેવું જોઈએ.તેમની ફેક કોમેન્ટ આઈ ટી સેલ અંતર્ગત આવતી હોઈ રેકોર્ડ બની જતી હોય છે.ગુહાએ એક અલગ ટવીટમાં એ પત્રની નકલ જ મૂકી દીધી જે નહેરુ દ્વારા લખાયેલો છે જેમાં તેઓ સરદાર પટેલને કેબીનેટના મજબુત સ્તંભ તરીકે નવાજી કેબિનેટમાં જોડાવવાનું આમંત્રણ અપાયું છે.
જો કે જયશંકરે આ પુરાવા છતાં વિવાદને સમેટી લેવાની જગાએ શાબ્દિક સટાસટી આગળ ધપાવી અને વધુ એક ટવીટ કર્યું કે ''કેટલાક વિદેશ મંત્રીને પુસ્તક વાંચવાની પણ આદત છે. (ગુહાને ટોણો મારતા) પ્રોફેસરો પણ વાંચવાની આવી સારી આદત પાડે તો સારું. હું તેઓને હમણા જ મેં જે પુસ્તકનું વિમોચન કર્યું તે વાંચવાની ભલામણ કરું છું. હવે જવાબ આપવાનો વારો ગુહાનો હતો. તેમણે ટવીટ કર્યું કે ''સાહેબ ,તમે તો જે એન યુમાંથી પી એચ ડી કર્યું છે.તમે તો મારા કરતા પણ કેટલાયે પુસ્તકો વાંચ્યા હશે તેમાં નહેરુ અને પટેલ વચ્ચેના પત્ર વ્યવહારનું પુસ્તક પણ છે જે વાંચજો જેમાં નહેરુ સરદારને 'મજબુત સ્તંભ' તરીકે સંબોધી કેબિનેટમાં જોડાવવા આમંત્રણ આપે છે. હું આવા પત્રોની નકલ પણ આ સાથે પોસ્ટ કરું છું.''
આ વિવાદના દસ્તાવેજી ઇતિહાસમાં જઈએ તો માત્ર એક જ સંદર્ભ વારંવાર અપાય છે તે ૧૯૬૯માં પ્રકાશિત થયેલ લેખક એચ વી હોડસનના પુસ્તક ''ધ ગ્રેટ ડીવાઈડ: બ્રિટન, ઇન્ડિયા ,પાકિસ્તાન''નો છે જેમાં લેખકે મેનનની મુલાકાતને ટાંકીને એવો દાવો કરાયો છે કે નેહરુ કેબિનેટમાં સરદાર પટેલને સ્થાન આપવાનું નહોતા ઈચ્છતા. નહેરુ આઝાદ ભારતની રચના પૂર્વેની લોર્ડ માઉન્ટ બેટનને બ્રીફ ઓગસ્ટ,૧૯૪૭ ના પત્રમાં આપે છે તે સંદર્ભ તેમણે મુક્યો છે. આવા એક પત્રમાં કેબીનેટના સંભવિતોમાં સરદાર પટેલનું નામ નહોતું. લેખક હોડસને લોર્ડ માઉન્ટબેટન જોડે પુસ્તક લખવા માટે પત્ર વ્યવહાર પણ કર્યોે હતો . નહેરુ સરદાર પટેલને કેબિનેટમાં સ્થાન નહોતા આપવા માંગતા તે ખરું ? તે અંગે હોડસને માઉન્ટબેટનને કઇંક પ્રકાશ ફેંકવા જણાવ્યું ત્યારે માઉન્ટબેટને ઉત્તર આપતા લખ્યું હતું કે ધનહેરુની સાથે ચા પાણી કરતો હતો ત્યારે મેં તેમને ચેતવ્યા હતા કે તમે જે કહો છો તે (સરદાર પટેલની બાદબાકી) હોટ પોટેટો જેવી વાત છે. મારી સલાહ છે કે આ બાબત રેકોર્ડમાં તો ઠીક ગોસીપમાં પણ ન આવવી જોઈએ.''
જયશંકર જે પુસ્તકનું વિમોચન કર્યું તે 'વી પી મેનન : ધ અનસંગ આકટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા'માં એવું લખાયું છે કે સરદાર પટેલના જમણા હાથ સમાન અમલદાર વી પી મેનને જયારે જાણ્યું કે નહેરુની કેબીનેટ મંત્રીઓની યાદીમાં સરદાર પટેલનું સ્થાન નથી ત્યારે તેઓ માઉન્ટબેટનને લઈને ગાંધીજી પાસે ગયા હતા અને નહેરુને સરદાર પટેલનું નામ સામેલ કરવા ભલામણ કરી હતી. જો કે આઝાદી પૂર્વેના, આઝાદીની પ્રક્રિયા, ભાગલા તેમજ આઝાદી પછીના ઘટનાક્રમના તમામ દસ્તાવેજો સચવાયા છે.
નહેરુએ પત્રોમાં સરદાર પટેલની મહત્તા અને દેશના સ્તંભ તરીકે તેને આદર અપાયો છે. કેબીનેટની યાદીમાં પણ સરદાર પટેલનું નામ મોખરે છે તે પણ એક કરતા વધુ પત્રોમાં જોઈ શકાય છે. જયશંકર જેવા લોકો નહેરુ વિરોધી જે પણ દાવો કરે છે તે કોઈના 'ક્વોટ' છે. તેઓ તો તેનો ટેકો લઈને એમ જ કહેવાના કે નહેરુના પત્રોમાં જે સમાવિષ્ટ છે તે દસ્તાવેજી બન્યા તે પૂર્વે નહેરૂની જે ઈચ્છા અને માનસ હતું તે માઉન્ટબેટન, હોડસન અને મેનનના સીધાકે આડકતરા નિવેદનોથી પુરવાર થાય છે.
જેવો આવો વિવાદ સમયાંતરે ઉખળે તે સાથે ફરી કાગડાની જેમ 'કાં કાં'ની કાગારોળ મચે કે ''જો સરદાર પટેલ ભારતના વડાપ્રધાન હોત તો ભારતના અ હાલ ન હોત.'' બીજી ગોખાઈ ગયેલી ગાથા એ ચર્ચાય કે ૧૯૪૬માં કોંગ્રેસની બેઠકમાં કારોબારીના ૧૫ સભ્યોમાંથી ૧૨ નો મત એવો હતો કે સરદાર પટેલ વડાપ્રધાન બને. અન્ય ત્રણ સભ્યો ગેરહાજર રહ્યા હતા. આવે વખતે ગાંધીજીએ સરદાર પટેલને નહેરુની તરફેણમાં ખસી જવા કહ્યું અને ગાંધીજી પ્રત્યે અપાર આદર ધરાવતા સરદાર પટેલે ચહેરા પર સ્થિતપ્રજ્ઞા ભાવાંકનો સાથે તે સ્વીકારી લીધું.આ વાત અનેક વખત સમય ચક્ર જેવા ઘંટીના બે પદ વચ્ચે ભરડતા રહી ગાંધીજી અને નહેરુને ટાર્ગેટ કરવામાં આવે છે.તે પછી ભાગલા અને ગાંધીજીની ભૂમિકા વિષે લખતા રહી કે વક્તવ્યો આપી દેશના કેટલાયે ચબરાક નાગરિકો સાક્ષરથી માંડી નેતા બની ગયા. 'ગાંધીજી આજે પણ પ્રસ્તુત છે' તેમ ગાય ઘાસ વાગોળે તેમ ચગળતા રહીને આપણે આપના માનસ અને સમાજનું લીંપણ કેવું કરતા જઈએ છીએ તે વિચારવાની ફુરસદ કોને છે.
આવા ઘણા વિવાદો ચિરંજીવ રહેશે કેમ કે ઈતિહાસવિદો જે રેકોર્ડમાં છે તે જ સ્વીકારે છે જયારે બસુ ,જયશંકર અને અને નહેરુને વિલન માનનારા જે રેકોર્ડમાં નથી તેને આગળ કરે છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37DedK9
ConversionConversion EmoticonEmoticon