
તમારા દેખાવની બાબતમાં એટલી બધી ચિંતા ન કરો કે જેથી તમારું મનોબળ તૂટી જાય. આવું થવાથી તમારી અનિચ્છા હોવા છતાં પણ તમારી અંદર ઇર્ષા વધતી જાય છે.
- શરીરને બદલો નહીં પરંતુ તમારા શરીરના લુકને બદલો.
- ચહેરાની સુંદરતા જ સર્વસ્વ નથી હોતી. પોતાની સારી રીતભાતને લીધે આકર્ષક દેખાવ ઊભો કરો. એક સારી સફળ કારકિર્દીમાં સવારનું જોગિંગ અથવા તો સાંજનું વોકિંગ અને તમારા સારા મિત્રો તમારી હિંમત બની જાય છે તથા તે તમારો આત્મવિશ્વાસ પણ બની રહે છે.
- કસરતો કરો અને પૌષ્ટિક ખોરાક લો. દરરોજ અડધો કલાક ફરવા જાવ. દાદરા-ચડવા - ઉતારવાથી પણ લાભ થાય છે.
- નકારાત્મક સમજથી પોતાની જાતને દૂર રાખવી. બીજાના કહેવામાં આવી જઈને ઉદાસ થવું નહીં. મોડલો અને હીરોઈનોની સુંદરતાને ધ્યાનમાં લઈને તેને તમારું ધ્યેય ન બનાવો.
- જે કામમાં તમારા રસરુચિ હોય તથા તેમ કરવાથી તમે ખુશ થતા હો તે ચોક્કસ કરો. કોઈ નવી ભાષા, સંગીત અથવા તો વાદ્ય શીખો. કંઈ પણ નવું શીખવાથી તમને આનંદ પ્રાપ્ત થશે, તમે ખુશ રહેશો અને તેથી તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર આવશે.
- તમારા વ્યક્તિત્વને માનભેર આવકારે એવા લોકોને મળો અને દોસ્તી કરો. તેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે.
- જૂની ટીકાઓ તથા યાદથી છૂટકારો મેળવો.
- છતાં પણ જો તમને 'કાલ્પનિક કુરૂપતા'થી છૂટકારો ન મળે તો કોઈ મનોચિકિત્સકની મદદ લો. શરીરની સુંદરતા એ છે કે જે તમે 'વિચારો' છો, નહીં કે તમે 'દેખાઓ' છો.
''દીદી, હું કેવી લાગું છું?'' રૂમની બહાર પગ મૂકતાં જ નીતાએ મને પૂછ્યું. મેં સાહજિક રીતે જ નીતાની તરફ જોયા વિના મારું પોતાનું પર્સ સાચવતાં કહ્યું, ''બહુ સુંદર લાગે છે પણ હવે ઝડપથી ચાલ, અમિત રાહ જોતાં ગુસ્સો કરી રહ્યો છે.'' આમ છતાં નીતા અરીસા સામે ઊભી રહી અને ગુસ્સામાં બબડવા લાગી, ''તમે મારા ઉપર ધ્યાન કેમ નથી આપતા? શા માટે કહેતા નથી કે હું કેવી લાગું છું?''
આ સમસ્યા ફક્ત નીતાની જ નથી. ઘણી બધી સ્ત્રીઓ એવી છે કે જે પોતે સુંદર નથી લાગતી એવી કાલ્પનિક કુરૂપતાનો ભોગ બનતી હોય છે. જેમ કે મોઢા પર ખીલના ડાઘા વધારે દેખાય છે? ક્યાંક હોઠ તો વધારે જાડા નથી લાગતા? માી આંખો તો ખૂબ ઝીણી છે? શું મારાં વખાણ ખરેખર કર્યાં હતાં? ક્યાંક મારી મજાક તો નથી કરી? આમ મહિલાઓ પોતાની સુંદરતા વિશે પોતાની જ રીતે અસલામતી અનુભવે છે.
ખૂબ ઓછી સ્ત્રીઓ પોતાના રૂપરંગ તથા પોતાનાં શારીરિક દેખાવથી સંતુષ્ટ હોય છે. એટલે સુધી કે જે દેખાવમાં સારી, સુંદર લાગતી હોય છે તે પણ કાલ્પનિક કુરૂપતા જેવા મનોવૈજ્ઞાાનિક રોગનો ભોગ બની જાય છે. એ જરૂરી છે કે તમે તમારા શરીરને પ્રેમ કરો અને તેને માન આપવાનું શીખો. તમારા દેખાવની બાબતમાં એટલી બધી ચિંતા ન કરો કે જેથી તમારું મનોબળ તૂટી જાય. આવું થવાથી તમારી અનિચ્છા હોવા છતાં પણ તમારી અંદર ઇર્ષા વધતી જાય છે.
એક મનોવૈજ્ઞાાનિકના જણાવ્યા મુજબ, ''આપણું સામાજિક તથા સાંસ્કૃતિક વાતાવરણ જ એવું છે કે જ્યાં યુવતી અથવા તો મહિલાઓની શારીરિક સુંદરતાને ખૂબ મહત્ત્વની ગણવામાં આવે છે. એટલી હદ સુધી કે લગ્નમાં પણ છોકરીનું સૌંદર્ય જ સૌથી વધુ જોવામાં આવે છે. એવા વાતાવરણમાં સૌંદર્ય સંબંધિત તકલીફો રહે તથા તેના માટે ચિંતા કરવામાં આવે તે સ્વાભાવિક છે.
સામાજિક દબાણ તો હોય છે જ પરંતુ આપણે આપણી પોતાની પાસેથી પણ અસ્વાભાવિક આશાઓ રાખતા હોઈએ છીએ. અરીસામાં પણ આપણી પોતાની કાલ્પનિક છબિ નહીં મળવાથી સૌથી વધુ દુ:ખી પણ થતાં હોઈએ છીએ. આપણે ૩૨ની સાઈઝનો ડ્રેસ ખરીદવા ઈચ્છીએ છીએ પરંતુ પોતાની સાઈઝ ૩૪ની હોય છે. ૨૪ની સાઈઝનું જીન્સ ઉઠાવીએ છીએ પરંતુ ખરેખર ૩૦ની સાઈઝની જરૂર હોય છે. એવી સ્થિતિમાં આપણું મન ભાંગી જતા વાર નથી લાગતી. જો આપણે શાંત ચિત્તે વિચારીએ તો ૩૦ની સાઈઝ સુધી પોતાને પહોંચાડવા માટે આપણે પોતે જ જવાબદાર હોઈએ છીએ. મનમાં ને મનમાં આપણે ડાયેટિંગ કરવાનો નિતનવો ઇરાદો કરતા રહીએ છીએ. આપણે પોતાને લઘુતાગ્રંથિનો શિકાર બનાવીએ છીએ અને આ રીતે આપણી માનસિકતાને જાતે કરીને આઘાત પહોંચાડીએ છીએ. તેથી આપણા વ્યક્તિત્વ અને કારકિર્દી બંને પર ખરાબ અસર પડે છે.''
એમ તો આપણે જિંદગીભર પોતાના શારીરિક સૌંદર્યની કલ્પનામાં રચ્યાંપચ્યાં રહેતાં હોઈએ છીએ પરંતુ શારીરિક બાંધા તથા શારીરિક આકર્ષણ પ્રત્યે સૌથી વધારે જાગૃત આપણે કિશોરાવસ્થામાં હોઈએ છીએ. આ ઉંમરમાં આપણે પોતાના શરીર પ્રત્યે ખૂબ સજાગ રહીએ છીએ. આપણને આપણો 'દેખાવ' સૌથી મહત્ત્વની બાબત લાગે છે. સ્કૂલકોલેજમાં સખીઓની ટીકાથી આપણે એકદમ ચોંકી જઈએ છીએ અને આપણા મનમાં વહેમ ઘર કરી જાય છે. જેમ કે, કોઈએ તમને કહી દીધું કે લીલો કલર તમને શોભતો નથી તો તમે લીલા કલરને જિંદગીભર તમારાથી દૂર રાખશો અથવા તો તમારી જિંદગીમાંથી હંમેશને માટે તમે લીલો રંગ દૂર કરવા ઇચ્છશો.
તમારાં વસ્ત્રો બાબતે તમને કુટુંબીજન કે મિત્રો કંઈ પણ કહી દે તો તમે એકદમ ચિંતિત થઈ જાવ છો અને તમે વારંવાર અરીસામાં જુઓ છો. તમને એ વાતનો ડર હોય છે કે તમે સારા લાગો છો કે નહીં.
મનોવૈજ્ઞાાનિકો કહે છે કે જો મા-બાપ કિશોરાવસ્થામાં બાળકને કોઈ વાતે સતત અસહમતી વ્યક્ત કરે તો બાળકના મનમાં તે મોટું થાય ત્યાં સુધી તેની અસર પડતી હોય છે. મોટા પાયે વ્યક્તિ પોતાની ઇમેજ પ્રત્યે ખૂબ શંકાશીલ રહેતી હોય છે. જેમ કે, ઘણી વાર મા દીકરીને બહેન જેવી દેખાવાનું બિરુદ આપી દેવામાં આવે છે. તેનાથી મા તો ખુશ થઈ જાય છે, પરંતુ દીકરી એવું વિચારી ચિંતિત થઈ જાય છે શું તે પોતાની મમ્મી જેટલી મોટી લાગે છે. મહિલાઓમાં હંમેશાં શારીરિક બાંધો ચિંતાનો વિષય બની રહે છે. જેમાં તે ઘણું બધું પોતાની કલ્પનાથી જોડતી રહે છે, ઘટાડતી રહે છે.
બાળકોને બાળપણથી જ ઘરના લોકોની તથા બહારના લોકોની એટલે કે સગાં-સંબંધી, મિત્રો પાડોશીઓ વગેરેની વાતો સાંભળવી પડે છે. ઘણી વાર કોઈક કંઈક કહી દે છે. ઘણી વાર લોકો ખૂબ જ ખરાબ રીતે સરખામણી કરતાં હોય છે. જેની તેના કિશોર મન પર ખૂબ ખરાબ અસર પડે છે. મા-બાપ આવી સ્થિતિમાં ઘણી મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. તેઓ ઘણી વાર બાળકોને પ્રેમથી સમજાવે છે. પેલી સ્મૃતિની જ વાત કરીએ.
સ્મૃતિ કોલેજમાં ભણવામાં, ડાન્સ, ડ્રામા વગેરેમાં આગળ હતી. તે શ્યામ હોવાને કારણે ડાન્સ કોમ્પિટિશનમાં કોલેજ તરફથી પસંદ કરવામાં આવી નહીં. તેના બદલે બીજી કોઈ છોકરીને પસંદ કરવામાં આવી. તે સ્મૃતિ કરતાં વધારે ગોરી હતી. આ બાબતે ઘણા દિવસો સુધી સ્મૃતિનો મૂડ ખરાબ રહ્યો અને તેણે પોતાના ડાન્સ કલાસમાં જવાનું પણ છોડી દીધું. માતા પિતાએ તેને ખૂબ સમજાવી, ત્યાર બાદ તેનું ભાવુક મન શાંત થઈ ગયું.
આવા પ્રસંગો વ્યક્તિને અંતરમનથી નિર્બળ બનાવી દે છે અને તે મનોવૈજ્ઞાાનિક રોગનો શિકાર બની જાય છે જે તેના વ્યક્તિત્વ માટે નુકસાનકારક હોય છે.
સામાજિક વાતાવરણ આવી સ્થિતિ ઊભી કરે છે. ક્યાંક કોઈક રૂપરંગ માટે પરેશાન હોય છે તો કોઈક પોતાના કદની ચિંતા કરતું હોય છે. કોઈને જીન્સ પહેરતાં સંકોચ થાય છે તો કોઈક ડ્રેસ પહેરીને ઉબાઈ જાય છે.
મનોવૈજ્ઞાાનિક ડો. જીતેન્દ્રના જણાવ્યા અનુસાર, ''આજકાલ મીડિયાને લીધે પણઆપણે પોતાના શરીર પ્રત્યે ખૂબ જાગૃત થઈ ગયા છીએ. આપણે સૌંદર્ય સ્પર્ધાઓ તથા ફેશન શો વગેરેના આધારે સુંદરતાના વ્યક્તિગત ધોરણો બનાવીએ છીએ. મોડેલના ફિગર અને આપણા ફિગર વચ્ચેનો તફાવત ધ્યાનમાં ન રાખતા જો તેના જેવાં કપડાં પહેરી લઈએ તો તે જોવામાં કઢંગુ લાગે છે. આવાં કપડાં પહેરવાની ભૂલ ક્યારેય કરવી નહીં.
પોતાના વ્યક્તિત્વને સંપૂર્ણ માનીને પોતાના શારીરિક બાંધા પ્રમાણે વસ્ત્રોની પસંદગી કરો. વેસ્ટર્ન આઉટફીટ્સ પહેરતાં પહેલાં તમારા શારીરિક બાંધા પર એક વાર જરૂર ધ્યાન આપો. ડ્રેસ ડિઝાઈનર કોઈ ચોક્કસ વાતાવરણને ધ્યાનમાં રાખીને ડ્રેસ ડિઝાઈન કરતા હોય છે અને તે ક્યાં વાતાવરણમાં પહેરી રહ્યા છો તે બાબતે ધ્યાન રાખવું જોઈએ.''
એક જાણીતા તબીબ કહે છે, ''પોતાના વિશે કમજોર ઇમેજ રાખવી તે પોતાની અંદરના આત્મવિશ્વાસના અભાવનું કારણ છે. તમે ગમે તેટલું વજન ઘટાડો કે ગમે તેટલાં સારાં વસ્ત્રો પહેરીને તૈયાર થાવ પરંતુ જો તમારામાં આત્મવિશ્વાસનો અભાવ હશે તો તમે ક્યારેય તમારાથી ખુશ નહીં થાવ. પોતાની અંદર યોગ્ય સમજણ ઊભી કરવી અને તેને ટકાવી રાખવી તે સૌથી મહત્ત્વની બાબત છે.''
જો તમે સાચી સમજણ ધરાવતા હો તો તેનાથી કોઈ પણ પ્રકારની ખામી તમે દૂર કરી શકો છો. ઘણીવાર સ્ત્રીઓ પોતાના માટે ખૂબ નકારાત્મક વિચારતી હોય છે તેનાથી તે તેની ખાસિયતોને પણ ભૂલી જાય છે. આવી સ્થિતિમાં સૌથી સારી વાત એ છે કે આપણે આત્મવિશ્વાસ સાથે સમજ કેળવીએ કે આપણે સારા લાગીએ છીએ. માધુરી દીક્ષિતની સુંદરતા સાથે આપણી સરખામણી કરવી એ જરૂરી તો નથી. આપણે પોતે પોતાના માટે સુંદર લાગીએ છીએ એ જ અગત્યનું છે.
- નયના
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SUOf0l
ConversionConversion EmoticonEmoticon