એક મજાની વાર્તા: પિયુ


'પિયુ... ઓ પિયુ...' સીમાએ બૂમ પાડી.

'હા મમ્મી... આવી, તું ચા ટેબલ પર મૂક.' પિયુએ જવાબ આપતાં કહ્યું.

સીમા કિચનમાંથી ટેબલ પર મૂકેલા ચાના કપ તરફ જોઈ રહી. આ જોઈ અનિલ સીમા પાસે રસોડામાં ગયો.

સીમા એને જોઈને મોઢું ફેરવી કામ કરવા લાગી. તગતગી રહેલા આંસુ અને ગળે બાઝી ગયેલા ડૂમાને એ ગળી ગઈ. અનિલે એને પોતાના તરફ ફેરવી કહ્યું, 'સીમા, તું તો ઘણી વાર મજાકમાં પિયુને હોસ્ટેલમાં મૂકી દેવા કહેતી હતી ને !? તો હવે એ તારાથી દૂર છે તો તારે સ્ટ્રોંગ બનવું પડે. હું જાણું છું કે, તને એની યાદ સતાવે, એના વગર ન ગમે પણ એ જ્યારે અહીં નથી જ ત્યારે, તારે તારી જાતને બીજા કામમાં પરોવવી રહી.' એટલામાં જ ફોન આવતા અનિલ એ લેવા ગયો.

બપોરે જમીને પરવારી એ રૂમમાં ગઈ. માથું સખત દુ:ખતું હતું. એને યાદ આવ્યું, એ જ્યારે પણ પિયુને માથું દબાવવા કહેતી પહેલાં તો એ ના જ પાડી દેતી. પછી એને લાગે કે મમ્મીને ખરાબ લાગ્યું છે એટલે ધીમેથી ઊઠે અને પછી સીમાના 'ના' કહેવા છતાં એટલું સરસ એનું માથું દબાવી દે કે એનો દુ:ખાવો અને ગુસ્સો બંને ગાયબ થઈ જાય.

પિયુના વિચારોથી ઘેરાયેલી એણે પથારી પર બાજુની ખાલી જગ્યા પર હાથ ફેરવ્યો, જાણે પિયુ ત્યાં સૂતી ન હોય ! આમ તો એ વીસની થઈ ગયેલી છતાં કેટલી સહજતાથી અને વ્હાલથી આવીને કોઈવાર એની પાસે સૂઈ જતી, ભલે ને થોડીવાર માટે હોય ! પછી કેટલી બધી કોલેજની વાતો કરતી અને કંઈ કામ યાદ આવે એટલે ફટાફટ ઊઠીને ચાલવા માંડે. સીમા ઉભી થઈ અને કબાટ ખોલી ઊભી રહી. બસ, આ છોકરીને ખાલી કપડાનો જ કેટલો શોખ ? જાત જાતની ફેશન ને ડીઝાઈનના આઉટફિટ હોય એની પાસે. હવે ? એ તો જતી રહી બધું મૂકીને ! આમ પાછી ક્યાંય પણ જાય એટલે તાકીદ કરીને જ જાય કે, ''મમ્મી, જો મારા કપડાં તે પહેરવા લીધા છે તો જોઈ લેજે...'' એનાથી સહેજ હસી પડાયું. કેવું ધમકાવે મને. મારે બીવું પડે એનાથી!

રાત્રે, પિયુની ફ્રેન્ડ રીનીનો ફોન આવ્યો. 'હેલો આંટી, હું મળવા આવું ? વિશાલને પણ આવવું છે.'

'રીની તને ખબર છે જ કે મારો જવાબ શું હશે. તારે આવવું હોય તો તું આવ, પણ ક્યારેય એ છોકરાની વાત ન કરીશ.' ને એણે સહેજ ગુસ્સા ભરેલા સ્વરે કહીને ફોન કટ કરી દીધો.

પરોઢ ફૂટી રહ્યું હતું. ચારણીની જેમ બારીમાંથી સૂર્યપ્રકાશ આછો આછો બેડરૂમમાં ચળાઈને ફેલાઈ રહ્યો હતો. એ બારી પાસે આવીને ઊભી રહી. સહસા એની નજર બારીની પાળીએ પડી. કબૂતરે મૂકેલા ઈંડામાંથી એક ઈંડું ફૂટી ગયું હતું. નાનો શો જીવ મૃત પડયો હતો. એને વિચાર આવ્યો, શું કબૂતરને આનું દુ:ખ થતું હશે ખરું ? કોને ખબર... થતું જ હશે ! પણ, એ ક્યાં કોઈને કહી શકે છે ? એ એકીટશે કબૂતરની આંખો સામે જોઈ રહી, જાણે બચ્ચું ગુમાવવાનું દુ:ખ શોધતી ન હોય ! પિયુને પક્ષીઓ કેટલાં ગમતાં !

આમ ને આમ પિયુને ગયાને આજે વીસ દિવસ થયા. મધરાતથી એ જાગતી હતી, કહો ને કે એને ઊંઘ જ ન આવી ફરી. એ બાજુમાં સૂતેલાં અનિલને જોઈ રહી. એ સૂઈ રહ્યો હતો, નિરાંતે ! શું નિરાંતે કહેવું યોગ્ય છે ? ના, બસ, શરીર એનું કામ કરી રહ્યું હતું એટલે એ સૂતો હતો કદાચ ! બાકી એ પણ તો પિયુનો બાપ હતો... કદાચ દુનિયામાં સૌથી વધુ વહાલું એને કઈ હોય તો એ પિયુ હતી ! એ પિયુની યાદમાં મારી જેમ રોજ રડી નહોતો શકતો, એટલું જ ! એનો મતલબ એ તો નહોતો જ કે એ એને ભૂલી ગયો હતો. એને થયું, 'કાશ ! એની સાથે ફોન પર વાત થઈ શકતે તો ?' પણ... આ પણ પછીનાં શૂન્યાવકાશને એ છતમાં ઓગાળવા માંથી રહી. એને હોસ્પિટલમાં એના પગ પકડી રડી રહેલો પિયુનો ફ્રેન્ડ વિશાલ યાદ આવ્યો. એણે ત્યારે જ બધાને કહી દીધું હતું કે, 'જિંદગીભર આ છોકરાને ભૂલેચૂકેય મારી સામે ન લાવતા ! નહિ તો હું શું કરી બેસું તે મને પણ નથી ખબર !'

'સીમા, તું આજે જરા વહેલી પરવારી જજે. યાદ છે ને, આસિતભાઈના છોકરાને મળવા જવાનું છે તે !' અનિલે ઉઠતા કહ્યું.

'હા, યાદ છે. બસ, હું કલાકમાં તૈયાર થાઉં છું.' એણે જવાબ આપ્યો. હજી વીસ દિવસ પહેલાં તો પિયુ ઘરેથી 'હું હમણાં ફ્રેન્ડ્સ સાથે આંટો મારીને આવું છું.' કહી નીકળી હતી. ફરી આવી જ નહિ ! એક ફોન આવ્યો... 'આંટી, તમે જલ્દી આવો, પિયુનું એક્સિડન્ટ થયું છે.' એ આખા રસ્તે પ્રાર્થના કરતી હતી કે વધારે વાગ્યું ન હોય તો સારું ! નહિ તો એ તો ઉઝરડો પણ પડે તો આખું ઘર માથે લઈ લે એવી છે. જઈને જોયું તો સહેજ કપાળે વાગ્યું હતું, ખાસ બીજી ઈજા નહિ. એના મિત્ર વિશાલની નાની મસ્તી, નાનો એક્સિડન્ટ અને પિયુ ઈન્ટરનલ ઈન્જરીના લીધે ક્યારેય ઊઠી જ ન શકી. અને બસ, એણે અને અનિલે પિયુને જીવંત રાખવાનો નિર્ણય લઈ લીધો. બ્રેઈન ડેડ પિયુના હૃદયથી માંડીને શરીરના દરેક અંગ જે બીજાને જીવતદાન આપી શકતા હતા, તેને દાન કરી દીધા !

મિત્રોએ કહ્યું હતું, પિયુના છેલ્લા શબ્દો હતા, 'મમ્મી... મમ્મી...' પણ સીમા ક્યાં એને સાંભળી શકી હતી. પિયુનું હૃદય જેને આપ્યું હતું તે છોકરાના પિતા આવ્યા હતા. બસ, હાથ જોડી ઊભા રહ્યા, 'હું કશું કહી શકું કે તમે કશું સાંભળી શકો એવી સ્થિતિમાં નથી. મારા દીકરાને જીવતદાન મળ્યું, એ માટે તમારો ઋણી છું.' કહીને એ જતાં રહ્યાં.

અને આજે એ અને અનિલ પિયુનું હૃદય જે છોકરામાં પ્રત્યાર્પણ કર્યું હતું તેને મળવા જઈ રહ્યા હતા. જાણે પિયુને જ મળવાનો આનંદ સીમાના આંખના ખૂણે છલકાઈ ઉઠયો ! 

- ઉમા પરમાર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SZ0NnP
Previous
Next Post »