
માત્ર જીવ વિજ્ઞાાનીઓ માટે જ નહીં પરંતુ સામાન્ય વિચારશીલ માનવીને પણ એકાદ વાર આ સવાલ અવશ્ય સતાવતો હોય છે કે પૃથ્વી પર સજીવ સૃષ્ટીની શરૂઆત કઇ રીતે થઇ હશે ? લાખોની સંખ્યામાં કિટકસૃષ્ટીથી માંડી વનસ્પતિ સૃષ્ટી અને પ્રાણી સૃષ્ટીમાં અજીબો ગરીબ વૈવિધ્ય જોવા મળે છે. જીવસૃષ્ટીમાં પર્યાવરણને અનુરૂપ આટલું વૈવિધ્ય કઇ રીતે આવ્યું. એક કોષી જીવ બેકટેરીયાથી માંડી અનંત કોષી મનુષ્ય જેવાં જટીલ પ્રાણીનનું સર્જન કઇ રીતે થયું ? આ બધા સવાલો જીવવિજ્ઞાાનીઓને હજારો સાલથી સતાવી રહ્યાં છે. વિજ્ઞાાન થિયરી આપે છે કે એક કોષી સજીવમાં ઉત્ક્રાંન્તિ થતાં બહુકોષી સજીવ બન્યા છે.
પરંતુ તેનાં પુરાવાઓ વિજ્ઞાાન મેળવી શક્યું નથી. ઈવોલ્યુશન એટલે કે સજીવ સૃષ્ટિમાં આવતો કૃમિક બદલાવ એ વિજ્ઞાાને છેલ્લાં બસો વર્ષમાં આપેલ ક્રાંન્તિકારી વિચાર છે. આમ છતાં પૃથ્વી પર એવા લોકો ય વસે છે જેને ચાર્લ્સ ડાર્વિને પુરાવા સહીત આપેલ થિયરી ઓફ ઈવોલ્યુશન ગળે ઉતરી નથી. તેઓ તેમાં માનતા નથી. બીજી બાજુ જનીન વિજ્ઞાાન ઉત્ક્રાંન્તિને અણુ કક્ષાએ / મોલેક્યુલર લેવલે તપાસવા લાગ્યાં છે. ઉત્ક્રાંતિને લગતી આપણી સમજની સીમારેખા વિસ્તરતા વૈજ્ઞાાનિક સંશોધનો જાણીએ.
સજીવ સૃષ્ટિ પ્રારંભ
પૃથ્વી પર જીવસૃષ્ટીની શરૂઆત કોઇ દૈવી યોગનાં ચમત્કારી સંજોગોના પરીણામે થઇ હતી ? કે પછી પ્રકૃતિનાં નિયમોને આધીન, યોગ્ય સંજોગોનું નિર્માણ થતાં પૃથ્વી પર સજીવ સૃષ્ટીની રચના થવા માંડી હતી ? આ સવાલના પુરાવાઓ આપણી પાસે નથી. પૃથ્વીનું સર્જન લગભગ સાડા ચાર અબજ વર્ષ પહેલા થયેલું માનવામાં આવે છે. તેણે પૃથ્વી પર વિકસેલ સજીવ સૃષ્ટીનો ઈતિહાસ પોતાનાં ખડકોમાં સાચવી રાખ્યો છે. પૃથ્વી પર સજીવ સૃષ્ટીની શરૂઆત પૃથ્વી સર્જનનાં ૬ કરોડ વર્ષ બાદ અને ચંદ્ર સર્જનનાં ચાર કરોડ વર્ષ બાદ થઇ હોવાનું વૈજ્ઞાાનિક અનુમાન છે.
આધુનિક નવી થિયરી મુજબ આ સમયગાળામાં ચંદ્રનાં કદનો અવકાશી પીંડ પૃથ્વી નજીક આવતાં વિસ્ફોટ પામ્યો હતો. વિસ્ફોટમાં પીગળેલ લોહ તત્વ અને ભંગાર વાદળ રૂપે વિસ્તરી ગયા હતાં. તેમનો ધાતુ રૂપી 'કરા'નો વરસાદ વર્ષો સુધી વરસતો રહ્યો હતો. જે દરમ્યાન મહાસાગરોનાં પાણીમાંથી ઓક્સિજનનાં પરમાણુ છુટા પડીને વાતાવરણમાં ભળતાં રહ્યાં હતાં. ઓક્સિજન અને લોહતત્ત્વનું સંયોજન થઇ પૃથ્વીની સપાટી પર લોખંડના કાટનાં રંગની સપાટી જમા થતી હતી. હાઇડ્રોજન યુક્ત પૃથ્વીનું વાતાવરણ બે કરોડ વર્ષ જેટલું ટક્યું. છેવટે ધીરે ધીરે હાઇડ્રોજન વાયુ અંતરીક્ષમાં છટકી જવા લાગ્યો.
વાતાવરણ ઠંડુ પડતાં, સાદા અણુઓની રચના થઇ જેનાં કારણે RNA પ્રકારનાં અણુઓ સર્જાયા હતાં. વૈજ્ઞાાનિકોએ પ્રાચીન કોષ માટે જરૂરી અણુઓનું સર્જન થયું તે સમયનાં પૃથ્વી પરનાં વાતાવરણ અને પરિસ્થિતિનો અભ્યાસ કર્યો હતો. ૧૯૫૨માં સ્ટેબ્લી મિલર, હેરોલ્ડ ઉરે સાથે મળીને એક પ્રયોગનું નિર્માણ કર્યું હતું. પૃથ્વીનું આદી વાતાવરણ, મિથેન, એમોનીયા, હાઇડ્રોજન અને પાણીનું વરાળનું બનેલું માની, આ વાયુ એક સીલબંધ ગ્લાસનાં કન્ટેનરમાં બંધ કરીને તેમાંથી વિજળીનાં તણખારા પસાર કરવા અઠવાડિયા બાદ, કેન્ટેનરમાં ૧૧ પ્રકારનાં એમિનો એસીડની રચના કરનાર અણુઓનું સર્જન થયેલ જોવા મળ્યા હતાં. સજીવ સૃષ્ટીનાં સર્જન માટે પ્રારંભીક કોષની રચના માટે એમીનો એસીડ જરૂરી છે. એમીનો એસીડ વડે આરએનએ અને ડિએનએનાં અણુઓ બને છે. જે વારસાગત લક્ષણો માટે જવાબદાર છે. આગળનાં તબક્કે એક કોષી સજીવ અને તેમાંથી બહુકોષીય જીવ બને છે. જે માટે મોલ્કુયલર લેવલે થયેલ ઉત્ક્રાંન્તિ જવાબદાર હતી.

મીસીંગ લીંક: કોષની ખૂટતી કડી મળી
જાપાની વૈજ્ઞાાનિકોને તાજેતરમાં દરિયાનાં પેટાળમાંથી, વિજ્ઞાાનમાં જેને ખુટતી કડી કહે છે તેની ભાળ મળી છે. બે સજીવ અથવા કોષોની લાક્ષણીકતા ધરાવતા કોષ અથવા સજીવને ખુટતી કડી કહે છે. સરસ ભાષામાં ઉત્ક્રાંન્તિનાં બે તબક્કાને જોડી બનાવતા અવશેષોને ખુટતી કડી કે જોડતી કડીરૂપ 'ફોસીલ' કહે છે.
જાપાની વૈજ્ઞાાનિકોએ સમુદ્રની સપાટીથી લગભગ ૨.૫૦ કી.મી.ની ઊંડાઇએથી કેટલાંક સુક્ષ્મ સજીવોને એકઠા કર્યાં હતાં. જેને પ્રયોગશાળામાં ઉછેરવામાં આવ્યા હતાં. પૃથ્વી પર સજીવ સૃષ્ટીનું સર્જન બેકટેરીયા જેવાંમાંથી થયું માનવામાં આવે છે. એક કોષી સજીવમાંથી બહુકોષીય જીવ કઇ રીતે બન્યા હશે ? એ પ્રક્રીયા વિજ્ઞાાન માટે રહસ્યમય અને અજાણી રહી છે. આ સવાલનો જવાબ, વિજ્ઞાાન પાસે અત્યાર સુધી ન હતો. એ જાપાની વૈજ્ઞાાનિકોએ જે 'મીસીંગ લીંક' જેવાં પુરાવા મેળવ્યા છે તે આ સવાલનો જવાબ આપશે.
જાપાનની નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ એડવાન્સ્ડ ઈન્ડસ્ટ્રીયલ સાયન્સ એન્ડ ટેકનોલોજી એનાં વૈજ્ઞાાનિકોએ, સુક્ષ્મ સજીવ ઉછેર્યા છે તેનું બે કોષ બંધારણ એક કોષી સજીવ અને બહુકોષી સજીવનાં કોષ એમ બંનેની લાક્ષણીકતા ધરાવે છે. ટુંકમાં આ કોષ એક કોષમાંથી બહુ કોષ તરફ જતી ઉત્ક્રાંન્તિનો અદભુત સમયકાળ દર્શાવતાં અવશેષો છે. આ સુક્ષ્મ જીવોને વૈજ્ઞાાનિકોએ 'પ્રોમેથિઓઆર્કીયમ સીન્ટ્રોફીકેમ' નામ આપ્યું છે. તેનાં નામમાં ગ્રીક શબ્દ 'પ્રોમેથસ' છે. જેણે માટી અને દેવો પાસેથી આગ ચોરીને મનુષ્ય સૃષ્ટીનું નિર્માણ કર્યું હતું. આ કોષ ગોળાકાર છે. જેનો વ્યાસ ૫૦૦ નેનો મિટર છે. જે એક સેન્ટીમીટરનો ૨૦ હજારમૉ ભાગ થાય. વૈજ્ઞાાનિક વર્ગીકરણ પ્રમાણે તે માત્ર કોષકેન્દ્ર ધરાવતાં ન હોય તેવાં સાદા એકકોષી સજીવ છે. જે વર્ગને આર્ચીઆ કહે છે. આર્કીઆ આદીકોષોનો એક વર્ગ છે.
જાપાની વૈજ્ઞાાનિકોએ સમુદ્રનાં તળીયે રહેલ કાદવમાંથી ખાસ વાહન સિન્કાઇ ૬૫૦૦ દ્વારા આવા કોષો મેળવ્યા છે. કોઇ ચોક્કસ થિયરી આપતાં પહેલાં દસ વર્ષ તેનો અભ્યાસ કર્યો છે. આવા કોષો પાસે કોષોનું પાવર હાઉસ ગણાતાં કણાભ સુત્રો પણ છે. જાપાનની ઓમાઇન રિડજ પાસેથી આ કોષો ૨૦૦૬માં મેળવવામાં આવ્યા હતાં.

એક્સપ્લોઝન ઓફ ન્યુ જીન્સ
તરોતાજા સંશોધન પ્રમાણે, ઉત્ક્રાંતિકાળમાં પ્રાણીઓ કરતાં વનસ્પતિ દસ ગણા વધારે જનીનોની વૈરાયટી પેદા કરે છે. આ પ્રકારની ધારણા તાજેતરમાં બ્રિસ્ટલ અને એસેક્સના વૈજ્ઞાાનિકોએ આપી છે. આશરે ૨૦૦ જેટલી વનસ્પતિની અલગ અલગ પ્રજાતિનો જૈવિક અભ્યાસ કરીને નવી થિયરી આપી છે. અત્યાર સુધી વૈજ્ઞાાનિકો એવું માતા આવ્યા હતાં કે વનસ્પતિ સૃષ્ટિની ઉત્ક્રાંતિ એટલે કે ક્રમિક વિકાસ એક ધારા રેટ/દરે લાંબો સમય ચાલેલી જૈવિક પ્રકૃતિનું પરિણામ છે. આધુનિક સંશોધન આ વાતને ખોટી પુરવાર કરે છે.
વૈજ્ઞાાનિકોનાં રિસર્ચ પેપર પ્રમાણે આજથી ૪૭ કરોડ વર્ષ પહેલાં એવી પરિસ્થિતિનું નિર્માણ થયું જેથી જલજ/જલીય વનસ્પતિએ પાણીમાંથી પોતાનું સ્થાન છોડીને જમીન/ભૂમિ ઉપર પોતાનાં મુળીયા નાખી નવા પર્યાવરણમાં જીવવાની કોશીશ કરી હતી. આ વનસ્પતિનાં ડિએનએમાં જે બદલાવ થયેલ જોવા મળ્યો છે. એ બદલાવ, પ્રાણી કોષોમાં જોવા મળેલ મહત્તમ બદલાવ કરતાં દસ ગણો વધારે છે. એક સાથે જીનેટીક મટીરીઅલમાં મોટો બદલાવ જોવા મળે તેને વિજ્ઞાાનની ભાષામાં એક્સપ્લોઝન ઓફ જીન્સ એટલે કે જનીનોમાં જોવા મળેલ વિસ્ફોટ કહે છે.
વનસ્પતિની ઉત્ક્રાંતિમાં વૈજ્ઞાાનિકોને બે વાર ''એક્સપ્લોઝન ઓફ ન્યુ જીન્સ'' જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે વનસ્પતિ સૃષ્ટિમાં ઉત્ક્રાંતિ ગ્રેજ્યુઅલ એટલે તબક્કાવાર કૃમિક રીતે થઈ છે તેને ખોટી પાડે છે. બ્રિટનનાં વૈજ્ઞાાનિકોએ ૨૦૮ જેનોમનો પુરેપુરો રેકોર્ડ ચકાસ્યો હતો. જેમાં મોટા ભાગનાં મુખ્ય વનસ્પતિની પ્રજાતિઓનો સમાવેશ થઈ જાય છે. વનસ્પતિનાં જેનોમમાં જોવા મળેલ ''પ્રથમ વારનાં એક્સપ્લોસન ઓફ ન્યુ જીન્સ''ની ઘટના વનસ્પતિએ જમીન પર ઉગવાનું શરૂ કર્યું એ પહેલાંનો છે. જ્યારે બીજો જીનેટીક વિસ્ફોટ જમીન પર વનસ્પતિએ સ્થાન મેળવ્યું એ સમયકાળનો છે. આ વિસ્ફોટ બાદ, નવા જનીનોનો વિકાસ થયો જેણે વનસ્પતિને બહુકોષીય વનસ્પતિમાં ફેરવી નાખી હતી. જમીનના બદલાયેલા પર્યાવરણને અનુરૂપ થતાં જનીનો ત્યાર બાદ વિકાસ પામ્યા હતાં.
સીલુરીઅન પીરીયડ: જમીન પર જીવ સૃષ્ટી
એક કોષી વનસ્પતિમાંથી બહુકોષીય વનસ્પતિ કોષોનું સર્જન થયું એ સમયે બે વાર વનસ્પતિ જેનોમમાં ''એક્સપ્લોઝન ઓફ ન્યુ જનીન'' જોવા મળ્યો હતો. વનસ્પતિ જળ છોડીને ભૂમિ ઉપર વિકસવા માંડી હતી. વૈજ્ઞાાનિકો અત્યાર સુધી જાણતા ન હતા કે જળ છોડીને ભુમી ઉપર વસનાર પ્રથમ પ્રાણીની પ્રજાતી કઈ હશે ? આ વાતનો પુરાવો આપે તેવાં પ્રાગ-ઐતિહાસીક પુરાવાઓ/અશ્મીઓ મળી આવ્યાં છે. જે હાલ જોવા મળતાં વીંછીના પુર્વજ માનવામાં આવે છે. સરળ ભાષામાં જળચર વીંછીં જળ છોડીને ભુમી પર વસવાટ કરનાર પ્રથમ સજીવ હોવાનો રેકોર્ડ પોતાના નામે કરે છે. જર્નલ 'સાયન્ટીફીક રિપોર્ટસ'માં નવો સંશોધન લેખ પ્રકાશીત થયો છે.
અમેરિકાની ઓટરબેઈન યુનીવર્સીટીનાં વૈજ્ઞાાનિકોને ૪૩.૭૦ કરોડ વર્ષ પહેલાંના એટલે કે વિજ્ઞાાન જેને 'સીલુરીઅન પીરીયડ' કહે છે તે કાળનાં પ્રાગ-ઐતિહાસીક વીંછીનાં અવશેષો મળ્યા છે. વૈજ્ઞાાનિકોએ તેને પેરીઓસ્કોરપીઓ વેન્ટર નામ આપ્યું છે. અમેરીકાનાં વિસ્કોસીન રાજ્યનાં ''વાઉકેશા'' સ્થાનેથી આ 'અશ્મીઓ' મળી આવ્યાં છે. વીંછીનાં મળેલ આ સૌથી પ્રાચીન અવશેષ છે. દુનિયાનાં સૌથી પ્રાચીન અવશેષો ૩.૭૦ અબજ વર્ષ પહેલાના છે. જે ગ્રીનલેન્ડમાંથી મળેલ સ્ટ્રોમેટોલાઇટ નામનાં સાયનોબેકટેરીયાનાં છે.
આદીકાળનાં જળ-વીંછીએ ક્યારે જમીન પર વસવાટ શરૂ કર્યો હશે ? એ સમયકાળ નક્કી થઈ શકતો નથી. અવશેષો વીંછીની નવી પ્રજાતી બતાવે છે જેમાં ફેફસા અને રક્તભિસાભરણ માટે હૃદય સાથેની સીસ્ટમ વિકસેલી છે. આદીકાળનાં નિષ્ણાંત જીવવિજ્ઞાાની એન્ડ્રયુ ને બે સારી હાલતમાં સચવાયેલા 'ફોસીલ' મળી આવ્યાં છે. તેમની શરીર રચનામાં અન્ય જળચરની લાક્ષણીકતા પણ જોવા મળી છે. એટલે ઉત્ક્રાંન્તિ અભ્યાસ માટે તે મિસીંગ લીંક પુરવાર થાય તેમ છે. તેમાં જોવા મળેલ આંખ હાલનાં વીંછીની આંખ જેવી છે. ઉપરાંત પુંછડી પર ડંખ મારવા માટેનાં કાંટા પણ છે. ફોસીલની શ્વસન પ્રણાલી અને રૂધીરાભિસરણ પ્રણાલી, હાલનાં વીંછી ઉપરાંત હોર્સ શું ક્રેબ (કરચલા)ને મળતી આવે છે. યાદ રહે કે સીલુરીઅન કામનાં સજીવોમાં ફેફસા કે અન્ય પ્રણાલી વિકસી ન હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3a0Kah7
ConversionConversion EmoticonEmoticon