
પાનખરની વિદાય સાથે વસંતનું આહ્લાદક આગમન થઇ ગયું છે. સર્વત્ર ઉગી નીકળેલા રંગબેરંગી ફૂલો તનમનને પ્રસન્ન કરી રહ્યાં છે. સાથે સાથે પાર્ટી અને લગ્નની મોસમ પણ ખીલી છે. આવી સ્થિતિમાં માનુનીઓ સરસ મઝાના શણગાર સજ્યા વિના રહે ખરી? અને જ્યારે વસંત સોળે કળાએ ખીલી હોય ત્યારે તેમનો શ્રૂંગાર પણ વસંત જેવો રંગીન હોવો ઘટે. તેથી જ આ સીઝનમાં ફરીથી કલરફુલ આઇ મેકઅપનો ટ્રેન્ડ આવ્યો છે.
આંખો આપણી ભાવાભિવ્યક્તિનું સબળ માધ્યમ લેખાય છે. ઘણી વખત જે ભાવના વ્યક્ત કરવા શબ્દો ઓછા પડે એ લાગણી નેણ કહી દેતાં હોય છે. તેથી જ મેકઅપમાં આંખોને અનોખું સ્થાન આપવામાં આવ્યું છે. એકલી આંખો માટે જ કાજલ,આઇલાઇનર, મસ્કરા, આઇશેડો જેવા કેટલાં બધા ઉત્પાદનો મોજૂદ હોય છે. પરંતુ તેનો ઉપયોગ કળાત્મક રીતે કરવો રહ્યો. આ વસંતમાં મેકઅપ આર્ટિસ્ટોએ સૌથી વધુ મહત્વ નેણના શણગારને આપ્યું છે. તેઓ કયું ઉત્પાદન શી રીતે ઉપયોગમાં લેવું તેની જાણકારી આપતાં કહે છે....,
આ વર્ષે રંગીન મસ્કરા ઇન છે. કલરફુલ મસ્કરા લગાવવાથી પહેલા બેઝ મસ્કરા લગાવવાનું ન ચૂકો. બેઝ મસ્કરા લગાવવાથી રંગીન મસ્કરા ઉઠી આવે છે. જોકે રંગીન મસ્કરા લગાવો તો લિપસ્ટિક ન લગાવો. આમ છતાં તમને હોઠ પર કાંઇક લગાવવું જ હોય તો ન્યુડ લિપસ્ટિક કે પછી પ્લેન લિપ ગ્લોઝ લગાવો.
ક્લાસિક લુક માટે ન્યુટ્રલ કલરનો આઇશેડો બેસ્ટ ઓપ્શન બની રહે છે. હળવો બેરી રંગ અને ન્યુડ આઇ શેડો ક્લાસિક દેખાયે છે.
ઘણી પામેલાઓને કલરફુલ મસ્કરા લગાવવાનું નથી રુચતું. તેમને માટે રેગ્યુલર મસ્કરા સાથે બ્રાઇટ લિપસ્ટિક અચ્છો વિકલ્પ બની રહે. ચહેરા પર અધરનો મેકઅપ પણ આંખોના શણગાર કરતાં જરાય ઉતરતો ન લેખી શકાય. તેથી તમે બ્રાઇટ પિંકના વિવિધ શેડ્સમાંથી તમારા વર્ણને અનુરૂપ શેડ પસંદ કરી શકો. આ સિવાય પીચ કલરના અલગ અલગ શેડ્સ પણ સુંદર દેખાશે. આ રંગો વસંતને અનુરૂપ ગણાય છે. શિયાળામાં ચહેરા પર ઘટ્ટ ફાઉન્ડેશન લગાવો તો ચાલે. પરંતુ આ ગ્રીષ્મમાં પરસેવાને કારણે તેમાં ધાબા પડી જતાં દેખાશે. તેથી આ ઋતુમાં હળવું ફાઉન્ડેશન લગાવો. આને માટે બીબી ક્રીમ્સ અને લ્યુમિનસ ફાઉન્ડેશન યોગ્ય રહેશે.
પાવડર બ્રોન્ઝર અને બ્લશર્સ મેકઅપ માટેના અચ્છા વિકલ્પો હોવા છતાં ઉનાળામાં ક્રીમ અને લિક્વિડ પ્રોડક્ટ્સ ત્વચાને વધુ માફક આવે છે. તે ત્વચામાં સારી રીતે ભળી જતાં હોવાથી મેકઅપ કુદરતી દેખાય છે.
- વૈશાલી ઠક્કર
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32lhgFR
ConversionConversion EmoticonEmoticon