
આવિરાટ વિશ્વમાં ચૈતન્યથી ધબકતા દરેક જીવોનું સ્તર કાંઈ એક સરખું હોતું નથી. ખરેખર તો પ્રત્યેક જીવોનાં સ્તરમાં કાંઈ ને કાંઈ ફર્ક રહેતો જ હોય છે. આમ છતાં ચોક્કસ દૃષ્ટિબિંદુથી વિચારીએ તો દરેક સંસારી જીવોને ત્રણ સ્તરમાં વિભક્ત કરી શકાય.
એમાંના સૌથી કનિષ્ઠ પ્રકારના જીવો તે છે કે જેઓનું જીવન હિંસા- મારફાડ- ચોરી- વ્યસન વગેરે દુષ્ટતાથી ભરપૂર હોય. માનવ હોવા છતાં પણ એમને ન તો આ જીવનની મહત્તા સમજાતી હોય છે, ન તો દુર્ગતિનો- પાપોનો ભય હોય છે. જીવનને સંપૂર્ણપણે બરબાદ કરતી આવી વ્યકિતઓ પણ, ધર્મશાસ્ત્રો કહે છે કે, આપણા માટે નિંદાપાત્ર ન હોવી જોઈએ. બલ્કે કરુણાપાત્ર- ભાવદયાપાત્ર હોવી ઘટે. એથી જ પેલી ભાવનાગીત પંક્તિઓમાં લખાયું છે કે :
દીન ક્રૂરને ધર્મવિહોણા, દેખી દિલમાં દર્દ રહે,
કરુણાભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે...
બીજા પ્રકારના જીવો તે છે કે જેમને જીવવા માટે નાનાં- નાનાં પાપો સેવવા જ પડે. એના વિના એમનું જીવન શક્ય જ નથી બનતું. જેમકે ગૃહસ્થજીવન જીવતી સંસારી વ્યકિત. એના માટે સ્થાવરાદિજીવોની હિંસા અનિવાર્ય હોય છે. આવી વ્યકિતઓ આપણા માટે ક્ષમાપાત્ર- નજરઅંદાજ કરવા જેવી હોવી ઘટે. કેમકે એનાં જીવનમાંથી વિશેષ કાંઈ પ્રેરણા ઉપલબ્ધ થતી નથી હોતી.. આ બન્ને કરતા શ્રેષ્ઢ છે ત્રીજા ક્રમના જીવો. એ સંસારમાં હોય ત્યારે એમનું જીવન વધુ વધુ ધર્માભિમુખ હોય અને સંસારત્યાગી બને ત્યારે એમનું જીવન વધુ ને વધુ અધ્યાત્મરત હોય. આવી વ્યકિતઓ આપણા માટે બની રહે વંદનપાત્ર.
નેવું વર્ષની સુદીર્ઘ જીવનયાત્રા દરમ્યાન, એંશી વર્ષ સમાજસેવા- સંઘસેવા- શાસનસેવામાં વ્યતીત કરી અંતિમ દશ વર્ષ સંપૂર્ણ અધ્યાત્મલક્ષી સંયમજીવન અંગીકાર કરનાર અમારા દિવંગત પિતામુનિવર પચીશ લાખ નવકારમન્ત્ર આરાધક છત્રીશલાખ અર્હમન્ત્રજાપસાધક શ્રી દિવ્યરત્ન વિજ્યજી મ.નું જીવન હતું આ શ્રેષ્ઢ સ્તરનું વંદનપાત્ર. એથી જ તો ગત તા.23-1 ના એમને ઝંખીએ તોય ન મળે તેવું ઉત્કૃષ્ટ સમાધિમરણ મળ્યું, અલ્પ દીક્ષાપર્યાય છતાં એમના સ્મૃતિમાં ભવ્ય વિહારધામનિર્માણ- જીવન પુસ્તકપ્રકાશન- એમની ગુરુમૂર્તિપ્રતિષ્ઢાદિ ઘોષણા થઈ, તો આ 'અમૃતની અંજલિ' કક્ષમાં એમના જીવનપ્રસંગો ય પ્રસ્તુત થઈ રહ્યા છે. આવો, આપણે એમના આ દ્વિતીય લેખમાં, તેઓના ગૃહસ્થજીવનથી સંયમજીવન સુધીના પ્રેરક પ્રસંગોને વિવિધ વૈભવરૂપે નિહાળીએ :
1) સેવાવૈભવ : પ્રભુપૂજામાં ઉપયોગી થતાં ચંદનના અને કો'ક સમાજસેવીના કંઠે આરોપતા હારમાં ગુંથાયેલ પુષ્પના સેવાધર્મનો એમનાં જીવનમાં સુવર્ણસંગમ હતો. ચંદન જેમ પ્રભુ કાજે પોતાની જાતને ઘસી નાખવામાં- આત્મવિલોપન કરવામાં ગૌરવ સમજે, એમ એ પણ પરમાત્મા કાજે- પરમાત્મસ્થાપિત સંઘ-શાસન કાજે જાત ઘસી નાખવામાં ગૌરવ સમજતા હતા. પોતાની જન્મભૂમિ પ્રાચીન ડભોઈતીર્થના જૈનસંઘમાં તેઓએ એકાદ- બે નહિ, સતત ચાલીશ-ચાલીશ વર્ષ ટ્રસ્ટી- પ્રમુખ તરીકે સેવા આપી એમણે પોતાની સર્વશક્તિનો મહદંશે ઉપયોગ પ્રભુશાસનસેવામાં કર્યો. એમના કાર્યકાળમાં ડભોઈના ત્રણ પ્રાચીન જિનાલયો- બે ઉપાશ્રયો- ધર્મશાળા- પાઠશાળા- ભોજન- શાળા- આયંબિલશાળા- પાંજરાપોળ- યશોવાટિકા- નવપદહાઇસ્કૂલ વગેરે વિવિધ સ્થાનો પુનરુદ્ધાર તેમજ નવનિર્માણ પામ્યા. કોઈ એક પ્રમુખના કાર્યકાળમાં આટલાં જાજરમાન કાર્યો ડભોઈતીર્થમાં આ પૂર્વે થયા ન હતા, તો સળંગ આટલાં બધાં વર્ષો પ્રમુખ તરીકેની સેવા પણ અન્ય કોઈની ન હતી. માત્ર કાર્યો જ નહિ, સ્વભાવની સુવાસ પણ એવી હતી કે ડભોઈતીર્થે પધારતા ગુરુભગવંતો એ સુવાસથી તર-બ-તર થઈને જતા. એક આવી ઘટના યાદ કરીએ તો, શાસનસમ્રાટ સમુદાયના વિદ્વાન આચાર્ય શીલચન્દ્રસૂરિજી મ.ઇ.સ. 1996માં ડભોઈ પધાર્યા હતા. ત્યાં એક વિરલ કસોટીમાં એમને મફતભાઈનો એવો મજબૂત સાથ મળ્યો કે આચાર્યશ્રીએ અમને પત્રમાં લખ્યું :' મફતભાઈના ધીર-ગંભીર-પીઢ વ્યકિતત્વનો જે અનુભવ થયો તે જીવનભર યાદ રહેશે.
જેમ પ્રભુશાસન માટે તેઓ ચંદન જેવા હતા, એમ સમાજ માટે એ પુષ્પ જેવા હતા. ડભોઈ શહેરના હરકોઈ સમાજમાં એમની સેવા સુવાસ એવી હતી કે ' મફતકાકા પાસે જાવ તો કાર્ય થઈ જ જશે.' ત્યાંની નાગરિક બેંકમાં ત્રીશ વર્ષ ચેરમેન- એમ.ડી.રૂપે અને કોલેજમાં દાયકાઓ પર્યંત ટ્રસ્ટરૂપે માનદ સેવા આપી એમણે અગણિત પરિવારોનાં આંસુ લૂંછયાં, તો અનેક પરિવારોના તેજસ્વી તારલાઓને સર્વાંગીણ સહયોગ આપ્યો. ચંદન અને પુષ્પનો આ સેવાધર્મ એકસાથે અન્યત્ર ક્યાં જોવા મળી શકે જલ્દી ?
2) ધર્મવૈભવ : સામાન્ય પણે એવું નિહાળાય છે કે જે વ્યકિત ધાર્મિક- સામાજિક ક્ષેત્રે ખૂબ વહીવટી સક્રિયતા ધરાવતી હોય એનાં જીવનમાં ક્રિયામય- આરાધનામય ધર્મનો વૈભવ ખાસ ન હોય. પરંતુ મફતભાઈ આમાં અપવાદ હતા. તેઓ નિત્ય બે વાર પ્રતિક્રમણ- એક સામાયિક- સ્નાત્રપૂજા સાથેની પ્રભુભક્તિ અને નવકારશી- ચોવિહાર : આટલી ધર્મકરણી ગૃહસ્થાવસ્થામાં આરાધતા હતા.
3) ભાવવૈભવ : ક્રિયાત્મક ધર્મ અલગ બાબત છે અને ભાવાત્મક ધર્મ અલગ બાબત છે. મફતભાઈની ભાવસૃષ્ટિ કેવી અદ્ભુત હતી એનો એક રોમહર્ષ પ્રસંગ નિહાળીએ : યુવાવયે એમના લગ્ન જે કન્યા સાથે થયા તે લીલાવતીબહેન એકદમ ધર્મનિષ્ઢ પરિવારના હતા. એમના સગા ભાઇ તથા બહેને દીક્ષા સ્વીકારી હતી. તેઓ ખુદ પણ દીક્ષાની ભાવના ધરાવતા હતા. પરંતુ ભવિતવ્યતાવશ લગ્નબંધનમાં જોડવાનું બન્યું ત્યારે લીલાબહેને આમની સમક્ષ ભાવના દર્શાવી કે ' તમામ સંતાનોને હું પહેલી પ્રેરણા દીક્ષાની જ આપીશ અને જે સંતાનો દીક્ષા માટે તત્પર થાય એને હું દીક્ષા જ અપાવીશ. તમે આમાં સંમત ખરા ?' મફતભાઈએ ભાવનાપૂર્વક તત્ક્ષણ સંમતિ આપી કે' દીક્ષા લેવા ઇચ્છુક સંતાનોને હું પણ સહાય જ કરીશ, અંતરાય નહિ કરું.' પરિણામ ? પરિણામ એ આવ્યું કે અમારા સહિત એમના ચાર-ચાર સંતાનો સાડા ચાર દાયકાથી સંયમી છે અને આ સહાયકભાવના પ્રભાવે જ એમને પણ અંતે સંયમધર્મ પ્રાપ્ત થયો. નીતરતી સરલતા અને ઊછળતી ભાવના વિના યુવાનવયે આવો ભીષ્મ સંકલ્પ શે શક્ય બને ?
4) દાનવૈભવ : જૈન શાસ્ત્રો કહે છે કે' ધર્મસ્યાદિપદં દાનમ્.' ભાવાર્થ કે ધર્મનું પ્રથમ સોપાન દાન છે. જે ગૃહસ્થ વ્યકિત છે એનાં જીવનમાં શક્તિઅનુસાર દાનનું સ્થાન હોવું આવશ્યક છે. મફતભાઈનું હૃદય આ ભાવોથી સુવાસિત હતું. એથી એકવાર એમણે વડોદરાથી શત્રુંજ્ય મહાતીર્થપદયાત્રાસંઘમાં સંઘપતિ બનવાનો લાભ લીધો, ડભોઈ તીર્થના મુખ્ય લોઢણપાર્શ્વનાથજિનાલયે પ્રભુપ્રતિમા ભરાવવાનું તથા પ્રતિષ્ઢાનુંસુકૃત કર્યું, તો પૌત્રના ઉપધાનતપસમયે પ્રથમમાળપરિધાનના લાભો લીધા. આ ઉપરાંત સંઘપ્રમુખ હોવાના નાતે સંઘના દરેક કાર્યોમાં અગ્રેસર દાન અલગ. જાણે કે તેઓ ગૃહસ્થાવસ્થામાં 'પુણ્યની કરે આવક.. એનું નામ શ્રાવક' આ ઉક્તિ સાર્થક કરતા હતા.
5) વૈરાગ્યવૈભવ : ઇ.સ.2008 અમારા સાસારિક માતા લીલાબહેન એ વર્ષે અલ્પ માંદગીમાં અવસાન પામ્યા. એમની અંતિમયાત્રામાં મુંબઈથી ડભોઈ ગયેલ ભાવિકો સાથે અમે એક પ્રેરણાપત્ર પાઠવ્યો અને તે અંતિમયાત્રા પૂર્વે જ પાંચસો- છસો વ્યકિતઓની ઉપસ્થિતિમાં વંચાયો. તેમાં અમે મફતભાઈને એ પ્રેરણા કરી હતી કે 'આયુષ્ય ક્ષણભંગુર છે એ પ્રભુવચનની દ્યોતક આ ઘટનાની અસર તમારા જીવનમાં અનાસક્તિ- વિરતિરૂપે ઝિલાવી જોઈએ.' એમણે આ શબ્દો સજ્જડ ઝીલી લીધા અને અંતિમયાત્રામાં જ મનોમન દીક્ષા લેવાનો સંકલ્પ કરી લીધો. પાછળથી એમણે આ સંકલ્પ જાહેર કર્યો ત્યારે એંશી વર્ષની વયે દીક્ષા સ્વીકારવાની વાતનો પરિવારજનોએ વિરોધ કર્યો. પરંતુ એ બિલકુલ મક્કમ રહ્યા. આખરે અમારી સમજાવટથી પરિવાર માન્યો અને ડભોઈતીર્થે જ એમનો દબદબાભર્યો દીક્ષામહોત્સવ થયો. એક જ પત્રથી દીક્ષાનો નિર્ણય એમનો વૈરાગ્યવૈભવ કેવો સૂચિત કરે છે !!
6) આત્મજાગૃતિવૈભવ : દીક્ષામુર્હૂત ઘોષિત થયા બાદ તેઓ ગોધરા ગયા હતા. ત્યાં એમને, પૂર્વોક્ત આચાર્ય શીલચન્દ્રસૂરિજી મહારાજે જાણે એમની આત્મજાગૃતિની પરીક્ષા કરતા હોય એમ પૂછયું :' એંશી વર્ષની આ પાક્ટ વયે દીક્ષા લઈને તમે શું કરશો ? ગુરુ મહારાજ હસ્તક થતાં જિનાલયો- ઉપાશ્રયોનો વહીવટ ? તમને એનો અનુભવ ખૂબ છે.' તુર્ત જ મફતભાઈએ ઉત્તર આપ્યો :' બિલકુલ નહિ. આ વયે દીક્ષા લીધા બાદ મારું લક્ષ્ય માત્રને માત્ર અંતર્મુખી આરાધનાનું છે. મને ખ્યાલ છે કે શાસ્ત્રાભ્યાસ- તપ વગેરે આ વયે હું નહિ કરી શકું. પરંતુ હું વધુમાં વધુ મૌન અને જાપઆરાધના કરીશ.' એમણે દીક્ષાના સાડા દશ વર્ષમાં કરેલ પચીશ લાખ નવકાર મન્ત્રજાપ વગેરે બેસુમાર આરાધનાઓ- મૌન ગવાહ છે કે એમણે પોતાનું લક્ષ્ય સવાયું સિદ્ધ કર્યું. ખુદ આચાર્ય શીલચન્દ્રસૂરિજી મહારાજે, અમારા પર હમણાં લખેલ પત્રમાં જણાવ્યું છે કે ' એમણે મને ગોધરામાં જે વચન આપ્યું હતું તે રીતનું જ દીક્ષાજીવન જીવીને પોતાનું વચન પાળી બતાવ્યું.' યાદ રહે કે સાધુ થનાર વ્યકિત પણ જો લક્ષ્ય ચૂકી જાય તો સાધુજીવનમાં ય એક અલગ સંસાર ખડો થઈ જાય. અમારા પિતામુનિવર એમની આત્મજાગૃતિનાં કારણે એમાંથી આબાદ બચી શક્યા હતા.
7) તિતિક્ષાવૈભવ : દીક્ષા નક્કી થયા પછી એમણે વિચાર્યું કે 'દીક્ષા બાદ એ.સી. પંખાનો ત્યાગ આવશે. એની પ્રેક્ટીસ હું અત્યારથી કરું. આ વિચારના અમલરૂપે એમણે દીક્ષાપૂર્વે છ માસથી એ.સી.નો સદંતર ત્યાગ કર્યો. દીક્ષા બાદ તુર્ત વડોદરાથી મુંબઈનો દીર્ઘ વિહાર વૈશાખ-જેઠ માસની ગરમીમાં થયો. પંખા- એ.સી.ના સંપૂર્ણ ત્યાગ છતાં એમણે ગરમી માટે એક હરફ પણ ન ઉચ્ચાર્યો. દીક્ષા બાદનો પ્રથમ લોચ મુંબઈ- ગોવાલીયા ટેકં સંઘના ચાતુર્માસમાં આવ્યો. જીવનમાં પ્રથમ વાર જ મસ્તકના તમામ કેશ ખેંચીને કાઢવાના હતા અને તે ય એંશીમાં વર્ષે. અમે એમને મક્કમતાની પ્રેરણા આપવા માંડી તો એ કહે : 'હું માનસિક રીતે સજ્જ જ છું. તમે ચિંતા ન કરશો.' અને ફક્ત પોણો કલાકમાં એમણે દાઢી-મૂંછ- મસ્તકના તમામ કેશનો લોચ કરાવી દીધો ! જાણે કે 'સહન કરે એ સાધુ' આ વ્યાખ્યા એમનાં જીવનમાં ચરિતાર્થ થતી હતી...
8) જિજ્ઞાસાવૈભવ : નવાં નવાં વાચનની- શ્રવણની વૃત્તિ એમનામાં અંતિમ દિવસો પર્યંત અકબંધ હતી. જ્ઞાનભંડારોમાંથી એમને ઉપયોગી નવાં નવાં પુસ્તકો અમારા શ્રમણો તેઓને આપે અને તેઓ નિશ્ચિત સમયમાં વાંચન કરી એ પૂર્ણ કરે. પ્રવચનોમાં પણ તેઓ દીક્ષાના પ્રારંભથી લગભગ અંતિમ દિવસો સુધી નિયમિત આવે. અરે ! ચાતુર્માસમાં પ્રવચનોનો સમય વહેલો હોય ત્યારે એમને નવકારથી વાપરવાનો સમય ન રહે. એથી તેઓ દરેક ચાતુર્માસમાં પ્રવચનો પહેલા સાંભળે અને નવકારશી એ પછી વિલંબથી વાપરે ! 'શ્રુતૌરતિ :' અ ગુણ એમનામાં ઝળકતો હતો.
9) લઘુતાવૈભવ : પ્રવચનો દરમ્યાન દરેક ચાતુર્માસમાં માતા-પિતાના ઉપકારોનો વિષય ક્યાંક ને ક્યાંક આવે જ. અમે ત્યારે એમના અમારા પરના ઉપકારોનો ખાસ ઉલ્લેખ કરીએ. પોતાની આ પ્રશંસા સાંભળવી એમને પસંદ ન હતી. એથી પ્રવચન બાદ સ્થાન પર આવીને એ અમને ઘણીવાર કહે : 'મારી વાત ન કહો તો ન ચાલે ? બીજા ઘણાં ઉદાહરણો હોય જ છે ને ?' કહેવત એમ કહે છે કે 'પ્રશંસા તો પ્રભુને ય પ્યારી છે.' પરંતુ પિતામુનિવર જાણે કે એમાં પણ અપવાદ હતા.
10) પરિણતિવૈભવ : એકવાર એમણે વાંચ્યું કે ડોક્ટરે આપેલ દવાની બોટલ પર 'મધ' શબ્દ છે. મધ મહાવિગઈ હોવાથી એમણે તુર્ત ડોક્ટરને કહ્યું : ' આ દવા મને નહિ ચાલે. બીજો વિકલ્પ હોય તો જણાવો. નહિ તો આ દવા હું જતી કરીશ.' આનાથી જરા અલગ પ્રસંગ અંતિમ પાંચ દિવસના હોસ્પિટલવાસનો છે. હોસ્પિટલમાં પ્રતિક્રમણાદિ કરાવતા મુનિ પ્રશમરત્નવિજ્યજીને ખ્યાલ આવ્યો કે દાદામ, ચૈત્યવંદનાદિ ક્રિયામાં પગ તે તે મુદ્રામાં લઈ જવાની કોશિશ કરે છે. એમણે સહજતાથી કહ્યું : ' આ સ્થિતિમાં મુદ્રા ન થાય તો રહેવા દો.' પિતામુનિવરે ઉત્તર આપ્યો : જ્યાં સુધી થશે ત્યાં સુધી તો મારે મુદ્રાઓ કરવી જ છે.' પરિણતિની ઉત્કટતા વિના આવી જાગૃતિ ક્યાંથી સંભવી શકે ?
11) ભક્તિવૈભવ : અંતિમ દિવસોમાં કાળધર્મના દોઢ દિવસ પૂર્વેની વાત. અમે આરાધના કરાવતાં કરાવતાં 'સકલતીર્થ'. સૂત્ર લીધું. એકેક પંક્તિ ગાવા સાથે એનો અર્થ કર્યો અને ક્યા દેવલોકમાં કેટલા જિનાલયો છે- કેટલી શાશ્વતી પ્રતિમાઓ છે એ વિસ્તારથી સમજાવ્યું. રસપૂર્વક બધું સાંભળીને એ બોલ્યા : ' મને આ બધું લખીને આપો તો હું પ્રતિમાઓની સંખ્યા વગેરે બરાબર યાદ કરી શકું.' મંગળવાર સાંજની આ વાત. અમે બુધવારે સવારે એમને આ બધી વિગત લખી આપી. એમના માટે અમે કરેલું આ અંતિમ લખાણ હતું. એમણે એ લખાણ બુધવારે સવારે-બપોરે અને સાંજે વાંચ્યું. ગુરુવારે વહેલી સવારે તો એમનો દેહવિલય થઈ ગયો. મૃત્યુના પૂર્વકલાકોમાં પ્રભુ પ્રત્યે કેવી પ્રીતિ- ભક્તિ ઝગમગતી હતી તે આ ઘટનામાં પ્રતિબિંબિત થાય છે.
સંસારી અવસ્થાથી સંયમી અવસ્થા સુધીના પૂ.પિતામુનિવરના અગિયાર જીવનપ્રસંગોના પ્રેરક પાથેયનું સમાપન કરતાં અમે યાદ કરીશું પેલી મજાની શાયરી કે :
જીંદગી ઐસી બના, જિંદા રહે દિલસાદ તું ;
જબ ન હો દુનિયામેં, દુનિયાકો યાદ આયે તું..
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VcPoSu
ConversionConversion EmoticonEmoticon