રોગમુક્ત થવા માટે માનસિક સ્વસ્થતા જરૂરી


આપણામાંના અનેકને એક સામાન્ય અનુભવ થયો હશે કે જ્યારે જ્યારે બીમારી થાય ત્યારે ડોકટર પાસે તપાસ કરવા જવું સ્વાભાવિક હોય છે, અને જ્યારે જ્યારે ડોક્ટર પાસે તપાસ કરાવવા જઇએ ત્યારે અચુક મનમાં વિચારો શરૂ થતાં હોય છે. દા.ત. વધુ હશે ? શું થશે ? શું કરવું પડશે ? કાંઇ તકલીફ તો નહિં હોય ને ? આમ કેટલાય સવાલો એક સાથે શરૂ થાય છે - અને એમાંય ડોકટર પાસે પહેલી જ વાર જવાનું થાય ત્યારે તો અનેક ગણી બેચેની અનુભવાય છે.

જાણીતા ડૉકટર પાસે જવાનું થાય તો ઓછા વિચારો આવે છે. પરંતુ કોણપણ જાતની તબીબી તપાસ વખતે મન બેચેની અનુભવે છે. એ સામાન્ય અનુભવ હોય છે. વેઇટીંગ રૂમમાં બેઠા હોઇએ ત્યારે આજુબાજુના દર્દીઓની સામે જોઇને કેટલાય વિચારો મનમાં આવ્યા કરતાં હોય છે. દર્દીઓની સાથે આવેલ તેના સંબંધીઓને પણ ક્યારેક સવાલે પુછતાં હોઇએ છીએ. અને જ્યારે ડોકટર પાસે જવાનો વારો આવે ત્યારે વિચારોની માત્રા પણ વધી જાય છે અને મોટાભાગે જ્યારે બ્લડપ્રેશર માપવાનું આવે ત્યારે તો કેટલાય દર્દીઓનું બી.પી. થોડું વધેલું જ આવે છે.

લેખની પૂર્વભૂમિકા એટલા માટે લખવી પડી કે જો આપણે તબીબી તપાસ વખતે થોડી માનસીક સ્વસ્થતા રાખી શકીએ તો ડોકટર માટે ક્યારેક રોગનું નિદાન કરવું ઝડપી બની જાય છે અને પરિણામે તાત્કાલિક સારવાર મળી જતાં ઝડપથી રોગમુક્ત થઇ શકાય છે.

આ તો થઇ તબીબી તપાસ વખતની બેચેની પરંતુ એક વખત કોઇપણ બીમારીનું નિદાન થાય. પછી એ બીમારી સામાન્ય હોય કે થોડી ગંભીર પ્રકારની પરંતુ બીમારી દરમ્યાન પણ માનસિક સ્વસ્થતા એટલી જ જરૂરી હોય છે.

૪૦ વર્ષના મુક્તકભાઇ પહેલી જ વાર ડોકટર પાસે જાય છે. થોડા ચક્કર તેમજ માથાના દુખાવાની ફરિયાદ રહેતી હતી. સામાન્ય શરદીની અસર હતી. ક્યાંક વાંચ્યું હતું કે હમણાં કોરોના વાઇરસનો ઉપદ્રવ વધી ગયો છે. મુક્તકભાઇનો સ્વભાવ આમ પહેલેથી ચિંતાવાળો હતો. આખો દિવસ કારણ વગર બીમારી વિષે એટલું બધું વિચારતાં હતાં કે જાણે બધી જ બીમારી તેઓને થઇ ગઇ હોય. આ વખતે પણ શરદી, ઉધરસ વિ. શરૂ થતાંની સાથે જ તેમને વિચારોની બીમારી પણ લાગુ પડી ગઇ. સતત કોરાના વાઇરસ અંગેની જ ચિંતા થવા લાગી.

સૌથી પહેલાં એવો જ વિચાર કરતાં હતાં કે આ વાઇરસ મારવા કોઇ જ દવા નથી. મોટાભાગના દર્દીઓના મૃત્યુ થાય છે. આ વિચારોમાં જ તેમની ઉંઘ, ભુખ ઊડી ગઇ હતી. કામમાં કોઇ રસ રહેતો નહોતો. શરદી બાજુ ઉપર રહી ગઇ. અને કોરોનાના વિચારો મગજનો કબજો જમાવીને બેસી ગયા. ડોકટર કોઇ સવાલ પૂછે તે પહેલાં જ કોરોના વાઇરસ અંગેના સવાલોનો મારો ડોકટર પાસે આવી ગયો. ડોકટરે આશ્વાસન આપ્યું કે સામાન્ય શરતની બીમારી છે. તે સિવાય કશું જ નથી. થોડા દિવસોમાં જ તદ્દન સારૂં થઇ જશે. ઘરે આવીને પણ મુક્તકભાઇ વિચારોથી મુક્ત થયા નહિં.

જે શરદીને મટતાં ફક્ત થોડાક જ દિવસો લાગવાનાં હતાં. તેના બદલે તેમની શરદીની બીમારી લગભગ એક મહિનો ચાલી. એટલે કે આ સમય દરમ્યાન તેમને લગભગ ૫થી ૬ કિલો વજન ઉતારી દીધું. વિચારોમાંથી મુક્ત થવા માટે માનસિક સારવાર પણ કરાવવી પડી. મનોચિકિત્સક તરીકે તેઓની સાથે થોડો વધારે સમય વિતાવી ને સમજાવ્યા કે મનને વધારે પડતી તકલીફ આપવી નહિ. હકારાત્મક વિચારો કેવી રીતે કરવા ? મનને સ્વસ્થ રાખવા શું કરવું ? વિ.વિ. સલાહ સુચનોની આપલે થઇ.

ટુંકમાં બીમારી ના જ થાય તે જીંદગીમાં શક્ય જ નથી. રોગ અચાનક જ આવતો હોય છે. ગમે તેટલી શરીરની તેમજ મની કાળજી લઇએ છતાં પણ બીમારી આવતી જ હોય છે. પરંતુ જ્યારે રોગ આવી જ જાય ત્યારે મનની સ્વસ્થતા જરૂરી હોય છે. જરૂરી નહિં ફરજીયાત હોય છે. જો મન સ્વસ્થ નહિં હોય તો જે બીમારી થોડા દિવસમાં મટવાની હોય તે બીમારી મટતાં મહિનાઓ લાગી જાય છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P4XHvM
Previous
Next Post »