હવામાં ભળી ગયું છે ઝેર... સંભાળજો પ્રદૂષણને સમયસર નહીં ડામો તો...


પ્રદૂષણ :બાન્દ્રામાં કૃત્રિમ ફેંફસાનો રંગ સફેદથી બદલાઈ કાળો થઈ ગયો!

મુંબઈ શહેરમાં પ્રદૂષણનું સ્તર કેટલું નીચું આવી ગયું છે, તેની જાણકારી બાન્દ્રામાં ૧૪ જાન્યુઆરીએ લગાડાયેલા 'હેપા ફિલ્ટર લંગ' જે જોઈને આવી શકે છે. એક અહેવાલ મુજબ આ 'હેપા ફિલ્ટર લંગ' લગાડાયા ત્યારે સાવ સફેદ હતા, પણ તેના ૧૪ દિવસ પછી એનો રંગ ગ્રે અને હવે હળવો કાળો રંગ થઈ રહ્યો છે.

લોકોને હવાનું પ્રદૂષણ કેટલું છે, તેની જાગરુકતા માટે કામ કરતી એક સંસ્થાએ આ કૃત્રિમ લંગ લગાડયા છે. જોકે બે જ અઠવાડિયામાં લંગનો રંગ બદલતા મુંબઈમાં પ્રદૂષણની સ્થિતિ કેવી છે, તેની જાણકારી મળે છે. ૧૪ થી ૨૭ જાન્યુઆરી વચ્ચે મુંબઈમાં એર-ક્વોલિટી ઈન્ડેક્સ ૨૦૦ ને વટાવી ગયો હતો. એક્યૂઆઈ ૨૦૦ થી વધુ હોવાનો મતલબ હવાની ગુણવત્તા વધુ ખરાબ છે.

મુંબઈમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે, તેનાથી સચેત રહેવાની જરૂર છે. હવાની ગુણવત્તા ખરાબ  હોવાને કારણ કંઈ કેટલીય શ્વસન તંત્રની સમસ્યા થઈ શકે છે. બાન્દ્રા ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ આવા કૃત્રિમ લંગ લગાડવામાં આવશે.

મુંબઈમાં દિનપ્રતિદિન બધા જ પ્રદૂષણો વધી રહ્યા છે, તેમાં હવાના પ્રદૂષણનો પણ સમાવેશ થાય છે. હવાના પ્રદૂષણની અસર મુંબઈગરાને છેલ્લાં થોડા મહિનાથી  વધુ  થઈ રહી છે અને વધુને વધુ મુંબઈવાસી ઉધરસ, ગળામાં બળતરા, શ્વાસ લેવામાં તકલીફ જેવી સામાન્ય કહી શકાય એવી બિમારીનો શિકાર બની રહ્યા છે. આ બિમારી અત્યારે ભલે નાનકડી કે નગણ્ય લાગતી હોય પણ સમય જતા તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. એથી એને નજરઅંદાજ કરી શકાય એમ નથી.

મુંબઈમાં હવાની પ્રદૂષણ વધવાના  કારણ કો ઘણા છે, પણ સૌથી વધુ મોટું કારણ છે, વાહનો દ્વારા છોડવામાં આવતો ધૂમાડો છે, જેમાં કાર્બન ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડનું પ્રમાણ વધુ હોય છે, તે હવાની ગુણવત્તા બગાડવાનું મોટું કારણ છે. આ ઝેરી પ્રદૂષિત વાયુ હવાને  વધુ પ્રદૂષિત કરે છે. શ્વાસ દ્વારા ફેંફસાંમાં ખરાબ  હવા  જતાં તે આપણાં ફેંફસા ઉપરાંત શ્વસન તંત્રને ગંભીર રીતે ડેમેજ કરે છે. હવાનું પ્રદૂષણ ઝેરી વાયુઓ અને પાર્ટિકલ્સ અને વિવિધ ગેસોને કારણે થાય છે.

આવા ગેસમાં ઓઝોન, કાર્બન મોનોક્સાઈડ, નાઈટ્રોજન ડાયોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ અને કેમિકલના મોટા જથ્થાનો સમાવેશ થાય છે. આ જથ્થાનેે વોલાટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ (વીઓસી) તરીકે ઓળખાય છે. બેશક ઝેરી ગેસની ઘણી જોખમી અસર થાય છે. સંશોધકો એવા નિર્દેશો કરે છે કે આપણે સૌથી વધુ ચિંતા તો ફાઈન પાર્ટીકલ્સ તેમાંય ખાસ કરીને સાઈઝમાં  ૨.૫ માઈક્રોન્સથી પણ નાના હોય એનો ડર રાખવાની જરૂર છે કેમ કે એ શ્વસન તંત્ર વાટે ફેંફસાની અંદર અત્યંત સાંકડી નળીઓમાં ઘૂસી જાય છે અને તે ફેંફસાના તંતુઓ-સૂક્ષ્મ ટીસ્યૂને નુકસાન પહોંચાડે છે.

આ પ્રદૂષકોના ઘણા પ્રકાર હોય છે જે વિવિધ પ્રક્રિયાને કારણે પેદા થાય છે, જેને પ્રાઈમરી પોલ્યુટન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિવિધ ફેક્ટરીઓમાંથી પોલ્યુટન્ટ ગેસો બહાર પડવાથી તે ઉત્પન્ન   થાય છે. કચરો, ગંદકી અને ગટર વ્યવસ્થામાંથી બહાર પડતી ગંદી વાસ પણ એક પ્રકારનું પ્રદૂષણ જ છે. આ ગંધ થોડી ઓછી ગંભીર હોય છે, પણ મનને વિચલિત કરી દે છે.

દ્વિતીય સ્તરના પ્રદૂષણ  મિશ્રણ કરવાથી અને પ્રાયમરી પોલ્યુટન્ટ્સના રિએક્શનથી પેદા થાય છે. ગાઢ ધુમ્મસ, ધુમાડાના ધુમ્મસ (વાદળ) બીજા સ્ટારના પોલ્યુટન્ટ્ છે.

આ પ્રદૂષકોની કામચલાઉ બિમારી થાય છે જેમાં ન્યૂમોનિયા અને બ્રોન્કાઈટિસનો સમાવેશ થાય છે. બેશક, આ બિમારીને કારણે બેચેની લાગે છે, જેને કારણે સતત નાક વહેતું રહે, ગળામાં બળતરા થાય, આંખ અને ચામડીમાં સમસ્યા સર્જાય છે. હવાના પ્રદૂષણથી માથાનો દુ:ખાવો, તમ્મર કે ચક્કર આવે, ઉબકા કે મોળ જેવી તકલીફ થઈ શકે છે. આ બધી ટૂંકા ગાળાની અસર છે, પણ હવાના પ્રદૂષણની લાંબા ગાળાની પણ અસર ઉદ્ભવે છે. આ અસર વર્ષો સુધી અથવા જીવન પર્યન્ત સુધી ટકી શકે છે. એમાં હૃદયરોગ, ફેંફસાનું કેન્સર અને શ્વસન તંત્રના રોગોનો સમાવેશ થાય છે. આમાં શરીરની પેશીઓમાં હવા ભરાતા આવતા સોજાનો પણ સમાવેશ થાય છે. હવાનું પ્રદૂષણ લોકોના ચેતનતંતુ, કીડની અને લીવરને પણ નુકસાન કરે છે.

હાંફ ચડવી, કફ થવા, ગળામાં સસણી બોલવી, છાતી સખત (ભારે) થઈ જવી જેવા ચિહ્નો ખતરનાક રોગ અસ્થમાના છે. હવામાંના નાના કણો શ્વાસ વાટે ફેંફસામાં જતાં અસ્થમા ઉથલો મારે છે. હવાના પ્રદૂષણની લાંબા અને ટૂંકા ગાળાની અસરને કારણે ફેંફસાંની કામગીરી ઘટવા લાગે અને અસ્થમાના વધુ હુમલા થાય છે. ધૂળ, ધૂમાડો, ફૂલોની પરાગરજ અને વોલાટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ (વીઓસી) જેવા પદાર્થો અસ્થમાના હુમલા માટે કારણ ભૂત બની રહે છે. ઓઝોન, કાર્બન મોનોક્સાઈડ, સલ્ફર ડાયોક્સાઈડ અને નાઈટ્રોજન ઓક્સાઈડ જેવા બહારના સામાન્ય પ્રદૂષકો પણ અસ્થમાનો હુમલો કરાવી શકે છે.

ફેંફસા સુધી હવા લઈ જતાં માર્ગને સાંકડો બનાવવા માટે કારણભૂત મનાતા કોમન ઓબ્સ્ટ્રક્ટીવ પલ્મોનરી  ડિસિઝ (સીઓપીડી)ને કારણે પણ ફેંફસાની કામગીરીમાં વિક્ષેપ સર્જાય છે. ફેંફસામાં હવાના માર્ગને સાંકડો બનાવતી આ બિમારી કાયમી અને સાઝા ન થઈ શકે એવી હોય છે. 

'સીઓપીડી'નું કારણ બળતરાને કારણે ઉત્પન્ન થતાં પ્રદૂષકો છે અને તેની અસર રોગપ્રતિકારક શક્તિ પર પણ પડે છે. આની ઉશ્કેરણીજનક અસર એટલે ક્રોનિક બ્રોન્કાઈટિસ છે. ફેંફસાના સૌથી નાના અથવા સૂક્ષ્મ કહી શકાય એવા હવા જવાના માર્ગના છેડાવા ભાગમાં હવાના પાતળા કોષો ભરાઈ જતાં ત્યાંના ટિસ્યૂ તૂટવા લાગે છે  અથવા શરીરની પેશીઓમાં હવા ભરાવાથી સોજો   આવે છે. જોકે અત્યારના અથવા ભૂતપૂર્વ ધૂમ્રપાન કરનારા મોટેભાગે સીઓપીડીના શિકાર બને છે. અને હવાના પ્રદૂષકો તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવી તેમને શિકાર બનાવે છે. 

 હવાના પ્રદૂષણના તો લગભગ બધા જ શિકાર બને છે. જો કે આવા શિકાર બન્યા પછી શું જોખમ સર્જાય છે તેની જાણકારી અહીં આપવામાં આવી છે.

* લોકો શ્વસન તંત્રના રોગો થાય છે.

* લોકોને હૃદય રોગ થાય છે.

* બાળકો શિકાર બને છે.

* આઉટડોર એક્સરસાઈઝ કરતાં સક્રિય એડલ્ટ.

* વૃધ્ધ એડલ્ટ.

* ડાયાબિટિસના દર્દી.

* ગર્ભવતી મહિલા.

આ બધાને હવાના પ્રદૂષની સીધી અસર સૌ પહેલા થાય છે.

 હવાના પ્રદૂષણને મર્યાદામાં રાખવા

* ઈન્ડોર એર-પ્યુરિફાયર ખરીદવું.

* એર-ફ્રેશનર અને મીણબત્તીથી દૂર રહો.

* હીટરને ક્લીન રાખો અને એર કન્ડીશનરના ફિલ્ટરો જાળવી રાખો.

* વોક્યૂમને થોડાં થોડાં સમયે બદલો.

* શીટ્સને ધૂઓ અને રમકડાંને ધૂળ રહિત કરો.

* મોલ્ડને ધૂઓ અને સખત સપાટી પર ચડેલી ફૂગને દૂર કરો.

* દિવસે ઘરમાં હવાની અવરજવર થતી રહે એ માટે બારી ખુલ્લી રાખો. દિવસે હવા સારી હોય છે.

* એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર ખોરાક અને શાકભાજી આરોગો. વિટામીન-સીથી ભરપૂર ફળોનો ઉપયોગ વધારો. જેથી રોગ પ્રતિકારક શક્તિને બળ મળે.

* ભોજનમાં આદુનો વપરાશ વધારો. આદુથી ગળું સ્વચ્છ રાખવામાં મદદ મળે છે અને એ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે.

* ઝેરી તત્ત્વોને શરીરને સ્વચ્છ રાખો.

* તમે એવા સ્થળેથી બચી શકો નહીં જ્યાં હવાનું પ્રદૂષણ હોય જ - તો મોં પર હાથરૂમાલ બાંધી રાખો.

* હવાને સુધ્ધ કરતાં છોડવા વાળો જેવા કે એલોવેરા અને બારેમાસ લીલા રહેતા વેલા વાવો.

* રસોડાનો ધૂમાડો ચિમની વાટે બહાર જાય કે નહીં તેની ખાતરી કરો.

* તમારા શરીરના હવાના માર્ગો સ્વચ્છ રહે એ માટે ઈન્હેલર સ્ટીમની મદદ લો.

આમ હવાનું પ્રદૂષણ હોય તો તેને આવી અનેકવિધ રીતે તેને સ્વચ્છ કરી શકાય છે. આ રીતે હવા સ્વચ્છ રાખશો તો વધુ સારી જીવન જીવી શકશો અને બીજાને સારી-સ્વચ્છ લેવાનું પ્રશિક્ષણ આપો. આજે નહીં તો આવતી કાલે આવા પગલા લીધા વિના છૂટકારો નથી.

- ભૂપેન્દ્ર પટેલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2u72Yfj
Previous
Next Post »