મોટો ધર્મ ક્યો? .


આજે પ્રકૃતિ તથા પર્યાવરણથી લઈને વાતાવરણ તથા લોકોના અંત:કરણ પણ અત્યંત પ્રદૂષિત તથા વિકૃત થઈ ગયા છે. આવા વિષાક્ત વાતાવરણમાં આપણા માટે ધર્મના માર્ગનું અનુસરણ કરવું અત્યંત મુશ્કેલ છે. ભારતમાં હજારો લાખોની સંખ્યામાં મહામાનવો તેજસ્વી તારાઓ તથા નક્ષત્રોની જેમ વૈશ્વિક આકાશમાં ચમકતા જોવા મળે છે. તેમના વ્યક્તિત્વ તથા કાર્યોમાંથી નીકળતા પ્રકાશ તથા પવિત્રતાનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી. પ્રશ્ન એ થાય છે કે ધ્રુવ, પ્રહ્લાદ, શુક્રદેવ, શ્વેતકેતુ જેવા મહાપુરુષોએ આજના વાતાવરણમાં જન્મ લેવાનું શક્ય છે ખરું ? કારણકે ધાર્મિક સંસ્થાઓનો ઉદેશ્ય ધર્મ તથા ધાર્મિક આસ્થાઓની પ્રતિષ્ઠા કરવાનો છે.

જ્યારે આપણે ધાર્મિક આસ્થાઓની વાત કરીએ છીએ ત્યારે પહેલો પ્રશ્ન એ ઉભો થાય છે કે આપણે જેને ધર્મ કહીએ છીએ તે ખરેખર શું છે ? આ જાણવું એટલા માટે જરૂરી છે કે લોકો જેને ધર્મ માને છે એમાં ધર્મનું તત્ત્વ ઓછું અને અંધવિશ્વાસ વધારે છે. આપણે જેનો અનુભવ ન કર્યો હોય એવી વાતોને સાચી માનવી તે એક પ્રકારનો અંધવિશ્વાસ જ છે.

સત્યને જાણવા માટે પુરુષાર્થ કરવો પડે છે, જ્યારે અંધશ્રદ્ધા માટે કંઈ વિશેષ કરવાની જરૂર હોતી નથી. લોકો ધર્મની વાતો કરે છે પણ ધર્મના માર્ગે ચાલતા નથી. સત્ય તો આનાથી જુદુ જ છે. ધર્મના માર્ગે ચાલનારે કોઈ તપસ્વી ગુરુ કે પરમાત્મા પ્રત્યે શ્રદ્ધા અને  સમર્પણના ભાવોનો વિકાસ કરવો પડે છે. ધર્મનો માર્ગ સરળ નથી. જો તે સહેલો હોત તો નચિકેતાએ મૃત્યુના દેવ યમચાર્યને સમર્પિત ન થવું પડત. ધૃવે કષ્ટસાધ્ય તપસ્યાનો માર્ગ સ્વીકારવા ન પડત. મીરાએ ઝેરનો પ્યાલો પીવો ન પડત. હરિશ્ચંદ્રને કઠોર પરીક્ષામાંથી પસાર ન થવું પડત અને કબીરને પાણીમાં ડૂબવું ન પડત. ધર્મ, જ્ઞાાન, વિવેક, વૈરાગ્ય, તપસ્યા, આત્મબોધ, યોગ તથા અધ્યાત્મનો માર્ગ વાસ્તવમાં ખૂબ અઘરો છે. એટલે જ એ માર્ગે ચાલનારાઓની સંખ્યા બહુ ઓછી છે. જ્યારે તેની વાતો કરનારા તો અનેક લોકો છે.

ધર્મના માર્ગે ચાલનારા લોકોએ શ્રીરામ શર્મા આચાર્યજીની પંક્તિઓ યાદ રાખવી જોઈએ કે યહ રાહ નહીં હૈ ફૂલોકી, કાંટે હી બસ ઇસ પર મિલતે હૈ, લે કરકે દર્દ જમાનેકા બસ, હિમ્મતવાલે ચલતે હૈ સાથે સાથે તેમણે કઠોપનિષદમાં યમે નચિકેતાને કહેલી ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યા, દુર્ગમ પથસ્તત્ કવયો વદન્તિ પંક્તિઓ યાદ રાખવી જોઈએ. અર્થાત્ અધ્યાત્મનો માર્ગ છરાની ધાર જેવો દુર્ગમ છે. તેથી એની પર ચાલતાં પહેલા ઋષિયો પણ વિચાર કરે છે.

ધર્મનો માર્ગ સ્વીકારનારે એક મહાન ઉદેશ્ય માટે પોતાને સમર્પિત કરી દેવો પડે છે. આ માર્ગે ચાલનારે શૂળીએ ચઢવું પડે છે. પથ્થર ખાવા પડે છે, નિંદા સહન કરવી પડે છે તથા પોતાના જીવનનો ત્યાગ કરવા પણ તૈયાર રહેવું પડે છે. જેઓ સર્વસ્વનું સમર્પણ કરવા તૈયાર રહે છે. તેઓ જ ધર્મના સર્વોચ્ચ શિખરે પહોંચી શકે છે. દુ:ખની વાત એ છે કે આજે લોકો કશું જ કર્યા વગર, કષ્ટો સહન કર્યા વગર, તપ્યા વગર સિધ્ધિઓ અને વિભૂતિઓ મેળવવાના સ્વપ્નાં જુએ છે. ધર્મ આડંબરની વસ્તુ નથી. ધર્મ તો માણસને એક સારો, સાચો અને પવિત્ર માણસ બનવાની પ્રેરણા આપે છે. રામચરિતમાનસમાં ગોસ્વામી તુલસીદાસજીએ ધર્મની સીધી સાદી વ્યાખ્યા આપતા કહ્યું કે- પરહિત સરિસ ધરમ નહીં ભાઈ, પરપીડા સમ નહીં અધમાઈ. આમ, જે પોતે પવિત્ર જીવન જીવે છે અને બીજાઓનું કલ્યાણ કરે છે એજ સાચો ધાર્મિક છે.

બીજાઓને કષ્ટ ન આપવું તે ધર્મ છે, બીજાઓની પીડાઓનું નિવારણ કરવું તે ધર્મ છે. ધર્મનો ઉદેશ્ય એજ કે બીજાઓની પીડાનું નિવારણ કરી તેમને પતનના માર્ગેથી પાછા વાળવા અને સન્માર્ગે પાછા લઈ જવા. બીજા શબ્દોમાં કહીએ તો આજના વાતાવરણમાં પીડા તથા પતનનું નિવારણ કરવું એ જ સાચો ધર્મ છે. દુ:ખીઓના દુ:ખ દૂર કરવા અને ખરાબ માર્ગે ચાલતા લોકોને સાચા માર્ગે પાછા લાવવા એનાથી મોટો ધર્મ બીજો કયો હોઈ શકે ? જેનાથી માનવ જાતનું કલ્યાણ થાય અને લોકો સુખી બને એ જ સાચો ધર્મ.

આ સંદર્ભમાં લિયો ટોલસ્ટોયનું જીવન અત્યંત પ્રેરણાપદ છે. ટોલસ્ટોય એક પ્રસિધ્ધ લેખક હોવાની સાથે સાથે સંવેદન શીલ મહાપુરુષ પણ હતા. તેથી એમના ઘરે દરરોજ અનેક યાચકો આવતા હતા. એકવાર  તેઓ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા તો કેટલાય યાચકો તેમને ઘેરી વળ્યા. ટોલસ્ટોય કોઈને નિરાશ કરતા ન હતા.

તેઓ દરેક યાચકને કંઈને કંઈ આપવા લાગ્યા. કોઈને પૈસા આપ્યા તો કોઈને કપડાં આપ્યાં, તો કોઈને પોતાનું સ્વેટર પણ ઉતારીને આપી દીધું. આથી એવી સ્થિતિ ઉભી થઈ કે તેમની પાસે આપવા લાયક કશું જ રહ્યું નથી. યાચકોમાંથી સૌથી છેલ્લે કાખઘોડીની મદદ થી એક માણસ ઉભો રહ્યો હતો. તે સૌથી છેલ્લે પહોંચ્યો.

હવે ટોલસ્ટોય પાસે કશું જ રહ્યું ન હતું. તેમણે તે માણસને ગળે લગાડયો અને દુ:ખી થઈને કહ્યું કે,' તને આપવા માટે, મારી પાસે કશું જ બચ્યું નથી. કાલે હું તારા માટે અવશ્ય કશુંક લઈ આવીશ.' એમની વાત સાંભળીને તે માણસે કહ્યું કે 'આપ, આવું ન બોલો. આજે આપે મને જે આપ્યું છે તે અત્યાર સુધી કોઈએ નથી આપ્યું. ધન આપનાર તો અનેક મળ્યા, પરંતુ પ્રેમ આપનાર આજ સુધી કોઈ મળ્યું નથી. એ પ્રેમ તથા આત્મીયતા આપે જ મને આપી છે.

આ વાત આજના યુગમાં અત્યંત પ્રાસંગિક છે. ધર્મનો અર્થ જ છે- મનુષ્યમાં ભાવસંવેદનાનું જાગરણ થવું આજે ધર્મ આપણી પાસે આવી જ આશા રાખી રહ્યો છે. આજે માણસનું મન ખૂબ નાનુ થઈ ગયું છે. આપણે બીજાનું સુખ જોઈને દુ:ખી થઈએ છીએ. આવી સ્થિતિમાં ધર્મનો માર્ગ જ આપણા માટે વરણ કરવા યોગ્ય છે. આપણે આપણી અંદર માનવતા અને ભાવસંવેદના જાગ્રત કરીને જ્યાં પણ પીડા અને પતન દેખાય તેમના નિવારણ માટે દોડી પડવું જોઈએ. જાગ્રત આત્માઓ પાસે મહાપુરુષોની આજ અપેક્ષા છે.

- હરસુખલાલ સી.વ્યાસ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3c4OEoC
Previous
Next Post »