અરુચિનાં કારણો અને ઉપચાર


ચિત્રકાદિવટી, લશુનાદિવટી અથવા તો દ્રાક્ષાદિવટી અવારનવાર મોંમાં ચૂસત રહેવું. તેનાથી ભૂખ લાગશે

અરુચિ થવાનું મુખ્ય કારણ ક્યારેક માનસિક હોય છે. દિલ તૂટી જાય એવું કશુંક બને, અતિશય પ્રિય હોય એવી કોઈ વ્યક્તિનું અવસાન થાય, નાની ઉંમરમાં પતિ ગુજરી જાય, વ્હાલસોઈ પત્નીનું અવસાન થાય, એકનો એક પુત્ર કે એકની એક પુત્રી એક્સિડંટ થતાં મૃત્યુ પામે, નાની ઉંમરમાં માબાપની છત્રાછાયા ગુમાવવી પડે કે મન ખિન્ન કે શોકાકુલ બની જાય એવો કોઈ પ્રસંગ બને તો એની સીધી અસર પાચનતંત્ર પર થાય છે. ભૂખ મરી જાય છે, રાંધેલી રસોઈ પડી રહે છે, અને મોંમાં કશું મૂકવાનું મન જ થતું નથી.

ભાત-ભાતની વાનગીથી ભરેલી થાળી પણ દૂર હડસેલી દેવાની ઈચ્છા થાય છે. એજ રીતે કોઇની સાથે પ્રેમ થઇ ગયો હોય, સતત એ વ્યક્તિની જ યાદ આવતી હોય અને એના વિના રહેવું કે જીવવું જ મુશ્કેલ લાગતું હોય તેવી વ્યક્તિ જો દૂર થઇ જાય કે મળવાનું મુશ્કેલ બની જાય; હૃદય પ્રેમથી તરબતર હોય અને એની અભિવ્યક્તિનો કોઈ ઉપાય ન હોય તો જીવનની સાથે સાથે ભોજન પ્રત્યે પણ નફરત અને અરુચિનો ભાવ પેદા થઇ શકે છે.

તીવ્ર ભયની સ્થિતિમાં પણ ભૂખ મરી જાય છે.જાતને બચાવીને ક્યાંકથી ભાગવું પડયું હોય, માથે કોઈ ભય ઝઝૂમતો હોય તો આવી વ્યક્તિની ભૂખ મરી જાય છે. એને કશુંય ખાવાની ઇચ્છા જ થતી નથી. ચિંતા કે ટેન્શનની તીવ્ર સ્થિતિમાંથી પસાર થતી નબળા મનની કેટલીક વ્યક્તિ પણ અરુચિનો ભોગ બની શકે છે. એને ભૂખ લાગતી નથી.

અતિલોભ પણ અરુચિનું એક કારણ બની શકે છે. કશુંક આર્થિક નુકસાન થાય તો લોભી મનુષ્યની ભૂખ મરી જાય છે. અને અરુચિ થાય છે. શોક, ભય, ક્રોધ, રાગ, ચિંતા કે લોભ આ બધા આગંતુક કારણો છે, અને એના કારણે જે અરુચિ ઉત્પન્ન થાય છે તેને આગંતુક કહે છે. આમાં કારણને દૂર કરવું એ જ ેક માત્ર ચિકિત્સા છે.

આયુર્વેદની દ્રષ્ટિએ અરોચક એટલે કે અરુચિ એ કફ પ્રધાન વ્યાધિ છે. કફના કારણે અગ્નિમાંદ્ય થવાથી અથવા તો કેવળ કફદુષ્ટિના કારણે પણ અરોચક (અરુચિ) થઇ શકે છે.

સ્વાદનો અનુભવ જીભમાં થાય છે. જીભમાં રહેલ બોધક કફ આહાર સાથે ભળી એમાં રહેલા સ્વાદનો બોધ (અનુભવ) કરાવે છે. બોધક કફ બગડે કે એની દુષ્ટિ થાય તો મોં બેસ્વાદ બની જાય છે. એનો સ્ત્રાવ બરાબર થતો નથી. કફ વધી જાય ત્યારે જીભના છિદ્રોને પૂરી દઈ સ્વાદગ્રંથિને સંવેદનશૂન્ય બનાવી શકે છે. અને એટલે કશું પણ ખાવામાં આવે એ ફિક્કું, રસહીન કે બેસ્વાદ બની જાય છે.

સારવાર

(૧) સંચળ, મીઠું, જીરૂ, ખાંડ, કાળામરી અને કુષ્ઠ (કઠ-ઉપલેટ)નું ચૂર્ણ બનાવી એમાંથી ચમચી (કે જરૂરી પ્રમાણમાં) ચૂર્ણ લઇ પાણીથી ભરેલા એક ગ્લાસમાં નાખી હલાવીને તે પ્રવાહીથી કોગળા ભરવા. પ્રવાહી દસ પંદર મિનિટ મોંમાં ભરી રાખવું, જેથી જીભના છિદ્રો ખુલ્લા થશે અને પાચક સ્ત્રાવ ઝરશે. આ રીતે બોધક કફની શુદ્ધિ થવાથી આહાર પ્રત્યે રુચિ થાય અને સંતોષકારક પરિણામ મળે ત્યાં સુધી કોગળા ચાલુ રાખવા.

(૨) આમળા, નાની એલચી, પદ્માન, સુગંધી વાળો, લીંડીપીપર, લાલચંદનતથા નીલોત્પલનું ચૂર્ણ બનાવી એક ગ્લાસ પાણીમાં ચમચી ચૂર્ણ મેળવી તેનાથી કોગળા ભરવામાં આવે તો પણ અરુચિ દૂર થાય છે.

(૩) આ સિવાય લોધ્ર, ચવ્ય, હરડે, સૂંઠ, કાળા મરી, પીપર તથા યવક્ષારનું ચૂર્ણ બનાવીને તેનાથી પણ ઉપરોક્ત વિધિ અનુસાર કોગળા ભરી શકાય. અરુચિના પ્રકાર પ્રમાણે કોગળાની પસંદગી કરવાની હોય છે. આથી જેને જે અનુકૂળ આવે તે ઔષધયોગનો ઉપયોગ કરવો.

જે ઔષધ તથા આહાર વિહર વ્યક્તિન પાચનતંત્રને સુધારે, ભૂખ લગાડે, ભોજન પ્રત્યે રુચિ વધારે તથા સરવાળે જે કફ શામક હોય તેવી સારવાર સફળ થાય છે.

(૪) બધા પ્રકારની અરુચિમાં કામ કરે એવું ઔષધ આ પ્રમાણે છે : એ જો ઘરે બનાવવું હોય તો કાળા મરી, દ્રાક્ષ, કોકમ, કાળું જીરું, સાજીખાર, ગોળ તથા મધ આ તમામ દ્રવ્યોને ખરલમાં નાખી બરાબર લસોટીને વટાણા જેવડી ગોળી બનાવી લેવી. સૂકાયા પછી મોંમાં મૂકી ચૂસવી. આ એક ચોક્કસ પરિણામ આપનારો યોગ હોવાથી એનો અવશ્ય લાભ લેવો.

(૫) આદુંનારસમાં થોડો લીંબુનો રસ તથા મધ મેળવી સરબત જેવું બનાવીને ધીમે ધીમે પી શકાય. આ સિવાય કુમળા આદુંના ટૂકડા કરી તેમાં જરૂરી પ્રમાણમાં સિંધાલૂણ તથા લીંબુનો રસ મેળવી મોંમાં રાખી શકાય. અથવા તો ધીમે ધીમે ચાવી તેનો રસ પેટમાં ઉતારી શકાય. આ પ્રયોગથી પાચકસ્ત્રાવો શરૂ થશે અને ભૂખ લાગશે.

(૬) ચિત્રકાદિવટી, લશુનાદિવટી અથવા તો દ્રાક્ષાદિવટી અવારનવાર મોંમાં ચૂસત રહેવું. તેનાથી ભૂખ લાગશે અને ખોરાક પ્રત્યે રુચિ થશે.

(૭) આદ્રકાવલેહ (આદુપાક), બીજોરાનો અવલેહ અથવા બીજોરાની ચટણી પણ અનુકૂળ માત્રામાં આપતા રહેવાથી રુચિનો અનુભવ થશે. સ્વાદિષ્ટ અનારદાના ચૂર્ણ, લવણ ભાસ્કરચૂર્ણ, દાડિમાષ્ટક ચૂર્ણ અથવા તો આમલક્યાદિ ચૂર્ણ થોડું થોડું મોંમાં ભભરાવતા રહેવાથી પણ રુચિ વધશે અને ગમતું કશુંક ખાવાની ઇચ્છા થશે.

(૮) કબજિયાત રહેતી હોય તો પેટસાફ થાય એ માટે શિવાક્ષાર પાચનચૂર્ણ અથવા દીનદયાળ ચૂર્ણ અનુકૂળ માત્રામાં રોજ રાત્રે આપવું.

(૯) આયુર્વેદની દ્રષ્ટિએ ખાટો, ખારો અને તીખો રસ રુચિવર્ધક છે.

(૧૦) મનને ન ગમે તેવું અને અરુચિકર હોય તેવું કશું જ આ દરમિયાન ન કરવું.

- વત્સલ વસાણી



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39X0NKy
Previous
Next Post »