મહિલા કૉલેજ પાસેના અંડર બ્રીજમાંથી પોલીસને એક લાશ મળી


...તમે બંને સાહેબો મળીને ઘરમેળે પતાવી દો. પ્લીઝ, મારા એંશી લાખમાંથી બસ સિત્તેર લાખ પાછા લાવી આપો તો તમારી મહેરબાની. દસ લાખનો તમારે જે વહીવટ કરવો હોય એ કરજો...'

શિયાળાનો આરંભ થઈ ચૂક્યો છે એની રંગીલા રાજકોટના લોકોને જાણ થાય એ રીતે સવારે આઠ વાગ્યે હવામાં ગુલાબી ઠંડક હતી. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગમાં નોકરી કરતા બાબુભાઈએ સોંઘવારીના જમાનામાં કોઠારિયા રોડ ઉપર નાનકડું ટેનામેન્ટ ખરીદેલું. નિવૃત્ત થયાના છ મહિના પછી બાબુભાઈ અને એમના પત્ની ચાર ધામની યાત્રાએ ગયેલા ત્યારે બાબુભાઈના જિગરી દોસ્તાર પ્રવીણભાઈ ગણાત્રા પણ સજોડે એમની સાથે હતા.

ચવાણું અને વેફરના ધંધામાં પ્રવીણભાઈ ગણાત્રાનું નામ રાજકોટમાં મોટું ગણાતું હતું. પ્રવાસમાં બસ અકસ્માતમાં બાબુભાઈ અને એમના પત્નીનું અવસાન થયેલું. પ્રવીણભાઈ ગણાત્રા અને એમના પત્નીને કોઈ ઈજા નહોતી થઈ. પોતાનો પ્રવાસ ટૂંકાવીને બાબુભાઈ અને જયાબહેનનું શબ લઈને એ બંને રાજકોટ પાછા આવેલા.

બાબુભાઈના પુત્ર સંજયની ઉંમર એ વખતે પચીસ વર્ષની હતી. એક વર્ષ અગાઉ બાબુભાઈએ ધામધૂમથી એના લગ્ન કર્યા હતા. ફર્સ્ટ ક્લાસ બી.કોમ થયેલો સંજય નોકરી માટે એ અરજીઓ કરતો હતો. મિત્રના પરિવારને ટેકો મળે એ માટે પ્રવીણભાઈએ ખાનદાની બતાવી. એમણે સંજયને પોતાને ત્યાં નોકરીમાં રાખી લીધો. 

એ વાતને આજે આઠ વર્ષ વીતી ગયા હતા. આ આઠ વર્ષમાં પ્રવીણભાઈએ ધંધામાં હરણફાળ ભરી હતી. પેકિંગ ક્ષેત્રે થયેલી ક્રાન્તિને પારખીને એમણે હિંમત કરેલી. વેફર અને નમકિનના પાઉચ પેકિંગ માટેની મશીનરી આખા ગુજરાતમાં સૌથી પહેલી એમણે વસાવી અને માર્કેટમાં છવાઈ ગયા. આખા ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં પણ એ માલ મોકલતા હતા. સંજય એમનો જમણો હાથ બની ગયો હતો.

'છેલ્લી ઘડીએ પ્રવીણકાકાએ લોચો માર્યો. રવિવાર છે તોય આફિસે બોલાવે છે.' મોબાઇલ ઉપર વાત પૂરી કરીને સંજય બબડયો. મોબાઇલ બાજુ પર મૂકીને એણે એની પત્ની સુનીતા સામે જોઈને સમજાવ્યું. 'તું અને બેબી તૈયાર થઈને રિક્ષામાં પહોંચી જાવ. હું બને એટલો વહેલો આવી જઈશ. જિતુભાઈ પૂછે તો કહેજે કે ઑફિસનું અરજન્ટ કામ આવી ગયું એટલે ત્યાંથી સીધા આવવાના છે.'

સુનીતાના મસિયાઈ ભાઈ જિતુભાઈના લગ્નને પચીસ વર્ષ થયા હતા. રજતજયંતી ઉજવવા માટે એમણે સવારથી રાત સુધીનો જલસો રાખ્યો હતો.જામનગર રોડ પર આવેલી પ્રખ્યાત હોટલમાં નજીકના સગાઓને સવારથી ત્યાં બોલાવેલા. બાકીના સગા-સંબંધીઓને સાંજના જમણવારમાં બોલાવ્યા હતા. 

મોજાં પહેરતાં પહેરતાં સંજય આ બધી સૂચના આપી રહ્યો હતો. સુનીતા પાર્ટીમાં જવા માટે તૈયાર થઈને બેઠી હતી. બે વર્ષની દીકરીને નવું ફ્રોક પહેરાવીને એણે પોતાની પહેલાં જ શણગારી દીધી હતી. આજે સંજય ઑફિસ જાય એ એને ગમ્યું તો નહોતું પણ, સંજયની નોકરી એવી હતી કે બીજો કોઈ ઉપાય નહોતો. સંજયે ઘરની બહાર નીકળતાં કહ્યું. 'જિતુભાઈને ખાસ કહેજે કે જમવાના ટાઇમ પહેલાં આવી જઇશ.'

બેબીને લઈને સુનીતા રિક્ષામાં પહોંચી ગઈ. બધાં સગાં-વહાલાંઓ વચ્ચે ધમાલમાં બે વાગ્યે એને ખ્યાલ આવ્યો કે સંજય હજુ આવ્યો નથી. એણે મોબાઈલ જોડયો. સંજયનો મોબાઈલ ક્યારેય બંધ ના હોય, પણ અત્યારે એ બંધ હતો એટલે સુનીતા ગૂંચવાણી. ચાર વાગ્યા સુધી એ ચિંતાતુર બનીને મોબાઈલ સાથે મથામણ કરતી રહી. અંતે, એણે જિતુભાઈને વાત કરી. જિતુભાઈએ સંજયની ઑફિસનો લેન્ડલાઈન  જોડયો, પણ એ કોઈ ઉઠાવતું નહોતું.

'આમ તો સંજય એટલો ચીવટવાળો છે કે વધુ મોડું થાય એવું હોય અને મોબાઈલમાં પ્રોબ્લેમ હોય તો કોઈકનો ફોન માગીને પણ સામેથી આપણને જાણ કરે જ.. ' જિતુભાઈના અવાજમાં ચિંતા હતી. 'આજે આવું કેમ થયું?' પાર્ટીના યજમાન હોવા છતાં એ પૂરી સહાનુભૂતિથી એ સુનીતાની સાથે રહ્યાં.

રાત્રે આઠ વાગ્યા સુધી સંજયના કોઈ સમાચાર ના મળ્યા એટલે એમણે એમના પરિચિત પોલીસ ઈન્સ્પેક્ટર રાઠોડની મદદ લીધી. સુનીતાને સાથે લઈને એ પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે રાતના દસ વાગ્યા હતા. સંજયના શેઠ પ્રવીણભાઈનો બંગલો જાગનાથ પ્લોટમાં હતો. રાઠોડની જીપ ત્યાં પહોંચી ત્યારે બંગલામાં પોલીસની બીજી જીપ જોઈને રાઠોડને આશ્ચર્ય થયું. બંગલામાં પ્રવીણભાઈની સાથે પોલીસ ઈન્સ્પેક્ટર દેસાઈ બેઠા હતા. એ રાઠોડના જૂના મિત્ર હતા. શેઠે અને દેસાઈએ જે વાત કરી એ સાંભળીને સુનીતા અને જિતુભાઈના પગ નીચેથી ધરતી સરકી ગઈ.

'ઑફિસમાં કેશની તિજોરી બે ચાવીથી ખૂલે છે..' સુનીતાની સામે જોઈને પ્રવીણભાઈએ સમજાવ્યું. 'એમાંથી પહેલી ચાવી સંજય પાસે રહે છે અને બીજી ચાવી મનોજ પાસે રહે છે. બંને મારા ખાસ વિશ્વાસુ જૂના માણસો છે. સંજય તો મારા દોસ્તારનો દીકરો એટલે એને તો દીકરાની જેમ જ રાખતો હતો. શુક્ર અને શનિવારે આખા ગુજરાતની બધી બ્રાન્ચોમાંથી આંગડિયા મારફતે કેશ અહીં આવે છે.

એમાંય દિવાળીમાં મહિનાની ક્રેડિટ આપી હતી એ બધાનું પેમેન્ટ પણ આવેલું. બેન્કમાં સંબંધ છે એટલે બે હજારના પેકેટ મેળવવામાં વાંધો નથી આવતો. તિજોરીમાં જગ્યા ઓછી રોકાય એ માટે બધા બે હજારના બંડલ જ રાખું છું. કાલે રાત્રે તિજોરી બંધ કરી ત્યારે એમાં એંશી લાખ રૂપિયા રોકડા પડયા હતા.બે હજારની નોટના ચાલીસ પેકેટસ્.'

એક શ્વાસે આટલું કહીને એ અટક્યા. સુનીતા, જિતુભાઈ અને રાઠોડ સ્તબ્ધ બનીને સાંભળતા હતા.'બપોરે કામ હતું એટલે વારાફરતી સંજય અને મનોજનો નંબર હું જોડતો હતો પણ બેમાંથી એકેયનો નંબર લાગ્યો નહીં એટલે મને ચિંતા થઈ. હું ઑફિસે દોડયો. મારી ચાવીઓથી તિજોરી ખોલી ત્યારે મગજ ચકરાઈ ગયું. તિજોરી તળિયાઝાટક હતી અને સંજય કે મનોજનો કોઈ કોન્ટેક્ટ થતો નહોતો ! એકને એક બે જેવી સ્પષ્ટ વાત હતી કે એ બંને હીરાઓએ સાથે મળીને મારા એંશી લાખ લૂંટી લીધા!'

બધાની સામે જોઈને પ્રવીણભાઈએ ઉમેર્યું. 'અલબત્ત, આ બધા પૈસા બે નંબરના હતા. એ બંને ઉસ્તાદોને પણ આ ખબર છે. બ્લેકના પૈસા માટે શેઠ  પોલીસ પાસે જવાનો નથી એની પાકી ખાતરી હોવાથી એમણે હિંમત કરીને ધાપ મારી. આ દેસાઈસાહેબ સાથે ઘર જેવો સંબંધ છે એટલે એમને બંગલે બોલાવ્યાં..' રાઠોડની સામે જોઈને શેઠે વિનંતિ કરી. 'પૈસા બે નંબરના છે એટલે મારાથી બીજું તો કંઈ થાય એવું નથી. એ બંનેને સજા કરાવવાની કોઈ ઈચ્છા નથી. મને મારા પૈસામાં રસ છે. તમે બંને સાહેબો મળીને ઘરમેળે પતાવી દો. પ્લીઝ, મારા એંશી લાખમાંથી બસ સિત્તેર લાખ પાછા લાવી આપો તો તમારી મહેરબાની. દસ લાખનો તમારે જે વહીવટ કરવો હોય એ કરજો...'

પ્રવીણભાઈ બોલતાં હતાં. સુનીતા થીજી ગઈ હતી. સંજય આવું કરી શકે એ માનવા એ તૈયાર નહોતી.નવ વર્ષના લગ્નજીવનમાં એણે સંજયનો પૂરો પરિચય મેળવ્યો હતો, એ ચાલાક અને ચપળ હતો, ઊંચી મહત્વાકાંક્ષા ધરાવતો હતો પણ ચોરીનું એકેય લક્ષણ જોવા નહોતું મળ્યું. સામા પક્ષે શેઠ જે ફરિયાદ કરી રહ્યા હતા એમાં પણ કોઈ બનાવટ નહોતી લાગતી. અનાયાસે જ એની આંખમાં ઝળઝળિયાં ધસી આવ્યાં.

'સંજયકુમાર ક્યારેય આવું ના કરે,..'  સુનીતાની દશા જોઈને જિતુભાઈએ બાજી સંભાળી લીધી અને પ્રવીણભાઈને ધરપત આપી. 'એ છતાં, ક્યારેક સમય ભાન ભૂલાવે એ શક્ય છે. અમે અમારી રીતે પ્રયત્ન કરીએ છીએ. માણસ સાચો છે એટલે તમારા પૈસા ખોટા નહીં થાય એ મારી ગેરંટી..'

રાઠોડ અને જિતુભાઈ  સુનીતાને લઈને બંગલામાંથી બહાર નીકળ્યાં. ઘેર જઈને એકલી રહી શકે એવી સુનીતાની માનસિક સ્થિતિ નહોતી. એટલે જિતુભાઈના પત્ની મીના સુનીતાની સાથે રહે એવું નક્કી કરીને જિતુભાઈ એ બંનેને કારમાં ઘેર મૂકી આવ્યાં.

 સવારે નવ વાગ્યે જિતુભાઈનો મોબાઈલ રણક્યો. રાઠોડે જે કહ્યું એ સાંભળીને એ સોફામાં ફસડાઈ પડયાં. રાઠોડે રાત્રે જ તમામ પોલીસસ્ટેશનના સાથી મિત્રોને આ અંગે જાણ કરેલી. એટલે એમને માહિતી મળી કે તરત એમણે જિતુભાઈને ફોન કર્યો કે મહિલા કૉલેજ પાસેના અંડરબ્રીજમાંથી પોલીસને એક લાશ મળી છે. કાગળો અને પાકીટ ઉપરથી એ લાશ સંજયની લાગે છે.

સુનીતાને જાણ કર્યા વગર રાઠોડ અને જિતુભાઈ ત્યાં પહોચ્યાં. સંજયની લાશ અરેરાટી ઉપજાવે એવી હતી. કોઈએ અત્યંત ક્રૂરતાપૂર્વક છરીના અસંખ્ય ઘા મારીને બહુ રિબાવી રિબાવીને એની હત્યા કરી હતી.

'સુનીતાને આ વાત કઈ રીતે કહેવી? મારી તો હિંમત નથી ચાલતી.'  જિતુભાઈનો અવાજ ધ્રૂજતો હતો. 'સંજયની આ દશા જોઈને હુંય થથરી ગયો છું. તો એ બાપડીની તો કેવી દશા થશે?'

'સંજયનું મોઢું ખોલાવવા માટે આ અત્યાચાર કરેલો છે.' લાશના નિરીક્ષણ પછી રાઠોડે અનુભવના આધારે કહ્યું. 'પૈસા માટે સંજય અને મનોજ વચ્ચે વહેંચણીના મુદ્દે ઝઘડો થયો હોય એ શક્ય છે. એ ઝઘડામાં મનોજ દલ્લો લઈ ગયો ને સંજયને મોત મળ્યું.'

લાશ જોઈને સુનીતા બેભાન થઈ ગઈ. જિતુભાઈ અને મીનાબહેને એને સંભાળી લીધી. સુનીતાનો મોટો ભાઈ અવિનાશ જબલપુરથી આવી ગયો. એ ત્યાં મોટો ઉદ્યોગપતિ હતો. અહીંની બધી વિધિ પતે એ પછી સુનીતા એની દીકરીને લઈને એની સાથે કાયમ માટે ત્યાં જશે એવું નક્કી થયું. પોસ્ટમોર્ટમ પછી અગ્નિસંસ્કાર પતાવીને અવિનાશ પાછો જબલપુર ગયો. દસ દિવસ પછી એ પરિવાર સાથે સુનીતાને લેવા આવવાનો હતો. ત્યાં સુધી મીનાબહેન સુનીતા સાથે રહેવાના હતાં.

આઠમા દિવસે મીનાબહેન શાકભાજી લેવા ગયા હતા અને સુનીતા સામાન પેકિંગનું કામ કરતી હતી. ઘરમાં બારણાંની પાછળ બૂટ-ચંપલનો કબાટ હતો. છાપાંની પસ્તી અને એવી બીનજરૂરી વસ્તુઓ એમાં પડી રહેતી હતી. પસ્તી બહાર કાઢી એની સાથે જ સુનીતા ચમકી. ત્રણેક મહિનાના અખબારોની નીચે  રૂપિયાની નોટોના બંડલ જોઈને એનું હૃદય બે-ચાર ધબકારા ચૂકી ગયું ! ફાટી આંખે એ તાકી રહી. બે હજારની નોટના પૂરા ચાલીસ પેકેટસ્ જોઈને એના મગજમાં ઝબકારો થયો. ગયા વર્ષે સીમલા ફરવા ગયેલાં ત્યારે ઘરમાં સોનાના જે દાગીના હતાં એ બધાં સંજયે આ જ જગ્યાએ સંતાડીને હસીને કહેલું કે ચોર આવશે તો તિજોરી તોડશે, આ કચરાપટ્ટી કોઈ નહીં ફેંદે.

હે પ્રભુ ! સુનીતાની આંખ સામે જાણે અંધકાર છવાઈ ગયો. બીજી જ સેકન્ડે જાત ઉપર કાબૂ મેળવીને એ ઊભી થઈ. કાળજીપૂર્વક કાપડની થેલીમાં ભરીને એ એંશી લાખ રૂપિયા એણે તિજોરીમાં મૂકી દીધાં. હૃદયના ધબકારાની ગતિ વધી ગઈ હતી. હવે શું કરવું ? પલંગ પર પડીને એ મનોમંથનમાં ડૂબી. આંખ સામે ચિત્ર સ્પષ્ટ હતું. શેઠના પૈસાની ચોરી કરીને સંજય ચાલાકીથી ઘેર આવ્યો હશે અને પછી ગમે તે બહાનું કાઢીને ચોરીના ભાગીદાર મનોજને દૂ બનાવ્યો હશે,પણ મનોજ એની વાત માનવા તૈયાર નહીં હોય. એમાં ઝઘડો થયો હશે અને ઉશ્કેરાયેલા મનોજે સંજયને મારી નાખ્યો હશે.. બસ આવું જ કંઈક બન્યું હશે.... આટલો તાળો મળ્યા પછી સુનીતાનું મગજ ચકરાવે ચડયું.. પતિએ તો ચોરી કરેલી પણ પોતે હવે શું કરવાનું..?

મીનાબહેન આવ્યાં ત્યારે પણ એ આકરા મનોમંથનમાં અટવાયેલી હતી. વીજળીના ઝબકારાની જેમ એક વિચાર મનમાં ચમક્યો અને એ સડપ દઈને ઊભી થઈ. 'એકાદ કલાકમાં આવું છું.' એમ કહીને એ પેલી થેલી લઈને બહાર નીકળી અને રિક્ષા રોકી.

બંગલામાં એ પહોંચી ત્યારે પ્રવીણભાઈ પૂજામાંથી પરવારીને સોફા ઉપર બેઠાં હતાં. એમના પગ પાસે થેલી મૂકીને સુનીતા હાથ જોડીને ઊભી રહી. 'કઈ નબળી પળે મારા પતિનું મન લલચાયું હશે ને કેવા પામર બનીને એમણે આ પાપ કર્યું હશે એ હું નથી જાણતી. અને બધું ગૂમાવ્યાં પછી એ જાણવાની ઈચ્છાયે નથી રહી..' એ ભીના અવાજે બોલતી હતી.. 'ઈશ્વર સાક્ષી છે કે મને આ વાતનો અણસાર પણ નહોતો. મારી દીકરીને લઈને હું મારા ભાઈના ઘેર જવાની છું.

આજે અચાનક આ રૂપિયા ઘરમાંથી મળ્યાં કે તરત રિક્ષા પકડીને તમારે ત્યાં આવી. આ પૈસા મેં રાખી લીધા હોત તો કોઈનેય ખબર ના પડતી. પણ મારો અંતરાત્મા મને ક્યારેય માફ ના કરતો.' ભીની આંખે એ ધ્રૂજતા અવાજે કરગરી. 'પ્રવીણકાકા, એ મરનારાને માફ કરી દેજો. આ પાપનો પડછાયો મારી દીકરી ઉપર નથી પડવા દેવો એટલે તમારી અમાનત પાછી આપવા આવી છું..' 

પ્રવીણભાઈએ ઈશારો કર્યો એટલે નોકર પાણી લઈને આવ્યો. પ્રવીણભાઈએ પાણીનો ગ્લાસ સુનીતાના હાથમાં આપ્યો અને હળવેથી હાથ પકડીને સોફા પર બેસાડી. 'દીકરી, તને શું કહેવું એ શબ્દો સૂઝતાં નથી.' એમના અવાજમાં લાગણીની ભીનાશ ભળી. 'તારે તારી દીકરીને મોટી કરવાની છે અને આખી જિંદગી સામે પડી છે. એ છતાં, તું આ એંશી લાખ પાછા આપવા આવી એ તારી ખાનદાની છે. આવા માણસની કદર ના કરું તો મારા સંસ્કાર લાજે.'

 એમણે થેલીમાંથી પચીસ પેકેટ બહાર કાઢીને પોતાની પાસે મૂક્યાં અને ત્રીસ લાખ સાથેની થેલી સુનીતાના હાથમાં પકડાવી અને એના માથે હાથ મૂક્યો. 'મેં તો આ પૈસાનું માંડી જ વાળેલું. હવે એક શબ્દ પણ બોલતી નહીં. બાપ તરીકે દીકરીને આપું છું એમ માનીને લઈ લે, બેટા, તું નહીં લે તો તેં બાપના ગાલ ઉપર તમાચો માર્યો હોય એવું મને લાગશે.. પ્લીઝ, આ તારા હકના પૈસા છે..' યાદ કરીને એમણે ઉમેર્યું. 'મનોજ સામે પોલીસે ફરિયાદ નોંધી છે.. આજે નહીં તો કાલે એ પકડાશે ત્યારે એને એની સજા મળી જશે..' 

આંખમાં ઝળઝળિયાં સાથે સુનીતા ઊભી થઈ. થેલી લઈને પ્રવીણભાઈનો ચરણસ્પર્શ કરીને ધીમા પગલે એ બંગલાની બહાર નીકળી.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35efOFO
Previous
Next Post »