
નિર્ભયા-આસિફા-ચાંદની-ગુડિયા-પ્રિયંકા જેવી અનેક પીંખાઈને મોતને ભેટતી કન્યાઓ બાબતે રાક્ષસોને નાથવાના પ્રેક્ટિકલ સોલ્યુશન્સ!
ભારત કૃષિપ્રધાન, ધર્મપ્રધાન, ભાષણપ્રધાન, દંભપ્રધાન દેશ છે, એટલો જ ઉભરાપ્રધાન દેશ છે. અહીં તોફાની સમંદરના મોજાં જેવા લાગણીના ઉભરા આવે લોકોને. વળી, થોડો સમય પસાર થાય,ને જાણે કશું બન્યું જ નથી, એમ બધું ય ભૂલાઈ જાય. ફરી એવી ઘટના બને, ને ફરી ઉભરો આવે. દૂધના ઉભરામાં કેવળ ફીણ હોય, પોષણ લગીરે નહિ.
એવું જ આ લોકલાગણીના ઉભરાનું. સુરતમાં હજુ થોડા મહિના પહેલા જ લાગેલી આગમાં ભડથું થયેલા સ્ટુડન્ટસ બાબતે અહીં જ આગઝરતો લેખ લખેલો. જેમાં ભીતિ દર્શાવેલી કે થોડા હોહાદેકારા પછી બધું થાળે પડતા ભૂલાઈ જશે. ફાયર સેફ્ટી વગર જ બધું રાબેતા મુજબ ધમધમતું થઈ જશે.
અને જોઈ લો. એ વખતે તો બરફનો ગોલો ખાતો ફોટો ઓનલાઈન મૂકો તો ય 'હાય હાય છોકરાં જીવતાં બળી ગયા ને તમારે ગોલા ખાવા છે?' (પોતે જાણે સમાચાર મળ્યાથી નકોરડા ઉપવાસ કરતા હોય! પણ એવું કરતા હોય એ સોશ્યલ નેટવર્ક થોડા મચડયા કરે કોઈકની ટીકા કરવા માટે ય?) એવી દાટી ફટકારે. જોતજોતામાં બધી વિસ્મૃતિ. કોઠે પડી ગયું છે બધાને આ ટેમ્પરરી આક્રોશનું રોલરકોસ્ટર. પુલવામા હોય ત્યારે ઉન્માદની અવસ્થામાં દેશભક્ત બની ગયેલો દેશ, માત્ર હેલ્મેટ પહેરવાના આવ્યા તો કકળાટિયો નથી બની ગયો?
ખુલ્લા બોરવેલમાંથી માંડ પ્રિન્સ બચ્યો, એ ૨૦૧૨માં જાણે ટીવીનો લાઈવ સોપ ઓપેરા બની ગયેલો. પછી? પંજાબમાં ફત્તેહવીર, રાજસ્થાનમાં કોમલ મીના, તમિળનાડુમાં સુજીત વિલ્સન - આ બધા જ બાળકો આવી રીતે મર્યા. એ તો ન્યુઝમાં આવ્યા ને લખતી વખતે યાદ આવ્યા એ નામો. બીજા ય હશે જ. ને ખુલ્લા જીવલેણ ખાડા ને બોરવેલ પણ છે જ. એ ન હોવા જોઈએ એવા કાયદાઓ પણ છે જ. ઉભરો ખતમ, ચિંતા હજમ.
આવું કિડનેપ પ્લસ ગેંગરેપ પ્લસ મર્ડરના 'ટ્રિપલ ટેરર'ના જગતના ત્રાસવાદની હારોહાર સૌથી જધન્ય, ધૃણાસ્પદ, પાશવી ગણાતા ગંભીર ગુનાનું છે. સમયાંતરે એ થયા જ કરે છે, સતત. ગામેગામ. છેક ૨૦૦૪માં અમેરિકાના વિદેશ ખાતાએ જાહેર કરેલી 'ટ્રાવેલ એડવાઈઝરી' બાબતે એના પ્રવાસ બાદ લખેલું, જેમાં અમેરિકન ગર્લ એક્સચેન્જ સ્ટુડન્ટસ અને ફિમેલ ટ્રાવેલર્સને 'બિવેર ઓફ હંગ્રી આયઝ - ઓફ ઈન્ડિયન મેલ' જેવી સ્પષ્ટ સૂચના હતી. મતલબ, ''ભારતીય પુરૂષોની ભૂખાળવી આંખોથી સાવધ રહો!''
આ કોઈ 'ઈશારોં ઈશારોં' મેં દિલ લેનેવાલે, બતા યે હૂનર તૂમને સીખા કહાં સે' કે 'આંખો કી ગુસ્તાખીયાં માફ હો' જેવી શૌખ નજરના રોમેન્ટિસીઝમની વાત નથી. એટલી ભાન તો અમેરિકન વુમનને ય પડતી હોય દિલફેંક આશિક નજરના ફ્લર્ટિંગની. જેમાં ઈન્વિટેશન હોય, એપ્રિસિએશન હોય. પણ પરાણે સ્પર્શ કે જબરદસ્તીથી થોપાતી વાસના ન હોય. આ તો મડદાં ચૂંથતા ગીધ જેવી આંખોથી ચૂંથ્યા કરતી શિકારી લાળટપકાઉ નજરની વાત છે. જે કમનસીબે આપણા લોહીમાં છે. આપણે ત્યાં ફિલ્મો કે વેબસીરિઝને વલ્ગર કહીને એમના પર માછલા ધોવાય છે, પણ વન્સ અગેઈન આ પાઠનું રિવિઝન કરાવવું પડે છે કે વલ્ગર તો આપણા પ્રેક્ષકો છે.
કોઈ પોએટિક ઈરોટિક દ્રશ્યમાં ય નજીક આવતા બે હૈયાં કે હોંઠ જોઈને, સીસકારા અને સીટીઓ સાથે ભદ્દી કોમેન્ટસ કર્યા કરતા અંધારિયા પ્રેક્ષકોમાંથી પેલા રેપિસ્ટ આવે છે. જેમને માટે સ્ત્રી એક ભોગવટાનું સાધન છે. એમની ગાળનું પ્રસાધન છે. નારી નરકની ખાણ કહીને એનાથી દૂર રહેનાર મહાત્માઓ ય આડકતરી એ કબૂલાત કરે છે કે એમની દ્રષ્ટિ-મન પર એમનો લાખ સાધનાના બણગા પછી ય સંયમ નથી, માટે બાળકથી ચોકલેટ જેમ દૂર ઉંચે મૂકવામાં આવે, એમ એ બધા સ્ત્રીઓથી ધરાર આઘા રહે છે. આ બ્રહ્મચર્ય નથી, ભ્રમચર્ય છે. અનાસક્ત તો કૃષ્ણ - ગોપીઓ સાથે વૃંદાવનમાં રાસ રચીને ય પછી સમય આવ્યે કાયમ વૃંદાવન છોડીને ચાલી નીકળે - એને કહેવાય. નિગ્રહમાં સાધુતા હોત તો ઓશો કહેતા એમ વ્યંઢળ માત્ર મોક્ષને પાત્ર બની જાત!
મૂળ વાત એ છે કે, આમ ડાયાબીટિસ થનાર મીઠાઈ ખાધા વિના સ્યુગર નોર્મલ હોવાની ગુલબાંગો ફૂંકે એમાં દરદ સાજું નથી થતું. સ્વીટસ ખાધા પછી પણ સ્યુગર નોર્મલ રહે તો રોગ મટયો કહેવાય. આપણા આવી ઘટનાઓ બાબતના ઉકેલો નેઇવ, બાલિશ છે. જેમાં ફરીવાર, ઈમોશનલ ઉભરા છે, લોજીકલ સોલ્યુશન હોતા નથી. તાબડતોબ, રિએક્શન્સ આવે એ મોટા ભાગના સ્ત્રીઓ પરના કે આનંદ પરના પ્રતિબંધોના, ડોન્ટ્સના, બેનના જ હોય છે. મોબાઈલ બંધ કરી દો, વેબ-ફિલ્મો પર કડક સેન્સરશિપ નાખો, પબ બંધ કરાવો, પાર્ટી બંધ કરાવો, ડાન્સ બંધ કરાવો, ટૂંકા કપડાં ન પહેરો, સ્ત્રી-પુરૂષ મર્યાદા રાખી વાત ન કરો, એકલા ન ફરો, પ્રેમ ન કરો, સોશ્યલ નેટવર્ક પર પોસ્ટ ન કરો, વેસ્ટર્ન કલ્ચરથી દૂર રહો, ધર્મ વિનાના વિચારો-શિક્ષણને અપવિત્ર માનો...
લિસ્ટ લાંબુ છે. પણ નકામું છે. કૂપમંડૂકતા છોડી સાદી સમજ સમાચારો વાંચવા પૂરતી કેળવો તો ય ખબર પડે કે જ્યાં સ્ત્રી સેકન્ડરી સિટિઝન તરીકે અનેક પ્રતિબંધોમાં ઓલરેડી છે. જ્યાં સ્ટ્રિક્ટ સેન્સરશિપને પગથી માથા સુધી ઢાંકતા બુરખા છે, જ્યાં ફોરેન સાઈટ્સ નેટ પર બેન છે એવા ચુસ્ત ઇસ્લામિક દેશોમાં ય બળાત્કાર, સ્ત્રી હત્યા, તમામ પ્રકારના ક્રાઈમ અગેઈન્સ્ટ વિમેન થાય છે. ફિલ્મોની, ઈન્ટરનેટની શોધ જ નહોતી થઈ ત્યારે ય થતા. સીતાહરણ ને દ્રૌપદી વસ્ત્રાહરણ આજે લખાયેલી કથા નથી.
મૂળ વિકૃતિ અમુક પુરૂષોના ચિત્તમાં છે. જેનો પુરાવો એ છે કે, સાવ નાનકડી ઢીંગલીઓને ય, ઘોડિયામાં રમતી ત્રણ-ચાર વર્ષની બાળકીઓને ય એ ઢોર જેવા ઢગાઓ પીંખીને મારી નાખે છે. મોબાઈલ એનું ટ્રિગર હોઈ શકે. ગોળી નથી. મોબાઈલ ન હોત તો એવા કામાંધો કોઈ શિલ્પ જોઈને ભૂંરાટા થતા હોત. નાથવાના એ નાલાયકોને છે. મુક્ત કળાની અભિવ્યક્તિને નહિ! મોડર્ન ફેશનને નહિ!
આવું જ બીજું એક્સ્ટ્રીમ સેક્સ એજ્યુકેશન આપી દો એટલે બળાત્કાર બંધ થઇ જશે, એ છે. બેશક, તારૂણ્યશિક્ષણ અનિવાર્ય છે. તે વિદ્યાર્થીઓ જેટલી જ એની જરૂર ટીચર્સ-પેરન્ટસને ય છે. પણ રિયાલિટી ચેક એ છે કે એ ધરાવતા દેશોમાં ય રેપના કિસ્સા નોંધાય જ છે. પ્રમાણ ઓછું હોય, કારણ જુદા હોય - પણ માણસ તો એ જ છે. બુરખાથી બિકિની સુધીના દેશો બળાત્કારમુક્ત નથી. આ રોડ એક્સિડેન્ટ જેવું છે. ગમે તેટલી સાવધાની કે નિયમો રાખો, એનું જોખમ દુનિયાના કોઈપણ ખૂણે તોળાયેલું રહે જ છે.
ટેરરિઝમની જેમ પૂરતા પ્રિકોશન લો, આકરી સજા કરો. પણ એક-એક વ્યક્તિનો બ્રેઇન સ્કેન શક્ય નથી. એટલી પોલિસ પણ અસંભવ છે સુરક્ષા માટે. (પોલિસકર્મીઓ દ્વારા બળાત્કારના ય કિસ્સા નોંધાયા છે, ને ગાર્ડસ દ્વારા મર્ડર-ટેરરિઝમના). માટે એનું પ્રમાણ ઘટાડી શકો. સાવધ રહી શકો. ત્વરિત પગલાની સીસ્ટમ રચી શકો. પણ સાવ પોલિયો-શીતળાની જેમ નાબૂદી ન કરી શકો!
ટેરરિઝમની જેમ જ આમાં કોઈ ફિક્સ્ડ ફ્રેમ થિયરી નથી. જેમ હાઈલી એજ્યુકેટેડ, શ્રીમંત, સુખી માણસ પણ ધર્માંધ ત્રાસવાદી હોઈ શકે, ને ગરીબ, અભણ, મજૂર માણસ પણ. એવું જ કામાંધ ત્રાસવાદીઓનું ય ખરું. શારિરીક ટોર્ચર જેવાં જ માનસિક બળાત્કારી જેવા ટ્રોલીયાઓ આપણે ત્યાં બળાત્કાર ખૂનને ય સીધું ધર્મ કે જ્ઞાાતિ સાથે જોડે છે. પણ તટસ્થભાવે દરેક સમાચાર ધ્યાનથી વાંચશો, તો એમાં કોઈ પૂર્વગ્રહોને પોષતો 'સ્ટીરિયોટાઈપ' નહિ બને. મઠાધીશો-મહંતો-પાદરીઓ-મુલ્લાઓ હિન્દુ-મુસ્લીમ-સવર્ણ-દલિત, તમામ ધર્મ-કોમ-જ્ઞાતિના ગુનેગારો જોવા મળશે જ.
હૈદ્રાબાદની ઘટના ચર્ચાસ્પદ બની, કારણ કે મીડિયાના અને હ્યુમન નેચરના એંગલથી એમાં ડ્રામા હતો. યુવાન, સુંદર, ભણેલી સ્ત્રી. સલામત ગણાતું મહાનગર. રાતનો મોડો નહિ એવો સમય. રહસ્યમય રીતે ગાયબ થઇ જવું. એ પહેલા કોઇને પણ રડાવી દે એવો બહેનને થયેલો કોલ. આશંકા આવી જાય કે ખોટું ખરાબ થવાનું છે, એ વ્યક્ત કરો પણ એમાંથી તો ય છૂટીછટકી ન શકો એ અતિશય ભયાનક ફીલિંગ છે. વાંચીએ તો ય રૂંવાડા ઉભા થાય, એવી અરેરાટી થાય! પશુ ડોક્ટર પશુઓને સાજા કરી શકે, પણ શિકારી જાનવર જેવા હરામખોર હલકટ અપરાધીઓનો રોગીષ્ટ માનસિકતા સામે ખતમ થઇ જાય, એ કોઈ સાઇકો કિલરની હોરર ફિલ્મ લાગતી વરવી વાસ્તવિક્તા છે.
આવી ક્ષુબ્ધ, સ્તબ્ધ કરી દેતી ઘટનાઓ ચમકે છે. જેમ કે, રાજકોટની ચાંદની અને એની બહેનપણીનું જૂનાગઢ દાતારના દર્શને જતી વખતે મોહન હમીર અને એના સાગરીતે કરેલું અપહરણ, પછી બળાત્કારનો પ્રયાસ ને હત્યા. માંડ એ ભાગેડું ઝડપાયો. ફાંસીની સજા જાહેર થઈ. સુરતના ટયુશન ક્લાસમાં જતી છોકરી. નિર્ભયા-ગુડિયા-કઠુઆની આસિફા વગેરે જાણીતી ઘટનાઓ છે. આવી જ ગેંગરેપ મર્ડરની બદાયુંની દલિત દીકરીઓની ઘટના ય વિવાદાસ્પદ રહી ને આરૂષીની ય. મૂવી સ્ક્રીન સુધી પહોંચી. ભલે, એના સાચા આરોપીઓનો મામલો પૂરો થયો જ નહિ. લેણદારો નાની દીકરીની આંખ કાઢીને મારી નાખે એવી પિશાચી ઘટના પણ બની.
ઇનફેક્ટ ડૉ. પ્રિયંકા રેડ્ડી કેસ ચર્ચાસ્પદ બન્યો, એની આસપાસ જ આવા બળાત્કાર, અપહરણ, ખૂનની ડઝનેક ઘટના ગુજરાતથી મધ્યપ્રદેશ, બિહારથી ઉત્તર પ્રદેશ, ઠેકઠેકાણે નોંધાઈ, પણ એટલી ડ્રામેટિક ઇમ્પેક્ટ ન આવતા બહુ ચર્ચાઈ નહિ. આ દારૂણ, દુ:ખદ છે.પરદેશમાં રેપના કિસ્સા જાગૃતિને લીધે ચોપડે તરત ચડે છે. અને એના મુખ્ય કારણોનાં ત્યાં ભરોસાનું વાતાવરણ અને જાલિમ એકાંત જવાબદાર વધુ છે. જરાક ટૂંકા કપડા કે માદક તસવીર જોઇને ભૂખ્યાડાંસ થવાનું એનિમલ બિહેવીઅર નથી. સેક્સ બાબતે અમેરિકાથી ક્યાંય ઉદાર અભિગમ ધરાવતા, પ્રોસ્ટીટયુશનને કાનૂની બનાવનારા યુરોપી દેશોમાં ન્યુડ બીચીઝ હોવા છતાં ય રોજીંદી ચહલપહલમાં સ્ત્રીને ક્યાંય અસલામતી ન થાય. સેફ ફીલિંગ રહે.

ત્યાં સૌંદર્યદર્શન સહજ હોઇને એનું આપણી જેવું વિકૃત બની ગયેલું આકર્ષણ પણ નથી. નોર્મલ લાઇફ સ્ટ્રીપટીઝ ડાન્સથી ડ્રિન્ક ખુલ્લેઆમ હોવા છતાં સિક્યોર્ડ જ નહિ, નેચરલ છે. સ્ત્રીઓ ય વધુ કોન્ફિડન્ટ છે. બાળકો-કિશોરોને ય વિજાતીય સ્પર્શ કે અંગઉપાંગોની નવાઈ નથી. સાયન્સની ગપચી જૂનવાણી ધાર્મિકતાની જડતાએ દબાવી નથી. દરેક રેપના કેસ પછી તરત જ ડાન્સ-ડ્રિન્ક પાર્ટીઝ, ફિલ્મ-ટીવી-વેબના સીન્સ-ડાયલોગ્સ, બ્યુટી આર્ટ, ઇરોટિક એક્સપ્રેશન, ફ્રીડમ ઓફ ઇન્ડિવિજ્યુઆલિટી વગેરેને જ જવાબદાર ઠેરવીને તમામ પુરૂષ કે સૌંદર્યપ્રેમીઓ કે લવર્સને ધરાર બળાત્કારી ઠેરવી દેવાની વાયડી કાગારોળ નથી થતી.
(કોઈ પણ અધિકૃત સર્વેક્ષણ વિના આપણે ત્યાં સંકુચિત અભણ નેતાઓ-ધર્મગુરૂઓ પણ પોતાની જવાબદારી ખંખેરવા 'બગડી ગયેલા જમાના'ની ખીંટી શોધતા ફરે છે!) ને સ્ત્રીનું 'સર્વસ્વ લૂંટાઈ ગયું', 'ઇજ્જત બરબાદ થઇ ગઈ' જેવા પારિવારિક શબ્દો ચલણમાં નથી. જેથી નોર્મલ જીવન જીવવામાં તકલીફ નથી. આપણે તો પ્રેમલગ્ન, છૂટાછેડા, વિધવાવિવાહ પણ સામાજીક શરમ ગણાય છે. આજે ય આંતરજ્ઞાાતીય લગ્નને 'વર્ણસંકર' માનતા ને કહેતા માનસિક બળાત્કારીઓ છૂટ્ટા રખડે છે.
પણ ત્યાં પ્રશ્ન પ્રાઈવસી અને એકાંતનો છે. માટે બીજાના ડ્રેસ તો શું લાઇફ પર પણ જજમેન્ટલ થવાનો એટિટયુડ ગળથૂથીમાં નથી. આપણા જેવી ભીડ, હોર્નની ચીસાચીસ નથી. કિલોમીટરના કિલોમીટર સુધી વસતિ ઓછી હોઈ કોઈ અવાજ ન સાંભળે એવું બને. દિવસો સુધી બાજુવાળા ઘરનો દરવાજો ન ખખડાવે એવું બને. ઓનેસ્ટી, ડ્રાન્સપરન્સીના ધોરણો ઉંચા હોઈ ઉસ્તાદ શિકારીઓ માટે છેતરપિંડી સરળ બને.
પણ લોકો ત્યાં આવી ઘટનાઓથી દુ:ખી અને સતર્ક થાય છે. પણ સાબદા થવાના નામે ફ્રીડમ, ફન, પ્રાઈવસી, પ્લેઝરનો ભોગ આપવા અધીરા નથી થતા. રિસ્ક સાથે પણ એ ઇન્ડિવિજ્યુઅલ સ્પેસનું મહત્ત્વ ઉંચું આંકીને સહન કરે છે. ઉપરાંત, ત્યાં ન્યાય ત્વરિત ને ઝડપી છે. લોકરોષ ફાટીને ધુમાડે જઇને બૂમાબૂમ કરે, તો જ નીંભર તંત્ર સફાળુ એકશન માટે જાગે છે. ફાસ્ટ ટ્રેકની વાતો કરતાં કરતાં ય વર્ષો વીતી જાય છે, ન્યાયના તત્કાળ અમલમાં. આ મર્ડર ઉપરાંતનું મર્ડર છે, રેપ ઉપરનો રેપ છે.
વાત દબાવવાના બીજા કારસા ને જુગાડ અલગ. પછી સેકન્ડોમાં પોલિસ આવશે ને રાતના ઘેર મૂકી જશે તે એવા બધા રાજકીય વાયદાઓની લોલિપોપ આપવામાં આવે છે. જે અવાસ્તવિક છે. ટીખળીઓ કારણ વગરના કોલ કરવા લાગે પછી કંટાળીને સરકાર જ પડતું મૂકે છે. હેલ્મેટ-ટ્રાફિકના કાયદા બાબતે વોટબેન્ક સામે મક્કમતા તો જળવાતી નથી. ખાડાવિનાના, પટ્ટાવિહીન સ્પીડબ્રેકર વગરના રોડ આપ્યા વિના તોતિંગ દંડ ટોલ વસૂલવા બેસતી સરકારો પાસેથી પબ્લિકની ઝાઝી અપેક્ષા ય નથી.
એટલે જ લોકોનો સ્વાભાવિક રોષ કાયદો હાથમાં લઇ પથ્થરથી છૂંદો કરી નાખો, લિંગ કાપી નાખો, મરચાંની ધુમાડીમાં બાળો, લાલ કીડીઓના રાફડામાં નાખો જેવા ઉકેલો આપ્યા. પ્રેકટિકલી આમાં બહુ - બહુ તો બે જ વાત પોસિબલ થાય. આરોપીના પાપ છાપરે ચડીને પોકારે એટલા સ્પષ્ટ સાબિત થઇ ગયા હોય ત્યારે સિફતપૂર્વક ટોળાંના હવાલે થવા દેવો કે જગજાહેર ફેક હોય, છતાં જરૂરી હોય એન્કાઉન્ટર થવા દેવા. એ ય આમ કાવતરું કરી, ભરોસો જીતી બેઠેલા શરાબી બળાત્કારી હત્યારાઓ ઝડપાય ત્યારે, એ પૂરતો.
પણ ટિપિકલ રિસ્પોન્સીઝ થોડાક આગળ સૂચનો જોઇએ, તો અગાઉ પણ આપ્યા છે. આ ટ્રેજિક રિમાઇન્ડર નિમિત્તે ક્વીક રિકેપ. ટિપિકલથી થોડા હટકે છે. પણ દીર્ઘદ્રષ્ટિથી વિચારેલા છે.
વાંચો, ને વિચારો નહિ અમલ માટે દબાણ કરો.
(૧) સ્ત્રીઓની ડિગ્નીટી ને સુરક્ષા માટે આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ રેપની વ્યાખ્યા આપણે ત્યાં પણ કાયદામાં લાંબીપહોળી છે. માત્ર ફિલ્મોમાં જોવા મળે એવા જેનાઇટલ પેનિટ્રેશનને જ રેપ માનવામાં નથી આવતો. અમુક રીતના સ્પર્શ-સતામણીને ય ગણાય છે. એમાં દિલ કંપાવી નાખતા ગુનાઓની બીજા સાથે ભેળસેળ થઇ જાય છે. બળાત્કારની સજા મૃત્યુદંડ કરો, એ વાત સંવેદનાની અભિવ્યક્તિની રીતે સાચી. પણ એ માત્ર આવા અપહરણ-બળાત્કાર-ખૂનના ગુનામાં જ.
નહિ તો મર્ડર-રેપની સજા ખૂન જ હોય તો અમુક ખેપાની ક્રિમિનલો વિક્ટીમને સજા તો એક જ છે કહીને સબૂત મિટાવવા મારી જ નાખે! ઉપરાંત, આવા રિયલ બુ્રટલ કેસીઝ જડબેસલાક રીતે ચાલે, એ માટે બનાવટી - બળાત્કારની ફરિયાદો (વર્ષો સુધી બળાત્કાર કર્યો, ભગાડીને અલગ અલગ સ્થળોએ બળાત્કાર કર્યા, લગ્નનું વચન આપી કે પ્રમોશનની લાલચ આપી રેપ કર્યો, સગીર સાથે સંબંધ બાંધ્યો, મેરિટલ રેપ - જેવા જેમાં સહમતી, કરારભંગ કે અપેક્ષાભંગ, લવ અફેર વધુ હોય એવા ટેકનિકલી રેપ ગણાય, પણ પ્રેકટિકલી ન હોય) ને અલગ ટાઇટલમાં મૂકવી. જેથી મૂળ ગુનાની ગંભીરતા ઘટે નહિ, અને જ્યુડિશ્યરી પરનું ભારણ જરૂર ઘટે.
(૨) આપણી પોલિસ હેલ્પલાઇન પ્રોફેશનલી વર્ક નથી કરતી. એફઆઇઆરમાં તો સનાતન ઠાગાઠૈયાં લાગવગ વિના હોય જ છે. બીજી હેલ્પલાઇન્સ મોબાઇલ એપ કે પ્રાઇવેટ એનજીઓની છે. સ્ત્રીને આત્મરક્ષાની તાલીમ આપો, એ કોઇ સડકછાપ રોમિયોના કેસમાં કામ લાગે. આમ સૂમસામ વિસ્તારમાં ચારેક જુવાન પુરૂષો ઘેરી લે, તો તાલીમબદ્ધ સોલ્જરે પણ પારોઠા પગલા ભરવા પડે. ત્યારે ફિલ્મી અસરમાંથી બહાર આવી હેલ્પ નેટવર્ક પ્રોફેશનલી ક્રિએટ કરવું પડે.
અમેરિકાના નાઇનવનવન ઈમરજન્સી નંબરની માફક. એ માટે એડ્રેસ - આધારકાર્ડને વધુ મજબૂત રાખવું પડે. લાંબી પ્રક્રિયા છે. પણ ત્વરિત કડક સજાના ન્યાયથી જેમ ડર બેસે, એમ ઘટના બને એ પહેલા રોકવાનો આ જ જડબેસલાક ઉકેલ છે. પબ્લિક ટીખળ માટે નકામા કોલ ન કરે, એ માટે ય ટેવ પાડવી પડે. આ સેટઅપ ઈન્ફ્રાસ્ટ્રકચરને જરૂર ગણીને યુદ્ધના ધોરણે ગોઠવવું. મસ્ટ મસ્ટ. એ પછી ગુના તો બને, પણ કેટલા બનતા પહેલા અટકશે એ ભલે હેડલાઇનમાં ન આવે, હાર્ટલાઇનમાં સેવ કરો.
(૩) જગતમાં કોઇની એવી ત્રેવડ નથી કે ઈન્ટરનેટ પરની સામગ્રીને સેન્સર કરે. જ્યાં આવા પ્રયાસો થાય છે, ત્યાં પણ સોનાની દાણચોરી જેવું અન્ડરવર્લ્ડ ઊભું થાય છે. પોર્નોગ્રાફી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ ય જોતા ઝડપાયા છે, ત્યાં વ્યવહારૂ રીતે કેટલા ડૂચા મારવા, ક્યાં? કેવી રીતે? જે શક્ય નથી, એના સપના જોવા સમયની બરબાદી છે. એક-બે ટકા ગાંડિયા વિકૃતો માટે આધુનિક પ્રજાનું આખું સોશ્યલ નેટવર્ક કે ફ્રીડમ ઓફ એક્સપ્રેશન છીનવી લો, તો સરમુખત્યારી ને રૂઢિચુસ્તતાનું તાલિબાન રાજ વેઠવું પડે, પણ આપણે ત્યાં જે મફત છે, એ મૂલ્યહીન થઇ જાય એવો પ્રજાનો સ્વભાવ છે.
આવા વિકૃત સડેલા રેપિસ્ટ મર્ડરર સસ્તા શરાબ ને ચીપ વિડિયોઝના રવાડે ચડેલા હોય છે. એ માટે વોટ્સએપ, ફેસબૂક વગેરે બધા જ પોલિટિકલી પણ મિસયુઝ થતા સોશ્યલ મીડિયાને પેઇડ બનાવી દેવા, એ જ ભારતીય માનસિકતા પૂરતો ઉપાય છે. મોટે ભાગે મોંઘી ટિકિટ હોય એવા શોમાં કોમેન્ટશૂરા ટપોરી પ્રેક્ષકો ઓછા ડોકાય છે. પ્રતિબંધ ન મૂકો, પણ મગજના સસ્તા હલકા લોકોની પહોંચબહાર બનાવી દો આ બેધારી તલવાર જેવા મીડિયાને. લોકશાહી-વેલફેર સ્ટેટને માફક આવે એવી વાત નથી. પણ આવા અપરાધીઓ ય ઠોકશાહીને લાયક છે. સરકારને જે ફંડ મળે એનું મહિલાસુરક્ષાની હેલ્પલાઇનમાં ઈન્વેસ્ટમેન્ટ કરો, સાવ રોકશો એનું આકર્ષણ બમણું વધી જશે.
(૪) સો વાતની એક વાત. જે રેપ જેવો ક્રાઇમ કરી શકે, એ જુવેનાઇલ (બાળક) નથી. એનો ક્રાઇમ જ એના એડલ્ટ હોવાનો પુરાવો છે. એ મુજબ જ સજા થવી જોઇએ. અને ચાંદનીવાળા મોહનથી પ્રિયંકાવાળા આરીફ સુધીના અગાઉ નાના ગુનામાં ક્યાંક પકડાયેલા. લંડન બ્રિજ પર ચાકુ લઇ બે જણને મારી આવેલો ત્રાસવાદી ઉસ્માન ૨૦૧૨માં ઝડપાયેલો. નાના ગુનામાં પકડાઇને છટકવા મળે, પછી મોટા ગુનાની હિંમત ખુલે અમુકની. માટે જતું કરવાને બદલે આવા દરેક અપલખણને વિજીલન્સ, સતર્કતાથી ટ્રીટ ને ટ્રેક કરવા.
(૫) પુરૂષપ્રધાન સમાજવ્યવસ્થાની સાઇડ ઈફેક્ટ સ્ત્રીભૂ્રણહત્યા, બળાત્કારનું વધતું પ્રમાણ છે. સ્ત્રીઓ પર અંકુશ મૂકતા નિયમો કુટુંબોમાં વધારવાને બદલે, એને દરેક સ્થિતિ સાથે કામ લેવા જેટલી સ્વતંત્ર, બાહોશ બનાવો. જુવાન દીકરીઓને દારૂની વાસ ને દરિન્દાની નજર પારખતા શીખવાડો. અમુક વિસ્તારમાં ન જવું કે અમુક સિચ્યુએશનમાં થોડું વિચારવું, એ માટે કાબેલ બનાવો. પણ ખરું તો દીકરાઓને ઉછેરતી વખતે સૌંદર્યના લાલિત્ય અને બળાત્કારની લાલસાનો ભેદ શીખવાડો. બળાત્કાર સ્ત્રી નહિ, પુરૂષ કરે છે. કંટ્રોલ એના પર જોઇએ. મરદને કેળવો કે બગીચાના ફુલો ડાળી પર લહેરાય એમાં રંગસુગંધ છે, એને ચૂંટી કાઢતા ખેદાનમેદાન કરતા આખલા ન બનાય!
ફાસ્ટ ફોરવર્ડ
વો એક ઔરત હૈ કોઈ ગોશ્ત કી દુકાન નહિ,
જીસે આતે જાતે તુમ બસ કુત્તોં સા ઘૂરા કરો!
મહેન્દ્ર પટેલ
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OXfWnk
ConversionConversion EmoticonEmoticon