પૂર્વભવના પ્રેમીઓને નિરખીને સહુ પોતાની નજર ઠારવા લાગ્યા !


પોતાની પ્રિય સખીનું નગરમાં પુનરાગમન થઈ રહ્યું છે ત્યારે સારસિકાને એમ લાગ્યું કે જાણે એના જીવનમાં આનંદનો સાગર ઉમટયો છે. 

કૌશાંબીના નગરશેઠ ઋષભદેવે સઘળે તપાસ કરી, પણ પોતાની પુત્રી તરંગવતી ક્યાંય મળી નહીં આથી એની પ્રિય સખી સારસિકાને બોલાવીને સાચી હકીકત જાણવા માટે નગરશેઠે પ્રયત્ન કર્યો, ત્યારે સારસિકા પાસેથી તરંગવતી અને પદ્મદેવના પૂર્વજન્મના સંબંધોની જાણ થઈ. સારસિકાએ કહ્યું,' તમે તમારી પુત્રી તરંગવતીનો વિવાહ પદ્મદેવ સાથે કરવાની ચોખ્ખી ના પાડી, તેથી તરંગવતીએ નાસી જવાનું અને પદ્મદેવ સાથે ગાંધર્વવિવાહ કરવાનું નક્કી કર્યું. એ બંનેના જન્મોજન્મના પ્રેમને કોઈ અટકાવી શકે તેમ નહોતું.'

સારસિકા પાસેથી સઘળી વાત જાણીને કૌશાંબીના નગરશેઠને પારાવાર પશ્ચાત્તાપ થયો. પોતે કેવી મોટી ભૂલ કરી અને પદ્મદેવના પિતા ધનદેવનું કેવું અપમાન કર્યું એ વિચારથી વ્યાકુળ થઈ ગયા. નગરશેઠ સ્વયં ધનદેવની પાસે દોડી ગયા અને બે હાથ જોડીને ક્ષમા માગતા કહ્યું,

'શેઠ, મને ક્ષમા કરો. આપની વિવાહસંબધની માગણીનો મેં અસ્વીકાર કર્યો. પણ મને આ બંને વચ્ચેના પૂર્વજન્મના સ્નેહસંબંધનો કશો ખ્યાલ નહોતો. પૂર્વજન્મમાં પરસ્પરને ચાહનારા આ જન્મમાં મળે તે તો કેવું આશ્ચર્ય ! પણ એ આશ્ચર્યને હું ઓળખી શક્યો નહીં અને અજાણતાં જ હું નિર્દય બની ગયો. આપની સાથે કરેલા અપમાનજનક વ્યવહાર માટે હું તમારી ક્ષમા માગું છું.'

ધનદેવે કહ્યું,'નગરશેઠ, જે બનવાનું હતું તે બની ગયું. હવે ભૂલી જાઓ. હવે કરીશું શું ?'

નગરશેઠ ઋષભદેવે ધનદેવનો હાથ હથેળીમાં લઈને પ્રેમપૂર્વક દાબતા કહ્યું, 'જુઓ, હવે તમારો દીકરો પદ્મદેવ એ મારો જમાઈ થયો. મને મારી દીકરીની સાથોસાથ એની પણ ભારોભાર ચિંતા થાય છે. આથી એ બંનેને આપણે કોઈપણ સંજોગોમાં પાછાં બોલાવવા જોઈએ. એમને શોધી કાઢવા જોઈએ. તમે તમારા માણસોને શોધ કરવા માટે મોકલો અને હું મારા માણસોને એમની ખોજ કરવા મોકલું અને મને મારી દીકરી અને જમાઈ વહેલા પાછા મળે તેમ કરવું છે.'

બંને શ્રેષ્ઠિઓએ તરંગવતી અને પદ્મદેવની શોધ માટે જુદા જુદા પ્રદેશમાં ટુકડીઓ મોકલવાનું નક્કી કર્યું. એ બંનેએ સ્વહસ્તાક્ષરમાં પદ્મદેવ અને તરંગવતીને બે પત્રો લખ્યાં.' અને આમ કહીને કુલ્માકહસ્તિએ એ બે પત્રો પદ્મદેવને આપ્યા. એ પત્રોમાં પિતાના હૃદયનો પ્રેમ નીતરતો હતો. સંતાનો વિના એમનું જીવન કેવું આકરું બની ગયું છે એની વાત લખી હતી. એમના સ્નેહસંબંધની ઓળખ ન થવાને કારણે થયેલી ભૂલનો પશ્ચાત્તાપ કર્યો હતો અને છેલ્લે લખ્યું હતું કે આ પત્ર મળતાં જ તમે તરત જ પાછાં આવો અને ઊંડા દુ:ખના સાગરમાં ડૂબી ગયેલા અમને મુક્ત કરો.

ખાયક નગરમાં જે બ્રાહ્મણને ત્યાં આ ત્રણેય રહેતા હતા તે બ્રાહ્મણ વૈદકનો જ્ઞાાતા હતો. એણે જોયું કે પદ્મદેવનાં અંગો પર જોરથી દોરડા વીંટાળી દીધા હોવાથી એ અંગો સૂજી ગયાં હતાં. આથી એ બ્રાહ્મણે એમનો ઉપચાર કર્યો અને શુશ્રૂષા કરી. એ પછી યુગલ વાસાલિકા નગરમાં પહોંચ્યું. આ નગરના પાદરમાં પ્રભુ    મહાવીરનું એક સુંદર જિનાય હતું. જિનાલયના દર્શને જ આ બંનેના હૃદયમાં ભાવના-ભક્તિના પૂર ઊમટવા લાગ્યા. એ બંનેએ જિનાલયમાં જઈને એક ચિત્તે મધુર કંઠે ભગવાનનું સ્તવન ગાયું.

આ જિનાલયના પરિસરમાં નજીકમાં જ એક વિશાળ અને ઊંચુ વટવૃક્ષ હતું. જ્યારે આ બંનેએ જાણ્યું કે આ વૃક્ષ નીચે ભગવાન મહાવીર સ્વામીએ ધ્યાનસ્થ અવસ્થામાં થોડો સમય વીતાવ્યો હતો, ત્યારે એમની નજર સમક્ષ ધ્યાનસ્થ પ્રભુ મહાવીરની છબી તરવરવા લાગી. પ્રભુએ એમના સાધનાકાળમાં એક ક્ષણ પણ ધ્યાન વિના વિતાવી નહોતી. એવા ધ્યાનસ્થ પ્રભુ આવા વૃક્ષ નીચે કાર્યોત્સર્ગ ધ્યાનમાં રહીને ઉભા હોય એવી કલ્પના કરીને બંનેએ વંદન કર્યા અને એની ચોપાસ પ્રદક્ષિણા કરીને પછી કૌશાંબી નગરી તરફ જવા માટે આગળ વધ્યા.

હજી નગરના પાદરે પહોંચે, ત્યાં દૂરથી જ તરંગવતીને એની સખી સારસિકા સામેથી દોડતી આવતી દેખાઈ. પોતાની પ્રિય સખીનું નગરમાં પુનરાગમન થઈ રહ્યું છે ત્યારે સારસિકાને એમ લાગ્યું કે જાણે એના જીવનમાં આનંદનો સાગર ઉમટયો છે. તરંગવતીના હૃદયમાં પણ ભાવો અને ભાવના ઊછળવાં લાગ્યાં અને પછી સહુ સાથે નગર ભણી ચાલ્યા ત્યારે નગરમાં એમનું ઉત્સાહપૂર્વક સ્વાગત થયું. પરિચિતજનો એમને ઘેરી વળ્યા અને જ્યારથી એમના પૂર્વભવના પ્રેમની વાત સહુએ સાંભળી, ત્યારથી બધા પદ્મદેવ અને તરંગવતીને જોઈને હૃદયના ઉલ્લાસથી પોતાની આંખોને ઠારવા લાગ્યા. પદ્મદેવે નગરમાંથી નીકળ્યા પછી થયેલી ઘટનાઓની વિગતે વાત કરી.

થોડા દિવસોમાં બંનેના વિધિસર લગ્ન થયાં. ગતભવના પ્રેમીઓનું પુન:મિલન થયું. ચક્રવાક અને ચક્રવાકી યુગલ રૃપે આનંદભેર જીવનારું એ પક્ષીયુગલ આજ પદ્મદેવ અને તરંગવતી તરીકે માનવયુગલ બનીને જીવવા લાગ્યું.

સંગીતના એક સૂરે એમનું જીવન ચાલવા લાગ્યું. પ્રેમનો અનુપમ પ્રકાશ એમના જીવનમાં પથરાયો અને સાથોસાથ તેઓ જિનદર્શન, જિનવાણીનું શ્રવણ કરવાનો એકે અવસર ચૂકતા નહીં. પૂજન અને કીર્તન તો ચાલ્યા જ કરતાં. આત્મધ્યાન અને આત્મતત્ત્વની શ્રદ્ધામાં એમનો ઘણો કાળ વહી ગયો અને ત્યાં વળી એક દિવસ નગર બહાર ઉદ્યાનમાં એક વૃક્ષની નીચે મુનિરાજને બિરાજેલા જોયાં અને આ યુગલના જીવનમાં પરિવર્તનનો એક નવો પવન ફૂંકાવા લાગ્યો. (ક્રમશ:)

ગોચરી

પશુ અને માનવી વચ્ચે એક ભેદ છે કે પશુ ઘાસ જોયા પછી વગર વિચારે એમાં મોઢું નાખે છે, જ્યારે માનવી પહેલાં વિવેક કરીને પોતાનું અને પરાયું સમજવા પ્રયાસ કરે છે અને પછી આગળ વધે છે. ચરે તે પશું, વિચરે તે માનવી. માનવી સાચો માનવી બને એમાં જ એના જીવનનું સાફલ્ય છે. જે પોતાના જીવનને વેડફી નાખે છે, તે માણસ પશુ સમાન ગણાય.

- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2DNMABC
Previous
Next Post »