
બહાદુર બાપુલાલે રણસંગ્રામ સંકેલી રંગભૂમિના પાથરણાં પાથરી 'દાગે હસરત'નો ત્રીજો અંક રજૂ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું
સિનેમા યુગનો હજુ ઉદય થયો નહોતો. ભવાઇ વેશનાં ઓસરતાં પાણી હતાં. એવા સમયમાં રંગભૂમિ રંગ પકડી રહી હતી. ઉર્દૂ, હિન્દી અને ગુજરાતી નાટકોના નીતનવા પ્રયોગો થવા લાગ્યા હતા. તેમાં અસાઇત ઠકરના વંશજો પોતાની અનોખી અભિનયકળા નાટયક્ષેત્રે પ્રદર્શિત કરીને પ્રશંસા પામવાનો પ્રારંભ થઇ ચૂક્યો હતો તે વખતની આ વાત છે.
ખેરાળુ પરગણાના ઊંઢાઇ ગામ માથએ રોંઢો ઢળી ગયો છે. ચેતર - વૈશાખના ધોમ તાપે ધખેલી ધરતી હજીએ તડફડી રહી છે. ઉઘાડા આભમાંથી તેજનાં કિરણોને સંકેલતો સૂરજદાદો આથમણી વાટ પકડીને પરહરી રહ્યો છે.
એવે ટાણે ઊંઢાઇ ગામના ભભલદાસ નામના નાયકે ચોરાના પગથિયે પગ માંડયો. 'જે ઠાકર મા' રાજ બોલીને ઠાકર મંદિરે બિરાજેલા સંતના ચરણોમાં શિષ ઝુકાવ્યું. પછી પોતાની આંગળીએ વળગેલા દીકરા નારાયણને આગળ ધરીને ભભલદાસ નાટક વદ્યા:
'બાપજી, આ છોકરાનું ભવિષ્ય ભાખો. આ છોકરો શું થાશે એ કહો !'
સંતે મોં માથે હેતાળવું હાસ્ય પાથરીને વેણ કાઢ્યાં. :
'લાવ બેટા, હાથ.'
ચાલાક છોકરા નારણે હાથ લાંબો કર્યોને મહારાજે છોકરાના હાથની રેખાઓ ઉકેલી.
'ભભલદાસ, છોકરો નામના કાઢશે. કુળને માથે કીર્તિના કળશ ચઢાવશે.'
'પણ બાપજી, કેવી કીર્તિ ?'
'અરે ભભલદાસ, આ બાપુલાલનેય ટપી જાય એવી કીર્તિ.'
તે દિવસે સરકારી અમલદાર બાપુલાલની લોકચાહના સાગર જેવડી હતી. બાપુલાલ સરકારી ખાતામાં ઉપરી અમલદાર પણ લોકને મન પોતાનો માણસ અને ત્યારથી નારાયણ નામ પડતું મૂકી ભભલદાસે બાપુલાલ નામ છોકરાને ધારણ કરાવ્યું. ઊંઢાઇ ગામમાં ભભલદાસની આછીપાતળી ખેડ. વળી પાછા પોતે નાયક એટલે વખત આવ્યે ભભલદાસ ભવાઇ પણ ભજવી બતાવે.
આવા નાયકના કુળમાં નારાયણ નામે ઓળખાતા બાળકે બાપુલાલના નામે અગિયાર વરસની ઉંમરે મુંબઇની રંગભૂમિ ઉપર બાળનટ તરીકે અભિનયમાં અજવાળાં પાથરીને જોનારનાં જીગર જીતી લીધાં.
બાપુલાલ નાયક એક પછી એક અદાકારીની અટારીએ સોળેકળાએ તપતા સૂરજની જેમ ઝળકવા લાગ્યા. વર્ષો પછી બાપુલાલે પોતાની નાટક કંપની બનાવી. કંપનીને લઇને બાપુલાલ કરાંચી પૂગ્યાં.
કરાંચીમાં બાપુલાલે 'જુગલ જુગારી','વિક્રમ ચરિત્ર', 'કામલત્તા' નામના નાટક રજૂ કરીને પ્રજાનો પ્રેમ મેળવ્યો. બબ્બે મહિનાથી પડાવ નાંખીને પડેલા ગુજરાતના કલાકારે 'દાગે હસરત' નો ખેલ નાંખ્યો. શો ભજવાઇ રહ્યો છે. પાત્રો પ્રેમના તાણાવાણામાં વણાઇ રહ્યા છે. તાળીઓના ગડગડાટ અને 'વન્સ મોર'ના અવાજો વચ્ચે અભિનયની આલબેલ પોકારાઇ રહી છે.
દરવાજા બહાર કંપનીના બે પહેરગીરો શેરૂમીયાં અને વિકોજી ટલ્લા દઇ રહ્યાં છે. 'દાગે હસરત' ના બીજા અંકનો પડદો પડી ગયો છે. ત્રીજા અંકનો પડદો ઉઘડું ઉઘડું થઇ રહ્યો છે. મધરાત ગળી રહી છે. પ્રભાતના પંથે પડેલી રાતના અંગ ઉપરથી કાળો કામળો સરી રહ્યો છે. આવા વખતે કેટલાક ગુંડાઓનું ટોળું વગર ટિકિટે 'દાગે હસરત' જોવાની જીદ લઇને દાખલ થવા ડખો કરવા માંડયું.
પણ કરાંચીના એ દાદાઓને ખબર નહોતી કે કંપનીને બે બહાદુર બચ્ચાઓ શેરૂમીંયા અને વીકાજીના રખવાળા હતાં. વીકાજીએ કડિયાળી તોળી. ટોળું તોફાને ચઢ્યું. વીકોજી ઘા ઝીલતો રહ્યો ને લાકડીના ઘા ઝીંકતો રહ્યો. બે પાંચ પળમાં તો ગુંડાઓના મળતિયાઓએ પથ્થરમારો ને સોડાની બાટલીઓનો મારો ચલાવ્યો. ઘડી બે ઘડીમાં ધીંગાણું
થયું તે જોઇને નાટક કંપનીના માલિક બાપુલાલે ત્રીજા અંકનો પડદો પાડયા વગર સેનાપતિની અદાથી હુકમ છોડયો !
'હથિયાર હાથ કરો.'
કલાકારોના કાફલાએ તલવારો, ખંજર, ભાલાઓ તોળ્યાને ગુંડાઓ સામે મેદાને પડયાં. બીજી બાજ રંગભૂમિના બંને છેડેથી રીવોલ્વરના ભડાકા ઉપર ભડાકા શરૂ કરી 'દાગે હસરત'નો 'ફરહાદ' મેદાને જંગ ખેલવા લાગ્યો. રંગભૂમિ જાણે રણભૂમિમાં પલ્ટાઇ ગઇ. મગનભાઇએ પોલીસને જાણ કરી, જાણ થતાં જ કરાંચીની માથે પોલીસવડા તરીકે નિમાયેલો ગોરો અમલદાર મી.કે.નેસ્લી કુમક લઇને આવી પૂગ્યો તે ગુંડાઓને ઝબ્બે કરી કંપનીને રક્ષણ આપ્યું.
બહાદુર બાપુલાલે રણસંગ્રામ સંકેલી રંગભૂમિના પાથરણાં પાથરી 'દાગે હસરત'નો ત્રીજો અંક રજૂ કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું.
નોંધ : આ બનાવ ઇ.વ.૧૯૦૬માં બન્યો હતો. આ વખતે કંપનીમાં કલાકારો તરીકે જયશંકર સુંદરી, દયાશંકર પુરોહિત, મોહનલાલજી, ગોવિંદ નાયક, નન્નુ ગુલાબ, છબીલ મગન વગેરે હતાં.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2LxxkwW
ConversionConversion EmoticonEmoticon