
એક સમય એવો હતો જ્યારે કન્યા સમજણી થાય એટલે તેની માતા તેના માટે વસ્ત્રો અને આભૂષણો ભેગાં કરવા માંડે. છોકરી થોડી મોટી થાય અને તેના વિવાહ નક્કી થાય ત્યારે મોટાભાગે તેના પોશાક અને અલંકારો તૈયાર થઈ ગયા હોય. ત્યાર પછી માતાપિતાને લગ્નનો ખર્ચ કરવાની જ ચિંતા રહે છે. પરંતુ હવે સમય બદલાઈ ગયો છે. છોકરીઓને મમ્મીએ અગાઉથી લઈ રાખેલા કપડાં કે દાગીના ગમતા નથી.
અને આધુનિક માતાઓ પણ એવો આગ્રહ નથી રાખતી. ટી.વી.ના વધેલા વ્યાપને પગલે હવે ગામડાંની સ્ત્રીઓને સુધ્ધાં લેટેસ્ટ ટ્રેન્ડની સમજ પડવા લાગી છે. જ્યારે મહાનગરોમાં વસતી યુવતીઓ ઉપરાંત તેમની મમ્મીઓ પણ સારી પેઠે સમજતી થઈ ગઈ છે કે હવે કોઈપણ ફેશન છ મહિનાથી વધુ નથી ચાલતી. તેથી લગ્ન માટેની ખરીદી સગાઈ નક્કી થઈ ગયા પછી જ શરૂ કરવામાં આવે છે. જો સગાઈ લાંબો સમય ચાલવાની હોય તો લગ્નની ખરીદી મોડેથી કરવામાં આવે છે, જેથી એક સીઝન વહેલી ફેશનના વસ્ત્રો પણ ન પહેરવા પડે.
વળી આધુનિક યુવકો પણ એમ જ ઈચ્છતા હોય છે કે તેમની ભાવિ પત્ની ભારેખમ કાંજીવરમ કે તનછુઈની સાડીને બદલે શિફોન, જ્યોર્જટ જેવી સેક્સી સાડી પહેરે. તેના ડ્રેસ પણ ડિઝાઈનર હોય. આભૂષણોમાં પણ માત્ર પીળા સોનાના મોટા મોટા અલંકારોના સ્થાને મોંઘા પણ નાજુક ઘરેણાં પહેરે, જેમાં હીરા-માણેક જડેલા હોય.
બદલાયેલા સમય સાથે નવવધૂના વોર્ડરોબમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે. આજે નવોઢાના વોર્ડરોબમાં પરંપરાગત વસ્તુઓના સ્થાને ડિઝાઈનર સાડી, વેસ્ટર્ન આઉટફીટ, મોંઘા આંતરવસ્ત્રો, ડિઝાઈનર નાઈટવેર, સૌંદર્ય પ્રસાધનો ઉપરાંત વિવિધ પ્રકારની એક્સેસરીઝ જોવા મળે છે. વળી આજે લગ્નથી પહેલા યોજાતા કાર્યક્રમોમાં કોકટેલની બોલબાલા વધી પડી છે, તેથી નવવધૂ કોકટેલ પાર્ટીમાં પહેરવા જેવા ડ્રેસ પણ ખરીદે છે.
વેડિંગ પ્લાનરો કહે છે કે ચંદેરી સાડી કે પંજાબી સૂટ અને ભરચક વર્ક કરેલા દુપટ્ટાના સ્થાને આજે મુઠ્ઠીમાં સમાઈ જાય એવા સિલ્કના કોકટેલ ડ્રેસ, પશ્ચિમી પોશાક, ખાસ બીચવેઅર, (સેરોંગ, મેચિંગ સ્લીપર અને મેચિંગ ફ્લોરલ એક્સેસરીઝ ધરાવતાં) પસંદ કરવામાં આવે છે. તેવી જ રીતે સામાન્ય પ્રકારની હેન્ડબેગ કે અન્ય એક્સેસરીઝના સ્થાને બ્રાન્ડેડ હેન્ગબેગ્સ, બ્રાન્ડેડ જીન્સ, બ્રાન્ડેડ પગરખાં ખરીદવામાં આવે છે. સાથે સાથે ઉચ્ચ કોટિના સૌંદર્ય પ્રસાધનો, પર્ફ્યૂમ્સ, ઈવનિંગવેર, ટ્રેક પેન્ટ્સ અને વર્કઆઉટ શૂઝ પણ ખરાં.
એક સમય એવો હતો જ્યારે છોકરીઓને કેવું સિલાઈકામ કે ભરતકામ આવડે છે તે જોવામાં આવતું. આપણી મમ્મીઓ કે દાદીઓ વિશે જ વાત કરીએ તો તેમણે ટેબલક્લોથ, રૂમાલ, સાડીઓ જેવી કંઈકેટલીય વસ્તુઓમાં ભરતકાકમ કર્યું હશે અને તેને પોતાના સાસરામાં ગર્વથી બતાવ્યું હશે. પણ હવે બજારમાં આ બધી વસ્તુઓ તૈયાર મળી રહે છે. વળી તેમાં પુષ્કળ વિવિધતા પણ આસાનીથી ઉપલબ્ધ થઈ રહી છે. આજે માત્ર એ જોવામાં આવે છે કે છોકરી કેટલું ભણી છે અને કેટલું કમાવે છે.
જો સારું કમાવતી હોય તો આવી બધી વસ્તુઓ આસાનીથી બજારમાંથી ખરીદી શકાય છે. તેથી આધુનિક નવોઢાના વોર્ડરોબમાં આવી હાથકામની વસ્તુઓને મહત્ત્વનું સ્થાન નથી મળ્યું. સમાજશાસ્ત્રીઓ કહે છે કે આધુનિક યુવતીઓ પગભર હોવાથી તેમની ખરીદીનો નિર્ણય પણ તેઓ જાતે જ લે છે. વળી તેમને સારી રીતે જાણ હોય છે કે તેમના ફિગર પર શું વધુ શોભશે. આજના માતાપિતા પણ પુત્રીની ખરીદીમાં દખલ નથી કરતાં.
જો કે ઘણી યુવતીઓ દ્રઢપણે માને છે કે માત્ર લગ્નના દિવસે પહેરવા માટેના લહંગા-ચોલી પાછળ ૨૫,૦૦૦થી ૫૦,૦૦૦ રૂપિયા નાખી દેવાનો કોઈ અર્થ નથી. આમ છતાં તેમને સિરિયલની હીરોઈન જેવા દેખાવાની અબળખા તો હોય જ છે. આવી સ્થિતિમાં તેમને ભાડે લીધેલા ચણિયા-ચોળી પહેરવામાં પણ કંઈ ખોેટું નથી લાગતું. અને આધુનિક નવોઢાઓની આવી માનસિકતા જોઈને જ માત્ર મહાનગરોમાં જ નહીં, નાના શહેરોમાં પણ વર-વધૂ માટે ભાડેથી વસ્ત્રો મળી રહે છે. તેથી ધીમે ધીમે નવોઢાના વોર્ડરોબમાંથી તેના ચણિયાચોળીની બાદબાકી થઈ જાય તોય નવાઈ પામવા જેવું નથી.
- નયના
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2E44f8k
ConversionConversion EmoticonEmoticon