વિશ્વની શ્રેષ્ઠ મહિલા ફૂટબોલર તરીકે આખરે અમેરિકાની મેગન રાપિનોની તાજપોશી


34 વર્ષીય મેગન અમેરિકાને સળંગ બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવવાની સાથે ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક અપાવી ચૂકી છે

ધારેલી સફળતાને દરેક વખતે હાંસલ કરવી શક્ય હોતી નથી. ઘણી વખત પૂરજોર પ્રયાસ અને સખત મહેનત છતાં સફળતાનો ચંદ્રક હાથ વેંતમાં હોવા છતાં તેના સુધી પહોંચી શકાતું નથી. આ વેળાએ નજર અને હાથની વચ્ચે પહોંચ વચ્ચેના અંતરનો ખ્યાલ આવે છે. દો કદમ પર સહી તેરા કૂંચા, યે ભી સદીયોં કા ફાસલા હોગા - ની જેમ ક્યારેક સિદ્ધિનું શીખર નજરના માપમાં તો પણ બે ડગલાં માત્રનું લાગે પણ આ બે ડગલાંમાં ઘણી વખત જિંદગીના કેટલા વર્ષો વહી જાય તેનો ખ્યાલ તો ત્યાં પહોંચીએ એટલે આવે ! પોતાના લક્ષ્યની પ્રાપ્તિ માટે એકાગ્ર બનીને અવિરત પ્રયાસ કરનારાઓને અકળાવી મૂકે તેવી અ-ધીરોને ડગાવી દે તેવી આ પળો વ્યક્તિત્વની ખરી કસોટી કરે છે અને તેને પસાર કરનારને જ કલ્પનાતીત સફળતા હાંસલ થાય છે.

ઘણી વખત વિરલ પ્રતિભાઓનું કદ એટલું વિરાટ હોય છે કે, જેને ઓળખતા તેના સમકાલીનોને વર્ષો વિતી જતાં હોય છે અને આ જ કારણે મહાનતાનો માપદંડ બની જનારા મોટાભાગના મહારથીઓને તેમની પ્રતિભા પ્રમાણેનું સન્માન અને માન્યતા મેળવવા માટે છેક ઉત્તરાવસ્થા સુધી રાહ જોવી પડે છે.

ક્યારેક તો તેમની વિદાય બાદ દુનિયાને અહેસાસ થાય છે કે, આપણે શું ગૂમાવ્યું છે ? જોકે, અમેરિકાની મહિલા ફૂટબોલર મેગન રાપીતો એટલી ભાગ્યશાળી છે કે, તેને લાંબા ઈંતજાર બાદ આખરે વિશ્વની શ્રેષ્ઠ મહિલા ફૂટબોલર તરીકેની બાલોન ડી ઓર ટ્રોફી એનાયત કરવામાં આવી છે. 

આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં ૧૩ વર્ષની સફર ખેડી ચૂકેલી મેગન દોઢસોથી વધુ મેચમાં ગોલની અડધી સદી પૂર્ણ કરી છે. અમેરિકાને સતત બે વખત મહિલા ફૂટબોલમાં વિશ્વવિજેતા બનાવવાની સાથે સાથે તેણે ઓલિમ્પિકના સુવર્ણની ચમકથી પોતાના જ નહી પણ અમેરિકાના લાખ્ખો ચાહકોના ચહેરાને ચમકાવી દીધો છે અને આ જ કારણે અમેરિકન ફૂટબોલમાં મેગનનું નામ ભારે આદરથી લેવાય છે.

ચાલુ વર્ષે ફ્રાન્સમાં રમાયેલા ફિફા વિમેન્સ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન અમેરિકાની બાદશાહતને બરકરાર રાખવામાં મેગને નિર્ણાયક ભૂમિકા ભજવી તેની સાથે સાથે વર્લ્ડ કપમાં સર્વાધિક ગોલ ફટકારવા બદલ ગોલ્ડન બૂટ અને વર્લ્ડ કપની શ્રેષ્ઠ ખેલાડી તરીકે ગોલ્ડન બોલ એવોર્ડ જીતવાની અનન્ય સિદ્ધિ હાંસલ કરી છે, જે આધુનિક ફૂટબોલમાં અત્યંત દુર્લભ છે.

કોર્નર કીક પર બોલને સીધો જ ગોલમાં મોકલી આપવાનો વિશિષ્ટ રેકોર્ડ મેગનના નામે નોંધાયેલો છે. વર્ષ ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં તેણે નોંધાવેલા આ દર્શનીય ગોલની વિશેષતા એ છે કે, ઓલિમ્પિક ફૂટબોલના ઈતિહાસમાં કોઈ પુરુષ ખેલાડી પણ આવો ગોલ ફટકારી શક્યો નથી.

માત્ર અમેરિકા જ નહી, ફ્રાન્સ અને ઓસ્ટ્રેલિયાના ઘરઆંગણાના ફૂટબોલમાં મેગનની પ્રતિભાનો જાદુ જોવા મળ્યો છે. કલબ ફૂટબોલમાં એક દશકમાં તેણે ૧૫૦થી વધુ મેચોમાં ૫૦થી વધુ ગોલ નોંધાવ્યા છે, જે તેની સ્ટ્રાઈકર તરીકેની કુશળતાનું પ્રમાણ છે. મહિલા ફૂટબોલમાં ૧૫ નંબરની જર્સીને લોકપ્રિય બનાવનારી મેગનનો જન્મ કેલફોનયામાં આવેલા રડિંગ શહેરમાં થયો હતો.

કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતાં જીમ અને ડેનિસેના પરીવારમાં જોડકી પુત્રી જન્મી અને તેમને મેગન અને રાચેલ નામ આપવામાં આવ્યા. પાંચ બાળકોના પરીવારમાં ઉછરી રહેલી મેગન અને રાચેલ તેમના મોટાભાઈ બ્રાયનને જોઈને ફૂટબોલ રમતાં શીખી.

મેગન વધુ ઝડપી અને ચપળ હતી, એટલે તે ફૂટબોલની સાથે સાથે બાસ્કેટબોલ અને એથ્લેટિક્સમાં પણ ભાગ લેતી. તેના પિતા જિમ સ્થાનિક ફૂટબોલ ટીમને કોચિંગ પણ આપતાં, જેના કારણે તેમના માટે ફૂટબોલનું મેદાન બીજા ઘર જેવું હતુ. કેલફોનયાના ગ્રામ્ય વિસ્તારમાં ડ્રગ્સની બદી તે સમયે ઘણો વિસ્તાર પામેલી અને નાનકડો બ્રાયન પણ તેનો શિકાર બન્યો.

પોતાના ભાઈની અવદશાને નજરોનજર નિહાળનારી મેગન અને રાચેલને ડ્રગ્સ તરફ ભારે નફરત થઈ આવી. તેઓ આવી સંગત ધરાવનારાથી પણ દૂર રહેવા લાગ્યા અને માત્રને માત્ર ફૂટબોલ પર ધ્યાન કેન્દ્રિત કરતાં. આજે જ્યારે મેગન પાછુ વળીને જુએ છે ત્યારે કહે છે કે, ફૂટબોલને કારણે અમે બચી ગયા, કારણ કે અમારી પાસે વેડફવાનો કે બીજું કશું વિચારવાનો સમય જ નહતો.

માત્ર ૧૩ વર્ષની ઉંમરે મેગને હાઈસ્કૂલ ફૂટબોલમાં જોડાવાને બદલે એક કલબ પર પસંદગી ઢોળી. કલબના ગ્રાઉન્ડ પર પહોંચવા માટે અઢી કલાક કાર ચલાવવી પડતી, પણ મેગન-રાચેલનો ફૂટબોલમાં રસ જોઈને જીમે પણ તેમને મંજૂરી આપી દીધી. અભ્યાસ અને ફૂટબોલ વચ્ચેની સંતુલન સાધવા માટે મહેનત કરી રહેલી મેગન તેનું હોમવર્ક ગાડીમાં જ પુરુ કરતી, કારણ કે ફૂટબોલની પ્રેક્ટિસ કરીને જ્યારે તેઓ ઘરે પાછા ફરતાં ત્યાં સુધીમાં રાત્રિના ૧૧.૩૦ વાગી જતા. રાત-દિવસ કે ટાઢ-તડકો જોયા વિના મેગનની સાથે રાપિનો પરિવાર પણ ફૂટબોલને એકમાત્ર લક્ષ્ય તરીકે જોઈને આગળ વધવા લાગ્યો. વેકેશનમાં ફરવાના બદલે તેઓ નાણાં એકઠા કરીને ફૂટબોલ ટુર્નામેન્ટ્સ જોવા જતા.

મેગને તેની પાઈલટ્સ ટીમને ૨૦૦૫માં નેશનલ ચેમ્પિયન બનાવી પણ તે જ સમયે તેને ઘુંટણની ગંભીર ઈજા થઈ અને આ કારણે તેની કારકીર્દી સામે જ પ્રશ્નાર્થ સર્જાયો. ૨૦ વર્ષની ઉંમરે ફૂટબોલમાં છવાઈ જવા ઉત્સુક બનેલી મેગનને ઈજાએ પહેલી હરોળમાંથી ઉંચકીને છેક છેવાડે ફેંકી દીધી હોય તેવું તેને અનુભવાયુ. તેણે કોચિંગ અને રિહેબ એક સાથે શરુ કર્યું. આખરે ૨૦૦૬માં તેણે પુનરાગમન શરુ કર્યું. આગવી લય મેળવવામાં સમય લાગ્યો પણ અગાઉ કરેલી મહેનત જાણે ઉગી નિકળી હોય તેવો અહેસાસ તેને થયો.

ઈજામાંથી પુનરાગમન બાદ તેણે યુનિવસટી ઓફ પોર્ટરફિલ્ડમાં જોડાવાનું નક્કી કર્યું. આ જ સમયગાળામાં તેને અમેરિકાની સીનિયર વિમેન્સ ટીમમાં એન્ટ્રી મળી. પ્રતિભાશાળી સ્ટ્રાઈકરની કારકિર્દીને ફરી વખત ઈજાનું ગ્રહણ લાગ્યું અને આ કારણે તે ૨૦૦૭નો ફિફા વિમેન્સ વર્લ્ડ કપ અને ૨૦૦૮ના બેઈજિંગ ઓલિમ્પિકમાં ભાગ લેવાથી વંચિત રહી ગઈ. આવી સુવર્ણતકો ગૂમાવીને કોઈ સરેરાશ ખેલાડી તો હતાશ થઈ જાય, પણ મેગને પ્રયાસ જારી રાખ્યા. આખરે ૨૦૦૯માં તેણે ફરી વખત ફિટનેસ સાથે પુનરાગમન કર્યું. જાણે તેની કારકિર્દીમાં નવીન ઉર્જાનો સંચાર થયો હોય તેવું અનુભવાયું. 

આંતરરાષ્ટ્રીય ફૂટબોલ અને કલબ ફૂટબોલમાં ધૂમ મચાવનારી મેગન ૨૦૧૧ના વર્લ્ડ કપમાં સિલ્વર જીતનારી અમેરિકી ટીમની સભ્ય હતી. જે પછી તેણે ટીમને ૨૦૧૨ના લંડન ઓલિમ્પિકમાં ગોલ્ડન સફળતા અપાવી. આ પછી તેણે ક્યારેય પાછું વળીને જોયું જ નથી. ૨૦૧૫માં કેનેડામાં અને ૨૦૧૯માં ફ્રાન્સમાં યોજાયેલા વિમેન્સ વર્લ્ડ કપમાં મેગનના શાનદાર દેખાવ થકી અમેરિકા વર્લ્ડ ચેમ્પિયન બની શક્યું. ફૂટબોલના મેદાનની સફળતાના પગલે મેગનની જિંદગીમાં ધન-વૈભવ અને લોકપ્રિયતાની જબરજસ્ત ભરતી આવી. આકાશમાં ઉડવા છતાં તેણે તેના પગને જમીન પર બરોબર ટેકવી રાખ્યા.

નિખાલસ સ્વભાવ અને સેવાભાવી વૃત્તિને કારણે તેને અમેરિકન રમતજગતમાં જ નહી પણ સામાન્ય નાગરીકોમાં પણ ભારે આદર મળ્યો. જાહેરમા સજાતીય સંબંધોના સ્વીકારની હિંમત બતાવનારી મેગન મહિલાઓને બરોબરીનો ન્યાય મળે તે માટે પણ લડતી રહી છે. અમેરિકા તરફથી રમવાના પુરુષ ફૂટબોલરોને અધધધ રકમ ચૂકવાય છે, જ્યારે મહિલા ફૂટબોલરોને ખુબ જ ઓછી રકમ આપવામાં આવે છે, જેના વિરોધમાં મેગન અને સાથી ખેલાડીઓએ મોરચો માંડયો છે. અમેરિકાની આ ફૂટબોલરની કારકિર્દી હવે અંતિમ તબક્કામાં પ્રવેશી છે, ત્યારે સફળતા તેના કદમ ચૂમી રહી છે. લોકપ્રિયતાના શિખરે પહોંચવા છતાં મેગને સત્ય છોડયું નથી જે તેના વ્યક્તિત્વને મુઠી ઊંચેરું સાબિત કરે છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Pqf7T4
Previous
Next Post »