પદ્મદેવે નિરાધાર કર્યો કે પરમાત્માની કૃપાથી શુભ ઇચ્છિત સિદ્ધ કરીશ

એક બાજુ પિતા ધનદેવના થયેલા અપમાનથી આઘાત અનુભવતો હતો, તો બીજી બાજુ ગયા ભવની પ્રિયતમાને ગુમાવ્યાનો શોક અનુભવતો હતો. ચિત્ત પરનો  આઘાત અને હૃદય પરની વેદનાએ પદ્મદેવના જીવનમાં એક ઝંઝાવાત જગાવી દીધો.

જાતિસ્મરણજ્ઞાાનને કારણે ગયા ભવના વિખૂટા પડેલા પ્રેમી ચક્રવાક અને ચક્રવાકીનું આ ભવમાં પુન:મિલન થયું. ચક્રવાક એ શ્રેષ્ઠી ધનદેવના પુત્ર પદ્મદેવ તરીકે જન્મ્યો અને ગયા ભવની ચક્રવાકી એ કૌશાંબીના નગરશેઠ ઋષભદેવની પુત્રી તરંગવતીએ નગરમાં યોજાયેલા મેળામાં પૂર્વભવનાં ચિત્રો ગોઠવ્યાં અને તે ચિત્રો જોતાં યુવાન પદ્મદેવને પોતાના પૂર્વભવનું સ્મરણ જાગી ઊઠયું.

પદ્મદેવના પિતા ધનદેવ શ્રેષ્ઠી ઋષભદેવ પાસે એમની પુત્રી તરંગવતી માટે માગું લઈને ગયા, ત્યારે ધનદેવની વાતનો ઋષભદેવે તત્કાળ ઇન્કાર કાર્યો અને કહ્યું,' તમારો પુત્ર પદ્મદેવ તો વારંવાર પ્રવાસ કરતો રહે છે. આજે અહીં હોય, તો આવતીકાલે બીજે હોય, આવા દેશ-દેશાવરના પ્રવાસીને મારી પુત્રીનો હાથ સોંપી હું એને દુ:ખી કરવા ચાહતો નથી. જે ઘરમાં શાંતિથી પોતાનો પરિવાર સંભાળીને રહે નહીં, એની સાથે હું કઈ રીતે મારી પુત્રીના લગ્ન કરાવું. માટે ક્ષમા કરજો. તમે માગું લઈને આવ્યા, પણ હું તે સ્વીકારી શકું તેમ નથી.'

ધનદેવને પોતાનું આ ઘોર અપમાન લાગ્યું, આથી એ તત્કાળ ઊભા થઈને ગુસ્સાભેર ઋષભદેવના નિવાસને છોડીને ચાલી નીકળ્યા.

હજી થોડીક ક્ષણો પહેલાં તો તરંગવતીના મનમાં કેટલાય તરંગો જાગ્યા હતા. યુવાનીના આવેગને અનુભવતી તરંગવતીના હૃદયમાં આનંદની ભરતી આવી હતી. જેની સતત શોધ કરતી હતી એ પૂર્વજન્મનો પ્રિય અંતે મળી આવ્યો. હજી આ આનંદ પૂરો માણે, ત્યાં તો એને સખી સારસિકાએ આ આઘાતજનક સમાચાર આપ્યા અને એ સાંભળીને વજ્રાઘાત થયો હોય તેમ તરંગવતી બોલી ઉઠી,

' રે ! રે ! આ વિજોગ શે 

સહેવાશે ?

એના વિના કેમ જીવાશે ?'

મહામહેનતે છેક કિનારે પહોંચેલી નૌકા એકાએક કિનાર પર જ ડૂબી ગઈ ! તરંગવતીએ આશાનાં કેટલાંય મિનારાઓ બાંધ્યા હતા, એ સઘળાં મિનારાઓ થોડીવારમાં તો જમીનદોસ્ત બની ગયા. વળી પોતાનાં અરમાનોને બાળીને ખાખ કરનાર બીજા કોઈ નહીં, પણ દીકરી પર વહાલ વરસાવતા એના પિતા ઋષભદેવ હતા.

તરંગવતી ચોધાર આંસુએ આક્રંદ કરવા લાગી. મનમાં લાગેલો આઘાત ઓગળીને આંસુ રૂપે પ્રગટ થવા લાગ્યો. સખી સારસિકાએ એને હિંમત આપવા પ્રયાસ કર્યો અને કહ્યું,' હજી ક્યાં આપણે સઘળી બાજી ગુમાવી દીધી છે. નિરાશા છોડી દે, એનાથી કશું વળવાનું નથી.'

તરંગવતીની આંખોમાંથી વહેતી અશ્રુની ધારા થોડે સમયે થંભી ગઈ. થોડીક ક્ષણો એ મૌન બની ગઈ. એની ઉદાસ આંખોમાં એકાએક નવી ચમક આવી અને એ બોલી ઊઠી,' ગયા જન્મમાં ચક્રવાક રૂપે એ બાણથી વીંધાઈને મૃત્યુ પામ્યા હતા, ત્યારે દૈહિક દુ:ખોની પરવા કર્યા વિના મેં એની પાછળ પ્રાણની આહુતિ આપી, સતી થઈ હતી. આ ભવમાં પણ એ જ પ્રેમથી જીવવા માગું છું. એ જીવશે ત્યાં સુધી હું જીવીશ. એ જ મારો પ્રાણ અને એ જ મારો શ્વાસ છે.'

હતાશ તરંગવતીના હૃદયમાં નવીન ઉત્સાહનો સંચાર થયો. એણે સારસિકાને બોલાવીને કહ્યું,'મારી પ્રિય સખી, મારું એક કામ કર. મારા અંતરના ભાવ આલેખતો એક પત્ર લખીને તને આપું છું. મારા પ્રિયજનને તું એ આપી આવ અને ત્વરાથી એનો ઉત્તર મેળવીને પાછી આવ.'

પ્રેમાળ સંબોધન સાથે તરંગવતીએ પત્રમાં પોતાનું હૃદય ઠાલવ્યું. એના શબ્દોમાં અંતરની વેદના લખી અને એના અક્ષરોમાં એણે શીઘ્ર મિલનની ઇચ્છાને આકાર આપ્યો. આ પત્ર લઈને સારસિકા શ્રેષ્ઠી ધનદેવના આવાસ પર પહોંચી. બહાર ઉભેલા દરવાને એને રોકી અને પૂછયું,' કોનું કામ છે તમારે ? શાને કાજે આવ્યા છો ? કોને મળવા ચાહો છો ?'

સારસિકાએ કહ્યું,' શ્રેષ્ઠી ધનદેવના સુપુત્ર પદ્મદેવે એમના આવાસે મળવા કાજે બોલાવી છે. એમનું નિમંત્રણ મળતાં હું અહીં આવી છું.'

વિશાળ મહેલ જેવા ઉપરના ઘરમાં ભવ્ય આસન પર પદ્મદેવ બેઠો હતો અને એને જઈને સારસિકાએ તરંગવતીનો પત્ર આપ્યો. પદ્મદેવ ઊંડા દુ:ખમાં ડૂબી ગયો હતો. એક બાજુ પિતા ધનદેવના થયેલા અપમાનથી આઘાત અનુભવતો હતો, તો બીજી બાજુ ગયા ભવની પ્રિયતમાને ગુમાવ્યાનો શોક અનુભવતો હતો. ચિત્ત પરનો  આઘાત અને હૃદય પરની વેદનાએ પદ્મદેવના જીવનમાં એક ઝંઝાવાત જગાવી દીધો.

યુવાનને થયું કે ગયા ભવની પ્રીત આ ભવમાં તૂટી ગઈ. હવે તરંગવતી મળવાની કોઈ આશા નથી એમ માનીને પદ્મદેવ પોતાનું આયુષ્ય ટૂંકું કરવાનો વિચાર કરતો હતો. જીવતરના આવા ઝેર સતત સહન કરવા, એના કરતાં એક વાર મૃત્યુદાયી વિષપાન કેમ ન કરું ?  પણ ઘોર અંધકારમાં એકાએક સૂર્ય પ્રકાશિત થાય તેમ તરંગવતીનો પત્ર વાંચીને પદ્મદેવના સાતે કોઠે અજવાળાં થઈ ગયા. એણે સારસિકાને કહ્યું,' તરંગવતીને કહેજે કે એ જેમ મારા વિયોગથી તરફડે છે, એ જ રીતે હું પણ એના વિયોગથી  તરફડું છું. એના વિના હું જીવી શકું તેમ નથી.' આથી પદ્મદેવે તરંગવતીને પત્ર લખ્યો.

' હે કમલાક્ષી ! હે પ્રિયે ! તારી કુશળતાના સમાચાર સાંભળી હું આનંદિત થયો છું. હું કામદેવના તીવ્ર બાણથી વીંધાયો છું. તે કારણથી, જ્યાં સુધી તું દૂર છે ત્યાં સુધી મારું ચિત્ત વ્યાકુળ રહેશે. હે સુલક્ષણા ! સંબંધીઓ અને મિત્રોની સહાયથી નગરશ્રેષ્ઠીનું મન હું રાજી ન કરું અને જ્યાં સુધી મારા પિતાની ઇચ્છા અને પરમાત્માની કૃપાથી શુભ ઇચ્છિત સિદ્ધ ન થાય, ત્યાં સુધી ધૈર્ય રાખજે.'

પત્ર મળતાં તરંગવતીના રોમેરોમમાં હર્ષ ફરી વળ્યો, પણ સાથોસાથ થોડી મૂંઝવણ પણ જાગી.(ક્રમશ:)

ગોચરી

સંસારની મૂર્છા આપણા જન્મ- મરણનું કારણ છે. જાગૃત માનવી જન્મમરણના ફેરામાંથી મુક્ત થઈ જાય છે. વિતરાગતાના શસ્ત્રથી સંસારવૃક્ષનું છેદન કર્યા વગર પરમાત્મપ્રાપ્તિ શક્ય નથી. ભૌતિકતાની પાછળ દોડવું એ છાયાની પાછળ દોડવા જેવું છે. જગતના ભોગો તરફની નિવૃત્તિ ભાગ્યશાળીને જ મળે છે.

- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2VtiJ9u
Previous
Next Post »