નડિયાદ,તા.09 ઓક્ટોમ્બર 2019, બુધવાર
ખેડા જિલ્લામાં છેલ્લાં બે મહિનામાં મેલેરીયા અને ડેન્ગ્યુના ત્રીસથી વધુ કેસો નોંધાયા છે. વરસાદના વિરામ બાદ જિલ્લામાં અનેક સ્થળોએ ફેલાયેલા ગંભીર રોગચાળાને કારણે ૧૨ ડેન્ગ્યુ અને ૨૨ કેસ મેલેરીયાના નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું છે.
ખેડા જિલ્લામાં આ વર્ષે વરસાદી સીઝન લાંબા સમય સુધી ચાલુ રહી હતી. શ્રાવણ મહિનાથી ચાલુ થયેલ વરસાદ નવરાત્રી સુધી ચાલુ રહ્યો હતો. જો કે છેલ્લાં દસેક દિવસથી વરસાદ બંધ રહ્યો છે. પરંતુ જિલ્લામાં ઠેર ઠેર મોટી સંખ્યામાં રહીશો ગંભીર બિમારીના ભોગ બન્યા છે.
ગત્ મહિનામાં જિલ્લામાં ૧૨થી વધુ ડેન્ગ્યુના દર્દીઓ નોંધાયા છે. જેમાં મહુધા, કપડવંજ, નડિયાદ, કઠલાલ, ખેડા જેવા અનેક વિસ્તારોમાં ડેન્ગ્યુ પોઝીટીવના કેસો જોવા મળ્યા છે. જ્યારે ૨૫થી વધુ કેસો મેલેરીયાના નોંધાયા છે. આ સિવાયના વાઇરલ તાવના પણ કેસો મોટી સંખ્યામાં નોંધાયા છે. આ વર્ષે ્ત્યાર સુધીમાં ખેડા જિલ્લામાં મેલેરીયાના કુલ ૬૫ કેસો અને ડેન્ગ્યુના કુલ ૨૮ કેસો નોંધાયા છે. નડિયાદ નજીકના વસો-લવાલમાં ડેન્ગ્યુના બે પોઝીટીવ કેસો મળ્યા છે.
વસોમાં રહેતા ૧૮ વર્ષના એક યુવક અને લવાલ ગામના ૩૮ વર્ષના યુવકને તાવ દરમ્યાન મેડીકલ તપાસમાં ડેન્ગ્યુ પોઝીટીવ નીકળ્યો હતો. આથી તેમને તરત જ વસો સામૂહિક કેન્દ્રમાં સારવાર માટે લઇ ગયા હતા. વળી બામરોલીમાં પણ એક યુવકને તાવ આવતા તેમને ખેડા સિવિલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જ્યાં તેમને ડેન્ગ્યુ પોઝીટીવ નીકળતા તાત્કાલિક તેમની સારવાર ચાલુ કરાઇ હતી. વસો પંથકમાં ડેન્ગ્યુના ત્રણ કેસો પોઝીટીવ મળતા નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો છે.
જો કે વરસાદે વિરામ લેતા આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર રોગચાળાને નાથવાના પ્રયત્નો ચાલુ કરી દેવાયા છે. આ વિભાગની ટીમ દ્વારા અનેક વિસ્તારોમાં સર્વે ચાલુ કરાયો છે અને પાણી ભરેલા પાત્રોને ખાલી કરવા સહિત દવા નાંખવાની-છાંટવા તેમજ ફોગીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/315dqhz
ConversionConversion EmoticonEmoticon