આભૂષણોમાં અનોખી ભાત પાડતાં ચાંદીના ઘરેણાં


આજના પ્લેટિનમ યુગમાં સોના-ચાંદીના ભાવ વિક્રમ સર્જી રહ્યા છે. ભારતીયો સોના તથા ચાંદીના આભૂષણોના શોખીન છે તે વાત સર્વવિદિત છે. ઘણા પરિવારો તો રોકાણ અર્થે સોનાના દાગીનાની ખરીદી કરતાં હોય છે, પરંતુ આજકાલ ચાંદીમાં પ્રવર્તતી તેજી વિસ્મયકારક લાગે છે. આ સાથે એક સત્ય હકીકત એ પણ છે કે ચાંદીના આભૂષણોની શોભા નિરાળી હોય છે. આજે પણ હીરાજડિત સોનાની વીંટી સાથે ચાંદીની વીંટીની મહિમા પણ અનેરી જોવા મળે છે. 

'બોર્ન વીથ સિલ્વર સ્પૂન' ચાંદીના ચમચા સાથે જન્મ થયો હોવાની વાતને આજે પણ સમૃદ્ધિ અને સંપન્નતાનું પ્રતિક ગણવામાં આવે છે. ચાંદીના આભૂષણોની ઘેલછા એવી હોય છે કે અભણ કે ભણેલી, ગ્રામ્ય કે શહેરી, નાની કે મોટી કોઇપણ વયની નારી તેને પહેરે છે અને તેને શોભે પણ છે. કીમતી ધાતુઓમાં ચાંદીનું પોતાનું આગવું સ્થાન છે અને પ્રત્યેક ફેશનેબલ યુવતી તેને પહેરવાનું પસંદ કરે છે.

હા, ચાંદીની કિંમત સોના, હીરા, નિલમ કે માણેકની સરખામણીએ ઘણી ઓછી છે છતાં હાલમાં તેમાં પણ જબરજસ્ત તેજી જોવા મળે છે. તેના આગવા આકર્ષણને કારણે તેનું અલગ જ સ્થાન છે. તથા તે ગમે તેટલી મોંઘી થાય છતાં સામાન્ય માનવીના પહોંચની બહાર તે ક્યારેય નહીં જાય.

દિલ્હીના ચાંદની ચૌકની દરબી કલાનની ભૂલભૂલામણીવાળી ગલીઓમાંથી પસાર થઇએ ત્યારે સમજાય છે કે ચાંદીના ઘરેણાંની માગ કેટલી છે. અહીં એશિયાખંડની સૌથી મોટી ચાંદી બજાર છે. કોઇપણ તહેવારમાં ચાંદીના વેચાણમાં સારો એવો વધારો થાય છે. ખાસ કરીને દિવાળીમાં ચાંદીનું વેચાણ અનેકગણું વધી જાય છે. આવા તહેવારોમાં પારંપરિક રીતે પરિવારજનો માટે આભૂષણ ખરીદવામાં આવે છે અથવા ગૃહિણી અને માતા લક્ષ્મીને પ્રસન્ન રાખવા માટે ચાંદી ખરીદવામાં આવે છે.

ચાંદીના ઘરેણાંની બીજી ખાસિયત એ છે કે તે જેટલા આધુનિક પરિધાન સાથે શોભે છે તેટલા જ સુંદર ગ્રામીણ મહિલાઓના દેહ પર પણ લાગે છે. વાસ્તવમાં પ્રાચીનકાળથી રાજસ્થાન અને ગુજરાતના ગામડામાં કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવેલા ચાંદીના આભૂષણો જોતાં બે ઘડી શ્વાસ થંભી જાય છે. ચાંદીના ટીકા, હાંસળી, પાટલા, બંગડી, પાયલ, વિંછીયા વગેરે આભૂષણો ગ્રામ્ય નારીના સૌંદર્યને નિખારે છે. લાલ, લીલા કે પીળા રંગના ઘાઘરા-ચોળીમાં સજ્જ આ ગામડાની ગોરીઓના અંગ પર ચાંદીના આભૂષણો ખૂબ જ સુંદર દેખાય છે.

ગ્રામ્ય પુરુષો પણ ઘણા રંગીન હોય છે. તેઓ પણ મહિલાઓની જેમ હાંસળી, વીંટીઓ તથા વિંછીયા પહેરે છે. પુરુષોના આભૂષણો જુના હોય છે જે એક પેઢીથી બીજી પેઢીને વારસામાં મળે છે. આ દુર્લભ આભૂષણો જોતાં મન પ્રફુલ્લિત બની જાય છે.

ચાંદીના ઘરેણાંના નમૂનાઓ તો ઘણા જૂના હોય છે અને તેમાંના કેટલાક ૩૦૦ વર્ષથી પણ વધારે જૂનાં હોય છે. તે સમયના સોનીઓ પણ એટલા કુશળ હતા કે તેમના હાથે બનેલા દાગીનાઓ સ્વપ્નસમાન લાગે છે.

અનેક ઝવેરીઓ ગામેગામ ફરીને ચાંદીના જૂના આભૂષણો શોધે છે અને તેને ઓછી કિંમતે ખરીદીને શહેરમાં લાવીને ભારે નફો રળીને વેચે છે. જૂના જમાનાના એકસરખી ડિઝાઇનના ઘરેણાંઓ વધારે સંખ્યામાં હોતા નથી એટલે તેઓ તેની સફળતાપૂર્વક નકલ કરીને તેને પ્રાચીન આભૂષણોમાં ખપાવીને ભારે નફાને ગજવામાં સરકાવી લે છે.

આજના ગ્રાહકો પણ આધુનિક વસ્તુઓને શંકાની નજરે જુએ છે અને પારંપરિક ચીજો પર મોહિત થઇ જાય છે. સર્પ, કમળના ફૂલ, હાથી કે ગરુડ જેવી ડિઝાઇનવાળા આભૂષણોની માગ વધારે જોવા મળે છે. ગોળાકાર, લંબગોળાકાર તથા ત્રિકોણાકાર ચાંદીના પેન્ડન્ટ પણ ખૂબ જ સુંદર દેખાય છે. લાલ તથા લીલા રંગનું મીનાનું વર્ક કરેલા પાટલા તથા બંગડીઓને વધારે પસંદ કરવામાં આવે છે. ચાંદીમાં સૌથી વધુ માગ દેવી-દેવતાઓની મૂર્તિ તથા સિક્કાઓની હોય છે.

સલવાર-કમીઝની સાથે ચાંદીનું તનમનિયું તથા ડેનિમના પરિધાન સાથે ચાંદીની લાંબી લટકતી બુટ્ટી પહેરેલી શહેરી યુવતીનું લુક બદલાઇ જાય છે.

આજે હાથેથી બનાવવામાં આવેલા આભૂષણો સામાન્ય માણસની પહોંચની બહાર જઇ રહ્યા છે. મોટાભાગના ઝવેરીઓ જૂના નમૂનાનામાંથી મશીન પર જ મોટી સંખ્યામાં ઘરેણાં બનાવે છે. તેઓ જૂની ડિઝાઇનના આધારે જે પણ ઘરેણાં બનાવે છે તે ખૂબ જલ્દી વેચાય જાય છે.

ભારતમાં મુંબઇ, દિલ્હી, વારાણસી, કોલકત્તા અને રાજકોટ ચાંદીના આભૂષણોના સૌથી મોટા કેન્દ્રો છે. તેમાંય બંગાળી કારીગરો આ ઘરેણાંની કામગીરીમાં ઉત્કૃષ્ટ ગણાય છે.

થોડા વર્ષો પહેલાં ૮થી ૧૦ હજાર રૂપિયે કિલો વેચાતી ચાંદી આજે રૂ. ૪૫હજાર પર પહોંચી છે. છેલ્લા થોડા દિવસોથી તેમાં સતત તેજી જોવા મળે છે. જ્યારે સોનાનો ૧૦ ગ્રામનો ભાવ રૂ. ૩૨૦૦૦ જેટલો રહે છે. આ ભાવ પ્રમાણે ૧૦ ગ્રામની ચાંદીની માળા ૫૦૦ રૂપિયા સુધીમાં, એક વીંટી ૩૦ ૦ રૂપિયા સુધીમાં તથા બુટ્ટી ૨૫૦થી ૪૦૦ રૂપિયા સુધીમાં મળે છે. રાજકોટમાં મોટા પાયે ચાંદીના પારંપરિક ડિઝાઇનના ઘરેણાં બનાવવામાં આવે છે અને તેની ગુજરાતભરમાં તથા મહારાષ્ટ્રમાં સારી એવી માગ છે.

જોકે, કેટલાક ઝવેરીઓ ઘરેણાંની કિંમત ઓછી કરવા ચાંદીમાં જબરજસ્ત ભેળસેળ કરે છે. એટલે હાલમાં સો ટચની ચાંદીના દાગીના ખૂબ ઓછા મળે છે. મોટાભાગના ઝવેરીઓ શુદ્ધ ચાંદીને નામે ૪૦થી ૫૦ ટચની જ ચાંદી આપે છે. બાકી તેમાં વ્હાઇટ મેટલ (સફેદ ધાતુ) મિક્સ કરવામાં આવે છે. હાલમાં ચાંદીમાં તેજીનો વંટોળ જોતાં ભેળસેળ કરનારાઓને તડાકો થઇ ગયો છે. પરંતુ આ ભેળસેળને પરિણામે ભારતીય ઘરેણાં વિદેશી બજારમાં ઓછા વેચાય છે.

તેના કારણે છેલ્લા એક દાયકામાં થાઇલેન્ડે સારી ગુણવત્તાની ચાંદીના ઘરેણાં વિશ્વના અન્ય દેશોને વેચીને અનોખું સ્થાન બનાવી લીધું છે. આ જોઇને આપણે ત્યાંના આભૂષણ નિર્માતાઓ જાગ્રત થયા છે. તેઓ હવે ઓછા વજનના અને આધુનિક ડિઝાઇનના ચાંદીના ઘરેણાં બનાવે છે જે અન્ય ઘરેણાં કરતા જુદા તરી આવે છે તથા તેની કલાત્મકતા ઊડીને આંખે વળગે છે. પણ આ કામ ખૂબ નાના પાયે શરૂ થયું છે અને મુશ્કેલ પણ છે. તેમ છતાં નવી તથા પ્રાચીન, પારંપરિક તથા આધુનિક ડિઝાઇનના સંગમથી સફળતા મળવાની સંભાવના છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2OOLOeu
Previous
Next Post »