કોઈનુંય દામ્પત્ય જીવન કે સ્નેહ સંબંધ બંબૈયા ફિલ્મ જેવો હોતો નથી. યાદ રાખો શરીરને ચલાવવા શ્વાસ જોઈએ તેમ સંબંધ ચલાવવા વિશ્વાસ જોઈએ
૧૯૭૮માં સંજીવકુમાર અને વિદ્યા સિંહાની ફિલ્મ 'પતિ-પત્ની ઔર વોહ' બહુ ચર્ચામાં રહી હતી.
ફિલ્મની કહાની કંઈક એવી હતી કે શારદા (વિદ્યા સિંહા) અને રણજીત (સંજીવકુમાર)ના સુખી લગ્નજીવનને લગભગ બે દાયકા થવા આવ્યા હતા. પણ રંગીન મિજાજના રણજીતને માત્ર પત્નીના પ્રેમથી સંતોષ ન હતો. તેના જીવનમાં મિસ્ટ્રેસ 'વોહ' કે 'અધર વુમન'ને આવકારવા તે જુદા જુદા નુસ્ખા અજમાવતો. એમાં એક રીતમાં તેને બહુ ફાવટ આવી ગઈ હતી.
તેની ઓફિસમાં નવી સેક્રેટરી ડયુટી રીઝ્યુમ કરવા આવે ત્યારે તેને પ્રેમથી બેસવાનું કહી સંજીવકુમાર આઠથી દસ દવાની બોટલ કાઢી કહેતો કે આ દવા બ્લડપ્રેશરની છે, આ થાયરોઈડની, આ હાર્ટ ફેઈલ્યોરની, આ કીડની ફેલ્યોરની... વગેરે એમ બોલતાં બોલતાં તેને ડૂસકૂં આવી જતું અને કહેતો ઓફીસની મેનેજરની આટલી આકરી ડયુટી ઉપરાંત દસ વર્ષથી પથારીવશ પત્નીની સંભાળમાં તેને રહેવું પડતું હોવાથી તેના સારા-માઠા પ્રસંગોમાં કે પછી ઓફીસના કામના તનાવમાં તે માત્ર સેક્રેટરી નહીં પણ અંગત દોસ્ત અને ફેમીલી મિત્ર હોય તેવી રીતે મદદ કરે. નવી સેક્રેટરી અત્યંત ભાવુક બની જઈ થોડા દિવસમાં જ બોસની અંગત મિત્ર બની જતી. અને બોસ બરાબરના પ્રણયના ફાગ ખેલવા લાગતો.
એ જમાનામાં પતિ અને પત્નીને 'વોહ' મેળવવા કેટલાક પ્રયત્નો કરવા પડતા પણ અત્યારે આ વોહ મેળવવામાં ફેઈસબુક, ઈન્સ્ટાગ્રામ, ટીક-ટોક વગેરેની મદદ સહેલાઈથી મળે છે. જેમાં 'વ્હોટસ એપ' - 'વોહ' મેળવવામાં ઘણું જ ઉપયોગી માધ્યમ પુરવાર થયું છે. એક સત્ય કીસ્સો તપાસીએ.
અલય અને આરનાના લગ્ન જીવનનો દોઢ દાયકો સારી રીતે વિતી ગયો હતો. નાની મોટી વાતોમાં રકઝક્ સિવાય બધું સમુંસૂતરુ ચાલતું હતું.
ત્યાં આરનાની કોલેજની મિત્રોએ તેમનું એક વોટ્સએપ ગૃપ બનાવ્યું. ધીરે ધીરે ગૃપ મોટું થતું ગયું. વાર તહેવારે મળવાનું થવા લાગ્યું. અને છોકરીઓ સાથે છોકરાઓ પણ જોડાયા. કેટલાક દેશમાં કેટલાક પરપ્રાન્તમાં તો વળી કેટલાક વિદેશમાં સ્થાયી થયા હતા.
એક દિવસ તેમના ગૃપમાં નવું નામ જોડાયું ભવ્યાંગ વોરા. આ નામ વાંચવાની સાથે આરના થોડી બેચેન બની ગઈ. તેણે ગૃપ છોડવાનો નિર્ણય કર્યો. પણ અન્ય બહેનપણીઓએ એને સમજાવી કે ભવ્યાંગ અત્યારે સિલીકોન વેલીનો કીંગ છે તે અમેરિકન સીટીઝનને પરણ્યો છે અને તેને બે બાળકો છે.
એટલે જૂની વાતોનું આ ઉંમરે કોઈ જ મહત્વ નથી એટલે આરના આ વ્હોટ્સ એપ ગૃપ ન છોડે. ફરી પાછી વ્હોટ્સએપમાં કેટલાક અંગત, કેટલાક ફોરવર્ડ, કેટલાક બર્થડે વીશ... એમ મેસેજ આવવા લાગ્યા. આમાંના એક મેસેજે આરનાનું વધારે ધ્યાન ખેંચ્યું. તેણે ભવ્યાંગને વ્હોટ્સએપ પર પર્સનલ મેસેજ મોકલવાના શરૂ કર્યા.
થોડો સમય તો ઔપચારિક મેસેજ ચાલ્યા પણ પછી અંગત ચેટ અને પછી લોન્ગ ડીસ્ટન્ટ કોલ્સ શરૂ થયા.
ભવ્યાંગે પોતાનું દિલ ખોલ્યું...
''તેં મારા લગ્નની પ્રપોઝલ ઠુકરાવી પછી હું બિમાર પડયો. ત્રણ મહીના મેં એક ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી.''
આરના આ સાંભળી ભાંગી પડી તેના મનમાં અપરાધભાવ પેદા થયો. તેનું મન અક્ષય અને સંતાનોમાંથી ઉઠી ગયું. તેમના દામ્પત્ય સંબંધમાંથી સેક્સનો છેદ ઉડી ગયો.
ચેટ તો રોજ ચાલતી.
''આરના મારૂં એ વર્ષ બગડયું. ભણવા માટે મેં માંડ માંડ પૈસા ઉભા કરેલા. પિતાની સાધારણ નોકરી અને કુટુંબની બહોળી જવાબદારી. ભણવાનો ખર્ચો પૂરો પાડવા મેં બુટ પોલીશ પણ કરી અને ચ્હાની કીટલીએ પણ કામ કર્યું... જેમ તેમ ડીગ્રી લીધી. મારે હવે કોઈ જોડે પરણવું ન હતું. મને સંબંધોમાં કોઈ વિશ્વાસ ન હતો રહ્યો. જેમ તેમ સ્ટડી વીસા લઈ હું યુ.એસ.એ. ગયો. ત્યાં પરિસ્થિતિ ઓર મુશ્કેલ હતી. આખરે મારો પ્રેમ હાર્યો. હું કમને એક યુ.એસ. સીટીઝન છોકરીને પરણ્યો. બે બાળકો છે. પણ અમે એક છત નીચે જીવતા બે અજનબી છીએ.''
એ તો બે અજનબી જીવ હતા કે છે એના કોઈ પુરાવા મળ્યા નથી પણ અલય અને આરનાની દશા ''સામ સામા સિંધુ તીરે... સૂતેલા સોડમાં છતાં'' જેવી થઈ ગઈ.
કોલેજના જૂના મિત્રો એક ડીસેમ્બરમાં ભેગા મળ્યા. સામૂહિક મીટીંગ પતી ગયા પછી એ વર્ષોના બિછડેલા જીવાત્મા ભેગા મળ્યા. આરનાને યાદ આવ્યું કે એણે તો સાત જન્મ સાથે રહેવાનો કોલ આપ્યો હતો. એ પણ યાદ કરાયું કે કોર્ટમાં લગ્ન કરવાના હતાં... ભાગી જવાનું હતું. પણ એ વખતે સ્વર્ગીય મૂકેશનું ગીત ઘણું લોકપ્રિય હતું ''ચાંદી કી દિવાર ન તોડી પ્યારભરા દિલ તોડ દિયા'' એટલે આરના એને અનુસરી.
મિત્રએ જણાવ્યું કે લાલ ટોપ-બ્લેક પેન્ટ અને ઈયર રીંગ જે તેને કોલેજના એન્યુઅલ ડે વખતે પહેર્યાં હતાં એ ચહેરો, એ કપડાં, એ અદા બધું આજે પણ તેને આબેહૂબ યાદ છે. આવાં તો આઠ-દશ દ્રશ્યો યાદ કરી આરનાને સંભળાવ્યા. આરના એના ચરણોમાં ઢળી પડી. જે બાકી રહ્યું હતું એ બેશુધ્ધિમાં અને બેખુદીમાં આપી દીધું. પાંચ-સાત દિવસ વગર લગ્ને હનીમૂન માણ્યા પછી મિત્ર પાછા સિલીકોનવેલી સિધાવ્યા અને અલય આરના - પતિ-પત્ની વચ્ચે વોટ્સએપે એવો અડ્ડો જમાવ્યો કે અલય સંજીવકુમારવાળી ટ્રીક અજમાવી પર્સનલ સેક્રેટરી જોડે સિંગાપુરની ટ્રીપમાં રવાના થઈ ગયો. થોડામાં ઘણું સમજતાં બન્ને બાળકો ''કારવૉં ગુજર ગયા... ગુબાર દેખતે રહે''ની જેમ બરબાદ થતો ગુલિસ્તાં મૂંગે મોઢે જોઈ રહ્યા. વર્ચ્યુઅલ વર્લ્ડ કોણ કેટલું સાચું અને કેટલું ફેઇક?! આ દુનિયા નવરાઓ માટે લાગણીને નેવે મુકી ઘડી બેઘડી ટાઈમ પાસ કરવા માટે ક્યારેક ઠીક છે. પણ આબાલ-વૃધ્ધમાં તેના વધતા જતા વ્યસને માનવીય સંબંધોના લીરે લીરા ઉડાડી નાંખ્યા છે.
ન્યુરોગ્રાફ
એક હી ઉલ્લુ કાફી હૈ
બરબાદ ગુલિસ્તૉં કરને કો !!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2p5Ay2c
ConversionConversion EmoticonEmoticon