
જીવનનો એ પરિપાક છે. ફળ જેમ પાકી જઈને મીઠું- મધુર બને છે તેમ જીવન પણ એના ચરમ પરિપાક સમયે રસભર્યું, મીઠું- મધુર અને તૃપ્તિદાયી બની જવું જોઈએ
સૂર્યોદય સમયે આકાશ રંગોથી છવાઈ જાય છે. જીવન ખૂલી અને ખીલી રહ્યું હોય છે. પક્ષીઓ કલરવ કરે છે. કળીઓ ખીલી જઈને સુંદર મુલાયમ પુષ્પનું રૂપ ધરે છે. સૌ કોઈને તાકાત અને તાજગીનો અનુભવ થાય એવો આ સમય છે. ભાગ્યે જ કોઈ એવું હશે જેને પ્રાતઃકાળનું ખુશનુમા વાતાવરણ ન ગમતું હોય.
જીવનનો પ્રાતઃકાળ છે બચપણ. હળવા ફૂલ થઈને ફરવાનું. નિર્ભાર રીતે જીવવાનું. શૈશવ ખરેખર ખીલેલા ફૂલ જેવું હોય છે. બાળકના ચહેરા સામે જોઈને મુરજાયેલા મનમાં પણ કશુંક મહોરી ઊઠે છે.
પ્રકૃતિમાં જેમ પ્રાતઃકાળ સુંદર હોય છે તેમ સંધ્યાકાળ પણ રંગ અને ઉમંગથી ભરેલો હોય છે. ડૂબતો સૂર્ય પણ સુંદર લાગે છે. સવારનો સૂર્ય બચપણ જેવો છે તો સંઘ્યા સમયનો સૂર્ય પ્રૌઢતાથી ભરેલો, રંગીન અને રમણીય હોય છે. પ્રકૃતિમાં ક્યાંય થાક, હતાશા કે ઉદાસીનતા નથી. કેમ કે, ત્યાં કોઈ તાણ નથી. પ્રકૃતિ પાસે નથી ભૂતકાળ કે નથી ભવિષ્ય.
વર્તમાનના પ્રવાહ સાથે વહેવાના કારણે પ્રકૃતિ નિર્ભાર છે. જ્યારે માણસ સમયની સાથે વહેતો નથી ત્યારે એ સમસામયિક રહી શકતો નથી. કાં તો એ પાછળ રહી જાય છે અથવા તો આગળ દોડી જાય છે. પગમાં મણ મણના ભાર બાંધીને કોઈ સુખેથી ચાલી શકે ? સમયની સાથે જે કોઈ પણ પરિવર્તન આવે એનો પ્રકૃતિમાં સ્વીકાર છે.
પાનખર આવે તો વૃક્ષો કાંઈ નિરાશ થાય છે ? થાકીને બેસી જાય છે ? ઠૂંઠા જેવું નિષ્પર્ણ ઝાડ પણ કેટલી શાનથી ઊભું હોય છે ! એ નિષ્પ્રાણ નથી થતું અને એટલે જ સમય આવ્યે એ ફરીથી કોળવા લાગે છે. સુકોમળ પાન, રંગીન ફૂલ, ફરી વસંત... અને શાહી ઠાઠથી હર્યુંભર્યું થઈને જીવે છે. જીવન પણ પ્રતિપળ પરિવર્તન પામે છે. સમયની સાથે શરીરમાં પણ ફેરફાર થયા કરે છે.
શૈશવ, યૌવન અને અંતે વાર્ધક્ય. શરીરનો આ ધર્મ છે. એ કાયમ એક સરખું ન રહી શકે. સૃષ્ટિને નિત્ય નૂતન રાખવી હોય તો જૂનાએ છેલ્લે જવું પડે, પણ માણસ જીવનના ઉદય સમયે જેટલો નિર્ભાર હોય છે એટલો જીવનની સંધ્યા ઢળે ત્યારે નિર્ભાર કે રંગભર્યો રહી શકતો નથી.
એ જ એની વેદનાનું હતાશાનું મૂળ કારણ છે. જેમ સવારના સમયે આકાશમાં રંગ અને ઉત્સવ હોય છે તેમ સંધ્યા સમયે પણ એટલો જ આનંદ અને ઉત્સવ હોય છે. જીવનનો સંધ્યાકાળ પણ આવો જ હોવો જોઈએ. વાર્ધક્ય એ તો જીવનનું શિખર છે. મંદિરના સ્વર્ણકળશ જેવું જ વ્યક્તિનું વાર્ધક્ય ઝળહળતું હોવું જોઈએ. જીવનનો એ પરિપાક છે. ફળ જેમ પાકી જઈને મીઠું મધુર બને છે તેમ જીવન પણ એના ચરમ પરિપાક સમયે રસભર્યું, મીઠું મધુર અને તૃપ્તિદાયક બની જવું જોઈએ.
જો આવું ન બને તો ક્યાંક કશીક ભૂલ થઈ છે તેમ માનવું. જે લોકો પોતાના બચપણને પૂરેપૂરું માણતા નથી, યૌવનમાં બિન્ધાસ્ત બની રસપ્રચુર થઈને ઝૂમતા નથી તે વાર્ધક્યને પણ આનંદ, તૃપ્તિ અને ઉત્સવનું વરદાન આપી શકતા નથી. જે વિકસી કે વહી શકતા નથી તે ઘડપણમાં ઠીંગરાઈ જાય છે.
ખાટલામાં ગુંડલુ વળીને પડી રહેવા સિવાય એ બીજું કશું કરી શકતા નથી. વય વધે એમ વ્યક્તિમાં સમજણ વધવી જોઈએ. ઘડપણ સુધી પહોંચેલી વ્યક્તિમાં શાણપણ પણ ચરમસીમાએ પહોંચવું જોઈએ. જિંદગીના અનુભવમાંથી જે કશું શીખતા કે સમજતા નથી તે ઘડપણમાં પણ વામણા રહી જાય છે. એમની પાસે મરવા સિવાય બીજું કશું બચતું નથી.
ઘડપણમાં પણ જે જીવનની પ્રચુરતાથી ભર્યા છે, સમજણથી તરબતર છે, તેવા લોકોને જ ખરા અર્થમાં વૃદ્ધ, વડલા જેવા અને વિશાળ કહી શકાય.
જે પુરુષને એની પત્ની ધિક્કારતી હોય તે યુવાન હોય તો પણ ઘરડો છે. જીવનભર સાથે રહેવા છતાં જે પ્રેમથી ખાલી રહી ગઈ હોય તેવી પત્ની પોતાના પતિને ધિક્કારે નહિ તો શું કરે ? જેની ઉપસ્થિતિથી સામી વ્યક્તિને આનંદ ન થાય એવા લોકોનું જીવતર એળે ગયું છે એવું જ માનવું. પોતાનાં બાળકો જેનાથી ખુશ કે પ્રભાવિત ન થાય તેવા દાદા- દાદી કે પપ્પા- મમ્મી વૃદ્ધ થાય તો ય એની કશી વિસાત કે કશી કિંમત નથી હોતી.
આવા લોકો ઘરડા કે બુઢ્ઢા થાય છે પણ એમને કોઈ વડીલ માનીને માન આપતું નથી. માન માગવું પડે, આદર પામવાની ઇચ્છા થાય અને તમારા પર આદર અને માનને માગ્યા વિના વરસાદ થાય એ બન્ને અલગ વાત છે. માથાના વાળ ધોળા થાય એટલે કોઈ બુઝર્ગ બન્યું છે એમ ન માનવું. ઘણા લોકો યુવાન હોય તો પણ વિચારથી ઘરડા, વૃદ્ધ અને હારેલા- થાકેલા હોય છે. ઘણા લોકોની વિચારસરણી જ ઘરડી કે આઉટ ઓફ ડેઇટ હોય છે.
એવા લોકો શરીરથી ભલે યુવાન હોય પણ મનથી અને ચેતનાથી તો ડોહા- ડોહી જેવા જ બની ગયા હોય છે. વૃદ્ધ થવા છતાં તમારી ચેતના ઘરડી ન થાય, વિચારની ધાર બુઠ્ઠી ન થાય. સમજણ ઘરડાની જેમ વાંકી ન વળી જાય તે માટે સતત સજાગ રહેવું. બુઢ્ઢા થવું અને વૃદ્ધ થવું આ બન્ને અલગ વાત છે. ઘણા લોકોની સમજણ એટલી ઉંચી હોય છે કે તરુણ કે યુવાન હોય તો પણ પરિપક્વ લાગે. જીવનમાં પરિપક્વતા આવે તો જીવ્યું સાર્થક છે. આવી વ્યક્તિનું વાર્ધક્ય શાનદાર, ઘેઘૂર વડલા જેવું અને આદરણીય હોય છે.
ઘડપણની સૌથી નબળી કડી છે નબળું બીમાર શરીર. અંદરથી યુવાન હોય એવા વૃદ્ધોને પણ શરીરની મર્યાદા નડે છે. અને આથી પ્રત્યેક સમજદાર વ્યક્તિએ છેક નાનપણથી જ પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ રહેવું જોઈએ જેથી વાર્ધક્યનો સમય ઉજવણી જેવો બની જાય.
ઘડપણ વધે તેમ પરાધીનતા કે એકલતા વધવી ન જોઈએ. તમે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, કેવું જીવ્યા એ જ મહત્વનું છે. આથી જો સારી અને સાચી રીતે જીવ્યા હોતો દિવસે દિવસે પરાધીન નહીં પણ સ્વતંત્ર થતાં જશો. બધાની સાથે જીવવા છતાં તમારી અંદરનું એકાંત સલામત રહે તો સમજવું કે તમે સાચા અર્થમાં વૃદ્ધ થયા છો. તમારી સમજ વધે તો જ પરિપકવતા આવી ગણાય.
ઘડપણમાં પણ અંદરથી યુવાન રહીને જીવી શકાય છે. યુવાનીને માત્ર શરીર સાથે સંબંધ નથી. હૃદય પ્રેમથી ભરેલું હોય તો છેલ્લા શ્વાસ સુધી તમે યુવાનની જેમ જીવી શકો છો.
ક્રાન્તિબીજ
દોસ્તી કિસીસે કુછ યૂં નિભા લો,
કિ ઉસકે દિલકે દિલકે સારે ગમ ચૂરાલો,
ઇતના અસર છોડ જાઓ કિસી પર દોસ્તીકા,
ખુદા ભી કહે હમે ભી અપના દોસ્ત બનાલો !
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2o68Ku7
ConversionConversion EmoticonEmoticon