- હું આજથી જ બંને બાળકોને લઈને તમારું ઘર છોડું છું. શાળાએ આવી ડિવોર્સ પેપર પર મારી સહી કરાવી જજો. આટલું કહી તે પોતાની બેગ તૈયાર કરી બંને બાળકોને લઈ ચાલી ગઈ. બંનેની સહમતી હોવાથી અમારા ડિવોર્સ આસાનીથી થઈ ગયા. અને મેં શિલ્પા સાથે લગ્ન કર્યાં. ત્યાર પછી મેં કોઈ દિવસ આરતીની કે બાળકોની ખબર કાઢી નથી. શિલ્પા ખુબ પ્રેમાળ અને સરળ હતી.

મા રા પિતા એક આદર્શવાદી અને સત્ય પ્રિય શિક્ષક હતા. ગમે તેવા કપરા સંજોગોમાં પણ તેઓ પોતાના સિધ્ધાંતોને વળગી રહેતા. તેમના આ ઉમદા ગુણોની છાપ મારા પર પડી હતી. કોલેજમાં હું એક આદર્શઘેલો યુવાન ગણાતો. એ દિવસોમાં હું શરમાળ પ્રકૃતિનો હતો, પણ ડરપોક ન હતો. કોલેજ અને હોસ્ટેલના પ્રશ્નો પ્રિન્સિપાલ સામે ઝઝૂમી હલ કરતો. ડિબેટિંગ સભામાં મારી વક્તૃત્વકળા અજોડ હતી. કોઈ પણ લાલચને વશ થયા વગર હું મારા સિદ્ધાંતમાં અડગ રહેતો. અન્યાય સામે ઝઝૂમતો. કોલેજના છેલ્લા વર્ષમાં આરતી સાથે મારો પરિચય થયો. આરતી પણ આદર્શવાદી અને ધર્મ પરાયણ છોકરી હતી. ધીમે ધીમે અમારી મૈત્રી આગળ વધી. એ મૈત્રી ફૂલી ફાલી પાંગરી અને પ્રણયનું સ્વરૂપ લીધું. આરતીને મેં પહેલા જ જણાવી દીધેલ કે હું તો એક ગરીબ મા-બાપનો છોકરો છું, મારી પાસે એવી કોઈ સંપત્તિ કે દોલત નથી કે તને સુખમાં રાખી શકું. સાંભળી આરતીએ કહેલ ''મહેનત અને નીતિના અડધા રોટલાને પણ હું મિષ્ઠાન માનું છું.'' આમ ઘણી ચર્ચા વિચારણા પછી અમારા લગ્ન થયા. બી.એ. થયા પછી મેં ખાનગી કંપનીમાં નોકરી મેળવી લીધી અને સાથે સાથે એલ.એલ.બી.નો અભ્યાસ પણ ચાલુ કર્યો. ઘર ખર્ચમાં તૂટ ન પડે તે માટે આરતીએ પણ એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી મેળવી લીધી. આમ અમારો સંસાર સ્વર્ગ સમાન ચાલવા લાગ્યો. એવામાં પ્રકાશનો જન્મ થયો. ત્યારબાદ બે વર્ષે જ્યોતિનો જન્મ થયો. આ દરમ્યાન હું એલ.એલ.બી.માં સારા ટકાએ પાસ થઈ ગયો, અને વકીલાતની સનદ પણ મેળવી લીધી. એક સિનિયર વકીલ જોડે થોડો સમય અનુભવ મેળવી મે મારી સ્વતંત્ર વકીલાત શરૂ કરી. આરતીને વકીલાતનો વ્યવસાય પસંદ ન હતો. પણ મારો ઉત્સાહ જોઈ તેણે મને રોક્યો નહીં પણ એટલું તો જરૂર કહ્યું ''વકીલાત સાચાની કરજો, આપણા ઘરમાં ખોટો પૈસો કે ગરીબની હાય ન આવે એ ધ્યાન રાખજો.'' શરૂઆતમાં મને બહુ ઓછા કેસ મળતા. બીજા વકીલોની કમાણી અને ઠાઠ માઠ જોઈ મને થતું કે મારા કામમાં અને દલીલબાજીમાં હું કાબેલ હોવા છતાં મને બહુ ઓછી કમાણી થાય છે. મેં આ વાત મારા એક વકીલ મિત્રને કહી, ત્યારે વકીલ મિત્રે મને સલાહ આપતા કહ્યું, ''તમે સાચા જ કેસ લ્યો છો એમાં કઈ કમાણી થાય નહીં. સાચાને સાચું સાબિત કરવું એમાં કોઈ કલા કે આવડત નથી. પણ ખોટાને સાચું સાબિત કરી બતાવવું એજ વકીલની બાહોશી ગણાય. મને પણ લાગ્યું કે વાત સાચી છે, મારામાં બધી આવડત હોવા છતાં હું નિષ્ફળ વકીલ રહુ એ કેમ ચાલે? તેથી મેં સાચા ખોટા બધા કેસ લેવા માંડયા. અને તેનાથી મારી નામના અને કમાણી બંને વધવા લાગી. અસીલ ગુનેગાર છે એ જાણ્યા છતાં એનો બચાવ કરવાનું કામ મને માનસિક રીતે વ્યગ્ર કરતું. અને મારા આદર્શોને લીધે મારા હૃદયને આઘાત લાગતો. છતાં અનેક પ્રલોભનો અને ધંધાદારી અહમે મને લલચાવ્યો. ધીમે ધીમે હું ટેવાતો ગયો અને મારા આદર્શ તો સ્વપ્નવત બની ગયા. મારી પાસે ગુનો કબૂલ કરી લીધા પછી ગુનેગારો રૂપિયાની કોથળીનું મોં ખુલ્લું મૂકી દેતા. તેને ન્યાય મંદિરમાં છોડાવવા માટે મારે બધી તરકીબ અજમાવવી પડતી. મારી સચોટ રજુઆત વક્તૃત્વ શક્તિ અને દલીલ બાજીથી ન્યાય મંદિરમાં હું અનોખો તરી આવતો. આમ હું પ્રથમ હરોળનો વકીલ બની ગયો. ખૂન કેસના આરોપીઓ તો ગમે તેટલા પૈસા ખર્ચીને પણ મનેજ વકીલ રાખતા. હું ખૂનીઓને પણ નિર્દોષ છોડાવવાનું કામ કરું છું એ વાત જ્યારે મારી પત્ની આરતીએ જાણી ત્યારે તે ખુબ વ્યથિત થઈ. તેણે મને કહ્યું, ''તમારું આટલી હદ સુધી પતન થશે એની મને ખબર ન હતી. હજુ બગડી ગયું નથી આ પાપની કમાણી ઘરમાં ન લાવો, એથી આપણું અને આપણા બાળકોનું અહિત થશે.'' ત્યારે તેની એક પણ વાત ન સાંભળતા મેં કહ્યું, ''ધંધો ધંધાની રીતે થાય. મારી ફરજ અસીલની તરફેણમોં ચુકાદો અપાવવાની છે, તે હું પુરી કરું છું.'' ત્યારે તે બોલી ઉઠી ''વાહ રે, ક્યાં આદર્શવાદી અન્યાયની સામે ઝઝૂમતો સાગર ને ક્યાં અન્યાયની તરફેણ કરતો પૈસાનો પૂજારી સાગર. મારે હવે તમારા પૈસા જોતા નથી. હું મારા પગારમાંથી ઘર ચલાવીશ.'' આમ તે દિવસે ખુબ બોલા ચાલી થઈ. ત્યારથી આરતી મારા પૈસા લેતી નહિ. તે પોતાના પગારમાંથી ઘર ચલાવતી. દિવસે દિવસે અમારી વચ્ચે અણબનાવ વધતો ગયો. અમે એક છત નીચે રહેવા ખાતર રહેતા. બાળકો પણ મારી સાથે અતડા રહેતા. આવી પરિસ્થિતિમાં મારું મન મારી સેક્રેટરી શિલ્પા તરફ ઢળ્યું. આરતીને આની જાણ થઈ, પણ તેથી તે જરા પણ વિચલિત ના થઈ. આમને આમ અમારું ગાડું ચાલતું રહ્યું. પણ એક બનાવ એવો બન્યો કે અમે કાયમ માટે છુટા પડી ગયા.
તે દિવસે મારા પુત્ર પ્રકાશનો જન્મ દિવસ ઉજવાતો હતો. તેને ભેટ આપવા મેં ભારે સોનાનું લોકેટ બનાવડાવેલ. હું તેને તે ભેટ આપવા જઈ રહ્યો હતો ત્યારે મને અટકાવતા આરતીએ કહ્યું, ''રહેવા દયો વકીલ સાહેબ, મારો દીકરો પાપ કે હાયના ઘરેણાંથી નહિ શોભે.'' બધાની હાજરીમાં મારું હળહળતું અપમાન થતા હું સમસમી ગયો. હું કઈ પણ બોલ્યા વિના મારી ઓફિસમાં ચાલ્યો ગયો. મારું મન ભાંગી પડયું મારો અહમ ઘવાયો. તે જ વખતે મેં નિર્ણય કરી લીધો. હવે આવી રીતે નહિં જીવાય. મારી પાસે કીર્તિ છે, સંપત્તિ છે છતાં ઘરમાં મારી કોઈને કદર કે જરૂર નથી.
લાગણી કે પ્રેમ વગર સાથે રહેવું એ પણ એક સજા છે. બીજે દિવસે મેં આરતીને કહ્યું, ''આરતી, હવે મારાથી તારી સાથે નહિ રહેવાય. બહુ થયું, હવે તારે જોતા હોય એટલા પૈસા લઈ લે, અને મને મુક્ત કર.'' ત્યારે આરતીએ કહ્યું, ''હું જાણું છું તમારે શિલ્પા સાથે લગ્ન કરવા છે. સમજુ છું જે થાય છે તે સારું નથી થતું. છતાં તમારા સુખની આડે હું નહિં આવું. તમે ડિવોર્સ પેપર તૈયાર કરી નાખો હું સહી કરી આપીશ. રહી પૈસાની વાત તો મારે તમારો એક પણ પૈસો જોતો નથી. પણ મારી એક શરત છે, બન્ને બાળકો મારી સાથે મારા વાલીપણા નીચે રહેશે. એ શરત ડિવોર્સ પેપરમાં પણ લખવી પડશે.
હું આજથી જ બંને બાળકોને લઈને તમારું ઘર છોડું છું. શાળાએ આવી ડિવોર્સ પેપર પર મારી સહી કરાવી જજો. આટલું કહી તે પોતાની બેગ તૈયાર કરી બંને બાળકોને લઈ ચાલી ગઈ. બંનેની સહમતી હોવાથી અમારા ડિવોર્સ આસાનીથી થઈ ગયા. અને મેં શિલ્પા સાથે લગ્ન કર્યાં. ત્યાર પછી મેં કોઈ દિવસ આરતીની કે બાળકોની ખબર કાઢી નથી. શિલ્પા ખુબ પ્રેમાળ અને સરળ હતી. તેની હૂંફથી મને ઘણું સુખ પ્રાપ્ત થયું. શિલ્પાને કોઈ સંતાન ન થયું. છતાં મારો અને શિલ્પાનો સંસાર ખુબ સારી રીતે ચાલતો હતો. હવે તો રાજકીય મોટા માથાઓ પણ મારી સાથે સંબંધ રાખતા હતા. તેમના સમારંભોમાં અને ઉદ્ધાટનોમાં પણ મને બોલાવવામાં આવતો. કોઈ વખત આરતી અને બાળકોની યાદ મને બેચેન બનાવી દેતી. આમને આમ ઘણા વરસો સરકી ગયા. હું માનતો હતો મારા જેવો સુખી કોઈ નથી. પણ જિંદગી ઘણી વિચિત્ર છે.
મારી જિંદગીમાં પણ દુઃખદ વળાંક આવ્યો. શિલ્પાની કારને અકસ્માત થયો. અને શિલ્પાનું સ્થળ પર જ મૃત્યુ થયું. મને સાંત્વના આપનાર કોઈ આપ્તજન ન રહ્યું. અઢળક સંપત્તિ અને કીર્તિ હોવા છતાં આજે હું સ્વજન વગર એકલો પડી ગયો. માત્ર પૈસાથી જ આંતરસુખ પ્રાપ્ત થઈ શકાતું નથી.
આરતીને છોડયાને વીસ વરસ થઈ ગયા હતા. આટલા વરસમાં મેં કદી તપાસ કરી નથી કે આરતી અને બાળકો ક્યાં રહે છે? શું કરે છે? પણ હવે આરતીને મળી તેની માફી માંગવાની મને અદમ્ય ઈચ્છા થઈ. પણ આરતીની મારા તરફની નફરતના કારણે મારું મન પાછું પડતું હતું. જીવનનો આ પલટો મને બહુ વસમો લાગ્યો. મને થયું હવે કોના મોટે સંપત્તિ એકઠી કરવી? જે મારી સંપત્તિના સાચા વારસ છે તે તો મારી સંપત્તિ લેવાના નથી. આમ વિચારી મારી વકીલાત પણ મેં બંધ કરી દીધી. મારો આત્મા જાગી ઉઠયો હતો. હું પસ્તાવાના આંસુ હું પી રહ્યો હતો. હવે મારે શું કરવું એ સમજાતું ન હતું.
એક દિવસ ચા પીતા પીતા હું વર્તમાનપત્ર વાંચી રહ્યો હતો ત્યાં અનાયાસે મારી નજર એક સમાચાર પર પડી. સમાચાર વાંચતા મારું હૃદય કંપી ઉઠયું. સમાચાર હતા એક આદર્શ શિક્ષિકાનું નિવૃત્તિના દિવસે જ તેના વિદાય સમોરંભમાં હાર્ટ એટેકથી થયેલ મૃત્યુ. ફોટા સાથે શાળાની શ્રદ્ધાંજલિ પણ હતી. સમાચાર આરતીના હતા. આરતી હંમેશા માટે ચાલી ગઈ. મારા નસીબમાં આરતીની માફી માંગવાનું પણ ન રહ્યું. બીજા દિવસે મારી કારમાં બેસી તેના ઘરે જવા હું રવાના થયો. તેનું ઘર શોધતા મને વાર ન લાગી.
ગાડી પાર્ક કરી હું તેના ઘરના બારણે ઊભો રહ્યો. ઘરનું નામ હતું ''આરતી વીલા''. બારણે બોર્ડ હતું ''ડૉ.પ્રકાશ જાની''. બોર્ડ ઉપર લાગણી સભર હાથ ફેરવી મેં ડોર બેલ દબાવી. ''એ ઉઘાડું'' એવો કોયલ જેવો મધુર ટહુકો સંભળાયો. અને બારણું ખુલ્લું. સામે એક સૌમ્ય તાજગી સભર યુવતી ઉભી હતી. જાણે આરતીની જ પ્રતિકૃતિ. મને જોઈ પલભર તેની આંખો વિસ્મયથી પહોળી થઈ ગઈ. પણ બીજી જ પળે સ્વસ્થ થતા બોલી ઉઠી'' ભાઈ જુઓ તો ખરા કોણ આવ્યું છે.'' એમ કહી મને અંદર જવા માર્ગ કરી આપ્યો. ''જ્યોતિ તો નહિં?'' હૃદયમાં વાત્સલ્ય ઉભરાતા હું પૂછી બેઠો. આપે મને બરાબર ઓળખી. એટલું કહેતા તેના મુખ પર હાસ્ય છલકાઈ ગયું.
''તમે મને ઓળખ્યો કે નહિં?'' તેને મારી તરફ તાકી રહેતા હું પૂછી બેઠો. ''જરૂર આપ ગુજરાતના ખ્યાતનામ વકીલ છો. આપને કોણ ન ઓળખે?'' બિલકુલ આરતી જેવી જ બોલી હતી. તેની વાણીમોં કટાક્ષ પણ હતો અને પરાયા પણાનો ભાવ પણ હતો. આ પરાયા પણ મને કંપાવી ગયું. કોણ છે જ્યોતિ? એમ પૂછતો અંદરના ખંડમાંથી સ્વસ્થ અને સબળ આત્મવિશ્વાસ ધરાવતો પ્રકાશ બહાર આવ્યો. ઓહોહો આપ? આવો એમ કહી પ્રકાશે વિનયથી હાથ જોડયા. મને ખુરશીમાં બેસવાનું કહી તે મારી સામે બેઠો. વાક્પટુતામાં બાહોશ એવો હું ચૂપ રહ્યો. કોર્ટમાં ભલભલાની આંટી ઉકેલનાર ખ્યાતનામ વકીલને શું બોલવું એ સુજતું ન હતું. જ્યોતિએ પાણી આપ્યું તે એક શ્વાસે પી ગયો.
''આવું અચાનક કેમ થયું? તેને બ્લડ પ્રેશરની બીમારી હતી?'' મેં મૌન તોડતા પૂછ્યું. ''પ્રેશર તો ક્યારેય રહેતું ન હતું. પણ મોતનેય કોઈ કારણ જોઈએ, બનવા કાળ બની ગયું.'' વાત કરતા તેની આંખ ભીની થઈ ગઈ. સામે દીવાલ પર સુખડનો હાર પહેરાવેલ આરતીનો ફોટો ટીંગાડેલ હતો. તેના ચહેરા પર જાણે આત્મગૌરવ અને પવિત્રતાની જ્યોત પ્રકાશતી હતી. ''આપને ત્યાં બધા મજામાં?'' જ્યોતિએ પૂછ્યું. ''હા બધા મજામાં.'' આજે પણ છોકરાઓ પાસે મારે ખોટું બોલવું પડયું. ખરેખર તો બંને બાળકો નોધારા થયા હોવાથી બની શકે તો હું તેમને લેવા આવ્યો હતો. પણ તે શક્ય ન હતું. તેમનામાં આરતીનું લોહી અને સંસ્કારો ઉછળતા હતા. આવી વાત કહેવી એ પણ તેમનું ગૌરવ હણવા બરાબર હતું.
છતાં આડી અવળી વાત કરતા મેં કહ્યું ''મારે લાયક કામ હોય તો કહેજો.'' સાંભળી પ્રકાશ સ્મિત વેરતા બોલ્યો, ''મા અમારું આયોજન પૂરું ગોઠવી ને જ ગઈ છે. જ્યોતિની સગાઈ થઈ ગઈ છે. તેના લગ્ન અને મારા ખર્ચ જેટલા પૈસાનું માએ પહેલેથી જ આયોજન કરી રાખેલ છે. છતાં કામ પડશે તો જરૂર કહીશું.'' એમ કહી ભાઈ બહેન બંને મને પગે લાગ્યા. અને અત્યાર સુધી રોકી રાખેલ મારા હૃદયના બંધ છૂટી પડયા. હું ધૂ્રસકે ધૂ્રસકે રડી પડયો.
પ્રકાશ અને જ્યોતિ અવાક થઈ મારી સામે જોઈ રહ્યાં. આટલું તો હું જિંદગીમાં ક્યારેય નહોતો રડયો. પ્રકાશે મને શાંત પાડતા કહ્યું, ''આપ તો સમજદાર છો, આપે તો અમને હિંમત આપવી જોઈએ. આપ ભાંગી પડો એ કેમ ચાલે?'' ત્યારે આંખમાં આંસુ સાથે મેં કહ્યું, ''બેટા તારી મા તો એક તપસ્વિની હતી, તેની તો હું માફી ન માંગી શક્યો. પણ તમારી હૃદયપૂર્વક માફી માંગુ છું. મેં વકીલાત છોડી દીધેલ છે. શિલ્પા કાર અકસ્માતમાં મૃત્યુ પામી છે. હવે કોના માટે સંપત્તિ ભેગી કરવી? આરતીની વાત બહુ મોડી મને સમજાઈ. હવે મારા પાપનો પૈસો મને જ ખાવા લાગ્યો છે.
હવે હું વધારે નહિ જીવી શકું.'' ત્યારે જ્યોતિ આંખમાં આંસુ સાથે બોલી ઉઠી, ''આવું ન બોલો પપ્પા, હવે અમારાથી વધુ સહેવાતું નથી. તમારી સંપત્તિનો એક પણ પૈસો અમે લઈએ તો અમારી ગુજરનાર માતાના આત્માને દુઃખ થાય. તમારે સંપત્તિની બીજી જે કોઈ વ્યવસ્થા કરવી હોય તે કરી નાખો. અને પહેરેલ કપડે અમારી જોડે આવી જાવ. તો અમે શુદ્ધ હૃદયથી તમને આવકારી તમારી સેવા કરીશું.''
મારી સંપત્તિ તમે નહિં સ્વીકારો એની મને પહેલેથી જ ખાત્રી હતી. હવે મને કોઈ મોહ રહ્યો નથી. પસ્તાવાની આગ મારા હૃદયને દઝાડી રહી છે. અહીં આવું તો જરૂર તમે મારી સેવા કરશો એની મને ખાત્રી જ છે. પણ એમ કરવાથી મારા પસ્તાવાની આગ બુઝાશે નહિં. વળી મારા આત્મા કે અહમને એ યોગ્ય નથી લાગતું. હવે મારી બધી સંપત્તિ રક્તપિત્તની હોસ્પિટલમાં આપી મારું બાકીનું જીવન રક્તપિત્તના દર્દીઓની સેવામાં વીતાવીશ. તેથી મારા હૃદયને થોડી રાહત થશે.
તમે મને બાપ કહ્યો તેથી મારા હૃદય ઘણો આનંદ થયો. જ્યોતિના લગ્ન વખતે કરિયાવાર તો નહિ પણ આશીર્વાદ આપવા જરૂર આવીશ. એમ કહી બંનેને ભેટીને હું ખુબ રડયો. મેં પ્રકાશને કહ્યું, ''તારા હાથે મારો અગ્નિદાહ થાય એટલું જ હું માંગુ છું.'' એટલું કહી બંને બાળકોના માથે હાથ ફેરવી મેં તેમની રજા માંગી. ત્યારે અમારા ત્રણેયના હૃદયમાં દર્દ અને આંખમાં આંસુ રેલાતા હતા.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/30KMFCL
ConversionConversion EmoticonEmoticon