ગ્રીષ્મમાં વાળની કરો વિશેષ કાળજી


હવે ગ્રીષ્મ ઋતુ પોતાનો અસલી રંગ દેખાડી રહી છે. ગરમીનો પ્રકોપ ઉત્તરોત્તર વધી રહ્યો છે. આવામાં પરસેવાથી આખું શરીર ભીંજાય ત્યારે માથું તેનાથી બાકાત રહે ખરૂં? જ્યારે માથામાં પણ પુષ્કળ પરસેવો થતો હોય ત્યારે તેની વ્યવસ્થિત કાળજી રાખવામાં ન આવે તો ઇન્ફેક્શન લાગવાની ભીતિ રહેવાની જ. અને જો તમને માથામાં કોઇ ચેપ લાગે તો વાળને ખરતાં બચાવી શકાય ખરાં?જોકે તમને આ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં કેશની  કાળજી શી રીતે કરવી તેના માહિતી  આપતાં નિષ્ણાતો કહે છે....,

માથામાં પરસેવો થયા બાદ તમે ઘરથી બહાર નીકળો ત્યારે વાળ પર ધૂળ ચોંટે છે. અને જ્યારે પસીના અને ધૂળનું મિશ્રણ થાય ત્યારે વાળને હાનિ પહોંચે છે. આવામાં તમે નિયમિત રીતે વાળ ધોતાં રહો તે જરૂરી બની જાય છે.તેઓ વધુમાં કહે છે કે સામાન્ય રીતે ગરમીમાં ટાઢક મેળવવા આપણે માથામાં તેલ લગાડતાં હોઇએ છીએ.પરંતુ તમે ચાહો તો સિરમનો ઉપયોગ પણ કરી શકો. સીરમનો ઉપયોગ  વાળ ધોવાથી પહેલા અથવા પછી પણ કરી શકાય છે. પરંતુ તેનો ઉપયોગ કેટલો અને કેવી રીતે કરવો તે તમારા વાળના પ્રકાર પર નિર્ભર રહે છે. જેમના કેશ કુદરતી રીતે વાંકડિયા હોય તેમના માટે સીરમ વધુ યોગ્ય ગણાય. કારણ કે તેલની તુલનામાં તેની ચીકાશ ઓછી હોય છે. 

ગરમીની ઋતુમાં થોડાં થોડાં દિવસે સૂધિંગ અને રિફ્રેશિંગ સ્કેલ્પ માસ્કનો ઉપયોગ કરો. તેનાથી માથાની ભીનાશ જળવાઇ રહેશે  અને તે શુષ્ક નહીં બને. આ સિવાય દિવસ દરમિયાન ઘરથી બહાર નીકળો ત્યારે માથા પર સ્કાર્ફ બાંધો અથવા કેપ પહેરો. પણ તડકામાં માથું ઉઘાડું ન રાખો. આમ કરવાથી સૂર્યનો આકરો તાપ સીધો તમારા માથાને લાગે છે અને વાળને  હાનિ પહોંચાડે છે. 

ગરમીને કારણે વાળમાં  થતાં પરસેવા પર હવામાં રહેલા ધૂળના રજકણો ચોંટે છે. તમે ચાહે ઘરમાં રહો કે ઘરની બહાર નીકળો, પરંતુ આ સ્થિતિ તમે ટાળી નથી શક્તા. તેથી આ મોસમમાં એકાંતરે વાળને શેમ્પૂ કરતાં રહો. તમારે તમારા વાળનો પ્રકાર ધ્યાનમાં  લઇને એવા શેમ્પૂનો ઉપયોગ કરવો જેને કારણે તમારા કેશને નુક્સાન ન થાય. નિયમિત રીતે માથું ધોતાં રહેવાથી તે સ્વચ્છ રહેશે પરિણામે વાળને થતું નુક્સાન અટકાવી શકાશે.

તદુપરાંત કેશ ધોવા માટે ટાઢું પાણી જ વાપરો. ગરમ કે નવશેકા પાણીથી વાળ ધોવાનો પ્રયાસ ન કરો. તેનાથી વાળ શુષ્ક થઇ જશે. જો નવશેકા પાણીથી વાળ ધૂઓ તોય છેલ્લે માથા પર ટાઢું પાણી રેડી દો જેથી હુંફાળા પાણીથી કેશને થયેલી હાનિ દૂર થઇ શકે. 

ઉનાળામાં જોકે મોટાભાગના લોકોને વધુ પાણી પીવાની જરૂર પડતી જ  હોય છે. પરંતુ જો તમે ઓછું પાણી પીતાં હો તો તેનું પ્રમાણ વધારી દો. જો તમને સાદું પાણી ન ભાવે તો લીંબુનું શરબત, વરિયાળીનું શરબત, છાશ, નાળિયેર પાણી ઇત્યાદિ પીણાં લો જેથી શરીરમાં પ્રવાહી પદાર્થની આપૂર્તિ કરી શકાય. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાથી વાળની ગુણવત્તા સુધરે છે. અલબત્ત, વિટામીન 'એ'યુક્ત આહાર પણ વાળની ગુણવત્તા માટે એટલું જ આવશ્યક છે. તેથી તેનો ઉપયોગ બારે માસ કરો. પોષણયુક્ત ખાણીપીણીથી વાળની ચમક જળવાઇ રહે છે. અને તે ઘટ્ટ તેમ જ લાંબા બને છે. 

કોઇપણ ઋતુમાં તમારા માથામાં ખોડો ન થાય તેની કાળજી કરો.માથું હંમેશાં સ્વચ્છ રાખવાથી તેમાં ખોડો થવાની શક્યતા ઘટે છે. જ્યારે માથામાં ખોડો થાય ત્યારે તેમાં કુદરતી તેલનું સ્તર ઘટે છે. અને વાળ  સુકા બનીને ખરવા લાગે છે.આમ છતાં જો માથામાં ખોડો થઇ ગયો હોય તો ઘરગથ્થુ ઉપાય દ્વારા પણ તે દૂર કરી શકાય છે.

 જેમ કે કોપરેલ તેલમાં કાંદાનો રસ,એલોવેરા જ્યુસ, દહીં, લસણ ઇત્યાદિ નાખીને એ તેલથી માથામાં માલીશ કરો. તમને આવા ઘરગથ્થુ ઉપાયો બાબતે શંકા હોય તો આયુર્વેદિક  નિષ્ણાતોની મદદ લો.જોકે માલીશ કરતી વખતે ઝાઝું  દબાણ આપવાને બદલે આંગળીઓના ટેરવાં વડે ધીમે ધીમે મસાજ કરવું યોગ્ય ગણાશે. વાળને સુંવાળા,ચમકદાર રાખવા માથામાં નિયમિત રીતે માલીશ કરવાની ટેવ પાડો. જો તમારા માથામાં ખોડો ન હોય તો સાદા કોપરેલ તેલ વડે માલીશ કરવું પણ પૂરતું થઇ રહેશે. 

- વૈશાલી ઠક્કર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dcavgB
Previous
Next Post »