
આણંદ,તા.20 ફેબ્રુઆરી 2020 ગુરૂવાર
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં તા.૨૧ ફેબુ્રઆરી, ૨૦૨૦ને શુક્રવારના રોજ મહાશિવરાત્રી પર્વની ભાવિક ભક્તો દ્વારા શ્રધ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવશે. શિવરાત્રી પર્વને લઈને જિલ્લાના વિવિધ શિવમંદિરોને રોશની તેમજ ફુલઝરીથી સજાવવામાં આવ્યા છે. વિવિધ ધાર્મિક સંસ્થાઓ તેમજ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો કેટલાક સ્થળોએ ધાર્મિક મેળાઓ પણ યોજાશે તેમજ વિવિધ શિવમંદિરો ખાતે લઘુરૂદ્ર યજ્ઞા, મહાપૂજા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
દેવોના દેવ મહાદેવનું કલ્યાણકારી સ્વરૂપ જીવને શિવ થવાની પ્રેરણા આપે છે. મહા મહિનાની તેરસની વિશિષ્ટતા અનોખી છે. જેથી તેને મહાશિવરાત્રી કહેવામાં આવે છે. મહાશિવરાત્રી પર્વ પર તપ, દાન, પુણ્ય, અનુષ્ઠાન કરવામાં આવે છે. જે ઉત્તમ અને પુણ્ય આપનારું છે. તા.૨૧મી ફેબુ્રઆરીને શુક્રવારના રોજ શિવરાત્રિ પર્વને લઈ આણંદ જિલ્લાના તમામ શિવાલયો વહેલી પરોઢથી જ બમ..બમ.. ભોલે..., હર..હર.. મહાદેવ...ના નાદથી ગુંજી ઉઠશે.
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવમંદિરો ફુલઝરી તેમજ રોશનીથી સજાવવામાં આવ્યા છે. શિવભક્તો દ્વારા ભગવાન શિવજીને દૂધ અને બીલીપત્રનો નૈવેદ્ય ચઢાવવામાં આવશે. જિલ્લાના વિવિધ શિવમંદિરોમાં શિવપૂજન, શિવ અભિષેક, રૂદ્રી, લઘુરૂદ્ર યજ્ઞા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તો કેટલાક શિવમંદિરો ખાતે મેળાનું પણ આયોજન કરાયું છે.
જો કે શિવરાત્રિ પર્વને કારણે કેટલાક શિવભક્તો ઉપવાસ-વ્રત રાખી આ દિવસે શક્કરીયા-બટાકા આરોગતો હોય છે. જેને લઈ જિલ્લાના વિવિધ બજારોમાં શક્કરીયા તેમજ બટાકાની ધૂમ ખરીદી નીકળી હતી. શિવજીને અતિપ્રિય એવી ભાંગના પ્રસાદનું પણ અનેરૂં મહત્વ હોઈ વિવિધ શિવમંદિરો ખાતે ભાંગ બનાવવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.
શિવરાત્રી પર્વ પર વ્રતનું મહત્વ હોઈ આજે વિવિધ ફરાળી ચીજવસ્તુઓની માંગને પહોંચી વળવા માટે વેપારીઓએ પણ તૈયારીઓ આરંભી દીધી છે.
બીલીપત્ર, દૂધનો અભિષેક કરી ભક્તો ભોળાનાથને રિઝવશે
આણંદ શહેરનાં ઓમકારેશ્વર મહાદેવ, જાગનાથ મહાદેવ, કાબ્રેશ્વર મહાદેવ, લોટીયા ભાગોળ મહાદેવ, ધર્મેશ્વર મહાદેવ, મોટા મહાદેવ મંદિર તથા જીટોડીયાના વૈજનાથ મહાદેવ સહિત જિલ્લાના અન્ય શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે. શિવરાત્રી પર્વને લઈને શિવભક્તો બીલીપત્ર તેમજ દૂધનો અભિષેક કરી શિવજીને રીઝવવા પ્રયત્ન કરશે. જેને લઈ બજારમાં બીલીપત્ર તેમજ દૂધના વેચાણમાં પણ ઉછાળો આવશે. આણંદ જિલ્લાના વિવિધ શિવમંદિરો ખાતે શિવરાત્રી પર્વને લઈ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ભાગ લઈ ભોળા શુંભના દર્શન કરી ધન્યતા અનુભવશે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/39Shir4
ConversionConversion EmoticonEmoticon