1950માં હિન્દી ફિલ્મોદ્યોગમાં ફૂંકાયો પરિવર્તનનો પવન


૧૯૫૦માં  પ્રથમ હરોળના  કેટલાંક  કલાકારોએ  બહુ શાંતિથી ગ્રે શેડ ભજવી લીધાં હતાં.   અભિનેતા અને ફિલ્મ સર્જક રાજ કપૂરે  'આવારા' માં 'ચોર' નો  રોલ  કર્યો  હતો.  

તાજેતરમાં  જ આપણે  ધામધૂમથી  આપણા ગણતંત્ર  દિવસની  ઉજવણી કરી.   વર્ષ  ૧૯૫૦માં  આપણો  દેશ બંધારણીય  રીતે  પ્રજાસત્તાક બન્યો  એ પ્રત્યેક  હિન્દુસ્તાનીના જીવનમાં  આવેલો નવોે વળાંક  હતો. મહત્ત્વની  વાત એ  છે કે તે વખતે જ હિન્દી ફિલ્મોદ્યોગે  પણ એક નવો વળાંક  લીધો. વાસ્તવમાં  તે સમયમાં  જ હિન્દી  ફિલ્મોના  સુવર્ણ  યુગનો શુભારંભ  થયો.  ૧૯૩૦ અને  ૧૯૪૦માં  પણ ઘણી  સારી  ફિલ્મો  બની હતી.  અને આ બંને દશકમાં  કેટલાંક દિગ્ગજ  કલાકારોએ  પોતાની હાજરી  નોંધાવી  હતી. આમ છતાં ૧૯૫૦ પછી  હિન્દી  ફિલ્મોદ્યોગમાં  સાગમટે  સંખ્યાબંધ  દિગ્ગજ કલાકારો  પેદા  થયા.

આજે  જેમની  ગણના  દંતકથા  સમાન  કલાકારોમાં  થાય છે તે દિલીપ  કુમાર,  રાજ કપૂર,  દેવ  આનંદ, નરગિસ,  મીના કુમારી,  મધુબાલા,  વૈજયંતિમાલા , નૂતન, વહીદા રહેમાન, કિશોર કુમાર, ગુરૂ દત્ત ઈત્યાદિ  ૧૯૫૦ની  દેન  છે. અલબત્ત,  ૧૯૪૦માં   અશોક કુમાર, કે.એલ. સાયગલ,  સુરૈયા અને નૂરજહાં જેવા દિગ્ગજ  કલાકારોએ  પોતાની  હાજરી નોંધાવી હતી.   પરંતુ દર્શકોના  દિલોદિમાગ  પર છવાઈ  જનારા  સૌથી વધુ  અભિનેતા - અભિનેત્રીઓ  ૧૯૫૦માં  આવ્યાં.

મહત્ત્વની  વાત  એ છે કે ૧૯૫૦માં  પછી  બનેલી  ફિલ્મો પણ આઝાદી  પહેલાના  સિનેમા  કરતાં તદ્ન  વેગળા  પ્રકારની  હતી.  થોડા સમય પહેલા જ આઝાદી  માટેની લડત અને ભારત-પાકિસ્તાનના  ભાગલાની પીડામાંથી   બહાર આવેલા હિન્દુસ્તાના  ફિલ્મ સર્જકોમાં  નવી પ્રફુલ્લિતાનો  સંચાર  થયો હતો.  તેઓ  માત્ર  માનવીમાં રહેલી  ખામીઓ- અપૂર્ણતા  દર્શાવતી  ફિલ્મ  બનાવવાને  બદલે બગડેલા    કહી શકાય એવા પાત્રોમાં  પણ માનવતાના દર્શન કરાવવાના મૂડમાં હતા.

આજની  તારીખમાં  મુખ્ય અભિનેતા  તરીકે કામ કરનારા  અગ્રણી  કલાકારો નેગેટિવ  રોલ ભજવવાના  હોય  તો તેના વિશે  છાપરે ચડીને  પોકારે છે.  પરંતુ ૧૯૫૦માં  પ્રથમ હરોળના  કેટલાંક  કલાકારોએ  બહુ શાંતિથી  ગ્રે  શેડ ભજવી  લીધાં હતાં.   અભિનેતા અને  ફિલ્મ સર્જક  રાજ કપૂરે  'આવારા'  માં  પીડાદાયક  છતાં  માફ કરી દઈ  શકાય એવા  'ચોર'  નો  રોલ  કર્યો  હતો.   તે વખતે  દર્શકોમાં  ભલે ખળભળાટ  મચી ગયો હતો.  આમ છતાં  તેના પાત્રને જોતાં દર્શકોએ  રાજ કપૂરને  ચોર તરીકે પણ   આવકાર્યો  હતો. તેવી જ રીતે  'શ્રી  ૪૨૦' માં  ભલા લોકોથી  દૂર  થઈને  'માયા'  (વેમ્પ નાદિરા)  ની બાહોમાં  સમાઈ  જવાની ભૂમિકા  ભજવતી વખતે પણ રાજ કપૂરે  જરાય હોબાળો  નહોતો મચાવ્યો.  આવા જ  પ્રકારની  ભૂમિકા તેમણે  'બેવફા'  માં  ભજવી હતી.   આ  સિનેમામાં  રાજ  કપૂરે  નરગિસનું  દિલ  તોડયું  હતું.

દિલીપ કુમારે  પણ ગ્રે  કહી  શકાય એવો રોલ 'અમર'  માં ભજવ્યો  હતો.  તેમણે  નિમ્મીને  મોહમાં  જકડવા  સાથે જ  મધુબાલાને  વળગી  રહેવાનું  જારી  રાખ્યું   હતું.  અશોક કુમારે  'મહલ'  માં મધુબાલાના  ઓળા  કે આભાસના  મોહમાં  પડયા પછી પોતાની પત્ની સાથે દુર્વ્યવહાર  કર્યો હતો.  મઝાની વાત એ છે કે દેવ આનંદને  'બાઝી' અને 'જાલ' ના ગેમ્બલર  અને સ્મગલરના પાત્રોએ  સ્ટારડમ અપાવ્યું હતું.

૧૯૫૦  દરમિયાન  ફિલ્મ સર્જકો  ટેક્નિકલ  ક્ષેત્રે નવા નવા પ્રયોગો  કરવા લાગ્યા  હતા.  તેઓ  પોતાની  ફિલ્મોમાં  તત્કાલીન  સામાજિક  સમસ્યાઓને  મહત્ત્વનું  સ્થાન આપતાં. પરિણામે  વિશ્વભરમાં  હિન્દી ફિલ્મોની નોંધ  લેવાતી હતી. તે વખતે સૌપ્રથમ  ઓસ્કાર  નોમિનેશન  મેળવનારી  ફિલ્મ હતી 'મધર ઈન્ડિયા'.  'જાગતે રહો'  કાર્લોવી  વેરીમાં  પારિતોષિકની  હકદાર  બની હતી.   જ્યારે  'દો બિઘા જમીન' ને કાન્સ ફિલ્મોત્સવનો  પુરસ્કાર  પ્રાપ્ત થયો હતો.  રશિયા ખાતે  રાજ કપૂરની  'આવારા'  એ ધૂમ  મચાવી  દીધી હતી.

બિમલ રોયે 'દી બિઘા જમીન', 'દેવદાસ', 'સુજાતા'  જેવી  ફિલ્મો  દ્વારા હિન્દી  ફિલ્મોમાં  જોવા મળતાં લાંબા લાંબા  સંવાદો  પર કાતર  ફેરવી  દીધી હતી.  જ્યારે  ગુરૂ દત્તની  'પ્યાસા'  અને 'કાગઝ કે ફૂલ'  અને કીર્તિ- કલદારની  દુનિયામાં  રહેલા નૈતિકતાના અભાવને  ઉજાગર  કર્યો હતો.   બી.આર.  ચોપરાએ 'એક  હી રાસ્તા'  માં વિધવા  વિવાહનો  સંદેશો આપ્યો. 'નયા  દૌર'  માં પ્રગતિને  કારણે  થતી માનવીય  અધોગતિને જ્યારે  'સાધના' માં  દેહ વ્યવસાય કરતી  સ્ત્રીના પુનરુત્થાન  જેવા વિષયોને  વણી  લેવામાં આવ્યાં.  વી. શાંતારામની  ફિલ્મોમાં  પરંપરા  સામે આધુનિકતાને  રજૂ  કરવામાં આવી.  આવી ફિલ્મોમાં  'જનક જનક  પાયલ બાજે' નો  સમાવેશ  થતો હતો.  જ્યારે 'દો આંખે બારા હાથ'  માં  આઝાદીનો  અર્થ બખૂબી  રજૂ  કરવામાં  આવ્યો હતો.  'નવરંગ' કાલ્પનિક  સંબંધોને  સુંદર રીતે રજૂ  કરતી ફિલ્મ બની રહી હતી.  'મધર ઈન્ડિયા'  માં  એક ગ્રામ્ય  મહિલા લોખંડી  મનોબળ  સાથે એટલી જ કોમળ બતાવવામાં આવી હતી.  તે પોતાના સિધ્ધાંતો   સાથે કોઈ બાંધછોડ  કરવા રાજી નથી થતી.  આ ફિલ્મે  નરગિસને  સ્ટારડમ  અપાવ્યું હતું. 

તે  વખતે કેટલીક  અભિનેત્રીઓને  જે બિરુદ  મળ્યાં તે  આજે પણ  તેમના  નામ  સાથે  જોડાયેલા  છે.  મીના કુમારી 'ટ્રેજેડી ક્વીન'  કહેવાયા. જ્યારે  વૈજયંતિ માલાએ  'નાગિન'માં  'મન ડોલે મેરા તન ડોલે....'  ગીતમાં  જે નૃત્ય  આપ્યું ત્યારબાદ  ટોચની  અભિનેત્રીઓ  માટે  પોતાની  નૃત્ય  કળા રજૂ  કરવાનું  જાણે  કે  ફરજિયાત  બની ગયું હતું.  તે વખતે  ગીતા બાલી,  નિમ્મી અને નલિની  જયવંતે  પણ પોતાની  અભિનય ક્ષમતાથી  દર્શકોને  પ્રભાવિત  કર્યાં હતાં,  આમ છતાં  નૂતન  અને વહીદા રહમાનને  અવિસ્મરણીય  પાત્રો ભજવવાની  તક મળી હતી.

આજે   હિન્દી  ફિલ્મોદ્યોગે  ઝપાટાભેર  પ્રગતિના સોપાનો  સર  કરવા માંડયા  છે. આમ છતાં એમ કહેવું વધારે પડતું નહીં  ગણાય  કે તેનો પાયો ૧૯૫૦માં જ પડી ગયો હતો.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2wzxlvL
Previous
Next Post »