સેન્સેક્સ-નિફટી છેલ્લા પાંચ માસના સૌથી મોટા ઉછાળા સાથે ઐતિહાસિક ટોચ

અમદાવાદ,તા. 27 ઓગસ્ટ 2018, સોમવાર

યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદર વધારા અંગેના સાનુકૂળ નિવેદન સહિતના અન્ય વૈશ્વિક અહેવાલોની આજે ભારતીય શેરબજાર પર સાનુકૂળ અસર જોવાઇ હતી. જેના પગલે દેશી-વિદેશી સંસ્થાઓની આગેવાની પાછળ પસંદગીના શેરોમા આક્રમક તેજીએ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફટી છેલ્લા પાંચ માસના સૌથી મોટા ઊછાળા સાથે ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા.

અમેરિકાના અર્થતંત્ર તેમજ જોબ જનરેશનને ધ્યાનમાં રાખીને અમેરિકામાં ધીમી ગતિએ વ્યાજદર વધારો કરાશે તેવા ફેડરલ રિઝર્વના નિવેદનની વૈશ્વિક બજારો પર સાનુકૂળ અસર જોવાઇ હતી. આ ઉપરાંત ચીન દ્વારા પોતાના કરન્સી માર્કેટને સ્થિર કરવા યુઆનનું મૂલ્ય વધારવાના પ્રયાસ હાથ ધરાયાના અહેવાલોની પણ પોઝિટીવ અસર થવા પામી હતી.

આ અહેવાલોની આજે સવારે એશિયન બજારો પર સાનુકૂળ અસર થવા પામી હતી. બીજી તરફ યુરોપીયન બજારો પણ આ અહેવાલ પાછળ મજબૂત બની રહ્યા હતા. આ અહેવાલોની ભારતીય શેરબજાર પર પણ સાનુકૂળ અસર થવા સાથે આજે ઊંચા ગેપથી  જ ખુલ્યા હતા.

આજે સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાઓની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલીના પગલે સુધારાની ચાલ ઝડપથી આગળ વધી હતી. ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ સેન્સેક્સ ઈન્ટ્રાડે વધીને ૩૮૭૩૬.૮૮ની ઓલટાઇમ હાઇની રચના કરી કામકાજના અંતે ૪૪૨.૩૧ પોઈન્ટ ઊછળીને ૩૮૬૯૪.૧૧ની નવી ઐતિહાસિક  ઊંચી સપાટીએ  બંધ રહ્યો હતો.

એનએસઇનો નિફટી પણ ઊંચા ગેપથી ખુલ્યા બાદ નવી લેવાલીએ ઝડપથી આગળ વધી ઈન્ટ્રાડે ૧૧૭૦૦.૯૫ની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શી કામકાજના અંતે ૧૩૪.૮૫ પોઇન્ટ ઊછળીને ૧૧૬૯૧.૫૦ની વિક્રમી સપાટીએ બંધ રહ્યો હતો. આજે વિદેશી સંસ્થાઓએ કેશમાં રૃા. ૨૫૨ કરોડ અને ફયુયરમાં ૧૫૧૪ કરોડ અને સ્થાનિક સંસ્થાઓએ  કેશમાં રૃા. ૧૧૧૭ કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.

ભારતમાં ચોક્કસ શેરોમાં તેજી જ્યારે USમાં બ્રોડબેન્ડ તેજી

ભારતીય શેરબજારમાં ઉદભવેલી તેજી એ ચોક્કસ શેરોમાં એટલે કે સેન્સેક્સબેઇઝડ / નિફટીબેઇઝડ્  શેરોની તેજીને આધીન જોવા મળી છે. જ્યારે અમેરિકાના શેરબજારમાં ઊદભવેલ તેજી એ બ્રોડબેન્ડ તેજી છે. ટલે કે તમામ ક્ષેત્રના શેરોમાં તેજી જોવા મળી છે. જેના કારણે તેનો એસએન્ડપી ૫૦૦ ઈન્ડેક્સ ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. જ્યારે ત્યાંનો  મુખ્ય ઈન્ડેક્સ ડાઉજોન્સ તેની ઓલટાઇમ હાઇ સપાટીની નજીક છે.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2P8pj0P
Previous
Next Post »